Joseph and Bit of Me in Gujarati Moral Stories by Suketu kothari books and stories PDF | જોસેફ અને થોડોક હું

Featured Books
Categories
Share

જોસેફ અને થોડોક હું

જોસેફ અને થોડોક હું

એ ૧૯૮૦નું વર્ષ હતું. ઉતરાયણના દિવસે ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવી ગયા હતા અને એના પછીના દિવસે એટલેકે વાસી ઉતરાયણના દિવસે જોસેફ મારી બાજુના ઘરમાં રહેવા આવ્યો હતો. ખરેખરમાં તો એનું નામ જય હતું પણ એની મમ્મીને જોસેફ નામ ખૂબ ગમતું માટે એના ઘરમાં ભલે અંકલ એને જય નામથી બોલાવે પણ આંટી એને જોસેફ કહીને જ બોલાવતા. ધીમે ધીમે બધા એને જોસેફના નામેજ બોલાવવા લાગ્યા, અંકલ પણ. જોસેફ લગભગ ૩ વર્ષનો હતો ત્યારે તે એના માતા-પિતા સાથે મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયા હતાં. જોસેફની ફેમિલીમાં બીજું કોઈ ન હતું. જોસેફના માતા-પિતા કોઈ અનાથાશ્રમમાં મળેલા, ત્યાજ સાથે મોટા થયા અને પછી લગ્ન કરી લીધા હતા. એ લોકો અમદાવાદ આવ્યા ત્યારે હું પણ લગભગ ૩ વર્ષનો હતો. જોસેફના પરિવાર સાથે અમદાવાદ શિફ્ટ થયાના થોડાકજ મહિનાઓમાં સંજય ગાંધીનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું જેનાથી આખા દેશને આઘાત લાગ્યો હતો. આમાંથી ઘણી બધી વાતો મારી મપ્પાએ મને કીધી છે અને મોટા થયા પછીની વાતો મને યાદ છે. મપ્પા કોણ છે એના વિષે હું આગળ જણાવીશ.

થોડાક સમયમાં જોસેફના માતા-પિતા અને મારા માતા-પિતા વચ્ચે ખૂબ સારી મિત્રતા થઈ ગઈ. માટેજ લગભગ બે વર્ષ એટલેકે ૧૯૮૨માં અમને બંનેને એજ સ્કૂલમાં મૂક્યા જ્યાં મારી મોટી બહેન સુહાના ભણતી હતી. જેથી એ અમારું ધ્યાન પણ રાખી શકે અને અને અમે બંને સરખા હોવાથી અમને એકબીજાની કંપની પણ મળી રહે.

અમારા પરિવાર ફરવા માટે પણ જોડેજ જતા. મારા દાદાજીની તબિયત સાજી-માંદી રહેવાના કારણે દાદા અને દાદી મોટાભાગે ઘરેજ રહેતા. અમે અમારી કાળા કલરની ફિયાટ ગાડી ૧૩૩૦માં જ ફરવા જતા કારણકે મારા પિતાને ગાડી ચલાવવું ખૂબ ગમતું. મારા પિતાજી ગાડીનું ખુબ ધ્યાન રાખતા અને એને રોજ જાતેજ સાફ કરતા. જોકે એ ગાડીનો એક વાર એક્સિડન્ટ થયો હતો ત્યારથી એની ડેકી થોડીક વળી ગઈ હતી અને એના કારણે અમારે ચોમાસામાં એને ફરીજીયાત ઢાંકવી પડતી નહિતર વરસાદનું પાણી એમાં ઘૂસી જતું અને આખી ડેકી પાણી પાણી થઇ જતી.

જોસેફના પિતા સરકારી નોકરી કરતા અને મારા પિતાની સાબુ બનાવવાની ફેક્ટરી હતી. અમારા બંનેના માતા ઘર સંભાળતી. મારી માતા મારા પિતાજી કરતા વધુ ભણેલા હતા માટે શરૂઆતમાં મારા પિતાની ધંધામાં મદદ કરતા પણ મારા જન્મ પછી મારુ અને દાદા-દાદીનું ધ્યાન રાખવામાંથી સમય ન મળતો હોવાથી એ ઘરે જ રહેવા લાગ્યા. જો મારી માતા-પિતાએ જોડે રહીને સાબુની ફેકટરી સભાંળી હોત તો આજે એ ફેક્ટરીની વાત કઈક અલગ હોત.

હું અને મારી બહેન સુહાના ખુબજ બાઝતા, એકબીજાને મારતા અને ખુબ રડતા. આ જોઇને જોસેફ ખુબ દુખી થઇ જતો. અને એ પણ ઘણી વાર મને જોઇને રડવા લાગતો ખબર નહિ કેમ. ઘણી વાર તો હું અને સુહાના એટલું ઝગડતા કે જોસેફના માતા-પિતાને પણ અમને સમજાવવા આવવું પડતું. મારા માતા તો અમારા આવા અવાર-નવાર ઝગડાઓથી કંટાળી ગયા હતા. અમે જેટલું ઝગડતા એટલુજ જલ્દી શાંત પણ થઇ જતા. ઝગડાના બીજા દિવસે કોઈ કહી ન શકે કે અમે કાલે એકબીજા જોડે આટલું બધું બાઝેલા કારણકે બીજા દિવસે હું અને સુહાના એકબીજા જોડેજ રમતા હઈએ અને આ જોઇને જોસેફને ખુબ નવાઈ લાગતી.

દર વર્ષની જેમ ૧૯૮૫માં અમારા બન્નેના પરિવારે બહારગામ ફરવા જવાનો પ્લાન બનાવ્યો એ સાંભળી હું અને જોસેફ ખુબ ખુશ થઇ ગયા. અમે લોકો લગભગ ત્યારે ૩જા ધોરણમાં ભણતા હતા. આ એજ વર્ષ હતું જયારે ભારત સરકારે આતંકવાદીઓ સામે લડવા અને એમને રોકવા ટાડા એક્ટ પાર્લામેન્ટમાં પસાર કર્યો હતો. મને એટલે યાદ છે કે મારા અને જોસેફના પિતાજી ઘણી વાર આના વિષે વાત કરતા. જોસેફના પિતા ઈતિહાસ-પ્રેમી હતા એટલે અમને ત્રણે જણને ઈતિહાસ વિષે જાણવું ખુબ ગમતું. ૧૯૮૦ થી ૧૯૮૫, આ પાંચ વર્ષમાં હું અને જોસેફ પાક્કા દોસ્ત બની ગયા હતા. જોસેફને મારી માતાનું બનાવેલું ખાવાનું ખુબ ભાવતું એટલે અઠવાડિયામાં ૩ થી ૪ વાર તો એ મારા ઘરેજ જમતો, અમે જોડે રમતા, જોડે સ્કુલે જતા અને ઘણી વાર તો રમતા-રમતા એકબીજાના ઘરે પણ ઊંઘી જતા.

પીકનીક જવાનું છે એ વાત સાંભળીને અમે લોકોએ પહેલા એક લીસ્ટ બનાવ્યુ કે, અમે બેગમાં શું શું લઇ જઈશું અને એ લીસ્ટ પ્રમાણે પોત-પોતાના ઘરે જઈને બેગ પેક કરી દીધી. થોડીકવાર રહીને અમે બંને જણે અમારા ઘરની બારીમાંથી એક બીજાને ઈશારો કરી દીધો કે બેગ પેક થઇ ગઈ છે. થોડીક વારમાં જયારે મારી માતા મારા રૂમમાં આવી ત્યારે મારી પેક કરેલી બેગ જોઈને કીધું કે તમારે અમારી જોડે ફરવા નથી આવવાનું. આ સાંભળીને મેં જેવું રડવાનું ચાલુ કર્યું એ પહેલાતો જોસેફનો રડવાનો અવાજ મને સંભળાયો (કદાચ આન્ટીએ પણ એની બેગ જોઈ લીધી હશે) અને અમે બંને જણાએ એક સાથે રડવાનું ચાલુ કર્યું. અમારા પરિવાર ભેગા થઇ ગયા અને અમને બંને સમજાવવા લાગ્યા કે અમે લોકો માત્ર ૨ જ દિવસ માટે જઈએ છીએ અને અત્યારે શિયાળો છે માટે આબુમાં ખુબ વધારે ઠંડી ખુબ હશે. અમને સમજાયું કે તમે બંને જણા સુહાના અને દાદા-દાદી જોડે રહેજો. અમે બંને જણાએ રડવાનું તો બંધ કરી દીધું પણ પીકનીક પર જવાની અમારી ઈચ્છા હજુ પણ અડગ હતી. અમને સમજાવવાનો કાર્યક્રમ પતી ગયા પછી અમે બંને જણા ભેગા થયા અને એક પ્લાન બનાવ્યો.

આવતીકાલે અમારા બંનેના માતા-પિતા સવારે ૬ વાગે ગાડી લઇને આબુ જવા નીકળી જવાના હતા. અમે બનાવેલા પ્લાન પ્રમાણે અમે વહેલા ઊંઘી ગયા. શનિવારની સવાર પડી અને અમારી બંનેની ઘડિયાળમાં મુકેલું ૫ વાગ્યાનું અલાર્મ મારી ઘડિયાળમાં વાગ્યું. મારા અલાર્મથી હું ઉઠી ગયો પણ મારી બહેન સુહાના ન ઉઠી એ સારું થયું નહીતર અમારો પ્લાન નિષ્ફળ થઇ ગયો હોત. મેં ઉઠીને તરત જોસેફના રૂમની બારી ઉપર ટોર્ચ કરીને એને મેસેજ પહોચાડ્યો કે હું ઉઠી ગયો છું અને એને પણ એવોજ મેસેજ મને આપ્યો. અમે બંને હવે મારી ગાડીની સામે જોઇને પોતપોતાના ઘરે બેસી રહ્યા હતા. થોડીક વારમાં બધો સામાન મારી ગાડીની ઉપર કેરિયર પર મુકાઇ ગયો. ડેકી થોડી ખરાબ હોવાથી અમે એ ડેકીમાં અગત્યનો સામાન મુકવાનું ટાળતા. થોડીવારમાં અમારા માતા-પિતા ગાડીમાં બેસીને દરવાજો બંધ કર્યો એવું તરતજ અમે લોકોએ બનાવેલા પ્લાન પ્રમાણે ધીમે રહીને પાછળ જઈને ડેકીમાં પોતપોતાની બેગ લઈને બેસી ગયા. ડેકીનું લોક હું રાત્રે જઈને ખોલી આવ્યો હતો. અત્યારે યાદ કરું છું એ ઘટના તો દિલદિમાગ સુન થઇ જાય છે. ડેકીમાં બેઠા અને મારા પિતા અમને જોઈ ન ગયા એની માટે નહિ પણ હવે થોડીવારમાં જે થવાનું હતું એની માટે.

પિતાએ ગાડી શરુ કરી અને પહેલા ગેયરમાં ગાડી નાખી કે તરત ડેકીમાં અમારું માથું ભટકાયું. ગાડીમાં કદાચ એમેની વાતો અને સંગીત ચાલતું હશે એટલે અમારો અવાજ એમના સુધી નહિ પોહ્ચતો હોય. ગાડી જેવી હાઇવે પર ચઢી, અમે બંને એકબીજાને સામે જોઈને હસવા લાગ્યા જાણે અમે બહુ મોટું પરાક્રમ કર્યું હોય. ડેકીમાં અંધારું ખુબ હતું માટે અમે ટોર્ચ કાઢ્યો અને અજવાળું કર્યું. બેગમાંથી રમકડા કાઢ્યા અને રમવાનું ચાલુ કર્યું. અમને બંનેને શ્વાસ લેવામાં વધારે તકલીફ પડતી ન હતી કારણકે ડેકી એકબાજુથી એક્સીડેન્ટના કારણે વળી ગયેલી હતી જેના કારણે થોડી હવા અંદર આવતી હતી. થોડીવાર થઇ અને ગાડી ઉભી રહી, અમને લાગ્યું કે કદાચ એ લોકો ચા-નાસ્તો કરવા ઉભા રહ્યા હશે. અમને પણ ભૂખ લાગી હતી. નક્કી કર્યા પ્રમાણે જોસેફે દરેક વસ્તુ બેગમાં લીધી હતી પણ હું નાસ્તો લેવાનું ભૂલી ગયો હતો. જોસેફના નાસ્તાથી અમારી ભૂખ સંતોષાઈ ગઈ અને એટલી વારમાં ગાડી ફરીથી ચાલુ થઇ અને અમે પાછુ ડેકીમાં રમવાનું ચાલુ કરી દીધું. અમે વાતો કરતા અને રમતા એટલું ધ્યાન રાખતા કે વધારે અવાજ ન થાય. રમતા રમતા જોસેફની આંખો મીંચાઈ ગઈ અને એ ઊંઘી ગયો, મને ઊંઘ નહોતી આવતી અને હું હાથમાં રમકડું પકડીને બેસી રહ્યો. થોડીક વારમાં મારી આંખોની સામે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું અને મારી પણ આંખ મીંચાઈ ગઈ.

જેવી આંખો મીંચાઈ ગઈ અને જે ન્હોતું થવા જોઈતું હતું એ થયું, તરત જાણે ખુબ મોટો ખાડો આવ્યો હોય એમ ગાડી પછડાઈ, હું અને જોસેફ સામ-સામે અથડાયા એક વાર નહિ ગણી બધી વાર અને અમે રડવા લાગ્યા. અમે બંને એકબીજાના માથામાંથી નીકળતું લોહી જોઇને ખુબ ગભરાઈ ગયા અને ચીસો સાથે વધારે રડવા લાગ્યા. અમે બંને મમ્મી-મમ્મી એવી બુમા પાડવા લાગ્યા. અમારા બંનેના માતા-પિતાની ચીસો પણ અમને સંભળાવા લાગી. ગાડી બે ત્રણ વાર રોલર-કોસ્ટરની જેમ ગોળ-ગોળ ફરી ગઈ હોય એવું મને મેહસૂસ થતું હતું. થોડીકજ વારમાં મારી આંખો ફરીથી બંધ થઇ ગઈ અને બધો અવાજ જે મારા કાનમાં પડતો હતો એ પણ બન્દ્ધ થઇ ગયો અને હું બેભાન થઇ ગયો.

થોડીક વાર રહીને અમને કોઈએ ડેકીને કાપીને/તોડીને બહાર કાઢ્યા. અમે બહાર જોયું તો ગાડીની ચારે બાજુ લોહી હતું અને ઘણા બધા લોકો ભેગા થઇ ગયા હતા. અમારી જેમ એમને પણ ગાડીમાંથી બહાર કાઢી દીધા હતા અને એમની લાશ રસ્તાની એકબાજુ મૂકી હતી. અમારા બંનેના માતા-પિતાએ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુક્યા હતા. અમને પોલીસે પહેલા દવાખાને ઈલાજ માટે મોકલ્યા અને પછી અમારા ઘરના સરનામાની તપાસ કરીને ઘરે પહોચતા કર્યા. અમારા માતા-પિતાની લાશ જોઇને મારા દાદા-દાદીએ શું પ્રતિભાવ આપ્યો હશે એ હું અત્યારે ૪૩ વર્ષની ઉંમરે સમજી શકું છું. મારી બહેન સુહાનાએ એવા સમયે પોતાને અને અમને કેવી રીતે સભાળ્યા હશે એ મને હજુ વિચારમાં મૂકી દે છે. દાદા-દાદી હતા ત્યાં સુધી મને અને જોસેફને એમને સાચવ્યા પણ થોડા વર્ષો પછી બન્નેનું બીમારીના કારણે મૃત્યુ પામ્યા અને સુહાનાએ અમને બંનેનું ખુબજ ધ્યાન રાખીને મોટા કર્યા. સુહાના મારા કરતા લગભગ ૧૨ વર્ષ મોટી હતી માટેજ એ ખુબ પરિપક્વ હતી.

થોડાક મોટા થયા અને સમજણા થયા પછી અમે સુહાનાને પ્રેમથી મપ્પા કહીને બોલાવવા લાગ્યા હતા. કારણકે અમને બંનેને ખબર હતી કે સુહાના જ અમારા માટે મમ્મી અને પપ્પા છે. એ કાર-દુર્ઘટનાએ અમારા બધાની ઝીંદગી સંપૂર્ણ રીતે બદલી કાઢી હતી ખાસ કરીને જોસેફની, જે ફરીથી એના માતા-પિતાની જેમ અનાથ થઇ ગયો હતો જેનો અર્થ જોસેફને ખબર પણ નહોતી. મને ઘણા વર્ષો સુધી એ ખબર નહોતી પડી કે આખરે એ કાર-દુર્ઘટના વખતે જે લોકોએ અમને ડેકીમાંથી બહાર કાઢ્યા એમને ખબર કેવી રીતે પડી કે અમે લોકો ડેકીમાં હતા. એકવાર મેં આ પ્રશ્ન મપ્પાને પૂછ્યું, તો એમને કીધું કે, જોસેફની ઘડિયાળમાં અલાર્મ ધીમે ધીમે વાગી રહ્યું હતું અને મારા ટોર્ચનો પ્રકાશ થોડો થોડો પેલી વળી ગયેલી ડેકી વાળા ભાગમાંથી દેખાઈ રહ્યો હતો. ત્યારે મને એ દિવસની સવાર યાદ આવી કે જોસેફ એની એલાર્મથી નહિ પણ મારા ટોર્ચના પ્રકાશથી ઉઠેલો કારણકે એને પોતાની ઘડિયાળમાં અલાર્મનો સમય ભૂલથી ખોટો મુકેલો અને એ ખોટા સમયનું અલાર્મ એ કારદુર્ઘટના થયાના થોડીકજ વારમાં વાગ્યું હશે, જેના કારણે અમે બંને જણા એ દિવસે બચી ગયા. જો એ એલાર્મ ન વાગ્યું હોત તો અમારું બચવું શક્ય ન હતું. અમુક વાર ભૂલથી થયેલું કાર્ય સારા પરિણામ આપી જાય છે એનો એ દાખલો હતો.

એ ઉંમર એવી હતી કે માતા-પિતાને ગુમાવવું શું હોય છે એ ખબર ન હતી અને અત્યારે પણ ખબર નથી કારણકે મપ્પાએ અમને ક્યારેય એવું લાગવાજ નથી દીધું કે અમારા માતા-પિતા આ દુનિયામાં નથી, પણ મપ્પાને મારા માતા-પિતાની કમી આજદિન સુધી વર્તાતી હશે. એમને અમારા માટે જે ભોગ આપ્યો છે એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી, એ ફક્ત એક ઉમર વટાવ્યા પછીજ સમજી શકાય છે. માપ્પાએ અમારી જવાબદારીને કારણે ખુબ મોડા લગ્ન કર્યા અને એ પણ અમે ઘણું સમજાવ્યા બાદ.

જોસેફ એ કાર દુર્ઘટનાથી લઈને અમે ૧૫-૧૬ વર્ષના થયા ત્યાં સુધી એ મપ્પાને લઈને ખુબ લાગણીશીલ હતો અને મંત્ર-મુગ્ધ પણ. એને એ સમજાતુજ ન્હોતુ કે ભાઈ-બહેનનો પ્રેમ આટલો અદભૂત કેવી રીતે હોઈ શકે. એ ઘણીવાર મને કહેતો કે એ દુર્ઘટના પછી જો મપ્પા આપડી જોડે ન હોત તો આજે આપડું શું થયુ હોત. એ મને ભાઈ-બહેનના સબંધ વિષે ઘણા પ્રશ્નો પૂછ્યા કરતો કે તમે લોકો બાળપણમાં આટલું બધું ઝઘડતા-રડતા-એકબીજાને કોક વાર મારતા અને બીજા દિવસે ફરી પાછા સાથે જાણે કશું થયુજ ન હોય, આવું કેવી રીતે થઇ શકે?, આવી લાગણી દુનિયાના બીજા કોઈ રિલેશનમાં કેમ નથી? તમે કેવી રીતે એ ઝઘડા ભૂલીને એકબીજાને માફ કરી દેતા?, આ પ્રશ્નનો જવાબ મારી જોડે ત્યારે પણ નહોતો અને આજે પણ નથી અને કદાચ કોઈપણ ભાઈ કે બહેન જોડે નહિ હોય. આનેજ તો લોહીનો સબંધ કહેવાય.

જોસેફને પહેલેથી કોઈ નવી વસ્તુ વિષે ઊંડાણમાં જાણવાનો ખુબ શોખ હતો અને એ શોખને એણે ટેવમાં અને એ ટેવને એણે પોતાના પ્રોફેશનમાં ફેરવી. મપ્પાએ અમને બંનેને ૧૯૯૫-૯૯માં સુરતથી એજીનીયરીંગ કરાવડાવ્યું. આ વર્ષો ભારતના ઈતિહાસની દ્રષ્ટીએ યાદગાર હતા કારણકે ૧૯૯૫માં જયારે અમે એડમીશન લીધું એ વર્ષમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થયું હતું જે અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ કહેવાય છે અને ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી આપડા દેશના ભાજપ તરફથી સૌપ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા જેમને વિશ્વાસનો મત ન મળતા ૧૬ જ દિવસમાં એમને પ્રધાનમંત્રી પદેથી નીકળી રાજીનામું આપવ્યું પડ્યું હતું. જયારે અમે અમારું એન્જિનિરીંગ ૧૯૯૯માં પૂરું કર્યું ત્યારે અમને પણ એવીજ ખુશી થતી હતી જેવી આપડા સૈનિકોને પાકિસ્તાન સામે એ વર્ષે કારગીલ ઉપર જીત મેળવીને થઇ હશે. મપ્પાએ જોસેફનો શોખ જોઇને એને કેમિકલ અને મને મશીનો ખુબ ગમતા એટલે મેકેનીકલ કરાવડાવ્યું હતું.

જોસેફને હજુ મારા અને બહેનનો સબંધ એક અજાયબી જેવો લાગતો હતો અને એને કેમિકલ એન્જિનિયરીંગ કર્યા પછી સાયન્સટીસ્ટ બનવાનું નક્કી કર્યું અને બ્લડ-રિલેશન ઉપર એને પોતાની સ્ટડી ચાલુ કરી. એન્જિનિરીંગ કર્યા પછી દિવસ રાત એ આજ વસ્તુ વિષે વાંચતો અને જાણવાનો પ્રયત્ન કર્યા કરતો. આ ટોપિક વિષે મને અને મપ્પાને જેટલા પ્રશ્નો પૂછવાના હતા એટલા પૂછી લીધા હતા. અને એણે હવે એ દેશ-વિદેશમાં જેટલા લોકોએ આ વિષય પર અભ્યાસ કર્યી હતો એ લોકોની બુક્સ એને વાંચી લીધી હતી. એને લગતા બ્લોગ્સ/જર્નલ કોઈ વસ્તુ બાકી રાખી ન હતી. આ વિષય પર અભ્યાસ કરનારા ઘણા ઓછા લોકો હતા પણ જેટલા હતા એટલા જોસેફને જરૂર ઓળખતા હતા. જોસેફે જાણે જીવનનું એક માત્ર લક્ષ્ય આજ હોય એવી રીતે ૧૯૯૯થી સતત ૩-૪ વર્ષ આના વિષે દરેક માહિતી ભેગી કરવા લાગી ચુક્યો હતો અને એને કરેલી સ્ટડીઝ પરથી થીસીસ અને બુક્સ પણ લખી હતી. ૨૦૦૩માં જોસેફના આ વિષય પરના યોગ્દાન માટે સરકાર તરફથી સન્માન મળશે તેવું જાહેર થયું.

અમે લોકો જોસેફ માટે ખુબ ખુશ હતા. જે દિવસે એને સન્માન મળ્યું એ દિવસે ઘણા મીડિયાવાળા/જર્નાલીસ્ટ ત્યાં હાજર હતા એમાંથી ઘણા લોકોએ જોસેફના અત્યાર સીધીના એના યોગદાન અને મહેનત માટે પ્રશંશા કરી અને જોસેફને પૂછ્યું કે, હવે આ વિષયમાં આગળ શું કરવાનું વિચારી રહ્યા છો? ત્યારે જોસેફે કીધુ કે આતો હજુ આ વિષય પર ભારત તરફથી શરૂઆત થઇ છે હજુ તો બહુ લાંબો રસ્તો કાપવાનો બાકી છે અને જોડે જોડે એને પ્રથમવાર આ બધું કરવા માટેનું કારણ અને આગળ એ શું કરવા માંગે છે તે પણ જણાવ્યું. એ સાંભળીને ઘણા લોકોએ એની મજાક ઉડાવી અને એની એ વાતને હસવામાં કાઢી નાખી. જોસેફ જયારે ઘરે આવ્યો ત્યારે મેં અને મપ્પાએ એને હિંમત આપી કે લોકો શું વિચારે છે એને ભૂલીજા અને તું જે કરવા માંગે છે એજ કર. મને ખુદને એવું લાગતું હતું કે જોસેફ જે કરવા માંગે છે અને જે દવાની શોધ કરવા માંગે છે એ કદાચ આજ દિન સુધી કોઈએ વિચાર્યું નહિ હોય. જોસેફે આ વિષે દુનિયાભરની માહિતી ભેગી કરી કાઢી હતી અને એ એવા દરેક લોકોને ઓળખતો હતો જેમને એ વિષય પર કશુક ને કશુક યોગદાન આપ્યું હોય.

જોસેફના એ ઈન્ટરવ્યુંને ઘણા લોકોએ હસવામાં કાઢી દીધો. જોસેફનો ઈન્ટરવ્યું ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જે પોતે પણ એક મહાન સાયનટીસ્ટ હતા અને જે ૨૦૦૨માં આપડા દેશનાં ૧૧માં પ્રેસિડેન્ટ બન્યા હતા તેમને સાંભળ્યો. જોસેફ જે કરવા માંગતો હતો તે સાંભળીને તેઓ જોસેફથી ખુબ પ્રભાવિત થઈ ગયા હતા અને એને પોતાને મળવા બોલાવ્યો હતો. જોસેફ એવા બહુ ઓછા લોકોમાંનો એક વ્યક્તિ હતો જેને અબ્દુલ કલામે સામે ચાલીને પોતાને મળવા બોલવ્યો હોય. જોસેફે મને કીધું હતું કે કલામ સર જોડે એને શું શું વાતો કરી અને એનો અનુભવ કેવો રહ્યો. એ સાંભળીને હું પોતે પણ ખુબ રોમાંચિત થઇ ગયો હતો. ડૉ. અબ્દુલ કલામે જોસેફને એક બીજા સાયનટીસ્ટને મળાવ્યા જે જોસેફને એની શોધને આગળ વધારવામાં કરવામાં મદદ કરવાના હતા. વિદેશમાંથી ઘણા દેશોના નિમંત્રણ જોસેફને મળવા લાગ્યા હતા. જોસેફ હંમેશાથી પોતાના દેશમાંજ રહીને પોતાના લક્ષ્યને પૂરું કરવા માંગતો હતો. જોસેફ કોઈ પણ ભોગે મને મપ્પાને અને દેશને છોડીને જવા માંગતો ન હતો.

આજની વાત કરું તો, ૨૦૦૩ થી ૨૦૨૦ સુધીમાં એટલેકે ૧૭ વર્ષોમાં જોસેફ એના લક્ષ્યની ખુબ નજીક પહોચી ગયો છે. દેશ-વિદેશમાં ખુબ નામના મેળવી ચુક્યો છે. હું મર્સિડીઝ કંપનીમાં ગુજરાત હેડ છુ. મપ્પા એના હસબંડ જોડે NGOમાં અનાથ બાળકો માટે કામ કરે છે. જો અમે ચાર જણા પોતપોતાના કામથી બહારગામ/બહારદેશ ન હોઈએ તો મારો જોસેફનો મપ્પા અને સુનીલનો(મપ્પાનો હસબંડ) પરિવાર આજે પણ એક સાથે બેસીને જોડેજ ડીનર કરીએ છીએ. અમે બધાએ એકબીજાને કીધું નહોતું પણ મનોમન નક્કી કરેલું હતું (ખાસ કરી ને મેં અને જોસેફે) કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી જોડેજ રહીશું. ભલે એની માટે ગમે તે ભોગ આપવો પડે. કારણકે એ ભોગ મપ્પાએ અમારા માટે આપેલા બલિદાન સામે કશુજ નથી અને એ વાત મારી અને જોસેફની પત્ની ખુબ સારી રીતે જાણતી હતી. જોસેફ આટલો મોટો સાયન્ટીસ્ટ બની ગયા તે છતાય મપ્પા સાથે રહેવાનો મનોમન નક્કી કરેલો અમારો સંકલ્પ મારા કરતા જોસેફ આજે પણ વધારે નિભાવી જાણે છે.

જોસેફ શું શોધ કરવા માંગતો હતો એ જાણવું હોય તો તમને ગર્વથી જણાવી દઉં કે, “ જોસેફ એવી દવાની શોધ કરવા માંગતો હતો જેનાથી બે જુદી-જુદી વ્યક્તિઓને એકબીજા માટે એવી લાગણી ઉત્પન્ન થાય જેવી લોહીના સબંધ ધરાવતી વ્યક્તિઓને એકબીજા માટે હોય”. આ દવાનું નામ પણ જોસેફે “મપ્પા” ના નામે અત્યારથીજ પેટન્ટ કરાવી રાખ્યું છે.

ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, માતા-પુત્ર જેવા દરેક પ્રકારના લોહીના સબંધ, જેમાં બે વ્યક્તિ વચ્ચે ગમે તેવો સંકટ આવે, બે વચ્ચે અણબનાવ હોય, ઝગડે, લડે તે છતાય એકબીજા વગર રહીજ ન શકે. જોસેફે આ વસ્તુ મારા માટે મપ્પામાં આખી ઝીંદગી જોઈ હતી અને માટેજ પોતાની આખી ઝીંદગી જોસેફે આ એક વસ્તુની શોધ કરવામાં લગાડી દીધી.

સુકેતુ કોઠારી