Aatmmanthan - 3 - Leelo Masalo in Gujarati Short Stories by Darshita Babubhai Shah books and stories PDF | આત્મમંથન - 3 - લીલો મસાલો

Featured Books
Categories
Share

આત્મમંથન - 3 - લીલો મસાલો

લીલો મસાલો

« શાકભાજી », « શાકભાજી » વાળો આયો, તાજી તાજી શાકભાજી લઇ,લઇ લો, તાજુ શાક, સસ્તા ભાવે લાયો, આવો બા, આવો બેન. આ અવાજો સાંભળે કદાચ ૧૫ વર્ષ થઇ ગયાં. શેરી-શેરી, ગલી-ગલી, સોસાયટીઓમાં આખો દિવસ ફરી ને શાક વેચતાં, શાકવાળા ક્યાં છૂ થઇ ગયાં. કોઇ સોસાયટી માં દેખાય છે ? ના. જમાનો બદલાયો છે. વસ્તી વધી ગઇ છે.

સોસાયટી ના દરવાજા બંધ રાખવામાં આવે છે. બંધ દરવાજા ઊપર કાળા મોટા અક્ષરે લખ્યું હોય છે. « ફેરિયાઓએ અંદર આવવું નહીં « આવા મોટા બોર્ડ પણ જોવા મળે છે. તેઓ કેવી રીતે સોસાયટી માં પ્રવેશે. આજના યુગમાં કોઇને કોઇના પર વિશ્વાસ જ નથી રહ્યો. યાદ આવે છે એ દિવસો જ્યારે ઘર પાસે શાકવાળા, ફળવાળા, શીંગ- ચણાં વેચનારા ફેરિયા. જે ઘરે ઘરે ફરી આપણી જરૂરિયાત પૂરી કરતાં. તાજા શાક્ભાજી-ફળો ઘરે બેઠા મળતાં. લારીઓમાં શાક સુંદર અને સ્વચ્છ રીતે મનમોહક રીતે ગોઠવેલું હોય, અને હરિયાળી દેખાતી હોય. આવો બા-આવો બેન, શું લેશો ? કોબી, રીંગણ, બટાકા….. તાજું તાજું શાક લાયો છું અને આ તુવેર તાજી બા તમારા માટૅ ખાસ લાયો છું. જુઓ બા કેવી સરસ દાણાવાળી ભરેલી છે, ભાવ પણ વ્યાજબી છે, લઇ લો બેન..

ત્યારે બે શાક લેવાના હોય તો ચાર શાક લેવાઇ જાય. અને ભાવ પણ આપણા પ્રમાણે આપીએ. દરરોજ નું હોય એટલે તે પણ થોડું જતુ કરે. તેમાં પાછી રૂપિયા ચૂકવતી વખતે « બા- બેન » કહે જો ભાઇ આટલું બધુ શાક લીધું છે, લીલો મસાલો તો અફત આપવો જ પડશે. ભાઇ જરા બે લીલા મરચાં, કોથમીર, આદુ નો ટુકડો, નાનું રીંગણ, એક ટામેટું, એક કારેલું- થોડું સૂરણ તો મૂકજે નહિતર તમારા ભાઇ ને કાલે દાળ નહી ભાવે તો મારો આખો દહાડો બગાડશે. ત્યારે, તે કહેતો, « શું બેન લીલો મસાલો આટ્લો બધો હોય« અને છતાં પ્રેમથી, હસતાં- હસતાં, આનાકાની વગર « બા- બેન » ની કપડા ની થેલી માં સરકાઇ દેતો અને પાછી « તાજું શાક, આવો બા, આવો બેન« ની બૂમો મારતો- હસતો- હસતો રવાના થતો, પા્છળ થી બેન મોટે થી કહેતી, ભાઇ કાલે સમયસર શાક આપવા આવી જજો.

« ક્યાં ગયાં એ દિવસો ? »