અણબનાવ-12
વિમલનો છુટકારો થયો એટલે એ આકાશને ધકકો મારીને ગુફાની બહાર ભાગી ગયો.પણ બહારથી સિંહની ત્રાડ સંભળાઇ એટલે આકાશે રાજુને કહ્યું કે કદાચ વિમલને સિંહે ફાડી ખાધો હોય.હવે ગુફામાં આકાશ અને રાજુ બે રહ્યાં.બંનેને હજુ એકબીજા પર ભરોસો ન હતો.આકાશે તો રાજુને કહી જ દીધુ હતુ કે જો વિમલનાં મનમાં પાપ હોય તો એ બહાર ભાગવાનું વિચારે જ નહિ.કારણ કે એને તો ખબર હોવી જ જોઇએ કે બહાર ખુંખાર સિંહો બેઠા છે.એટલે આકાશે આડકતરી રીતે રાજુને જણાવી દીધુ કે મને હવે તારા પર શંકા છે.એટલે જ રાજુએ આકાશને કહ્યું
“જો આકાશ, તું એક વાર બહાર જોઇને તો આવ.કદાચ વિમલ ભાગી પણ ગયો હોય.આપણે ફકત સિંહનાં અવાજથી કેમ ખબર પડે કે બહાર શું થયું?” પણ રાજુનાં આ વાકયથી આકાશને મનમાં વિચાર આવ્યોં કે કદાચ રાજુ જ એ તાંત્રિક સાથે મળેલો હોય તો? અને એટલે મને બહાર મોકલી સિંહનાં હાથે પતાવી દેવાનો હોય.વિમલનું ભાગી જવું એ પણ આ લોકોનાં ‘પ્લાનીંગ’ નો જ એક ભાગ હોય શકે.અને એટલે જ રાજુએ પોતાના હાથ અને પગ બંને બાંધી રાખ્યા હશે.આકાશે હવે મનોમન બહાર ન જવાનું નકકી કરી લીધું.બરાબર આ જ સમયે રાજુને પણ મનમાં વિચાર આવી ગયો કે જો વિમલ ગુનેગાર હોય તો ભાગે નહિ.બહાર સિંહ છે એ વાત માત્ર આકાશ જ જાણતો હતો.આ આકાશ જ બધો ખેલ કરીને બેઠો લાગે છે.એના હાથમાં આ કુહાડી કયાંથી આવી હશે?
રાજુએ પોતાના વિચારને થોડો ગોઠવીને પુછયું “ અરે આકાશ, તું નસીબદાર તો છે જ.”
“કેમ?” આકાશે ગુફામાં વધુ અંદર અને રાજુની એકદમ લગોલગ જઇને પુછયું.
“જો આવા કપરા સમયે અને બહારનાં ભયાનક વાતાવરણમાં પણ તારા હાથમાં આ કુહાડી આવી ગઇ.” રાજુએ કહ્યું.આકાશે પોતાના હાથમાં કુહાડી ગોળ ફેરવી.એની સામે જોયું પછી રાજુ તરફ જોતા એ બોલ્યો
“હું બહાર ગયો ત્યાંરે ત્યાં સિંહ ન હતા.એટલે કોઇ અણીદાર પથ્થર શોધવા થોડો આગળ ગયો.ત્યાં થોડે દુર એક ઝાડનાં ધડમાં આ કુહાડી ખોસેલી હતી.”
રાજુને આ વાર્તા લાગી એટલે એણે ફરી પ્રશ્ન કર્યો
“એ તરફ તારું ધ્યાન કેમ ગયું?”
“હું તો વર્ષોથી જંગલમાં આવું છું.એટલે સતત જાગૃત રહેવું અને ખાસ તો હરણની જેમ સતત આજુબાજુ નજર દોડાવવાની મને ટેવ છે.” આકાશે કહ્યું.રાજુને હવે ખાત્રી થઇ કે આકાશ થોડો ઠંડો પડયો છે.એટલે એણે હળવેથી કહ્યું
“વાહ! તારી નજર.પણ તો બહાર એક વાર જોઇ આવને! કદાચ વિમલને મદદની જરૂર હોય.અથવા મને આ બંધનમાંથી છોડાવ.”
આકાશને આ બંને વાત મંજુર ન હતી.પણ મશાલ હવે ઘણી ધીમી પડી ગઇ.એ હવે ગમે ત્યાંરે ઓલવાઇ જાય એમ હતી.આકાશને પણ આ ખ્યાલ આવી ગયો હતો.એ વિચારમાં પડયો.આખરે જાણે વિચારોમાં દ્રઢતા આવી હોય એમ એ બોલ્યો
“રાજુ, જે હોય તે સાચુ કહી દે.હું તારો દુશ્મન નથી.જો હું કોઇને કશું જ નહિ જણાવું.તું ફકત એકવાર કહી દે કે તે જ આ બધુ કરાવ્યું છે.”
“ના...આકાશ.તને તો ખબર જ છે.મારા સ્વભાવ મુજબ મારે કોઇ સાથે અણબનાવ ન જ થાય.હું શું કામ આવું કરું? અને હું તો આ સેવકરામ, આ તિલક કે મુકતાનંદને ઓળખતો પણ નથી.” રાજુએ ધીમા અવાજે કહ્યું.
“મારી પાસે એક જ સબળ કારણ છે કે તું જ પરદા પાછળનો મુખ્ય ખલનાયક છે.”
“શું?”
“તું અને રાકેશ બંને ધંધામાં ભાગીદાર હતા.અને તમારે ધંધામાં ઘણા મતભેદ હતા અને મનભેદ પણ.” આકાશે ગુસ્સામાં કહ્યું ત્યાંરે રાજુ મંદ મંદ હસતો હતો.પછી એ તરત જ બોલ્યોં
“જો આકાશ.એમ તો મારી પાસે પણ સબળ કારણ છે.”
“શું?”
“તું આપણા બધામાં આર્થીક પણ ધીમો રહી ગયો છે.તું જુનાગઢની બહાર ખુબ ઓછો નીકળ્યોં છે.કદાચ આ ઇર્ષાએ તને ક્રુર કરી નાંખ્યો હોય.” રાજુ બોલ્યો.આકાશને ગુસ્સો આવ્યોં.એણે કુહાડી રાજુ તરફ ઉગામી.રાજુ ગભરાઇને થોડો પાછળ ખસ્યો.પણ જાણે છેલ્લી ઘડીએ આકાશને દયા ઉપજી.એ અટકયો.રાજુએ મોકો જોઇને તરત જ કહ્યું
“આકાશ, તને એવું નથી લાગતું કે આપણે બંને એકબીજા પર ખોટી શંકા કરીએ છીએ.કદાચ આ વિમલ જ વિલન હોય.જો એ તો ભાગી ગયો.અને આપણને અહિં લડતા રહેવા મુકી દીધા.આપણે કોઇ ચાલમાં ફસાઇ ગયા હોય એવું તને નથી લાગતું?”
રાજુની વાત જાણે આકાશને ગળે ઉતરી હોય એમ એ શાંત થયો.
“રાજુ, મને લાગે છે કે તારી વાત સાચી છે.ખરેખર ફસાયા છીએ આપણે.કશું સમજાતું નથી...યાર.કેવી દોસ્તી હતી આપણી પાંચે મિત્રોની...બધુ વિખેરાઇ ગયું.કદાચ આપણે બે જ બચ્યાં છીએ.અને હવે આપણા બે માંથી કોઇ જીવતો રહેશે કે નહિ એ પણ ખબર નથી.” આકાશે એટલું કહી ભીના થઇ ગયેલા પોતાની આંખોનાં ખુણા હાથથી લુછી નાખ્યાં.રાજુએ પણ આ જોઇ લીધુ.પછી આકાશે હિંમત કરી.એ ઉભો થયો અને ગુફાની બહાર તરફ જવા લાગ્યો.ત્યાંરે તરત જ રાજુએ કહ્યું
“સાવચેત રહેજે.બહાર જોઇને તરત જ અંદર પાછો આવજે.હવે મને બહું જ ડર લાગે છે.”
ફકત માથુ ધુણાવીને આકાશ બહાર ગયો.ગુફાની છત જયાં પુરી થાય એના બે ડગલા પહેલા જ એ ઉભો રહી ગયો.બંને સિંહ એની જગ્યાએથી બસ થોડા જ આઘાપાછા થયા હતા.કદાચ પાંચ-છ ફુટ દુર થયા હતા.થોડી વારે બહારનાં અંધારામાં કે આછા પ્રકાશમાં આકાશની આંખોએ સ્થિરતા કેળવી ત્યાંરે એના માટે બધુ દુર સુધી દ્રશ્યમાન થયું.એની નજર આમતેમ બધે વિમલને શોધવા લાગી.પછી સિંહની પાછળ ધ્યાનથી જોયું તો એનું હૃદય ધબકાર ચુકી ગયું.વિમલ ત્યાં નીચે પડયો હતો.જીવંત છે કે સિંહોએ એને પતાવી નાખ્યોં એ આટલે દુરથી એને ખબર નહોતી પડતી.પણ સિંહની પાછળ આમ કોઇ જીવતુ તો ન જ રહે.એ વિચારે એના શરીરમાં કંપારી છુટી ગઇ.એ સજજડ થઇ ગયો.એનું મગજ શુન્ય થયું.કુહાડી હાથમાંથી કયાંરે નીચે પડી ગઇ એની કોઇ શુદ્ધબુદ્ધ આકાશને ન રહી.એક વધુ મિત્ર ગુમાવ્યાનો અફસોસ અને દુઃખ એના મનને ઘેરી વળ્યાં.પોતાનું મોત પણ હવે નજીક આવી ગયું એવો ભયાનક વિચાર પણ એના મનની સપાટીએ તરી આવ્યોં.આકાશને પોતાનું ઘર, પત્નિ અને બાળકો યાદ આવી ગયા.અચાનક જીંદગી આ અજાણ્યા વળાંકે આવીને ઉભી રહી ગઇ હોય એવું એને અનુભવાયું.પણ માણસ એના આખરી સમયમાં મરણીયો પ્રયાસ તો કરે જ.એવો જ પ્રયાસ આકાશને એના મન,શરીર અને ચેતનાને નવી ઉર્જા આપી ગયો.એને તરત જ નીચે પડી ગયેલી કુહાડી ફરી હાથમાં ઉપાડી.પુરી હિંમતથી એ કુહાડી વાળો હાથ ઉંચો કર્યો.જાણે હમણાં જ સિંહોને કુહાડીથી ચીરી નાંખશે એવા હાવભાવ સાથે એ આગળ વધવા જ જતો હતો ત્યાં ગુફાની અંદરથી પોતાના નામની એક બુમ સંભળાઇ.એ રાજુનો અવાજ હતો.એ અવાજમાં ભારોભાર કોઇ અજાણ્યો ડર હતો.રાજુએ ખુબ જ ભયભીત થઇને એ બુમ પાડી હતી.આકાશને હવે મુંઝવણ ઉભી થઇ.પહેલા બહાર જઇ આ સિંહો સાથે આખરી જંગ ખેલી લેવો કે અંદર મદદ માટે રાજુ પાસે જવું એ મુંજવણ.પણ આખરે નિર્ણય તો કરવો પડે એમ જ હતો.આકાશને એક વિચાર પણ આવી ગયો કે ‘પહેલા રાજુને છોડાવી લઉં.પછી બંને મિત્રો ભેગા મળી આ સિંહને જોઇ લેશું.પણ આ વિમલનું શું? જો વિમલની લાશ અહિં પડી છે તો વિમલ તો નિર્દોષ જ હોવો જોઇએ.તો પછી મારી શંકા સાચી જ હશે.આ રાજુ જ ખતરનાક ખેલાડી તો નથીને? ફરી ભયની કંપારી છુટી ગઇ.ફરી રાજુની એક બુમ આવી.બધા વિચારોને બાજુ પર મુકી દે એવો ભયભીત થયેલો રાજુનો સ્વર હતો.હવે આકાશ અંદર તરફ ભાગ્યો.પણ ગુફામાં અંદર તો સદંતર અંધારું હતુ.મશાલ હવે સંપુર્ણ ઓલવાઇ ગઇ હતી.આકાશને અંદર કંઇ દેખાતું ન હતુ.એ તો માત્ર અંદાજે જ અહિં સુધી પહોંચી ગયો હતો.એણે હવામાં પોતાની કુહાડી આમતેમ વીંઝવા લાગી.કદાચ રાજુ જો છુટીને એના પર હુમલો કરે તો સ્વબચાવ માટે એણે કુહાડી હવામાં ફેરવવા માંડી.થોડી ક્ષણો સુધી કોઇ ઘર્ષણ ન થયું.એટલે એણે પણ બુમ પાડીને કહ્યું “રાજુ....ઓ રાજુ.કયાં છે? શું થયું?” સામેથી કંઇ અવાજ આવે એ પહેલા બહારથી સિંહોની ફરી એક મોટી ત્રાડ સંભળાઇ.ખબર નહિ કેમ પણ આ વખતે અવાજ નજીક લાગ્યોં.આખી ગુફા ગાજી ઉઠી.ફરી સિંહની એક હળવી ઘુરરાટી સંભળાઇ.બહાર સિંહ અને અંદર રાજુ.....હવે તો બંને તરફે ઘેરાયો હોય એમ આકાશ નીચે ફસડાઇ પડયો.
--ક્રમશઃ
--ભરત મારૂ.