એક અજાણ્યું પ્રકરણ ● પ્રતીક ગોસ્વામી (અંક નંબર : ૦૬)
------------------------------------------------
મંગળવાર, 17 માર્ચ 1987. મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ જ આળસુ અને કામચોર હતી. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં પાનાં ઉથલાવતો, કડક કોફીની ચુસ્કીઓ લેતો તે બાલ્કનીમાં આરામખુરશી પર બેઠો હતો. કામ પર જવાની કોઈ જલ્દી ન હતી. બેરોજગારને વળી કેવું કામ!? નવી નવી નોકરીઓ માટે અરજી કરી ઇન્ટરવ્યૂ આપવા સિવાય તે શરીરને બીજી કોઈ તસ્દી આપતો ન હતો. સામે પક્ષે ઇન્ટરવ્યૂઅર્સ પણ તેને શરૂઆતી તબક્કાઓમાં જ રિજેક્ટ કરીને વધુ પળોજણથી દૂર રાખતા હતા !
અખબારનું પાનું પલટાવતી વખતે અચાનક તેનું ધ્યાન એક ખૂણે આપેલી જાહેરખબર પર પડ્યું અને તે ખુરશીમાં ઉત્સાહનો માર્યો ઉભડક બેસી ગયો. અંગ્રેજીમાં લખેલી એ જાહેરખબર આટલી હતી... 'વોન્ટેડ: 50 ડાયનામિક ગ્રેજ્યુએટ્સ ફોર ઇન્ટેલીજન્સ ઓફિસર્સ એન્ડ સિક્યુરિટી ઓફિસર્સ પોસ્ટ'.
જાહેરાત સરકારી નોકરીની હતી અને પાછી એ નોકરી CBI-Central Bureau Of Investigation ની હતી. પૈસા અને પદ સાથે મળતાં હોય, તો બીજું શું જોઈએ ! બસ, આ જ પોસ્ટ મેળવવા માટે ભગવાને તેને બેરોજગાર રાખ્યો હશે (!) એમ માનીને તેણે આ નોકરી માટે પણ અરજી કરવાનું નક્કી કરી નાખ્યું. કોફીનો મગ બાજુએ રહ્યો, ગ્રેજ્યુએશન સર્ટીફિકેટ તથા અન્ય પ્રમાણપત્રોની ફાઇલ શોધી હાથવગી રાખવા અને પોતાના પિતાને 'નવી નોકરી' વિશે આગોતરી ખુશખબરી આપવા તે છાપું લઈને અંદર દોડ્યો. આવી જ હાલત બીજા અનેક ગ્રેજ્યુએટ બેરોજગારોની હતી. બાબુશાહીમાં સખત શ્રદ્ધા ધરાવતી પ્રજાના તેઓ વારસદાર, એટલે સરકારી નોકરી મેળવવાનો મોહ અને માયા ખૂબ જ પ્રબળ! અનેક જણે વધુ કંઈ વિચાર્યા વગર અરજી કરી દીધી. ઉત્સાહ અને ઉતાવળના કોકટેઇલી નશામાં તેમણે એટલું મગજ કસવાની પણ તસ્દી ન લીધી કે, CBI જેવી માતબર સરકારી સંસ્થા એક નાનકડા ખૂણામાં, જલ્દીથી કોઈની નજરે ન ચડે એવી જગ્યાએ શા માટે જાહેરાત આપે?!
જાહેરાત અનુસાર ઇન્ટરવ્યૂ બીજા દિવસે મુંબઈની પ્રખ્યાત હોટેલ 'તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલ'માં સવારે દસથી સાંજે પાંચ સુધી CBIએ 'નીમેલા' અફસરો દ્વારા લેવાવાનો હતો. પાછળથી જોકે સ્થળ બદલાવવામાં આવ્યું. નરીમાન પોઈન્ટ પાસે આવેલા મિત્તલ ટાવરમાં ભાડે લેવાયેલા એક હોલમાં ઉમેદવારોએ પોતપોતાનાં સર્ટીફિકેટો સાથે 18 માર્ચે ધામા નાખ્યાં. 50 ઉમેદવારો માટે ભરતી કરવાની હતી. અરજી સેંકડોની આવી હતી, જેમાંથી અમુક અરજદારો તો પહેલેથી જ સરકારી નોકર હતાં, માત્ર સારા પદની લાલચે તેઓ અહીં સુધી આવ્યાં હતાં. તેઓ એક દિવસ પછી ઘટવા જઈ રહેલા અને લાંબા સમય સુધી દેશભરમાં ચકચાર મચાવનારા ઘટનાક્રમથી અજાણ હતાં. ખેર, નાટકીય ઘટનાઓનો સિલસિલો શરૂ થઇ ચૂક્યો હતો. બધાનાં ઇન્ટરવ્યૂ લેવાયા પછી 50ને બદલે 26 જણની આગલા રાઉન્ડ માટે પસંદગી થઇ. સિલેક્ટ થયેલા મુરતિયાઓને બીજા દિવસે સવારે 11 વાગ્યે 'તાજ ઇન્ટરકોન્ટિનેટલ'માં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું.
કેલેન્ડરમાં તારીખ બદલાઈ. 19 માર્ચનો, મુંબઈગરાઓ માટે નવાજુનીથી ભરપૂર દિવસ ઉગ્યો. બરાબર 11 વાગ્યે 'ભાવિ CBI અફસરો' તાજમાં પહોંચ્યાં. તેમનો ઇન્ટરવ્યૂ લેનારે, કે જેણે તાજના રજીસ્ટરમાં પોતાનું નામ મોહનસિંહ લખાવ્યું હતું, તેમને આઇડેન્ટિટી કાર્ડ આપ્યાં. ઓપેરાહાઉસમાં આવેલાં, દાગીનાનાં એક જાણીતા શો-રૂમમાં પાડવાની 'મોક રેડ' માટે બ્રીફ કર્યું અને તેમને રેડ દરમિયાન નિભાવવાની થતી અલગ અલગ જવાબદારીઓ સોંપી. આ રેડમાં તેમનાં પ્રદર્શનને આધારે જ આખરી નિમણૂક થશે એમ પણ જણાવવામાં આવ્યું. મુંબઈનું ઓપેરાહાઉસ અનેક મોંઘી જ્વેલરી શોપ માટેનું જાણીતું સ્થળ હતું. એમાંના એક મોટા શો-રૂમમાં એ 26 તાલીમી અફસરોએ ખરેખરી રેડનું 'પ્રેકટીકલ' કરવાનું હતું. 19 માર્ચ પછી એ ઓપેરાહાઉસ મહિનાઓ સુધી સમાચારોમાં ચમકતું રહેવાનું હતું.
'તાજ ઇન્ટરકોન્ટિનેન્ટલ'ના પ્રશાસન તરફથી જ કથિત મોહનસિંહે એક બસ ભાડા પર રોકી હતી. તે અને તેની સાથે 26 ‘તાલીમાર્થી’ઓ બસમાં બેઠાં અને ઓપેરાહાઉસ જવા નીકળ્યા. ચોપાટી પાસે મોહનસિંહે બસ ઉભી રખાવીને પોતાના ખર્ચે બધાંને સોફ્ટ ડ્રિન્કની પાર્ટી આપી ! માર્ચનો ભરબપોરનો તડકો માથું ભમાવી નાખે, તેથી તેમને 'કુછ ઠંડા હો જાયે' વાળો અહેસાસ કરાવવો જરૂરી હતો.
છેક બપોરે સવા બે વાગ્યે તેઓ ઓપેરાહાઉસ પહોંચ્યા. જ્વેલરી બાબતે સૌથી સમૃદ્ધ ગણાતાં 'ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી'ની ફર્મનું શો-રૂમ તેમનાં નિશાને હતું. બધાને એકદમ ચોક્સાઈથી પોતાની જવાબદારી નિભાવવાની તાકીદ કરીને મોહનસિંહ એન્ડ કંપની તાત્કાલિક અંદર ઘૂસી. શો-રૂમના માલિક પ્રતાપ ઝવેરી અને તેમનો સ્ટાફ કે અન્ય ગ્રાહકો કંઈ સમજે એ પહેલાં જ મોહનસિંહે પ્રતાપ ઝવેરી પાસે ધસી જઈને પોતાનો, CBI ના બેજવાળો આઇડેન્ટિટી કાર્ડ તેમની સામે ધરી દીધો અને કહ્યું "અમારી પાસે તમારા શો-રૂમની તલાશી લેવા માટેનું સર્ચ વોરન્ટ છે, કૃપા કરીને તપાસમાં સહકાર આપો !" પોતાની સામે ઉભેલા 'ઓફિસર'ની વાત સાંભળીને પ્રતાપ ઝવેરીને ઝાટકો લાગ્યો. અલબત્ત તેનાથી મોટો ઝાટકો (ખરેખર તો આઘાત) તેમને બેએક કલાક રહીને લાગવાનો હતો ! મોહનસિંહે રેડનું કારણ જણાવતાં કહ્યું કે તેઓ દાગીનામાં વપરાતાં સોનાની ક્વૉલિટી ચેક કરવા માટે આવ્યાં હતાં.
તરત શો-રૂમનાં શટર પાડી દેવામાં આવ્યાં. ક્લોઝ સર્કિટ ટેલિવિઝન(CCTV) કેમેરા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ટેલિફોન વાયર સોકેટથી છૂટા પાડી નાખવામાં આવ્યાં. પ્રતાપ ઝવેરીને તેમની લાયસન્સ્ડ રિવોલ્વર ટીમને સોંપી દઈ મોહનસિંહે પોતાની સાથે આવવા જણાવ્યું. ગ્રાહકો અને કર્મચારીઓને એક તરફ ઉભા રાખવામાં આવ્યાં. શો-રૂમમાંથી દાગીનાનાં વિવિધ સેમ્પલો લેવાયાં અને તેને સીલ કરી CBI નો સરકારી સિક્કો લગાડી બ્રીફકેસમાં ભરવામાં આવ્યાં. દાગીનાઓ પછી રોકડનો પણ વારો આવ્યો. રોકડ રકમને અલગ બ્રીફકેસમાં એકઠી કરવામાં આવી.
આ બધું ચાલતું હતું એ દરમિયાન એક તાલીમાર્થી 'અંદર રેડ ચાલુ છે' એવા મતલબનો બોર્ડ લઈને બહાર દરવાજા પાસે ઉભો હતો, જેથી અંદર કોઈ ગ્રાહક આવી ન શકે! કુલ્લ 45 મિનિટની 'સાફ-સફાઈ' પછી મોહનસિંહે બે જણને બધી બ્રીફકેસ લઈને બસમાં મૂકી આવવા જણાવ્યું. પોતાને બીજી એક જગ્યાએ રેડ પાડવાની છે, જે પતાવીને થોડીવાર પછી ફરી અહીં આવશે, એવું કહીને એ સરકી ગયો. તેની સાથે રહેલા 26 તાલીમાર્થીઓને ત્યાં જ રહીને શો-રૂમનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી.
અડધો કલાક થયો, પછી પોણો અને પછી એક... ! એટલીવાર સુધીમાં તો નવાંસવાં CBI 'અફસરો'નો જોશ શમી ચૂક્યો હતો. હવે તેમને કંઈક લોચો પડ્યાનો અહેસાસ થયો. પોલીસને ફોન કરીને તરત ઓપેરાહાઉસ બોલાવવામાં આવી. થોડી જ વારમાં ક્રાઇમ ડિવીઝનના ઓફિસર અરવિંદ ઇનામદાર (જે ભવિષ્યમાં મહારાષ્ટ્ર પોલીસના ડિરેકટર જનરલ-ડીજીપી બનવાના હતા) પોતાની ટુકડી લઈને આવી પહોંચ્યા. જોયું તો શો-રૂમ સફાચટ પડ્યો હતો. આરોપીએ કોઈ પણ સબૂત રહેવા દીધા ન હતા. એક વાતે તેમને અચંભામાં નાખી દીધી, કે આ કારનામું કરનાર છવ્વીસ લોકોની (સોરી 'સીબીઆઇ અફસરો'ની) ટીમ હજુ પણ ત્યાં હતી, માત્ર તેના સૂત્રધાર સિવાય ! બધા એકબીજાનું મોં તાકી રહ્યા. કુલ્લ ત્રીસથી પાંત્રીસ લાખ જેટલો મુદ્દામાલ તફડાવવામાં આવ્યો હતો.
ઇનામદારને ખબર પડતાં વાર ન લાગી કે આ મામલો ફ્રોડ CBI નો હતો અને એ છવ્વીસ જણને ખૂબ જ ચાલાકીપૂર્વક, તેમની જાણ બહાર લૂંટના ભાગીદાર બનાવાયાં હતાં. બિચારાં! સીબીઆઇના અફસર બનતાં તો રહી ગયા, પણ ઉલ્લુ કેમ બનાય એ હવે તેમને સારી રીતે સમજમાં આવી ગયું હતું. એ છવ્વીસ જણાંએ હવે આરોપી-કમ-સાક્ષીનો બેવડો રોલ ભજવવાનો હતો, તેથી તેમને તરત પકડી લેવામાં આવ્યા અને સમગ્ર પોલીસખાતું હવે મોહનસિંહની તલાશમાં લાગી ગયું.
નામ પણ ક્યાં એનું સાચું હતું, છતાં બુદ્ધિશાળી ગુનેગારોની જમાતમાં હવે એ આ જ નામે ઓળખાવાનો હતો! દેશભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો. સઘન તપાસ દરમિયાન ખાલી ચણાં-મમરા જેવી બાબતો સામે આવી. એક એ કે તેણે 'તાજ ઇન્ટરકોન્ટિનેટલ'માં રૂમ નંબર 415 બુક કરાવ્યો હતો. તે ત્રિવેંદ્રમથી આવ્યો હતો એવું તેણે ચેક-ઈન વખતે જણાવ્યું હતું. બીજું, કે લૂંટ પછી તે હોટેલ પાછો આવ્યો હતો. ત્યાંથી ટેક્સી કરી વિલે પાર્લે ઉતર્યો, અને ત્યાંથી ઓટો રિક્ષામાં બેઠો. પછી ખબર નહીં ક્યાં ગયો! કારણકે ઓટોમાં બેઠા પછીથી એના કોઈ સગડ પોલીસને નથી મળ્યા--આજ સુધી!!
આગળની તપાસ માટે એક ટીમને ત્રિવેંદ્રમ મોકલવામાં આવી. પોલીસે શકમંદ તરીકે જ્યોર્જ ઓગસ્ટિન ફર્નાન્ડિઝ નામના માણસને દબોચ્યો. પણ પાછળથી ખબર પડી કે તેનો આ ઘટના સાથે કોઈ સંબંધ ન હતો. 'મોહનસિંહ' કંઈ રસ્તે રખડતો ટપોરી થોડી હતો કે સહેલાઈથી હાથમાં આવી જાય! થોડા મહિના પછી એવી બાતમી મળી કે એ દુબઇમાં મોજમજા કરી રહ્યો હતો. 'કાનૂન કે હાથ' દુબઇ સુધી પણ લંબાયા, પણ ફરીથી પરિણામ શૂન્ય! ભારતીય તપાસ એજન્સીઓની શાખ પર બટ્ટો લગાવીને એ કરતબબાજ હંમેશ માટે છૂમંતર થઇ ગયો.
હા, પાછળ મહિનાઓ સુધી દેશભરમાં ખળભળાટ મચાવનાર એક અવિશ્વસનીય પ્રકરણ છોડતો ગયો. સાથે સાથે એક એવરગ્રીન સવાલ પણ-કે એ મોહનસિંહ ખરેખર હતો કોણ? શું તે ગરીબોનો મસીહા હતો? કે પછી CBIનો જ ભૂતપૂર્વ અધિકારી હતો? કે મિથુનદા' ટાઈપ કોઈ ફિલ્મી હીરો, જેના પરિવારને સરકારી બાબુઓએ નુકસાન પહોંચાડ્યું હોય અને તેણે બદલો લેવા માટે આમ કર્યું? શોખ ખાતર તૂફાની કરનાર કોઈ સનકી પણ હોઈ શકે! આ બધી સંભાવનાઓ માટે માત્ર અનુમાનો જ લગાવી શકાય. કારણકે એ કથિત મોહનસિંહ હજુ ફરાર છે.
26 જણાંની, લૂંટના 'સહિયારા હેતુસર' છેડેચોક જાહેરાત આપીને ભરતી કરવી, અદ્દલ CBI ની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં રેડ પાડવી, આદેશો આપવા અને પછી પોતાના અસલી રૂપમાં આવીને સિફતપૂર્વક છટકી જવું! આ બધું કોઈ ફિલ્મી કહાણીથી ઓછું નથી. 'મોહનસિંહ' પણ ક્યાં કોઈ અદાકારથી ઊણો ઉતરે એમ હતો! આ જ કિસ્સા પરથી પ્રેરિત 'સ્પેશિયલ 26' નામની સુપરહિટ ફિલ્મ પણ બની છે. નીરજ પાંડેનાં દિગ્દર્શન હેઠળ 2013માં બનેલી એ મલ્ટી સ્ટારર ફિલ્મમાં મુખ્ય પાત્ર અક્ષય કુમારે ભજવ્યો છે. 'સ્પેશિયલ 26'એ નિર્માતાઓ કુલ્લ 103 કરોડ રૂપિયા કમાવી આપ્યા હતા. જો કે એની પટકથા અસલ ઘટનાથી અમુક જગ્યાએ જુદી પડે છે. પણ નવરા બેસી નખ્ખોદ વાળવા કરતા આવી ફિલ્મો જોઈ નાખવી સારી.
અત્યારે તો તપાસનું કદાચ ફીંડલું વાળી દેવામાં આવ્યું હોય, પણ એક વાત તો સાચી કે એક અજાણ્યા શખ્સે એ વખતે મોટા મોટા પોલીસ અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી હતી. હજુ-ચાલીસ વર્ષ પછી પણ કાયદાની બેડીઓથી તે માઈલો દૂર છે. તેના પકડાયા પછી જ વર્ષોથી ધૂળ ખાતી 'ઓપેરાહાઉસ લૂંટ પ્રકરણ'ની ફાઇલ કાયમ માટે બંધ થઇ શકશે. પણ એ પકડાશે કે કેમ? કોને ખબર!!
(*1987 માં CCTV ના ઉપયોગની વિશ્વસનીયતા પર જેને પણ સવાલ થયો હોય એમના માટે: CCTVનો સૌ પ્રથમ ઉપયોગ 1942માં નાઝી જર્મની દ્વારા કરવામાં આવ્યો હતો! તેનું કામ V-2 રોકેટોનું મોનિટરીંગ કરવાનું હતું.)