addhi rate in Gujarati Short Stories by Prafull shah books and stories PDF | અડધી રાત્રે..

Featured Books
Categories
Share

અડધી રાત્રે..

અડધી રાત્રે..
--------------
“ કેમ છે? આવું કે ઘરમાં..”
“ એમાં પૂછવાનું હોય કે..તમારું જ ઘર છે..” હસતાં હસતાં કપડાં ઠીક કરતાં વસંતીએ શ્યામની સામે જોયાં વગર કહ્યું.અને તે અંદરની અંધારી ઓરડીમાં ગઈ. શ્યામ વસંતીની પીઠ કામૂક નજરે જોઈ રહ્યો હતો. પેંટનાં ખિસ્સામાંથી કાંસકો કાઢી વાળ સરખા કરતાં કરતાં બાજુમાં પડેલી ફોલ્ડિંગ ખૂરશી પર બેઠો પગ પર પગ ચઢાવીને અને જોયા કરતો હતો વસંતીની ખૂલ્લી કમ્મર.ઘર જો મારું છે તો તું પણ મારી જ છે ને? હોઠ પર આવેલાં શબ્દોને ગળી ગયો વસંતી ની લટકમટકતી ચાલ જોઈને. હાથમાં પાણીનો પ્યાલો હતો. એનાં શરીરમાંથી એક કંપારી છૂટી ગઈ. પાણીનો પ્યાલો હાથમાં આપશે અને એ બહાને થઈ જશે વસંતીનો સ્પર્શ! આ વિચારો આવતાં એનાં હોઠ લાળથી ભીનાં થઈ ગયાં હતાં.ખિસ્સામાંથી વાસ મારતો રૂમાલ કાઢી હોઠ લૂછી તે વસંતીનાં હાથનો સ્પર્શ કરવા અધીરો બની ગયો હતો.તેને ઈચ્છા થઈ આવી કે તે ઊભો થઈને વસંતીને બે હાથે પકડીને કહી દે કે તું ખૂબ સુંદર લાગે છે અને ધીરેથી હોઠોનું રસપાન કરીલે… પણ આ વિચારો ફક્ત વિચારો રહ્યાં હતાં. વસંતીએ પાણીનો પ્યાલો બાજુમાં પડેલાં નાનકડા ટેબલ પર મૂક્યો અને તે સૂતેલા બે બાળકોને પોતાનાં ખોળામાં લેતાં બોલી,
“ શ્યામભાઈ .. પાણી પી લો. ધણાં દિવસે..”
ભાઈ શબ્દ સાંભળતાં જ શ્યામને ચઢેલો નશો પાણીનાં રેલાંની જેમ ઊતરી ગયો હતો .
“ શંભુ ક્યાં છે?” શ્યામે પાણીનો પ્યાલો ટેબલ પર મૂકતા પૂછ્યું.
“ કેમ? તમને ખબર નથી? તમે તો એનાં જિગરી છો..” આંખ મીંચકારતાં વસંતીએ જવાબ આપ્યો.સરકી ગયેલા પાલવને ઠીક કરી રહી હતી વસંતી અને શ્યામના તનમનમાં કામુકતાનો લાવા ધગધગી રહ્યો હતો.
“ ના. બેત્રણ દિથી મળ્યાં જ નથી.”
“ બીજી પાળીમાં કામ કરે છે.” ઊભાં થતાં વસંતીએ પૂછ્યું, “ ચાય ચાલશેને”
“ તારા હાથની ચાય પણ ચાલશે ને ચાહ પણ..”
“ શું બોલ્યા..? થોડું સંભળાયું થોડું ના સંભળાયું.” વસંતીની ધારદાર નજર ના જીરવાતા શ્યામ નીચું જોઈ રહ્યો હતો.શ્યામ વિચારી રહ્યો હતો કે શંભુ, આ આગ જેવી બાયડી જોડે કેવી રીતે જીવતો હશે!
“ શ્યામ ભાઈ તારી બાયડીને ક્યાં લગી દેશમાં પૂરી રાખશો?”
“ સુંદરી, મારે ક્યાં તમારા જેવી પતરાની ઓરડી છે?”
“ તો , લેતાં કેમ નથી?” પ્રાયમસ સળગાવતાં વસંતીએ પૂછ્યું .
“ કમાણી ક્યાં વાપરી નાખો છો? બચત કરતાં શીખો..”
“ હા.સાચી વાત છે પણ..”
“ પણ શું? પીઠામાં રોજ જવાની જરૂર શું છે?”.
“ સુંદરી, મર્દ માણસને શરાબ વગર ના ચાલે..”
“ આમ અહીંતહીં ચાલીમાં સૂઈ જવું તમને શોભે છે? નશો કરો તો ભલે કરો પણ પારકી સ્રી પર નજર બગાડો એ તમને શોભે છે .. અને..”
“ અને શું?”
“ જરા સમજો… સામેની ચાલીમાં નશામાં પારકી સ્રી જોડે ધમાલ કરી માર ખાધો તે ઓછો છે?” વસંતીએ ચાનો ગ્લાસ મૂકતાં પૂછ્યું.
“ તને ક્યાંથી ખબર પડી? તને સાચું લાગે છે?”
“ શરાબી માણસનો હું ભરોસો નથી કરતી.ક્યારે એની મતિ બગડે એ ખબર જ ન પડે.. અને તમારા જેવા સ્રી વગરના પુરુષો તો શયતાનનું રૂપ ક્યારે ધારણ કરી લે તે કહેવાય નહીં..” વસંતીએ હસતાં હસતાં કહ્યું. બાજુની પાળી પરથી કાંસકો લઈ લટકાવેલાં દર્પણમાં પોતાનો ચહેરો જોઈ માથું ઓળતા ઓળતા શ્યામને પૂછી નાખ્યું,“ એક વાત પૂછું કે?”
“ તું તો બહુ જબરી છે. એક એક કરતાં હજારો વાત પૂછી લે છે.. પૂછ જે પૂછવું હોય તે..” એક બગાસું ખાતાં શ્યામે અનુમતી આપી.
“ તે તમારી બાયડીને અહીં તેડાવી લો ને..પેટ પણ ભરાય અને તરસ પણ છીપાય.. આમતેમ ડાફોરિયા મારવા ન પડે..”
“ ઈ પણ થશે.એકાદી ઓરડીનો બંદોબસ્ત થઈ જવા દે..”
“ તમારા પછી તમારો ભાઈબંધ શહેરમાં આવ્યો અને તેને નાની તો નાની રહેવાની જગા લઈ લીધી અને તમે સાવ હજી ઘરબાર વિનાના ફરો છો..”
“ સુંદરી, તું નશીબદાર છે કે તને શંભુ જેવો સીધોસાદો ધણી મર્યો છે. એક પૈસાનો ખર્ચ ક્યાં છે? સાવ મખ્ખીચૂસ છે…”
“ મખ્ખીચૂસ છે પણ ઘર તો વસાવ્યું ને? તમારી જેમ ભટકતા તો નથી ને? છતી બાયડીએ તમે એકલા જ્યાં ત્યાં પડ્યા તો નથી રહેતાને તમારી જેમ?”
“ તમે વધું પડતું બોલી રહ્યા છો..”
“ ના ગમ્યું? સાચી વાત કડવી જ લાગે ને?”
“ તારે સાચી વાત જાણવી છે?”
“ જણાવો તો જાણીએને?”
“ તો સાંભળ.. જરા મારી પાસે બેસ..” બીડી સળગાવતાં વસંતી તરફ એક ફૂંક મારતાં કહ્યું.
“ હું અહીં જ બરાબર છું.”
“ ઠીક છે. તો સાંભળ મારી બાયડીને આ શહેર દીઠું ગમતું નથી.એકવાર લાવેલો અઠવાડિયામાં તો મારે એને મૂકવા જવું પડ્યું.શહેરની ગરદી, ગંદકી જોઈને એ ત્રાસી ગઈ અને કહે આનાં કરતાં તો આપણું ખોરડું સારું.”
“ ઓહ.!”
“ પણ મને ઈ સમજાતું નથી તારા જેવી છેલછબીલી સ્રી શંભુ જેવા સીધાસદા મરદને કેવી રીતે સહી શકે છે? તારા નખરાં શંભુ કેવી રીતે સહી રહ્યો છે.ના તમાકુનું વ્યસન, ના શરાબનું! આ કઈ જીવન છે…સુંદરી તું આની જોડે સંસાર કેવી રીતે નીભાવી રહી છે.. ક્યાં હું અને ક્યાં તે.. મને જોઈ તારા દિલમાં કશું થતું નથી…?”
“ હે હરામજાદીના ઊભો થા હમણાં ને હમણાં. નીકળ ઘરની બહાર.. મારા ધણીનો જિગરી છે એટલે તને આ વખતે છોડું છું..બેશરમ હરામખોર.. ઘરમાં આવવા દીધો મારા ધણીની ગેરહાજરીમાં એટલે તું એમ માને છે કે મારી નિયત બગડી છે? જેવો આવ્યો છે તેવો પાછો જા…”
“ હા જાઉં છું.. એક દી હું તારા ઘર સામે મસ્તમજાની ઓરડી લઈને બતાવીશ. અને એક વાત સમજી લે કે આ પતરાની ઓરડી મેં જ અપાવી હતી..પણ તું તો…” ધીમેથી ઊભાં થતાં કહ્યું. એક તીરછી નજર નાખી તે ઘરની બહાર નીકળી ગયો. વસંતીની છાતી ધમણની જેમ ફૂલી રહી હતી.. આંખોમાં ક્રોધાગ્નિ ઉછળી રહ્યો હતો. શ્યામ અચાનક ઊભો ઊભો વસંતીને જોઈ રહ્યો હતો.વસંતીએ ગુસ્સાથી દરવાજો બંધ કરી દીધો હતો. દરવાજે ટકોરા સાંભળી ને વસંતીએ ધ્રૂજતા હાથે દરવાજો ખોલ્યો.સામે શ્યામ ઊભો હતો. વસંતી હાંફી રહી હતી.બૂમબરાડા પાડશે તો પોતાની બેઈજ્જતી થશે એ વિચારે ચૂપચાપ શ્યામને જોઈ રહી હતી. બેકદમ દૂર ઊભા ઊભા શ્યામે કહ્યું, “ વસંતી , તું નશીબદરાર છે કે આજે મેં શરાબ નથી પીધો. નહીંતર તું મારી બાહુપાશમાં મોજ કરતી હોત..” કહી પીઠ ફેરવી શ્યામ અંધારી ગલીમાં ખોવાઈ ગયો હતો.
વસંતી સ્વપ્નમાં ખોવાઈ ગઈ હતી. પહેલી વાર ગામથી શહેરમાં શંભુ લઈને આવ્યો હતો ત્યારે શ્યામ સાથે ઓળખાણ કરાવી હતી. શંભુના મતાનુસાર શ્યામ શંભુનો જિગરી હતો.આ શહેરમાં તેને આશરો આપનાર પ્રથમ વ્યક્તિ હતી. શહેરમાં એક નાનાં કારખાનામાં નોકરી અપાવનાર શ્યામ હતો એટલું જ નહીં જ્યાં રોટલો મળે પણ ઓટલો ના મળે એ શહેરમાં એક ઝુપડામાં એને આશરો અપાવ્યો હતો. બંને વચ્ચે દોસ્તી હતી છતાં શંભુએ દોસ્તીમાં એક લક્ષ્મણ રેખા બાંધીને રાખી હતી.બંને વચ્ચે જિંદગી જીવવાની વ્યાખ્યામાં ઉત્તરદક્ષિણ જેટલું અંતર હતું. શ્યામ શરાબી હતો, તમાકુ , પાનનું અને બીડીસિગારેટનું જબરું વ્યસન હતું.ક્યારેક ક્યારેક શહેરની નાઈટલાઈફ સમા ડાન્સબારમાં મહિનાભરની કમાણી એક દિવસમાં હોમી નાખતો હતો.જ્યારે શંભુ એક સીધો સાદો વ્યક્તિ હતો. અજાણ્યા શહેરમાં શ્યામે જે આશરો આપ્યો હતો તેનો બદલો ક્યારે ક ક્યારે ક ઉછીના પૈસા આપી વાળી દેતો હતો. એક દિવસ શ્યામને કહ્યું હતું કે તે એક નાની રહેવા માટે પોતાની રૂમ લેવા માગે છે ત્યારે શ્યામે એક પતપેઢીમાં તેનું નામ લખાવી દરરોજ પૈસાની બચત કરતાં શીખવ્યું હતું, પરિણામે આજે એક નાની પતરાની રૂમ લઈ શક્યો હતો. વાતવાતમાં શંભુએ વસંતીને કહ્યું હતું કે તે શરાબી છે પણ અડધી રાતે કામમાં આવે તેવો છે.પહેલી વાર શ્યામે વસંતીને જોઈ ત્યારે તે એનાં રૂપ પર એવો મોહી પડ્યો કે શંભુની હાજરીમાં બોલી ઊઠ્યો, “વાહ.. શંભુ તારી બાયડી તો રૂપસુંદરી છે. હું તેને સુંદરી કહી ને બોલાવીશ. ભાભીજી ક્યા ખ્યાલ હૈ?”
વસંતીએ શરમાતા શરમાતા કહ્યું હતું, “ શ્યામભાઈ, જરૂર કહી શકો છો..”
એક વાર વસંતીએ શ્યામની વર્તણુક બદલ શંભુને ફરિયાદ કરી હતી. શંભુએ ત્યારે એ વાત હળવાશમાં લેતાં સમજાવ્યું હતું કે , “ વસંતી એ છે જરા મજાકીયો પણ ..”
વસંતીએ ગુસ્સાથી કહી દીધું હતું , “ એ તમારો મિત્ર છે ત્યાં સુધી ઠીક છે પણ મને તેનો આવો સ્વભાવ પસંદ નથી, એને કહી દેજો કે એ મારાથી અંતર રાખે..”
“ એટલે?” શંભુએ વાત ન સમજાતાં પૂછ્યું હતું.
“ તમે તો સાવ અનાડી છો. એની નજર ક્યારે ય જોઈ છે? કારણ વગર મારો સ્પર્શ કરી લે છે. તેને શાનમાં સમજાવી દેજો.નહીંતર ધોકાથી તેનો હાથ તોડીને જુદો કરી નાખીશ. સમજ્યાં?”
રિસાયેલી વસંતીને પ્રેમથી સમજાવીને ઘરનો અર્ધખૂલ્લોદરવાજો બંધ કરતાં કહ્યું હતું, “ હા. સમજી ગ્યો તારી વાત મેરી જાન!” કોણ જાણે કેમ ત્યારબાદ વસંતીને ક્યારે પણ શ્યામની ફરિયાદ કરવાનો મોકો મળ્યો ન હતો.
આજની ઘટનાથી વસંતીનું મગજ બહેર મારી ગયું હતું. શંભુને ફરિયાદ કરવી કે ના કરવી તે વિચારોમાં સાંજનું ભોજન પણ તેને કર્યું ન હતું. શંભુને ઘરે આવતા રાત્રિનાં અગિયાર કે બાર વાગી જતાં હતાં.ક્યાંય સુધી વસંતી દરવાજા પાસે બેઠી બેઠી ગારમેન્ટ ફેક્ટરીમાંથી આવેલાં શર્ટના બટન ટાકી રહી હતી.ઘરબેઠા આવા નાનામોટા કામ કરી શંભુની આવકમાં વધારો કરી રહી હતી.બંનેનું એક સ્વપ્ન હતું .પૈસાની બચત કરી એક સારું ઘર ખરીદવું. શંભુએ એકવાર હસતાં હસતાં વસંતીને કહ્યું હતું કે આ શહેર સ્વપ્ન નગરી છે.અહીં આવનારા સૌ સ્વપ્નમાં સરી પડે છે. માનવીની જિંદગી ખતમ થઈ જશે પણ સ્વપ્ન પૂરાં નહીં થશે.બટન ટાંકવામાં વસંતીનું મન લાગતું ન હતું. ઉનાળાની ગરમી બહારથી અને ગુસ્સાની ગરમી તનમનમાંથી વસંતીને બાળી રહી હતી.આખો મીંચાઈ જતી હતી. તેને ઊભાં થઈ કપડાંનો ઢગલો બાજુનાં ખૂણામાં મૂકી દરવાજો બંધ કરી પાથરેલી પથારીમાં બતી બંધ કરી આડી પડી. હવાની અવરજવર ના હતી. બફારાથી છૂટવા છાતી પર વીંટળાયેલો સાડલો દૂર કરી આંખો બંધ કરી સૂવાનો પ્રયત્ન કરી રહી હતી.
વસંતી દરવાજાનાં અવાજથી ઝબકી ગઈ હતી.દરવાજો કોઈ જોરથી ખટખટાવી રહ્યું હતું.પથારીમાંથી ઊભી થઈ ને દરવાજો ખોલતાં જ તે ધ્રૂજી ઊઠી.લાઈટ સળગાવીને જોયું તો દરવાજે શ્યામ ઊભો હતો. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તેનાં શરીર પર સાડલો નથી.ઝડપથી શરીર પર સાડલો નાખી ઘરની બહાર આવી.તે ધ્રૂજી રહી હતી.બે હાથ જોડી શ્યામને તાકી રહી હતી. તેની આંખોમાં આજીજી હતી.બળાત્કાર, ખૂનખરાબી , મારામારી જેવાં દ્રશ્યોથી તે વાફેક હતી.એટલે અડધી રાતે શ્યામને જોતાં ડર શરીરમાં પરસેવા રૂપે પ્રસરી ગયો હતો.શ્યામ દરવાજાથી બે કદમ દૂર ઊભો વસંતીને જોઈ રહ્યો હતો.વસંતી માંડ માંડ એટલું જ બોલી શકી,
“ અત્યારે.. અડધી રાતે?”
શ્યામે ધીરેથી કહ્યું, “ હા , વસંતી ભાભી.. અડધી રાતે આવવું પડ્યું દોસ્તીને કારણે.., શંભુનો કારખાનામાં એક્સીડન્ટ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જલ્દી ચાલો..” આટલું સાંભળતા વસંતી ચીસ પાડીને રડવાં લાગી.આડોશપાડોશની વ્યક્તિઓ ભેગી થઈ ગઈ હતી. સૌ વસંતીને આશ્વાસન આપી રહ્યાં હતાં. શ્યામે વસંતીને હિંમત આપી કહ્યું, “ બહાર હું ઊભો છું , જલદી મારી સાથે હોસ્પિટલ ચલ..”
વસંતી બહાર જતાં શ્યામને જોઈ રહી હતી. તે સ્વસ્થ થઈ ગઈ હતી.સૂતેલા છોકરાઓને બાજુવાળાને સોપી મક્કમ પગલે શ્યામ જે ટેક્ષી પાસે ઊભો હતો તે તરફ જઈ રહી હતી.. અડધી રાતે…

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ.