લોકડાઉનનો છઠ્ઠો દિવસ:
આજે મીરાં સુભાષ કરતાં જલદી ઉઠી ગઈ હતી, ચા બનાવવામાં હજુ વાર હતી, સુભાષ અને શૈલી હજુ સુઈ રહ્યા હતા. મીરાં રસોડા તરફ આવી, પણ કોઈ કામ નહોતું એટલે બેઠક રૂમમાં એકલી જ બેસી રહી, બેસીને વિચારવા લાગી, 16 દિવસમાંથી એક દિવસ તો પસાર થઇ ગયો હતો. હવે બાકીના 15 દિવસ વિતાવવાના હતા, તે સુભાષ સાથે સહજતાથી જીવતા તો એક જ દિવસમાં શીખી ગઈ હતી, તેના મનમાં રહેલી બધી ઈચ્છાઓ, ગુસ્સો જાણે ક્યાં ફંગોળાઈ ગયા તેને ખુદને પણ ખબર ના રહી. પરંતુ તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે સુભાષને પોતાનું ઘર લેવા અને ભવિષ્યને સારું બનાવવા કેવી રીતે મનાવવો? જેમ પહેલો દિવસ વીત્યો એ જોતા તો તેને એવું લાગી રહ્યું હતું કે આ રીતે જો દિવસો વીતશે તો ડિવોર્સ તો થશે જ નહિ અને મીરાંને પણ ડિવોર્સ લેવાની ઈચ્છા જરા પણ નહોતી, તેની મમ્મીએ એક રસ્તો બતાવ્યો અને તે માની ગઈ. સુભાષને વાત પણ કરી લીધી ડિવોર્સ માટેની અને સુભાષ રાજી પણ થઇ ગયો અને હવે જો કદાચ 15 દિવસ પછી સુભાષ તેને ડિવોર્સ આપી દેશે તો પરિસ્થિતિ સાવ બદલાઈ જશે, અમદાવાદમાં ઘર લેવાનું તો દૂર રહ્યું પરંતુ તેના લગ્ન માટે જ તેના મમ્મી પપ્પા નવું ઘર શોધવાનું શરૂ કરી દેશે. મીરાં તેની મમ્મીનો સ્વભાવ જાણતી હતી, જો એકવાર તે તેના પિયર આ રીતે પછી જતી રહેશે તો તેની મમ્મી તેને પાછી આવવા નહિ દે, મીરાંને ડર લાગવા લાગ્યો, માટે આ તૂટતાં સંબંધને બચાવી અને સુભાષને માનવી લેવો જ યોગ્ય ગણાશે એવું મીરાંએ વિચાર્યું.
સુભાષ ઉઠી અને બેઠક રૂમ તરફ આવ્યો, મીરાંને બેઠેલી જોઈને તેને પૂછ્યું: "કેમ મીરાં જલ્દી ઉઠી ગઈ?"
"બસ એમ જ થોડી વહેલી આંખ ખુલી ગઈ તો આવીને બેઠી છું અહીંયા, તમે બેસો હું ચા બનાવી લાવું." આટલું બોલીને મીરાં ચા બનાવવા માટે રસોડા તરફ ચાલી ગઈ સુભાષે ટીવી ચાલુ કર્યું કોરોનાના વધતા કહેરને જોવા માટે.
ગઈકાલ કરતા આજના કોરોના સંક્રમિત લોકોનો આંકડો આજે ઓછો હતો, દેશભરમાંથી કુલ 147 નવા કેસ સામે આવ્યા હતા, છતાં આ વિષય ચિંતાજનક જરૂર હતો, હજુ પણ આંકડો વધવાની સંભાવના હતી. દેશનો કુલ મૃત્યુઆંક 35 સુધી પહોંચી ગયો હતો. સમાચારમાં એક ભયાનક દૃશ્ય પણ જોવા મળ્યું જેમાં દિલ્હીના નિઝામુદ્દીનમાં ઘણા લોકો તબલીગી જમાતમાં એકઠા થયા હતા, તેમાં ઘણા કોરોના સંક્રમિત લોકો પણ સામેલ થયા હતા, અને ત્યાંથી ઘણા લોકો ફરાર પણ થઇ ગયા હતા. ગુજરાતના પણ 73 જેટલા લોકો આ જમાતમાં જોડાયા હતા. જેના લીધે દેશભરમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. મીરાં ચા લઈને સુભાષ પાસે આવી તેને જોયું કે સુભાષ ધ્યાન પૂર્વક ટીવીમાં સમાચાર જોઈ રહ્યો છે. તેને ચાનો કપ ટિપોઈ ઉપર રાખી દીધો અને સુભાષની સામે બેસી ગઈ, સુભાષ ગુસ્સામાં જ બબડ્યો. "લોકો આટલા કેરલેસ કેવી રીતે હોઈ શકે?"
મીરાંએ સાંભળતા જ પૂછ્યું: "શું થયું સુભાષ?"
"આ જોને દિલ્હીની અંદર લોકો એક જગ્યાએ આવા સમયમાં પણ એકત્ર થયા અને એની અંદર વિદેશથી આવેલા લોકો પણ હતા, જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત હોવાનું પણ અનુમાન છે અને હવે એમાંથી કેટલાક લોકો ભાગી ગયા છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે." સુભાષે એ લોકો પરનો ગુસ્સો બહાર કાઢતા મીરાંને કહ્યું.
"ઓહ...બાપ રે આવી ભૂલ કરે છે લોકો? આવું જ જો ચાલ્યા કરશે તો પછી આ વાયરસ કેવી રીતે દૂર થશે દેશમાંથી? આવી રીતે તો વધારે લોકો તેના સંક્ર્મણમાં આવતા જશે."
"હા મીરાં, એજ વાત છે, જે લોકો ભાગી ગયા છે એ બીજા લોકોનામાંપણ સંક્રમણ પેદા કરશે અને એ બીજા લોકો આ સંક્રમણને આગળ વધારતા જશે, પછી તો પરિસ્થિતિ વધારે ભયાનક બનતી જશે. દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી લોકો ત્યાં એકત્ર થયા હતા, અને ગુજરાતના પણ 73 લોકો ત્યાં ગયા હતા." સુભાષે મીરાંને કહ્યું.
"સુભાષ મને તો હવે ડર લાગવા લાગ્યો છે, શું થશે આગળ?" મીરાંએ પોતાનો ડર જતાવતા કહ્યું.
"મને પણ એજ વાત નો ડર સતાવ્યા કરે છે, અને એટલે જ હમણાં થોડા દિવસ ઘરની બહાર નીકળવાનું નથી, તું પણ સાચવજે અને દૂધવાળા માટે પણ એક વાસણ ઘરની બહાર જ મૂકી દેજે, એ એની જાતે અંદર દૂધ રેડી દેશે પછી એ વાસણને સૅનેટાઇઝરથી સાફ કરીને જ ઘરમાં લાવીશું." મીરાંને સમજાવતા સુભાષે કહ્યું.
મીરાંએ પણ હા કહીને સુભાષની વાત માની લીધી, બંને વચ્ચે હવે સંવાદ વધવા લાગ્યો હતો, સુભાષે પણ થોડીવાર ટીવીમાં સમાચાર જોઈને ટીવી બંધ કરી મીરાં સાથે વાત કરવા લાગ્યો. થોડી સામાન્ય વાતો કરી અને જમવાનું બનાવવાનું નક્કી થયું. થેપલા અને ચટણી. મીરાંએ પહેલા તો ના કહ્યું કારણ કે થેપલા અને ચટણી બનાવવામાં વધારે મહેનત થાય એમ હતું. પરંતુ સુભાષે તેને કહ્યું કે "હું તને આજે મદદ કરાવું છું." એટલે મીરાંએ તૈયારી બતાવી.
રસોડામાં આજે મીરાં અને સુભાષ સાથે રસોઈ બનાવવામાં લાગી ગયા હતા, સુભાષે મીરાંને મેથીની ભાજી સાફ કરી આપી, ત્યાં સુધી મીરાંએ સીંગદાણા શેકી લીધા. સુભાષે લસણ ફોલી અને શેકેલા સીંગદાણા લસણ અને મરચું નાખીને મિક્સરમાં ચટણી બનાવી.
સુભાષના લગ્ન નહોતા થયા ત્યારે તે અમદાવદમાં થોડા છોકરાઓ સાથે ફ્લેટ રાખીને રહેતો હતો. જેના કારણે જમવાનું બનાવતા પણ તેને આવડતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી રસોડું તેના હાથમાં આવ્યું નહોતું. મીરાં પણ સુભાષને રસોડામાં કામ કરતો જોઈને ખુશ થઇ, તેને લગ્ન પછી અમદાવાદ આવ્યાના દિવસો યાદ આવ્યા.
"અમદાવાદ આવ્યા પછી નો રવિવાર, સુભાષને નોકરીમાં રજા હતી, એ દિવસે પણ સુભાષ રસોડામાં આવીને મને મદદ કરવા લાગ્યો હતો, આજે પણ એજ સુભાષ મને પાછો મળ્યો છે, પરંતુ ત્યારે હું એની સાથે થોડો હસી મઝાક કરી શકતી હતી, પરંતુ આજે મને તેની સાથે મઝાક કરવામાં સંકોચ અનુભવાય છે. એ રવિવારે મેં સુભાષના ગાલ ઉપર લોટ લગાવ્યો હતો જેની એને પણ ખબર નહોતી પડી, હું એકલી એકલી હસી રહી હતી, એને મને ઘણીવાર હસવાનું કારણ પૂછ્યું પરંતુ હું કઈ બોલી નહિ, અને છેલ્લે મેં એને કહ્યું હતું: "જરા જઈને અરીસામાં જોઈ આવો." સુભાષ અરીસામાં જોવા તો નહોતા ગયા પરંતુ તેમને મને કહ્યું: "તું જ મારો અરીસો છે." ત્યારે મને એમના ઉપર ખુબ જ પ્રેમ આવ્યો હતો. પ્રેમ તો આજે પણ મને સુભાષ માટે એટલો જ છે પરંતુ પ્રેમ એકલાથી કઈ પેટ થોડું ભરાય? અને સુભાષ એ વાતને હજુ સમજી નથી શકતા જેના કારણે જ મારામાં બદલાવ આવવા લાગ્યા હતા, અને હું ધીમે ધીમે એટલી બદલાઈ ગઈ કે સુભાષ ઉપર ગુસ્સે પણ થવા લાગી અને ઘણીવાર ઝગડો પણ કરી બેસતી. આ મારી ભૂલ હતી કે મારી જરૂરિયાત મને સમજાઈ રહ્યું નહોતું, પરંતુ આવનારા 15 દિવસોમાં હું મારી ભૂલને સુધારી લઈશ અને જરૂરિયાતો પુરી થાય એવું કરવા માટે પણ સુભાષને મનાવી લઈશ."
મીરાં થેપલા માટે લોટ ચાળી રહી હતી, પોતાના હાથમાં રહેલો લોટ લઈને તેને સુભાષના ગાલ ઉપર લગાવવાનું પણ મન થયું પરંતુ 3 વર્ષ સુધી આવેલા આ અંતરાલે મીરાંને રોકી લીધી. અને કામ કરવામાં લાગી ગઈ.
શૈલી પણ ઉઠી ગઈ હતી, મીરાંએ તેને દૂધ પીવડાવી બેઠક રૂમમાં જ રમવા માટે બેસાડી દીધી હતી, સુભાષે અને મીરાંએ સાથે થેપલા બનાવ્યા, બંને ખુશ દેખાઈ રહ્યા, બંનેના ચહેરા ઉપર ચોખ્ખુ દેખાઈ રહ્યું હતું કે બંને એકબીજા સાથે કંઈક વાત કરવા માંગતા હતા પરંતુ બંનેમાંથી કોઈનાથી બોલી શકાતું નહોતું.
આજના આખા દિવસમાં પણ બંનેએ માત્ર હસી મઝાક અને સામાન્ય વાતો જ કરી શક્યા, મીરાં જે વાત કરવા માંગતી હતી તે ના કરી શકી, કે ના સુભાષ કોઈ વાતને આગળ વધારી શક્યો, રાત્રે સુતા સુતા મીરાં વિચારવા લાગી કે આવતી કાલે તો હવે કોઈપણ રીતે વાતને આગળ વધારવી જ પડશે, કારણ કે જો આમ જ રહેશે તો 15 દિવસ પણ પૂરાં થઇ જશે અને કોઈ વાત પણ આગળ નહીં વધી શકે.
(શું બીજા દિવસે મીરાં પોતાની વાતને આગળ વધારી શકશે? શું સુભાષ મીરાંની વાતને માની લેશે? સુભાષ અને મીરાંના જીવનમાં કેવો આવશે વળાંક? જાણવા માટે વાંચતા રહો "લોકડાઉન-21 દિવસ"નો ભાગ-8)
- નીરવ પટેલ "શ્યામ"