૨૭ જાન્યુઆરી, ૨૦૧૯
આજે મિતુલની સગાઈમાં ગયો અને બહુ રસપ્રદ ઘટનાઓ બની. પણ એની પહેલાં સવારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો. સંજનાના મર્ડર વિશે મારી ફરીથી પૂછપરછ કરવાની જરુર પડી, એટલે મને બોલાવ્યો. પોલીસ સ્ટેશન પહોંચતા રસ્તામાં હું અવઢવમાં જ હતો કે સંજનાની હત્યા થઈ પછી મેં એની સાથે ફરીથી કોફી પીધી એ ઘટના પોલીસને કહેવી કે નહીં. કાલે સાંજે બનેલી ઘટનાઓને કારણે રાતે ઉંઘતાં બે વાગી ગયા હતાં, એટલે સવારે દોડવા નહોતો ગયો. ખાલી ઘરે જ પ્લેન્કસ અને થોડી એક્રોબેટિક એક્સરસાઇઝ કરી લીધી હતી. જમવાનું તો બપોરે મિતુલની સગાઈમાં જ હતું.
હું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સવારે ૧૦ વાગે, એક યુવાન, સ્માર્ટ, હેન્ડસમ, કડક મૂછો અને ચહેરા પર જાણે સદાને માટે આછું સ્મિત રહેતું હોય એવા દેખાવ વાળા અધિકારી સામે બેઠો હતો. વાતચીત ચાલુ કરતા પહેલાં એમણે પોતાની ઓળખ આપી, નામ ઈન્સ્પેકટર રાજવીર ઝાલા જણાવ્યું. એમણે પહેલાં તો મારી ઔપચારિક પૂછપરછ જ કરી. મેં એમને કહ્યું કે મારે પ્રસંગમાં હાજરી આપવા જવાનું છે એટલે મને શક્ય એટલો જલ્દી જવા દે. કાલે જે વાતો મેં પોલીસને કહી હતી એનું મારે પુનરાવર્તન જ કરવાનું હતું. સંજનાને ક્યારથી ઓળખતો હતો, ક્યારે મળ્યો, અને કાલે કોફી હાઉસમાં કેમ સાથે હતો વગેરે વગેરે જવાબો આપ્યાં. પછી અચાનક તેમના ચહેરા પરનું અખંડ સ્મિત ગાયબ થઇ ગયું. ગંભીર ચહેરે સ્હેજ દબાયેલા અવાજે તેમણે મને પૂછ્યું, 'કાલે તમે અહીંથી નીકળ્યા પછી સીધા ઘરે ગયા હતાં?' હું ખોટું બોલ્યો, 'હા સીધો ઘરે જ. દસની ઉપર તો અહીં જ વાગ્યા હતાં, એટલે શાકભાજી લેવા નહોતો ગયો. ઘરે જ ગયો હતો.' ઇન્સપેક્ટર રાજવીર થોડું મલકી શક્યા મારા જોક પર. 'કેમ એવું પૂછ્યું? રાતે મોડેથી બીજું પણ કોઇ મર્ડર થયું કે શું?' મેં બીજો જોક મારીને આવું પૂછવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો. 'કારણ થોડું લાંબું છે. જો તમે અહીંથી સીધા ઘરે જ ગયા હોવ, બીજું કોઇ તમને મળ્યું ના હોય અને રાત પણ સરસ ઉંઘમાં ગઇ હોય તો તમારે જાણવાની જરુર નથી.' ઇન્સપેક્ટર રાજવીરનું આ કથન મને રહસ્યમય લાગ્યું. 'રાત તો સરસ ઉંઘમાં કેવી રીતે જાય? સાંજે આંખો સામે હત્યા થતી જોઈ હતી. પેલો ખૂની વેઇટર પકડાયો? અને એણે શું કામ મર્ડર કર્યું, એ ખબર પડી?', મેં પૂછ્યું. 'ના, એ વેઇટર આગલા દિવસે જ એ કાફેમાં નોકરી પર લાગ્યો હતો. એટલે એને ત્યાં કોઇ ઓળખતું નથી. એનું આધારકાર્ડ પણ ત્યાં નથી. અમે કાફેના માલિકને ખૂબ ખખડાવ્યા. સ્વાભાવિક રીતે એ ત્યાં ખોટા નામથી જ નોકરી પર લાગ્યો હશે. કાફેના સીસીટીવીમાં એનો ચહેરો અને સમગ્ર ઘટના સાફ જોઇ શકાય છે. એટલે એ તો આજકાલમાં પકડાઇ જ જશે અને મર્ડરનું કારણ પણ ખબર પડી જશે. થોડું વિચિત્ર છે બધું, આગલા દિવસે રહસ્યમય વ્યક્તિ નોકરી પર જોડાય અને બીજા દિવસે કાફેમાં અજાણી મહિલાની હત્યા કરી દે. પણ એ અમે શોધી લઈશું. મુખ્ય ચિંતા એ નથી.' એટલું બોલીને રાજવીર અટકી ગયા, જાણે આગળની વાત નથી કહેવાની એવો પ્રયત્ન કરતા હોય.
'એમના સગા વહાલાને જાણ કરી દીધી ને? ડેથ બોડી તો જો કે પોસ્ટ મોર્ટમમાં ગઇ હશે.' મેં ફરી પૂછ્યું. પૂછપરછ માટે મને અહીં બોલાવવામાં આવ્યો હતો, પણ વધારે પ્રશ્નો તો હવે હું જ એમને પૂછી રહ્યો હતો. 'સગા વહાલામાં તો કોઇ ખાસ છે નહીં. એમના પતિનું વર્ષો પહેલાં એક્સિડન્ટમાં મૃત્યું થયેલું છે અને પિયર પક્ષમાં એમના ભાઇએ અંતિમ સંસ્કાર કરવાનો ઇન્કાર કર્યો એટલે એમના જેઠ અને બે ચાર નજીકના મિત્રોને બોડી સોંપી દઈશું.... બોડી મળી જાય પછી.' એમણે મહા ગંભીર સ્વરમાં કહ્યું. 'એટલે? એમની ડેથ બોડી ગાયબ છે?' મેં ઉતાવળથી વધુ એક સવાલ કર્યો. 'હા, તમને કાફેમાંથી સીધા સ્ટેશન પર લાવીને પૂછપરછ કરી એ દરમિયાન અમારા ડોક્ટરે એમને વિધિગત મૃત જાહેર કર્યા, પછી એમનું પંચનામું કર્યું, સગા સંબંધીનો પતો લગાવી જાણ કરી. અને એકબાજુ એમને, એટલે કે ડેથબોડીને, પોસ્ટમોર્ટમ માટે રવાના કરી. શબવાહિનીમાં ડ્રાઇવર અને અમારા બે કોન્સ્ટેબલ હતા. પણ હોસ્પિટલ પહોંચીને પાછળનો દરવાજો ખોલ્યો તો લાશ સાથે આખું સ્ટ્રેચર જ ગાયબ હતું. દુનિયા છોડીને તો જતા જ રહ્યા સંજનાબેન, પોસ્ટમોર્ટમ છોડીને પણ ભાગી ગયા. છેલ્લે તમારી સાથે હતાં. એટલે તમને કદાચ મળવા આવ્યા હોય, એવું વિચારીને તમને અહીં બોલાવ્યા. પૂછવા માટે.'
'હા, મને જ મળવા આવ્યા હતાં એ. ફરીથી અમે એ જ કાફેમાં જઈને કોફી પીધી. કહેતાં હતાં કે પોસ્ટમોર્ટમ કરાવવાની ઈચ્છા નહોતી એટલે શબવાહિનીમાંથી અડધા રસ્તે જ ઉતરી ગયા અને રીક્ષા કરીને કાફે પર પાછા આવ્યા.' આટલું લાંબું હું બોલ્યો, હું ખોટું બોલું તો ટૂંકું જ બોલતો હોઉં છું. અને હું મીંઢો છું એટલે સાચું બોલું તો પણ ટૂંકું જ બોલું. પણ અત્યારે આ અર્ધસત્ય હતું, મજાકમાં બોલી રહ્યો હતો. મારું આવું બોલવું અને સાથે ખડખડાટ હસવું, આ બન્ને વસ્તુ ઇન્સપેક્ટર રાજવીર ઝાલાને પસંદ ના પડી. સિંહ ગર્જના કરે એ પહેલાં જેવા ઘૂરકિયાં કરે એવા એમણે મારી સામે કર્યાં. પછી કરડાકીથી બોલ્યા, 'આ ગંભીર વાત છે. લાશ ગાયબ થઇ જવાની ઘટનાએ સમગ્ર અમદાવાદ પોલીસમાં ચકચાર મચાવી દીધી છે. હજુ જો લાશ કે હત્યારો વેઇટર નહીં મળે તો આ કદાચ ગુજરાતને હચમચાવી દેનાર સૌથી રહસ્યમય હત્યા હશે. તમે એના મુખ્ય સાક્ષી છો. અને તમને મજાક સૂજે છે? હું ભૂત કે આત્મામાં માનતો નથી, પણ તમે પ્લીઝ સાવચેત રહેજો અને આ બાબતને ગંભીરતાથી લેજો. વેઇટર કે સંજના વિશે કોઇપણ વધુ માહિતી મળે તો સીધો અમારો સંપર્ક કરજો.'
'હા, ચોક્કસ. સારુ.' આટલું બોલીને હું બેસી જ રહ્યો. સહેજ જ વારમાં, "બસ, મારે બીજી કોઇ વાત કરવાની નથી. આપ જઈ શકો છો." એવું કહીને રાજવીર ઝાલાએ પોલીસ સ્ટેશનમાંથી મને વિદાય આપી. હજુ તો મારે પૂછવું હતું કે, 'એટલે શું એ શબવાહિનીમાંથી ગાયબ થયા પછી એમના જેઠ કે પિયરપક્ષ વાળા કોઇને દેખાયા કે મળ્યા? એ લોકોમાંથી તમને કોઇએ એવું કશું કહ્યું હશે ને! એટલે જ તમને આવી ભૂત પ્રેત વાળી શંકા હશે ને!' પણ ના પૂછ્યું. પોલીસ સ્ટેશનમાં આપણને બોલાવ્યા હોય અને આપણે જ ત્યાં જઈને આટલી પૂછપરછ કરીયે તે સારું નહીં. હું ઘરે પરત જવા નિકળ્યો.
રસ્તામાં વિચારો આવ્યાં. લોકો પોતાનું જીવન મરી મરીને જીવતા હોય છે, અને આ સંજના સાચ્ચેમાં મરીને પણ જીવતી છે. ઘણાં લોકો અમર થઇ ગયા. નેતાઓ, અભિનેતાઓ, વૈજ્ઞાનિકો, લેખકો, કવિઓ... એટલે કે એ તો મરી ગયાં પણ એમનું નામ લોકોની જીભ પર, લેખનમાં, વિચારોમાં હજુ જીવતું છે. મીર, ગાલિબ, જોન એલિયા... અરે એ શું! મીરાબાઈ, કબીર, નરસિંહ મહેતા પણ હજુ જીવે જ છે ને... લોકોના દિલમાં. જેમ કે મરીઝ સાહેબ પણ જીવે છે, મારી અંદર. એ તો કહીને જ ગયા છે કે,
"જ્યારે કલા કલા નહીં જીવન બની જશે,
મારુ કવન જગતનુ નિવેદન બની જશે."
- મરીઝ સાહેબ.
જો કે મારા જેવા સામાન્ય લોકો તો મરી જાય પછી મરી જ જતાં હોય છે. સંજના મેડમ પણ સામાન્ય જ હતા ને! કવિયત્રી હતા, પૈસાદાર હતા... પણ અમરમાં નામ લખી શકાય એવા તો નહોતા જ. એ રીતે એ મારી કક્ષામાં જ આવે. તો પણ એ હજુ અમર છે? મર્યા પછી મને મળ્યા! મને મળવા માટે થઈને શબવાહિનીમાંથી ભાગી ગયા? જીવન અને મરણ એક વસ્તુ છે, અને અસ્તિત્વ બીજી વસ્તુ છે. સંજનાજી મરી ગયા છે, પણ અસ્તિત્વ ધરાવે છે! મારા વિચારોમાં કે સાચેમાં? મરણ પછી આંખો સદાને માટે બંધ થઇ જતી હોય છે. એટલે મૃત માનવી કશું જોઇ ના શકે. કે પછી એ આંખો બીજી કોઇ જગ્યાએ જઈને ખૂલતી હોય છે, નવી દિલ્હી કોઇ દુનિયા જોવા માટે. એવી દુનિયા કે જ્યાં આ દુનિયાના એક પણ અંશ કે એક પણ ગતિનું અસ્તિત્વ ના હોય. મારી એકાદ મહિના પહેલાં લખેલી એક અછાંદસ કવિતા અહીં ટપકાવું છું :
" મૃત્યુ પછી તમારી આંખ ખુલશે,
આ દુનિયા દેખાતી બંધ થઇ જશે,
કોઇ જ નહીં દેખાય કે કશું જ નહીં દેખાય,
દેખાશે માત્ર સત્ય.
મેં કાગળ પર એક ચિત્ર બનાવ્યું છે,
મેં દોરી છે હરિયાળીથી અને રેતી-માટીથી ભરેલી પૃથ્વી
અને દોર્યો છે નીલા-લીલા રંગનો સાગર
અને ઉપર દોર્યું છે આકાશ.
અને આ કાગળને હું ઉંધું કરી દઉં છું, હવે ચિત્ર પણ ઉંધું દેખાય છે.
છતાં સાગર એ વાદળ બનીને આકાશ ઉપર વરસાદ નથી કરતો,
ના તો લીલા જંગલો અને રણ આકાશ પર પડીને ત્યાં બીજી પૃથ્વી બનાવે છે,
ચિત્ર ઉંધું - સીધું - વાંકું -ચૂકું ગમે તેમ ફરવું, ચિત્ર પરની બધી વસ્તુ જેમની તેમ રહે છે...
કશું જ હલતું નથી.
બસ, મૃત્યુ પછીનું સત્ય આ મારા ચિત્ર જેવું છે,
સ્થિર અને સતત.
હું અને આખી દુનિયા જાણે અજાણે આ સત્યને ચાહે છે,
તેને પામવા જાણે અજાણે મૃત્યુ તરફ સરકે છે.
એ જ જીવન છે. "
- "ધ્રુ"
મારી આ કવિતાના વિચારમાં ક્યારે ઘરે પહોંચ્યો ખબર જ ના રહી. ડેમી ઉભી હતી મારી રાહ જોઇને, મારા ફ્લેટના તાળાને તાકતી. "ક્યાં હતાં, સર? હું હમણાં જ આવી. તાળું જોયું તો વિચારમાં પડી ગઈ. તમને ફોન માર્યા પણ તમે ઉપાડ્યો નહીં."
( તારીખ ૨૭ જાન્યુઆરી, ૨૦૧૯ નું ડાયરી લેખન ચાલુ રહેશે ૯ મા પ્રકરણમાં)