Pahelu Akarshan - 1 in Gujarati Love Stories by Author Vaghela Arvind Nalin books and stories PDF | પહેલું આકર્ષણ - 1

Featured Books
Categories
Share

પહેલું આકર્ષણ - 1

આજની રાત ખુબ જ લાંબી રહી હતી. વળી મોર્નિંગનાં આલાર્મની કઈ ખાસ જરૂર ન હતી. તેમ છતાં રાત્રે જ સથવારા રૂપે પથારીમાં એક બાજુ પ્રીતિ (મારી ઢીંગલીને પ્રીતિ કહું) અને બીજી બાજુ આલાર્મ રાખી મુક્યું હતું. જેથી સવારે કદાચ સ્વપ્નમાંથી ઉઠવામાં મદદ મળી રહે. પરંતુ નીંદર આવે તો મારા સ્વપ્નની શરૂઆત થઇ શકે ને ? બસ મોડીરાત સુધી પ્રીતિને બાથમાં લેતી ભૂતકાળનાં ઉંડા વિચારોમાં ખોવાઈ રહી. એટલે મારી સાથે તેને પણ મોડીરાત સુધીનો ઉજાગરો કર્યો હતો. જે તેનાં માટે જબરદસ્તી ભર્યો હતો. પણ તે મને ચૂપચાપ જોઈને કશું જ ન બોલી, તેની સિવાય મને સમજે છે પણ કોણ ? મારી દરેક વાતનો ખુલાસો તેની પાસે થતો હોય છે. તે મને અંદરથી સમજે છે. જે તેની પટપટ કરતી આંખો ઉપરથી મને ખ્યાલ આવે છે. કે તે મને કેટલો પ્રેમ કરે છે. અને એટલે હું તેનું ખુબ જ ધ્યાન રાખું છે. કારણ કે તે મારી સુખ દુઃખની મિત્ર છે. જે હંમેશા મને હસતાં મુખે જોવે છે. તેનો હસતો ચહેરો જોઈને હું મારા બધા જ દુઃખો ભૂલી જાવ છું. અને તેની સાથે હસવાની ફરી કોશિશ કરું છું. જેમાં ઘણીવાર સફળ થઇ છું.
આમ તો ગઈકાલની આખા દિવસની મુસાફરી કરીને આખુ શરીર થાકી ગયું હતું. એટલે ઘરે જઈને નક્કી નીંદર આવી જ જશે. પરંતુ ઘરે પહોચતાની સાથે મન પણ એકદમ થાકી ગયું. ટીવીમાં આ સમાચાર હજી થોડાં દિવસ મોડા આવ્યા હોત, તો થોડો સમય વધારે મન હળવું રહેત. તેમ છતાં ક્યારેક તો એ દિવસ આવવાનો જ હતો. મારી પરીક્ષા પૂરી થતાની સાથે જ હું મારા મામાને ઘરે ઉનાળુ વેકેશન કરવા ચાલી ગઈ હતી. આ વર્ષે વેકેશન બે મહિના માટેનું પડ્યું હતું. તેમ છતાંય આટલા દિવસ પણ મારી સ્વતંત્રતા માટે ઓછાં પડતા હતા. શહેરમાં ચાર દીવાલોનાં ઘરમાં પુરાયને રહેવું મને થોડું પણ પસંદ નથી. જાણે મને જન્મતાંની સાથે જ પિંજરામાં કેદ કરી મૂકી હોય તેવું લાગ્યા કરતુ હતું. હવે પિંજરું કહું કે ઘર આખરે ત્યાં રહેવા સિવાય બીજો કોઈ ઉપાય પણ ન હતો. હવે કોણ જાણે લગ્ન પછી કઈ દુનિયામાં રહેવાનું થાય ? બાકી આ ચાર દીવાલોના એકસરખા કુત્રિમ રંગો જોઈને એકદમ કંટાળી ગઈ હતી. અહિયા કોઈ પણ સુગંધ એક મહિને બદલે છે. જયારે જુનો પરફ્યુમ ખાલી થઈને કોઈ નવો આવે. બાકી જ્યાં સિવાય તે કાચની બોટલ ખાલી ન થાય ત્યાં સુધી એકની એક જ સુગંધથી મનને પ્રફુલ્લિત રાખવું પડતું. હવે એકની એક સુગંધ સતત કેમ લેવી ગમે ? બસ એક પ્રકારની જબરદસ્તી જ સમજી લેવાની. બાકી ટીવીનાં ચલચિત્રો સિવાય આખાય રૂમમાં બીજું કઈ નથી બદલતું. સવારે ઉઠતાની સાથે એજ દીવાલ પર બાળપણનાં ફોટા જોવા મળે. તો ઘડિયાળ પણ પોતાની ઈચ્છા મુજબ જ ફરતી હોય છે. કપડાં, કાચ, ફર્નીચર, અલંકાર વગેરે મારી ઉપર મહેરબાની કરતાં હોય તેવું લાગે. વળી બારી બહાર પણ રોજનું એજ ઈમારતોનું સ્થિર નિર્જીવ દ્રશ્ય ઉભું હોય. બસ બારીમાં ગોઠવેલાં કુંડામાં ગુલાબને જોઈ થોડું આંખોમાં તેજ આવે. તેની હાલત પણ મારી જેવી જ છે. જાણે તે મને ખુશ રાખવા માટે જ ખીલતું હોય. તો બાજુમાં એક મોટ્ટું કુદરતી દ્રશ્યનું ચિત્ર લગાવેલું, જે સ્કુલનાં પ્રવાસ દરમિયાન લાવી હતી. સવાર સવારમાં બસ આ બંનેને જોઈ ખુદ પર થોડો ભરોસો બેસે કે હું હજી જીવતી છું. બાકી દિવસ તો આખો માથાભારે પસાર થાય. પરંતુ રાત્રે પણ સ્વપ્નમાં અનેકવાર અંદરથી જ મરતી હોવ. એટલે આખા વર્ષની શાંતિ મને ફક્ત વેકેશન દરમિયાન જ મળતી હતી.
મામાના ઘરે વેકેશનનાં દિવસો કેમ પુરા થઇ જાય તે પણ ખબર ન પડે. બસ આ દિવસો આખા વર્ષનાં બીજા દિવસો કરતાં આનંદનાં હોય છે. વળી ત્યારે પોતાને પિંજરામાંથી આઝાદ થયેલું નિર્દોષ પક્ષી સમજુ છું. અને તેમાં ખોટું પણ શું છે ? આ દિવસો જીવવા માટે મારે આખુ વર્ષ નજર કેદ બનવું પડે છે. અને ત્યારે જઈને મને આ મોકો મળે છે. તો ઘણીવાર મારો અંદરથી જીવ મુંજાય છે. એવા સમયે ઘણા ખરાબ (આત્મહત્યાનાં) વિચાર પણ આવે છે. પરંતુ ત્યારે એટલી પણ હિંમત નથી હોતી કે પોતાનો જીવ લઇ શકું. વળી ઘણી મજબુરીઓ પણ માથે રહેલી હોય છે. બસ એવા સમયે સતત રડવું આવે. જે ફક્ત મારા રૂમાલને ખારો કરે છે. વળી બીજું કરું પણ શું ? આ બધું કોને કહું ? કે મારો અહિયા જીવ ઘૂંટાય છે. નથી રહેવું મારે આ સોનાના પીંજરામાં, નથી ગમતું બીજાને સારા લાગવા માટે તૈયાર થવાનું, બીજાને ગમે તેમ જીવવાનું, એ કહે તેમ જ કરવાનું, પોતાની દરેક ઈચ્છાને દબાવી રાખવાની અને સમાજ તેમજ સબંધીઓનાં બંધનમાં ફરજીયાત પણે રહેવાનું, કારણ કે દરેક પરિવાર વચ્ચે આબરુની હરીફાઈ રહેલી હોય છે. એવામાં આપણા જીવતરની તો હોળી જ થઇ જાય છે. આપણા સ્વપ્ન તો હંમેશ માટે સ્વપ્ન જ બનીને રહી જાય છે. તો શું તેનું કઈ મુલ્ય નથી ? કે પછી બસ તે જેમ ઉછાળે તેમ આખી જિંદગી ખાબોચિયામાં ઉછળવાનું, પોતાની જિંદગી હોવા છતાં પણ આપણો તેની પર કઈ હક રહેતો નથી. ફક્ત આખી જિંદગી એક ચાવીવાળું રમકડું બનીને રહી જઈએ છીએ.
વેકેશનમાં હું મારા માટે મન ભરીને જીવું છું. મને ગમે તે ગીત ગાવ અને મનપસંદ ભોજન ખાવ. કલાકો સુધી રમું છું. એકલી કુદરત સાથે ખોવાય જાવ છું. ત્યાં કોઈ રોકવાવાળુ કે બંધન નથી હોતા, પક્ષીઓની સાથે કલ્પનામાં ઉડું છું. ફૂલ-પતંગીયા સાથે મસ્તી કરું છું. અને ત્યારે જ હું પોતાને ઓળખી શકું છું. મારી અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકું છું. વળગેલી વેદનાઓને ખુલ્લી મૂકી શકું છું. પોતાની અંદર સમાય તેટલો ઊંડો શ્વાસ ભરી શકું છું. આ આઝાદ જિંદગી હું ફક્ત વેકેશન દરમિયાન જ જીવી શકું છું. પણ હા, કદાચ વચ્ચે પ્રવાસનો મોકો મળી જાય તો કુદરતની કૃપા થઇ જાય. મને બાળપણથી મુસાફરી કરવાનો ખુબ શોખ રહેલો. પણ એ મુસાફરી મારી પસંદની હોવી જોઈએ. બાકી બીજાના કહેવાથી બીજે જવામાં કોઈ મજા નહિ. આખુ વર્ષ સતત ભણવાથી મગજ ચક્કર ખાય જાય. તેને પણ થોડાં આરામ અને હરવા ફરવાની જરૂર પડે છે. એવામાં સ્કુલમાં શિયાળા દરમિયાન જો પ્રવાસની વાત થાય તો જાણે કામદારને અચાનક બોનસ મળ્યું હોય તેવું લાગે. વળી ખુશી એટલી પણ સરળતાથી મળતી નથી. પહેલાં આ વાતની ઘરે મંજૂરી મળે, પછી જ તમે પ્રવાસના ખરા ભાગીદાર બની શકો છો. બાકી ત્યાં સિવાય પ્રવાસની વાત અફવા સમજવાની હોય છે. અને ઘરેથી મંજૂરી મેળવવા કેટકેટલાય ઢોંગ કરવા પડે છે. ભૂખ્યા રહેવું, રડવું, કોઈ સાથે વાત ન કરવી, ઉજાગરા કરવા વગેરે જેવી પરીક્ષાઓ આપવી પડે. ત્યારે થોડાં દિવસ સ્વતંત્ર રહેવાનો મોકો મળે છે.
મામાના ઘરે જિંદગી જીવવાની ખરી મજા આવી જ રહી હતી. બસ ત્યાં વેકેશન ખુલવાના ચાર-પાંચ દિવસ પહેલાં ઘરેથી આખરે ફોન આવી જ ગયો. ‘ હાલો, હવે ઘર ભેળા થાવ તો સારું, બહું રોકાયા.“ આટલું સાંભળતા જાણે એકાએક આકાશમાંથી રોશની મટી અમાસ થઇ ગઈ. ઘરે જવાનું તેડું આવતાં હું ફરી ઉદાસ થઇ ગઈ. હવે ફરીથી તે બંધ પિંજરામાં મારે જવું ન હતું. પણ તો શું કરું ? બીજો કોઈ રસ્તો પણ ન હતો. આમ પણ મને તો ખબર જ હતી, તેમ છતાં પણ થોડાં દિવસ સુધી રોકાવાની મામા-મામી તરફથી મારા ઘરે આજીજી કરવામાં આવી. પરંતુ પરિણામ તો મારા ધ્યાર્યા પ્રમાણે શૂન્ય જ આવવાનું હતું. અંતે મારા કપડાં, અલંકાર વગેરે ચીજવસ્તુઓ સાથે અહીની યાદો પણ બેગમાં સમાવી લીધી. ત્યાંથી પણ મને કોઈ વિદાય આપવા તૈયાર ન હતું. પણ શું કરે ? તે પણ મારી જેમ લાચાર બની બેઠાં હતા. દર વર્ષની જેમ અત્યારે પણ રડતી રડતી બસમાં ઘરે જવા નીકળી હતી. આ મુસાફરીમાં થોડો પણ આનંદ ન હતો. બસ હમણાં જ ઘરે પહોચતાની સાથે મારી સ્વતંત્રતા છીનવાઈ જવાની હતી. અને ફરીથી એજ કાયમી બંધનોમાં બંધાય જવાનું હતું. જે બધા જ મારી ઈચ્છા વિરુદ્ધ હતા. પરંતુ એક નિર્બળ છોકરીનું અહિયા કોણ સાંભળે છે ? તેનાં દુઃખો વિશે નોંધ લઇ, કોણ ભલા તેને પૂછે છે ? અને હું પણ ચૂપચાપ પોતાની અંદર આ ભવનું બધું જ દુઃખ વાગોળું છું. કોઈને પણ કહેવાથી કશું બદલાવાનું ન હતું. એ પણ હું બરાબર જાણું છું. રસ્તો ટુંકાઈ છે મારી આઝાદીનો, આ બધું બારી પરના કાચ ઉપર માથું ટેકાવી વિચારું છું.
શહેરમાં પહોચતાંની સાથે એજ જુના રંગો, બિલ્ડિંગો, માર્કેટો, ટોકીજો, પોસ્ટરો જોવા મળે. બદલાયો હોય તો ફક્ત આ બગીચાનો રંગ અને ત્યાંનો હાવભાવ, બાકી તો બધું જ પહેલાની માફક સ્થિર તેમજ હરીફાઈ વાળું જીવન. પણ નાં, તેને જીવન ન કહેવાય. તેનાં માટે મારી પાસે કોઈ પણ શબ્દ નથી. સાંજ પડતાની સાથે બધા જ રસ્તાઓ પર નીકળી પડે છે. જાણે ઘરે વહેલા પહોચવાનો ઓડર હોય. એ પણ ક્યાં કઈ ખોટું છે ? ઓડરથી તો દિવસની શરૂઆત થાય છે. અને રાત્રે સૂતી વેળાએ પણ સવારે વહેલા ઉઠવાનો ઓડર મળી જાય છે. થોડાં દિવસો તો મામાનાં ઘરની યાદ આવતી રહેશે. બસ પછી ફરીથી અહિયા ભણવામાં અને ઘરકામમાં વ્યસ્ત થઇ જઈશ. મંદિરનાં આરતી સમયે આમ તો ઘરે પહોંચી ગઈ હતી. પપ્પા અને ભાઈઓ હજુ સુધી ઘરે આવ્યા ન હતા. જયારે મમ્મી ટીવી સામે રસોઈની તૈયારી કરતી હતી. હંમેશની જેમ ત્રણ બેલ વગાડીએ એટલે પૂછ્યા વિના દરવાજો ખુલે, બાકી તો અંદરથી બહારની તપાસ કરવામાં આવે કે ‘ કોણ ?’ ? માટે એકસાથે ત્રણ બેલ પરિવારનો નિયમ કે પછી સિગ્નલ, આ નિયમ ઘરના સભ્ય હોવાનો અહેસાસ કરાવે છે. બાકી મારી તો એક-બે બેલની જ ટેવ એટલે હંમેશા દરવાજો ખુલતાની સાથે ઠપકો મળે. પરંતુ આજે એક બેલથી ઠપકો ન મળ્યો. મને ઘણા દિવસે જોઈ મમ્મીની આંખો ભરાય ગઈ. અને કઈ પણ બોલ્યા વિના મને બસ પોતાની બાથમાં લઇ લીધી. તેની સાથે હું પણ વળગી પડી. ‘ બસ હવે અહિયા જ રહેવાની છું ‘ મે પણ ધીમેથી તેનાં કાનમાં કહયું, તેનો ચહેરો છેલ્લા ઘણા દિવસોથી કરમાયેલો હોય અને આજે અચાનક મને જોઈને ખીલી ઉઠ્યો હોય તેવું લાગ્યું. પણ હવે હું આવી ગઈ હતી. એટલે તેને મદદ મળી રહેશે. ‘ મમ્મી તું તો આટલા દિવસમાં કેટલી દુબળી થઇ ગઈ. ‘ મે હસીને થોડું કટાક્ષ સાથે કહયું, ‘ બસ હો હવે હું તો તારા ગયાં પછી ઘણું જ ઓછું ખાતી હતી. તેમ છતાંય આટલી મોટી થઇ ગઈ. ‘ થોડાં નિસાસા સાથે કહયું, અમારી વાતનો અંત આટલી જલ્દી ક્યારેય ન આવે. એટલે વાતોમાં જ મે મારી બેગ મમ્મીને આપી દીધી. અને તેની પાસેથી હજી પાણીનો ગ્લાસ હાથમાં લીધો જ હતો. બસ ત્યાં જ ટીવીમાં જાહેરાત થઇ. એટલે ગ્લાસ પણ બાજુમાં પડતો મૂકી સીધી જ ભગવાન સામે ઊભી રહી ગઈ.
મને એકાએક ચૂપચાપ જોઈ મમ્મીનું ધ્યાન પણ ટીવીમાં દોરાયું. જયારે હું તો ઈશ્વરને મનાવવાની કોશિશ કરી રહી હતી. કોણ જાણે સવારે શું થશે ? ટીવીમાં જોઈ મમ્મીએ પણ બોલવાનું શરૂ કર્યું. પરંતુ હવે હું કઈ પણ બોલવા માગતી ન હતી. એટલે સીધી જ પોતાના રૂમ તરફ ચાલવા લાગી. અને જતાં જતાં ફક્ત એટલું જ બોલી કે ‘ મને અત્યારે જમવાની ઈચ્છા નથી. મારી રસોઈ ન બનાવતી. ‘ બસ તરત જ સામેથી જવાબ આવ્યો, ‘ ભૂખ્યા રહેવાથી હવે કશું નહિ બદલાય. તને ભાવતી રસોઈ બનાવી ......... ’ જયારે હું તો અધૂરું સાંભળીને જ પોતાના રૂમ તરફ ચાલી ગઈ. અને તે એકલી એકલી આમજ બોલતી રહી. આટલા દિવસો પછી પણ ઘરમાં કઈ બદલાયું ન હતું. બસ થોડી વસ્તુઓ પોતાની જગ્યાએ ન હતી. મારી ગેરહાજરીમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું. એકલી માં હવે કેટલુ કામ કરી શકે ? તેની ઘણા સમયથી તબિયત બરાબર ન હતી. વળી રોજની દવાઓ શરૂ હોવાથી શરીર દિવસે દિવસે વધી ગયું હતું. આવી હાલત થતા તે વહેલી થાકી જતી હતી. તેથી ઘરનું મોટાભાગનું કામ મારે જ કરવાનું હોય છે. જેથી મમ્મીને થોડો આરામ મળી શકે. તેની આવી હાલત જોઈને જ હું આ ઘર છોડી નથી શકતી. કારણ કે મારા ગયાં પછી તે સાવ એકલી પડી જશે. તેથી જ અમે બંને એકબીજા સાથે મિત્ર જેવું વર્તન કરીયે છીએ. જેથી અમે એકબીજાને બરાબર રીતે સમજી શકીયે. આમ પણ દરેક માતાએ પોતાની દીકરી સાથે મિત્ર બનીને રહેવું જોઈએ. જેથી સુખ દુઃખમાં એકબીજાને પોતાની વાત જણાવી શકે. જેથી પૂર્ણ સાથ આપી શકે. પણ મારાથી મારી અંદરની વાત ક્યારેય તેને કહેવાય ન હતી. કારણ કે મારે તેને વધારે ચિંતા કરાવવી ન હતી.
મામાનાં ઘરે જતી વેળાએ હું મારા રૂમને બરાબર લોક કરીને ગઈ હતી. જે અત્યારે મને પગથિયાં ચડતા યાદ આવ્યું હતું. પણ તેની ચાવી તો હું ત્યાં જ ભૂલીને આવી હતી. હવે શું કરવું ? દરવાજાનો લોક કેવી રીતે ખોલવો ? પરંતુ જેવું ઉપર જઈને રૂમના દરવાજા સામે જોયું તો હૃદયમાં મોટી ફાળ પડી. મારી રૂમ આમ ખુલ્લી કેમ ? પણ ચાવી તો મારી પાસે હતી. તો પછી કેમ આમ ખુલ્લી .... ? તે જોઈ મે થોડાં ઉતાવળા પગલાં ભર્યા. અને જેવો દરવાજાને ધક્કો મારી અંદર જોયું તો, સીધો જ મનમાં ગુસ્સો આવ્યો. કોણે મારા રૂમની આવી હાલત કરી હશે ? ટેબલ પરનો સામાન, ચાદર, કપડાં, પુસ્તકો આ બધું જ આખા રૂમમાં અસ્તવ્યસ્ત પડ્યું હતું. વળી પથારી ઉપર અને નીચે નાસ્તાનાં ખાલી પેકેટ તેમજ ન્યુઝ પેપરનાં કાગળો પડ્યા હતા. તો રજાય ઉપર નાસ્તાનો ભુક્કો પણ પડેલો હતો. કોણે મારા રૂમની આવી હાલત કરી નાખી હતી ? બસ ત્યાં જ દીવાલ પરની એક તસ્વીર ઉપર નજર પડી. જે બાળપણની હતી. જેમાં હું સૌથી નાની અને મારાથી બે મોટા ભાઈઓ હસતાં હતા. બસ આ કામ પણ તેનું જ હોવું જોઈએ. તેની સિવાય બીજું કોણ હોય શકે ? આવું પહેલી વાર બન્યું ન હતું. જયારે પણ હું ઘરે ન હોવ, ત્યારે મારો રૂમ મારા ભાઈઓ માટે હોટેલ બની જતો હોય છે. અને ત્યારબાદ અમારા વચ્ચે મોટો ઝગડો શરૂ થતો હોય છે. આવું બાળપણથી જ ચાલ્યું આવે છે. તે બંને સરખા અને હું એકલી પડી જતી, એટલે આખરે મારે જ નમતું લેવું પડે.
હવે નીચે ટીવી જોઈને ઓછું ટેન્શન મળ્યું હોય, તેમ ઉપરથી વળી આ ભાઈઓએ કરેલા પરાક્રમનું ટેન્શન. જેની મમ્મીને ફરિયાદ કરાય તેમ પણ ન હતી. કારણ કે અગાઉની જેમ તે ફરીથી ભાઈઓ ઉપર ગુસ્સો કરશે. અને થોડાં સમય પછી બધું જ પહેલાં જેવું શરૂ થઇ જશે. આમ તો મુસાફરી કરીને એકદમ થાકી જ ગઈ હતી. હવે આ બધું જ સાફ મારે જ કરવું રહયું. સફાયની શરૂઆત પથારીથી કરી અને છેલ્લે ન્યુઝ પેપરે કામ પૂરું કર્યું, આ બધો જ કચરો નીચે કચરા પેટીમાં નાખીને ફરી જેવી રૂમમાં નજર નાખી તો હજી પણ એક ન્યુઝ પેપરની પુર્તિ આમતેમ ઉડી રહી હતી. તેને પકડવા મે હાથ લંબાવ્યો, પણ કોણ જાણે હાથમાં આવે તો ને, અંતે જયારે પંખો બંધ કર્યો ત્યારે હાથમાં આવી શકી. બસ હવે તેને પણ નીચે પેટીમાં નાખવા જતી જ હતી. અને ત્યાં જ તેમાં નજર ફરી વળતાં મારા નીચે જતાં પગલાં ફરી રૂમ તરફ વળી ગયાં. કોણ જાણે મને અંદર શું થઇ રહયું હતું. બસ એક નજરે આખાય પેજમાં હું કોઈનું નામ શોધી રહી હતી. મે સતત ત્રણવાર ઉપરથી નીચે જોઈ લીધું હતું. પણ જેની ભાવભીની કવિતા નીચે તેનાં નામ સાથે હું શોધી રહી હતી. તે આખરે આખાય પેજમાં ન જ મળી. તેની કવિતા વાંચ્યાને આજે બે મહિના વીતી ગયાં હતા. તેમ છતાંય તેની અસર મારામાં હંમેશ માટે ઘર કરી ગઈ હતી. હા, કદાચ હવે તેને યાદ કરવા પણ મારે કોઈ બહાનું જોઈએ છે. પરંતુ શરૂઆતમાં એકદમ ઉલટુ હતું.
અત્યારે થોડું પણ ખાવાની ઈચ્છા ન હતી. એટલે સીધી જ પથારીમાં પ્રીતિ સાથે ઉંડા વિચારમાં ઢળી પડી. એ દિવસો મારી જિંદગીનાં સૌથી ખુશી અને હસીનાં દિવસો હતા. ભલે તે મને નાની ઉંમરનું આકર્ષણ કહેતા હોય, પરંતુ મારા માટે તો એ પ્રેમનો પહેલો પવન જ હતો. એક રીતે સમજી શકાય કે તે યોગ્ય નથી. એટલે જ મે તેની વાત માની હતી. પણ આ ઉંમરે તેની સિવાય બીજું શું થાય ? આવા સમયે મન અને હૃદય પર કાબુ ન રહે તેમાં દેહનો શું વાંક ? હું નથી માનતી કે આવું ફક્ત મેજ કર્યું હોય. મારા જેવી ઘણી એવી છોકરીઓ હશે જેનો કાચી ઉંમરમાં પગ લપચ્યો હશે. પરંતુ મારી જેવું કદાચ કોઈ પણ સાથે નહિ થયું હોય. અને થયું પણ હોય તો તેની જેવા શબ્દો, સલાહ, મદદ, મિત્રતા, આદર્શ ભાગ્યે જ કોઈમાં જોવા મળી શકે. બાકી જ્યાં સુધી મને ખબર છે. ત્યાં સુધી તો અહિયા બધા જ મતલબી હરીફરી રહયા છે. હરકોઈને મદદનાં બદલે ઉપકાર કરવો છે. આજે એ દિવસો વીતી ગયાં તેને એક વર્ષ થઇ ગયું છે. પરંતુ આટલો સમય પણ એક સદી વીતી ગયાંનો અહેસાસ કરાવે છે. આજે જયારે પણ તેને યાદ કરું છું ત્યારે ફરી પાછી ભૂતકાળમાં ચાલી જાવ છું. અને અંતે એક મે આપેલું કરૂણ પ્રોમિસ યાદ આવે છે. જે મને વર્તમાનમાં ટકી રહેવા મદદ રૂપ થાય છે. જોકે તેને કરૂણ કહેવું યોગ્ય નથી. તેવું એ માને છે. બાકી મારા માટે તો એ કરૂણ અને દુઃખ ભર્યું જ રહયું હતું. તેમ છતાંય પહેલી વાર તેને મારી પાસેથી કઈંક માગ્યું હતું. એટલે મારાથી નાં પણ કેવી રીતે પાડી શકાય. પરંતુ આજે સમજાય છે કે કદાચ તેને જે માગ્યું તે યોગ્ય જ હતું. બસ મારે એ પ્રોમિસ પૂરું કરવાનું હતું. જે કદાચ કાલે સવારે પૂરું થવાનું હતું. હા કદાચ, બાકી પાક્કું નહિ. એ તો સવારે જ ખબર પડે.
જો પ્રોમિસ પૂરું થાય તો સવારે મારે તેની સાથે એક વર્ષ પછી પહેલી વાત કરવાની હતી. અને જો એવું ન થયું તો હંમેશ માટે હું તેને મારી યાદોમાં સમાવેલા રાખીશ. તેનો અવાજ સાંભળ્યાને એક આખુ વર્ષ વીતી ગયું હતું. પણ આવા સમયે તેની ન્યુઝ પેપરની પૂર્તિમાં આવતી કવિતા વાંચીને તેની સાથે વાતો કરી લેતી, બાકી તો એ કવિતા લખનાર સાથે વાત ન કરવાનું મારાથી જ વચન અપાયું હતું. બસ હવે આ આજની રાત વીતી જાય અને વહેલા વહેલી સવાર પડે તો કઈંક ખબર પડી શકે. આમ તો પોતાની ઉપર પ્રોમિસ પૂરું થશે તેવો વિશ્વાસ હતો. પરંતુ ક્યાંક હજી પણ ડર રહેલો હતો. જે ડર પણ સ્વાભાવિક કહી શકાય. આવા સમયે પ્રીતિ પણ એકદમ ચૂપચાપ બેઠી હતી. બસ રાત આમ જ વિચારોમાં પડખા ફેરવવામાં નીકળી ગઈ. બાકી નીંદર તો છેક વહેલી સવારે આવી હતી. અને પૂરી પણ એટલી ઝડપથી જ થઇ ગઈ.
સવારે ઉઠતાની સાથે માથું ખુબ જ ભારેભારે લાગી રહયું હતું. વાળ પણ અસ્તવ્યસ્ત થઇ ગયાં હતા. બસ હવે વહેલા આઠ વાગે તો સારું, પથારી સરખી કરી સીધી જ રૂમાલ સાથે નાહવા ચાલી ગઈ. પણ તે પહેલાં પ્રોમિસ પૂરું થશે તેવી આશાએ મોબાઈલને ચાર્જિંગમાં ટેબલ ઉપર રાખતી ગઈ. ફુવારાનું ઠંડું પાણી મને ભૂતકાળમાં ભીંજવતું હતું. તો રસોડામાંથી મમ્મીનો અવાજ પણ આવી રહયો હતો. જે ક્યારની મને નાસ્તાનાં બહાને નીચે બોલાવતી હતી. તેની ચતુરાઈ મારાથી કેમ છૂપી રહી શકે. આજે પણ નાહીને સીધી કાચ સામે ઊભી રહી ગઈ હતી. તો આજે એક છોડમાં બે ગુલાબ ખીલેલા જોઈ મે પણ ગુલાબી ડ્રેસ જ પહેરી લીધો હતો. બાકી કુદરતે આપેલા ગુલાબી હોઠ ઉપર કુત્રિમ કલરની કઈ જરૂર ન હતી. આંખોમાં આજે કઈંક અલગ જ તેજ હતું. પરંતુ ચહેરાં પર ક્યાંક ચિંતા પણ છુપાયેલી હતી. મનમાં સતત એક અવાજ કે “ આજે શું થશે “ અલંકારોનો પહેલેથી જ મોહ નહિ, એટલે બને ત્યાં સુધી હળવા અને નાનાં આભુષણો જ પહેરવા ગમતા હતા. આ બધામાં સૌથી વધારે વાળ કોરા કરી ગુથાવામાં જ વાર લાગતી હતી. ક્યારેક તો એટલી કંટાળી જતી કે વાળને કાપી નાખવનો વિચાર લાવી બેસતી, પણ પાછળથી ટુંકા વાળની કલ્પના પણ ડરાવી મુકતી હતી. વાળને બરાબર કરવામાં દસ-પંદર મીનીટ તો નીકળી જ જાય. પરંતુ જયારે કોઈ તેનાં વખાણ કરે એટલે મારી બધી જ મહેનત લેખે જતી હતી.
‘ બસ હવે બહું કાચ સામે વાતું કરી, નીચે ચાલ નાસ્તો તૈયાર જ છે. કાલ રાતનું તે કઈ ખાધું નથી “ મમ્મી દરવાજે ઊભી રહીને બોલી. મે તેની સામે નજર ફેરવી ફરી વાળ ગુંથવા લાગી. તે બારણે ઊભી ઊભી થોડીવાર મને જોઈ રહી. અને ફરીવાર નીચે વહેલા આવવાનું કહેતી તે નીચે ગઈ. મારા બંને હાથ અત્યારે વાળમાં સુનમુન ફરી રહયા હતા. તો વિચારોની હાલત પણ કઈંક એવી જ હતી. કોણ જાણે બે વાતમાંથી મને વધારે કોની ચિંતા હતી. વાળ ગુંથી તેમાં ત્રણ પીન અને પતંગીયાને બેસાડી ઉંડા શ્વાસનાં ધબકાર સાથે નીચે ચાલતી થઇ. આજે મારી પહેલાં બધા જ નાસ્તા માટે તૈયાર બેઠાં હતા. મને નીચે આવતી બધા જ એકી નજરે જોઈ રહયા. સાંજે તો પપ્પાને મળ્યાં વિના જ રહી ગયું હતું. એટલે સૌપ્રથમ તો તેનાં હસતાં ચહેરાંએ મને આવકારી લીધી. વળી તેની સાથે મારા બંને ભાઈઓ પણ હતા. પપ્પાએ બંને હાથોથી પોતાનું વહાલ વરસાવ્યું. આવા સમયે ભાઈઓ ક્યારેય ચૂપચાપ ન બેસે, પણ અત્યારે બેઠાં હતા. તેને ડર હતો કે કદાચ હું મારા રૂમ તેની પપ્પા સામે ફરિયાદ કરી દઈશ, એટલે ફક્ત દેખાવના ચહેરાં પર ખુશી જાળવી રાખી હતી. મમ્મીએ બધાને નાસ્તો આપી જ દીધો હતો. એટલે બસ મારે જ શરૂઆત કરવાની હતી. આજનાં દિવસે બધા મારા પર થોડો વધારે પ્રેમ છલકાવી રહયા હતા. બાકી તો ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે જ સાથે જમવા ભેગા થતા હતા. આજે હરકોઈની નજરમાં હું આવી રહી હતી. કારણ કે રોજે એક બીજાને જોવા મળવું મુશ્કેલ થઇ પડતું હતું. દરેક પોતપોતાના રંગમાં રંગાયેલા રહેતા હતા. જોઈને ઘણું નવીન લાગે કે બધાને મારા માટે આજે સમય મળ્યો છે. આજે થાય કે હું પણ આ જ ઘરમાં રહું છું. અને અહિયા પણ મારો પરિવાર રહે છે. આવું અચાનક બને તો કેવું લાગે ? પણ મને તો અંદરથી જ ખબર હતી કે આ બધું આજે શાં માટે બની રહયું છે. શાં માટે બધાની નજર મારી પર હતી. હવે આ બધાના કારણને સ્વાર્થ સમજુ કે પછી ચિંતા એ પણ મને સમજાતું ન હતું. કારણ કે આજે મારા એકના ઘરે નહિ, પરંતુ ઘણી છોકરીઓનાં ઘરે મારા ઘર જેવું વાતાવરણ સર્જાય રહયું હતું. કારણ કે આજે ધોરણ બાર બોડનું પરિણામ જાહેર થવાનું હતું.
ઘણા લાંબા સમય બાદ આજે પરિવારને એક સાથે નાસ્તો કરી રહેલો જોઈ અંદરથી ઘણો જ આનંદ થતો હતો. અને હું કોઈ સામે નજર ઉચી કરતાં પણ પોતાના ઘરમાં જ શરમાઈ રહી હતી. અત્યારે દરેકના ચહેરાં મને નવીન લાગતાં હતા. કદાચ કઈંક અપેક્ષા રાખીને મારી સાથે બેઠાં હતા. એક સારા પરિણામ સિવાય બીજા શાં ની આશા હોય. પરંતુ જેને આખા વર્ષ દરમિયાન મને એકવાર પણ નથી પૂછ્યું કે ‘ તારું ભણવાનું કેવું ચાલે છે ’ એ લોકો આજે મારી પાસે ક્યાં કારણે અપેક્ષા રાખી શકે. બસ અત્યાર સુધી જોઈએ એટલા પૈંસાથી બધું ચલાવ્યું છે. તો શું પોતાના સંતાન માટે એટલો પણ તેની પાસે સમય નહિ હોય ? તેને શું કઈ તકલીફ છે ? કઈ જરૂર છે ? તેવો વિચાર તેને એકવાર પણ નહિ આવ્યો હોય ? પણ એ બધા કારણોથી હવે શું ફક્ત પડવાનો હતો ? નાસ્તાની સાથે વેકેશનની વાતો થતી રહી. અને છેલ્લે આજના પરિણામની ચર્ચા થઇ. હવે આગળ શું કરવું જોઈએ ? તે દરેક પોતાની રીતે કહેતા પણ મને કોઈએ ન પૂછ્યું કે તારે આગળ જઈને શું કરવું છે ?
નાસ્તો કરીને ઊભા થયાં ત્યાં સુધીમાં તો કેટકેટલાયનાં મારા પરિણામ વિશે પૂછવા ફોન આવી ગયાં હતા. પણ બધાને ‘ હજી સુધી જોયું નથી. હમણાં જોઈને ફરી તમને સામો ફોન કરીએ. અત્યારે ઈન્ટરનેટ થોડું ધીમું ખુલી રહયું છે. ’ એટલો જવાબ આપી દેતા હતા. ટીવી શરૂ થતા તેમાં પણ આજના રિજલ્ટની જ વાતો થઇ રહી હતી. પરંતુ ઘરમાં ચિંતા તો ત્યારે ફેલાણી કે જયારે ખબર પડી કે સૌથી નીચું પરિણામ અમારા જિલ્લાનું આવ્યું હતું. એટલે કે બીજા જિલ્લાઓની સરખામણીમાં સૌથી ઓછાં વિધાર્થીઓ આમારા જિલ્લા પાસ થયાં હતા. તો શું તેમાં મારું નામ હશે કે પછી ... ? ધીમા ઈન્ટરનેટ સામે મારા હદયનાં ધબકારા ઝડપથી વધી રહયા હતા. કોણ જાણે શું પરિણામ આવવાનું હતું ? ફોન મારા મોટાભાઈના હાથમાં હતો. તેની આંગળીઓનાં ટેરવા ક્યારના ફોન પર ફરી રહયા હતા. જાણે મારું ભવિષ્ય અત્યારે તેનાં જ હાથમાં હોય. દરેકનાં ચહેરાં ગંભીર થયેલા હતા. અચાનક જ ભાઈની આંખો ચમકી તેને ધ્યાનથી ફોનની અંદર ઝાંખીને જોયું. થોડીવાર માટે અમે બધા જ તેનાં ચહેરાંનો બદલતો હાવભાવ જોઈ રહયા હતા. તો વચ્ચે પપ્પાએ પૂછ્યું પણ ભાઈ કઈ જ ન બોલ્યો. તેને એકદમ ચુપ જોઈ હું પણ વધારે ગભરાય રહી હતી. બસ ત્યાં જ એકાએક ભાઈના હાથમાંથી ફોન નીચે પડી ગયો. સામે ભાઈનાં ચહેરાંનો રંગ પણ સાવ ઉતરી ગયો હતો. આ જોઈ હું એકદમ મુંજાય ગઈ હતી. મે તરત જ બીજા કોઈ ઉઠાવે તે પહેલાં નીચેથી ફોન ઉઠાવી લઇ આંખો પહોળી કરી પરિણામ જોઈ રહી. બસ પરિણામ મારી આંખોમાં છપાય ગયું હતું. બંને આંખો આંસુઓથી ભરાય ગઈ હતી. આવા પરિણામ પાછળ ફક્ત તે જ જવાબદાર છે. કે જેને મે પ્રોમિસ કર્યું હતું. આવું પરિણામ આવશે તેની મે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. હાથમાં ફોન અને તેની અંદર જ મારું પરિણામ મને જોઈ રહયું હતું. જયારે હું તો વર્ષના વીતેલા દિવસોમાં ખોવાય ગઈ. આવા સમયે બેઠી તો હતી વર્તમાનમાં અને ચિંતા હોય છે ભવિષ્યની, પરંતુ મારું મન તો પરિણામ જોઈને ભૂતકાળમાં ભમવા લાગ્યું હતું. એક એવા ભૂતકાળમાં કે જેનું પરિણામ કદાચ આજે આવ્યું હતું.
********************************************************************************
શિયાળાના દિવસોમાં વહેલા ઉઠીને સ્કુલે જવું બહું આળસ ભર્યું હતું. પરંતુ એકવાર પથારી છોડ્યા પછી બધી જ આળસ ત્યાં જ પડી રહેતી હતી. વળી ચાલીને ઘરેથી સ્કુલે પહોચતાં બધી જ ઠંડી ઉતરી જતી હતી. દિવાળી વેકેશન હજી એક મહિના પહેલાં પૂરું થયું જ હતું. આમ પણ ધોરણ ૧૧ રહયું એટલે માથે બહું ભણવાનું ટેન્શન ન હતું. દરરોજ સ્કુલે જઈએ અને પછી ઘરે આરામ કરીએ તો પણ ચાલે તેમ હતું. તેમ છતાંય ક્લાસમાં ભણવાની એકબીજા સાથે હરીફાઈ રહેલી. પછી તો મિત્રો સાથે થોડીઘણી મહેનત કરી જ લેતી હતી. વળી એ સિવાય બીજું કરું પણ શું ? ઘરે એકદમ નવરા બેસવું પણ ન ગમે. તો ઘણીવાર પોતાના શોખ પુરા કરવાની કોશિશ કરવા લાગતી. પણ એવા શોખ કે જે ઘરે જ પુરા થઇ શકે તેમ હોય. બાકી ઘર બહારની પરમીસન ક્યારેય ન મળતી હતી. એટલે કોરા કાગળોમાં ચિત્ર દોરી થોડી હાથની કલાને અજમાવી લેતી હતી. આમ તો ચિત્ર બનાવવાનો મને પહેલેથી જ શોખ હતો. પણ એટલા બધા સારા ચિત્ર પણ ન બનાવતી, કે બધાને સારા લાગી શકે. બસ પોતાની આવડત પ્રમાણે રંગો પૂરી કલ્પનાને કાગળમાં ઉતારવાની એકલી એકલી કોશિશ કરતી રહેતી હતી. વળી મારા શોખનો મને ઘણો ફાયદો પણ થતો હતો. કારણ કે સ્કુલમાંથી જયારે પ્રોજેક્ટ બનાવવાના હોય ત્યારે મને સારા એવા માર્ક મળી રહેતા હતા. તો ઘણીવાર બીજાના પ્રોજેક્ટ પણ મારે જ બનાવવાના થતા હતા. ક્લાસમાં એકબીજા સાથે એટલી દોસ્તી રહેલી એટલે નિભાવવી તો પડે.
રોજની માફક આજે પણ છેલ્લો ક્લાસ શરૂ જ હતો. જેમાં હંમેશા અમને બગાસા જ આવતાં હોય છે. ભુખ એટલી બધી લાગી હોય કે ઘડિયાળનાં કાંટા ઉપર જ દરેકનું ધ્યાન હોય. બસ ક્યારે આ છેલ્લો કલ્લાસ પુરો થાય, તેની દરેક રાહ જોતા હોઈએ છીએ. પરંતુ આજે શનિવાર હોવાથી છેલ્લો કલ્લાસ પૂનમ મેડમનો હતો. જે ખુબ જ કડક અને ગુસ્સાવાળો મિજાજ ધરાવતા હતા. તેનાં કલ્લાસમાં દરેક ચૂપચાપ થઇ જતું હોય છે. એટલે બગાસાનું તો ક્યાંય નામ જ ન રહે. દરેકની નજર સામે બોર્ડ ઉપર જ રહેલી હોય છે. કલ્લાસમાં એટલી શાંતિ કે પુસ્તક બેગમાંથી કાઢવાનો અવાજ પણ છેલ્લેથી આગળ સુધી સંભળાય. તેનાથી આખી સ્કુલના વિધાર્થીઓ ડરતા હતા. તેની સામેથી ચાલવાની પણ કોઈની હિંમત થતી ન હતી. તો અમારા જેવી જ હાલત ઘણા સર-મેડમની પણ હતી. આમ ભલે તેનો સ્વભાવ થોડો વધારે પડતો ગરમ હતો. તેમ છતાંય તે અંદરથી ઘણા જ સારા અને હોશિયાર મેડમ હતા. એક રીતે જોઈએ તો આખી સ્કુલમાં તેનું એકનું જ ચાલતું હતું. દરેક નાનાં-મોટા કાર્યક્રમની જવાબદારી તેમનાં ઉપર જ રહેલી હોય છે. વળી તેનો કાર્યક્રમ પણ એટલે જ જબરજસ્ત હોય છે.
તેની કલ્લાસમાં હાજરી થતાની સાથે જ બધા આદરપૂર્વક ઊભા થઇ ગયાં હતા. અને તેનાં આંખોના ઈશારે નીચે બેસી પણ જવાનું હોય છે. તેની કલ્લાસમાં પહેલી શરૂઆત હોમવર્ક જોવાથી જ થાય. જેમાં હંમેશા છોકરાઓ પહેલાં હોય છે. અડધા છોકરાઓનું હોમવર્ક જોવાય ગયું હતું. અને બાકીનાનું તપાસવાનું શરૂ જ હતું. બસ ત્યાં જ દરવાજે રાઠોડ સાહેબે દસ્તક દીધી. અને મેડમને ઓફિસમાં મીટીંગ હોવાથી આવવા કહયું, રાઠોડ સાહેબ તો આટલું કહીને ચાલ્યા ગયાં. પણ મેડમ ઓડર દીધા વિના કલ્લાસ છોડીને કેમ જાય ? ‘ હું ફરી આવું ત્યાં સુધી મારે કોઈનો થોડો પણ અવાજ ન જોઈએ’ બસ આટલામાં અમે બધા જ સમજી જતાં હતા. એટલે કલ્લાસમાં એકદમ તો શાંતિ ન હોય. પરંતુ બીજા સર-મેડમનાં ઓડર કરતાં આ મેડમની વાતનું થોડું વધારે પાલન કરવું પડતું હતું. અને જો ન કર્યું તો બીજા દિવસે હોમવર્કનો મોટો ઢગલો કરી આપે. તેનાં ગયાં પછી બધા જ અંદરોઅંદર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. આવતી કાલે રવિવારે ફરવાની પ્લાનીંગ કરવા લાગ્યા. જયારે હું તો આવતી કાલનું હોમવર્ક અત્યારે જ કરવા લાગી ગઈ. એટલે કાલે થોડો આરામ મળી શકે. લખવામાં ને લખવામાં કાંટો કેટલો ફરી ગયો, તેની પણ કઈ ખબર જ ન રહી.
હવે બસ રજા પડવાને ફક્ત દસ મીનીટ જેટલો જ સમય બાકી રહયો હતો. એટલે બધાએ તો ક્યારના ઘરે જવા બેગ પેક કરી લીધા હતા. અને મારું પણ હોમવર્ક બસ પૂરું થઇ જ ગયું હતું. તેથી હું પણ બેગ પેક કરી જ રહી હતી. બસ ત્યાં જ ઉતાવળા પગલે પૂનમ મેડમ આવી પહોચ્યાં. તેને જોતા ફરીથી બધી જ બુક બહાર રાખી દીધી. પરંતુ મેડમ બીજું કઈ પણ બોલ્યા વિના પહેલાં તો તે બોર્ડ ઉપર કઈંક લખવા લાગી ગયાં. તેને લખતા જોઈ બધાને નક્કી થઇ ગયું હતું કે, હવે તો કાલનો આખો જ દિવસ હોમવર્ક કરવામાં જ પુરો થઇ જશે. કદાચ તે અમારા બધાનો અવાજ ઓફિસમાં સાંભળી ગયાં હતા. થોડીવારમાં તો આખુ જ બોર્ડ લખાણથી ભરાય ગયું હતું. અને આખરે મેડમ લખતાં લખતાં અટકી ગયાં. બોર્ડ પરનું લખાણ છેક છેલ્લે સુધી એકદમ સાફ નજર આવી રહયું હતું. એ પાછળ મેડમના સારા અક્ષરનો કમાલ હતો. તેમ છતાંય મને તો બોર્ડ પર શું લખ્યું છે ? તે જ કઈ સમજાતું ન હતું. આવું તો લગભગ ભણવામાં પણ આવતું ન હતું. બસ જાણે ગુજરાતી વ્યાકરણના વાક્યો લાગતાં હતા. પરંતુ આ વાક્યોનું કરવાનું શું ? મેડમે અમને પણ બોર્ડ પરનું બધું જ લખવા કહી દીધું. થોડીવારમાં અમે પણ બધું જ બુકમાં ઉતારી દીધું. પણ શું બુકમાં લખ્યું તે સમજવું અમારા માટે થોડું મુશ્કેલ હતું. તેમ છતાંય થોડુંઘણું સમજાતું હોય તેમ લાગ્યું. પણ શું ?
‘ આ બોર્ડ પર બધી જ સુચનાઓ અને જરૂરી માહિતી છે. જે તમારે તમારા ઘરના વડીલોને વાંચી સંભળાવવાની છે. જેમ દરવર્ષે આપણે આવા ઠંડીના સમયે સ્કુલમાં પ્રવાસનું આયોજન કરીએ છીએ. તેવી જ રીતે આ વર્ષે પણ એવું જ કઈંક આયોજન ગોઠવવાનું નક્કી થયું છે. પરંતુ તેને પ્રવાસનું નામ ન આપી શકાય. કારણ કે આપણે આ વર્ષે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં જવાનું છે. કે જ્યાં આપણને પ્રકૃતિ વિશે રૂબરૂ જાણવા મળશે. ટ્રેકિંગ, બોટિંગ, સ્વીમીંગ, રમત, યોગ, પ્રકૃતિ વિશે શિક્ષણ વગેરે જેવી જંગલમાં રહેવાની, તેને ખરા અર્થમાં સમજવાની અને કઈંક નવું શીખવાની ટ્રેનિગ આપશે. આ શીબીર વનવિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. જેથી દરેકને પ્રકૃતિ વિશે જ્ઞાન મળી શકે. અને તેની શરૂઆત સ્કુલનાં વિદ્યાર્થી દ્વારા થતી હોય છે. કારણ કે ભવિષ્યમાં તેને જ પ્રકૃતિને બચાવવી પડશે. તેથી તેનું જતન કેવી રીતે કરવું ? વગેરે જેવું ત્યાં શીખવવામાં આવે છે. જેથી દરેક પ્રકૃતિનો સાચો અર્થ સમજી શકે. આપણે બધા જ જાણીએ છીએ કે શહેરમાં હાલ કેટલું પ્રદુષણવાળું જીવન થઇ ગયું. જ્યાં શ્વાસ લેવો પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. તો બસ એટલે જ આપણે ત્રણ દિવસ અને બે રાત્રિ જંગલ વિસ્તારમાં રહેવાનું છે. કે જ્યાં પણ વર્ષોથી માણસો વસી રહયા છે. ત્યાં એ તો આપણે જોવાનું છે કે એ લોકો પ્રકૃતિ સાથે કેવું નીરોગી જીવન જીવી રહયા છે. તેનો ખોરાક. પોશાક, વ્યવસાય વગેરે વિશે અત્યાર સુધી આપણે ફક્ત પુસ્તકોમાં જ વાંચતા આવ્યા છીએ. પરંતુ ત્યાં તેનાં રોજીંદા જીવનને આપણે પ્રત્યક્ષ રીતે નિહાળી શકાશે. તે કેવી રીતે પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, નદીઓ, પર્વતો, વૃક્ષો વગેરે કુદરતના અંશો સાથે હળીમળીને રહે છે. જયારે તમે તો એક કલ્લાસમાં જ બધા સાથે ઝગડો કરો છો. ત્યાં તો વિશાળ જંગલમાં કેટકેટલાય જીવો વસવાટ કરતાં હોય છે. એ બધા કેવી રીતે હળીમળીને સાથે રહે છે. વર્ષોથી તેની આવી જ જીવનશૈલી ચાલી આવે છે. ‘
મેડમનું સતત બોલવાનું શરૂ જ હતું. આખાય કલ્લાસમાં એકદમ શાંતિ પથરાય ગઈ હતી. હરકોઈની નજર મેડમ ઉપર સ્થિર થઇ ગયેલી હતી. જયારે હું તો ક્યારનીય મેડમની વાતોમાં જંગલમાં ફરવા નીકળી પડી હતી. મારી પ્રકૃતિ શિક્ષણ શીબીર તો અત્યારથી જ શરૂ થઇ ગઈ હતી. આંખોમાં જંગલનાં પક્ષીઓ, પ્રાણીઓ, પતંગીયાઓ, નદી-પર્વતો, વૃક્ષ-વેલીઓ અને તેનાં પરના ફળ-ફૂલને હું અહિયા જ નિહાળી શકતી હતી. વળી મને પણ તે બધાની જેમ આઝાદ જીવવું ગમે, પછી ભલે તે જીવન ફક્ત એક દિવસ પૂરતું જ હોય. આમ પણ હું આ શહેરી જીવનથી એકદમ કંટાળી ગઈ હતી. જાણે પોતાના ઘરમાં જ કેદ બનીને રહી ગઈ હતી. પણ શું કરું ? જન્મથી જ આ જીવન મળ્યું હતું. એટલે હવે તો સ્વીકારવું જ રહયું. આમ તો ઘરે જીવન જરૂરી દરેક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહેતી હતી. બસ એક સ્વતંત્રતા સિવાય ! મેડમ હજી પણ માહિતી આપી રહયા હતા. બસ ત્યાં જ રજાનો બેલ પણ વાગી ગયો. પણ અત્યારે કોઈ ઘરે જવાની ઉતાવળમાં ન હતું. બધાને શિબિરની વાતોમાં રસ પડેલો હતો. અને છેલ્લે મેડમ આટલું બોલીને જતાં રહયા. ‘ આવતી કાલે રવિવાર છે. તેથી દરેકે મે જે અત્યારે વાત કરી છે તે બધી જ વાત તમારે તમારા ઘરે જઈને કરવાની છે. અને આ શિબિરમાં આવવા માટેની ઘરેથી મંજૂરી સોમવારે લેતી આવવાની છે. અહિયા કોઈએ પણ ફરજીયાત આવવાનું કહેવામાં નથી આવ્યું. જેને પોતાની અંદરથી જ આવવાનો શોખ હોય અને ખરા અર્થમાં પ્રકૃતિને જાણવાનો ઉત્સાહ હોય તેને જ આવવું. પણ તમે આવો તો તમારા માટે સારું છે. આવી તક તમને કદાચ બીજી વખત ન પણ મળે. તેથી મારો તો તમે બધા જ આવો તેવો આગ્રહ છે. હવે ઘરની બધી જ જવાબદારી તમારી ઉપર છે. જો ઘરેથી તમને આવવાની મંજૂરી મળે તો સોમવારે વહેલા ગલ્સ પોતાના નામ મારી પાસે અને છોકરાઓ રાઠોડ સર પાસે પોતાના નામ નોંધાવી લેશો. કારણ કે અહિયા ફક્ત ૧૦૦ વિધાર્થીઓને જ લઇ જવાના છે. તેથી જે વિધાર્થીનાં પહેલાં નામ નોંધાય જશે તેને આવવાનું નક્કી રહેશે. તેમજ આ બોર્ડ પરની તમામ માહિતી ઘરે આપવી. આ જ મારું કાલનું હોમવર્ક રહેશે. બસ હવે આપણે સોમવારે મારા ત્રીજા કલ્લાસમાં ભેગા થઈશું. અને તમે બધા પાસે હું શિબિરમાં આવવાની આશા રાખું છું. બધાને ઘરેથી મંજૂરી મળે તે માટે બેસ્ટ ઓફ લક. ઇન્જોય હોલી ડે... ‘
બસ તેનાં છેલ્લા શબ્દોનું જ પાલન ન કરી શકી. કારણ કે મને ખબર હતી કે મારા ઘરેથી પરમિશન લેતા મારો આખો હોલી ડે પુરો થઇ જવાનો હતો. ઘરે જતાં જતાં આખાય કલ્લાસમાં શિબીરની ચર્ચાઓ થઇ રહી હતી. અને મારી મિત્ર જ્યોતિ પણ મને શિબિરમાં તેની સાથે રહેવાનું કહી રહી હતી. પણ અંદરથી હું એક જ જાણતી હતી કે ઘરે જઈને આ બધી જ વાત કરી ત્યારે શું થશે. શિબિરમાં જવાની પરમિશન તો ઠીક, પરંતુ એ સાથે મારો રવિવારનો રજાનો દિવસ પણ બગડવાનો હતો. શિબિરમાં જવાના સપનાં તો મે મન ભરીને જોઈ લીધા હતા. પણ તે સપનાંઓને હકીકતમાં બદલવા એટલા જ અઘરા હતા. જયારે પ્રવાસમાં જવાનું હોય ત્યારે પણ ઘરેથી છેલ્લી ઘડીએ મેડમ સાથે ફોન ઉપર વાત કરાવું ત્યારે કદાચ નક્કી થાય. એ પણ મેડમની જવાબદારી ઉપર ઘરેથી પરમીશન મળે. અને ત્યાં ગયાં પછી પણ શાંતિ થોડી હોય ? જેટલા દિવસ પ્રવાસના હોય તેનાથી તો ચાર ગણા ઘરેથી મેડમ ઉપર ફોન આવી ગયાં હોય. એટલે બીજીવાર તે મેડમ પણ મને સાથે લઇ જવામાં અચકાતા હોય. જો પ્રવાસમાં આવું થતું હોય તો પછી શિબિરમાં તો પોતાની જવાબદારી ઉપર જવાનું થાય. આમાં તો ક્યાં સર કે મેડમ જંગલમાં અમારી જવાબદારી સ્વીકારવા રાજી થાય ? કારણ કે ત્રણેય દિવસ જંગલમાં જ રહેવાનું એટલે ભગવાન ન કરે તેમ છતાં પણ જો કઈ ઘટના બની તો ? તો તેનાં માટે કોણ જવાબદાર ? તેથી આમજ ઘરેથી પરમિશન મળે તેવી થોડી પણ આશા ન હતી. જયારે જ્યોતિને ઘરેથી ક્યાંય પણ જવાની પરમીશન ખુબ સરળતાથી મળી રહેતી. તેનાં ઘરનું વાતાવરણ અમારા ઘર કરતા તદ્દન અલગ પડતું હતું. તેથી તેને તો શિબિરમાં જવાનું નક્કી થઇ જ ગયું હતું. પરંતુ એ મારી સિવાય ત્યાં નહિ જાય. એ મને ખબર હતી. અગાઉ પણ પ્રવાસ દરમિયાન મારી સાથે તેને પણ બંધ રાખી દીધું હતું.
તે મારી વિના ક્યાંય એકલી ન જતી અને હું પણ તેનાં જ સથવારે આગળ વધતી હતી. બસ વર્ષમાં અમે ફક્ત વેકેશન દરમિયાન જ જુદા પડતા હતા. ત્યારે તે પણ મારી જેમ જ તેનાં મામાનાં ઘરે જતી હતી. બાકી તો પેનની ખરીદી પણ અમે સાથે જ કરવા જતાં હતા. અમારી દરેક સુખ-દુઃખની વાતોનો સરવાળો સાથે થતો હોય છે. એટલે તેનાં ઘરની ચિંતા કરતાં મારા ઘરની ચિંતા તેને વધારે રહેતી હતી. કારણ કે જો મને ઘરેથી પરમીશન મળશે તો જ તે મારી સાથે આવશે. બાકી તે પણ જવાનું માંડી વાળશે. આખરે તે મારી બેસ્ટ ફ્રેન્ડ જ્યોતિ હતી. સ્કુલથી શરૂ થયેલા રસ્તેથી છેક ઘર સુધી બસ શિબિરની વાતો જ થતી રહી. બપોરે જમવાના સમયે જ્યોતિ તેનાં ઘરે અને હું મારા ઘરે આવી પહોંચી. મમ્મીએ બપોરની રસોઈ બનાવી રાખી હતી. હું બેગ મારા રૂમમાં રાખી ફ્રેસ થઇ સીધી જ જમવા બેસી ગઈ. અત્યારે પણ મનમાં શિબિરની વાત ઘરે કેમ કરવી એજ વિચારી રહી હતી. મારી દરેક વાત પહેલાં મમ્મીને કહેવાથી શરૂ થતી હોય છે. એટલે હવે કહેવાની શરૂઆત ક્યાંથી કરું એ વિચારી રહી હતી.

( સમયાંતરે આગળ ...................................................................)

દરેક મિત્રો હું દિલથી માફી માંગું છું. કારણ કે હું જાણું છું કે આપ આગળ શું થયું હશે ? એ બધું જ આપ ખુબ ઉત્સાહ પૂર્વક જાણવા માંગો છો. પરંતુ હાલ હું મારા એક અંગત કામમાં વ્યસ્ત હોવાથી આગળ લખી શકતો નથી. પરંતુ એક વિશ્વાસ સાથે હું આપ સર્વેને ખાતરી આપું છું કે મારું જે કાર્ય છે એ જયારે પૂર્ણ થશે ત્યારે તરત જ આગળ લખાવની શરૂઆત કરી દઈશ. એ દિવસની હું પણ ખુબ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું. બસ ટુંક સમયમાં જ આપ આગળ શું થયું ? એ બધું જ જાણી શકશો. આપ સર્વેનો આટલો પ્રેમ મળવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ..... “ નલીન ”