JADIBUTTI in Gujarati Detective stories by Jayesh Soni books and stories PDF | જડીબુટ્ટી

Featured Books
Categories
Share

જડીબુટ્ટી

વાર્તા- જડીબુટ્ટી લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643
સુખપુર ગામમાં ચોરે ને ચૌટે એકજ ચર્ચા હતી.સ્મશાનભૂમિ માં એક ગોપાલગીરી નામના ચમત્કારી બાપુ હિમાલય થી પધાર્યા છે અને ત્રિકાળજ્ઞાની છે.પંદર દિવસ સુધી તેઓ ગુપ્ત સાધના કરીને ગામની ભૂમિને પવિત્ર કરશે અને પછી ગામ લોકોને મળશે અને હિમાલયની સિદ્ધ કરેલી જડીબુટ્ટીઓ થી ગામ લોકોની ગંભીર માં ગંભીર બિમારીઓ જડમૂળથી મટાડશે. એવો કયો વ્યક્તિ હશે જેને કોઇ બિમારી ના હોય.લોકો ક્યારે પંદર દિવસ પૂરા થાય એની રાહ જોઇને બેઠા હતા.
ગોપાલગીરી ની પધરામણી થયે આજે ચાર દિવસ થયા હતા પણ હજી સુધી કોઇએ તેમને જોયા નહોતા.પણ આજે ગામની એક વ્યક્તિ નું અવસાન થયું તેમની સ્મશાનયાત્રામાં આખું ગામ જોડાયું.મરનાર વ્યક્તિ કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ નહોતા પણ એ બહાને સ્મશાનભૂમિમાં ગોપાલગીરી સ્વામી તો જોવા મળશે એવું વિચારીને લોકો આવ્યા હતા.
સ્મશાનભૂમિમાં ગયા પછી લોકોએ ધૂણી ધખાવીને બેસેલા બાપજી ને દૂરથી જોયા.લાલ વસ્ત્રો ધારણ કરેલા,માથાના વાળ છૂટ્ટા, કપાળે ત્રિપુંડ,સફેદ દાઢી છાતી સુધી અડેલી, ગળામાં રૂદ્રાક્ષ ની મોટી માળા, ભરાવદાર શરીર, બેસેલા હતા પણ સાડા છ ફૂટની ઊંચાઈ હશે એવું અનુમાન થઇ શકે.શ્રદ્ધાળું લોકોએ તેમને દૂરથી પ્રણામ કર્યા.
મરનાર વ્યક્તિના અમુક સગા આજુબાજુ ના ગામેથી પણ આવ્યા હતા.તેમાંના એકભાઇએ દૂરથી ગોપાલગીરીને જોયા અને એકદમ અચરજથી બોલ્યા'આ બાપુને તો હું પાંચ મિનિટ પહેલાં અમારા ગામમાં મળીને આવ્યો છું.એટલીવારમાં અહીં પહોંચી ગયા? ' ટોળામાંથી કોઇ બોલ્યું ' તમે બીજા કોઇ બાપુને મળીને આવ્યા હશો'
' અરે ભાઇઓ આ સામે બેઠા એ જ બાપજી ને પાંચ મિનિટ પહેલાં મળીને આવ્યો છું' પેલા ભાઇ મક્કમ હતા.
બાજુમાં બીજા કોઇની ચિતા સળગી રહી હતી તેમના એક સગા આ ચર્ચા સાંભળતા હતા તેમણે આ ચર્ચા માં ભાગ લેતાં કહ્યું' ભાઇઓ અમે લોકો બે કલાકથી અહીં છીએ.બાપુ એમની જગ્યાએ થી ખસ્યા જ નથી તો પાંચ મિનિટ પહેલાં તમારા ગામમાં કેવી રીતે આવ્યા હોય?'
એકબાજુ ચિતા સળગી રહી હતી અને ચર્ચા માટે ટોળું મોટું બનતું જતું હતું એટલામાં બાપુનો ચેલો તાંબાનો લોટો લઇને પાણી ભરવા નીકળ્યો.પેલા ભાઈએ બધાની હાજરીમાં જ ચેલાને પૂછ્યું' બાપજી, હમણાં દસ મિનિટ પહેલાં ગોપાલગીરી સ્વામી મને બાજુના વીરપુર ગામે મળ્યા હતા કે નહીં?'
ચેલાએ નમ્રતાથી જવાબ આપ્યો' હા ભાઇ ગુરૂદેવ તમને મળ્યા હતા.ગુરૂદેવ તો તેમની દિવ્ય શક્તિ થી એકસાથે અનેક જગ્યાએ પ્રગટ થતા રહેછે' આટલું કહીને માથું નમાવીને ચેલો જતો રહ્યો.હવે કોઇની પાસે શંકાનું કોઇ કારણ નહોતું.બધા અહોભાવથી સ્વામીજી સામે જોઇ રહ્યા હતા.
સ્વામીજી ની ગુપ્ત સાધનાનો આજે સાતમો દિવસ હતો.આજે એક ભાઇ એવી વાત લાવ્યા કે સ્વામીજી હિમાલયના સિદ્ધ યોગી છે.અને તેમના તપોબળથી સિદ્ધ કરેલી જડીબુટ્ટીઓ લોકોને આપેછે એટલે રોગ જડમૂળથી મટી જાયછે.
આજે બપોરના સમયે ગામમાં એસ.ટી.બસ આવી એના ડ્રાઇવર, કંડકટર ચા પાણી કરવા નીચે ઉતર્યા હતા.ચા ની હોટલ આગળ પણ સ્વામીજી ની જ વાતો ચાલતી હતી.એટલામાં કંડકટર બોલ્યો ' ભાઇઓ,મારા બંને ઘુંટણ ખલાસ થઇ ગયા હતા.ડોક્ટરે કહી દીધું હતું કે બંને પગે ઓપરેશન કરાવવું પડશે.પણ મારા સદનસીબે મને ગોપાલગીરી સ્વામી નો મેળાપ થયો અને તેમની જડીબુટ્ટીઓ થી વગર ઓપરેશને બંને ઘુંટણ સાજા થઇ ગયા.' લોકો કંડકટર ના પગ સામે જોઇ રહ્યા હતા. એક જણે પૂછ્યું ' માસ્તર, સ્વામીજી ને કેટલા પૈસા આપવા પડ્યા?'
કંડકટરે જવાબ આપ્યો ' બાપજી તો માગતા નથી પણ મેં તેમના આશ્રમ માટે પચાસ હજાર રૂપિયા આપ્યા.ડોકટરે ઓપરેશન ના ચાર લાખ ના પડાવી લીધા હોત? અને પીડા સહન કરવી પડી હોત એ વધારામાં.'
આટલું કહીને કંડકટર બસ માં ચડવા ગયો પણ કંઇક વિચારીને પાછો ટોળા પાસે આવ્યો અને ' પણ એક વાત ખાસ યાદ રાખજો કે બાપજી દવા આપશે પછી વીસમા દિવસથી દવાની અસર શરૂ થશે એટલે કોઈએ શંકા કરવી નહીં પણ શ્રદ્ધા રાખવી'
બે દિવસ પછી પૂર્ણેશ્વર મહાદેવ ના મંદિરમાં સમૂહ યજ્ઞ હતો એટલે ગામલોકો ભેગા થયા હતા.તે વખતે બાજુના ગામમાંથી એક પંડિત આવ્યા હતા તેમને ખબર પડીકે ગામમાં ગોપાલગીરી બાપુ પધાર્યા છે એટલે એમણે ગામલોકોને કહ્યું ' તમે નસીબદાર છો કે બાપજી તમારા ગામમાં પધાર્યા છે.મારા કાકા નું ગળાનું કેન્સર બાપજી એ ફક્ત એક મહિનામાં દેશી જડીબુટ્ટીઓ થી મટાડ્યું હતું.જેમને કોઇપણ બિમારી હોય, ગંભીર માં ગંભીર બિમારી હશે તો પણ બાપજી જડમૂળથી મટાડશે.'
ગોપાલગીરીની પંદર દિવસની ગુપ્ત સાધના આજે સંપન્ન થઇ ગઇ હતી.આવતીકાલથી તેઓ પૂર્ણેશ્વર મહાદેવ ના મંદિરમાં દર્દીઓ ને દવા આપશે એવી ચેલાએ જાહેરાત કરી દીધી.સાથેસાથે ચેલાએ એવું પણ કહ્યું કે દરેક દર્દી શક્ય એટલો વધારે ફાળો આપે.કારણકે આ પૈસાથી અમારે હિમાલયમાં એક આશ્રમ અને દેશી દવાની ફાર્મસી ખોલવાની છે.

જે સજ્જન પચાસ હજાર કે તેથી વધારે ફાળો આપશે તેમના આખા કુટુંબને આજીવન કોઇપણ રોગની દવા ફ્રીમાં ઘરે બેઠાં મોકલવામાં આવશે.
બીજા દિવસથી મોટી લાઇન લાગી એ વખતે જ ચેલાએ જાહેરાત કરી કે ' દવાની અસર વીસમા દિવસથી શરૂ થશે અને પછીના દસ દિવસમાં રોગ જડમૂળથી મટી જશે.લકવો,સફેદદાગ, કેન્સર,કીડની રોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હ્રદયરોગ આટલા રોગોને મટતાં એક મહિનો લાગશે.'
આજુબાજુના ગામની પબ્લિક પણ આવવા લાગી.દસ દિવસમાં ગોપાલગીરી બાપુ પાસે ત્રીસ લાખનો ફાળો થઇ ગયો.લોકો પૂરી શ્રદ્ધા થી દવાઓ ખાઇ રહ્યા હતા .
અગિયારમા દિવસે પૂર્ણેશ્વર મહાદેવના મંદિરમાં પોલીસવાન આવીને ઊભી રહી.પોલીસે લોકોને બહાર કાઢ્યા અને દસ મિનિટ પછી ગોપાલગીરી સ્વામી અને ચેલાને હાથકડી પહેરાવીને ઇન્સ્પેક્ટર બહાર લાવ્યા.બંનેને વાનમાં બેસાડી દીધા.લોકો હજી આઘાતમાંથી બહાર આવ્યા નહોતા.ઇન્સપેકટર સાહેબે ટોળા સામે જોઇને કહ્યું ' આવતીકાલનું 'અગ્નિપંથ 'ન્યુઝ પેપર વાંચજો.તમારા બધા પ્રશ્નો ના જવાબો મળી જશે.અને જે લોકોએ આ ઠગોને રૂપિયા આપ્યા હોય એ કાલે ફરિયાદ લખાવી જશો. પોલીસવાન રવાના થઇ ગઇ.
બીજા દિવસે સવારે અગ્નિપંથ ન્યુઝ પેપર આવ્યું.લોકો કાગડોળે પેપરની રાહ જોઇને જ બેઠા હતા.
પહેલા પાને જ બાહોશ પત્રકાર કમ ડિટેકટીવ સુધીરશર્મા નો રિપોર્ટ હતો.સુધીરશર્મા નું નામ સાંભળીને ગુનેગારો થરથરતા.એ હતા તો અગ્નિપંથ ના ઍડિટર પણ કામ ડિટેકટીવ નું હતું.આજનો તેમનો રિપોર્ટ આ મુજબ હતો.
' બે મહિના પહેલાં શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ મહિલા જે બંગલામાં એકલા જ રહેતા હતા તેમના ઘરે ભરબપોરે ચોરો ઘુસ્યા અને દરદાગીના ની ચોરી કરીને ભાગતા હતા પણ આ વૃદ્ધા એ પ્રતિકાર કરતાં ચોરો તેમનું ખૂન કરીને ભાગી ગયા.આ ઝપાઝપી અને બૂમબરાડા થી આખી સોસાયટી બહાર આવી ગઇ હતી.ચોરોને ભાગતા પણ લોકોએ જોયા.ત્રણ ચોર હતા.ભરબપોરે ચોરી અને વૃદ્ધા ની હત્યા થઇ એટલે કેસ હાઇ પ્રોફાઇલ થઇ ગયો.પોલીસ દોડતી થઇ.અને પોલીસ ખાતાએ સુધીરશર્મા ને ઇન્વેસ્ટીગેશન નું કામ ખાનગીમાં સોંપ્યું.પોલીસ કમિશનર સુધી સુધીર શર્માનું નામ અને કામ જાણીતું હતું.
તપાસ વખતે સોસાયટીના જ એક યુવાને જે આર્ટીસ્ટ હતો તેણે ત્રણેય ગુનેગારો ના સ્કેચ દોરી આપ્યા.સ્કેચ એટલા જોરદાર બનાવ્યા હતા કે સામાન્ય માણસ પણ આ સ્કેચના આધારે ગુનેગાર ને ઓળખી શકે.
એવામાં અમારી પાસે સમાચાર આવ્યા કે સુખપુર ગામમાં હિમાલયના કોઇ સંત આવ્યાછે અને તેઓ એક સાથે અનેક સ્થળે પ્રગટ થઇ શકેછે.આજથી આશરે બાવીસ દિવસ પહેલાં સુખપુર ગામમાં એક અવસાન થયું અને લોકો સ્મશાનભૂમિમાં એકઠા થયા હતા એ વખતે એક ભાઇએ એવો દાવો કર્યો હતો કે ગોપાલગીરી સ્વામી અત્યારે અહીં બેઠા છે પણ મેં પાંચ મિનિટ પહેલાં તો મારા ગામમાં જોયાછે.લોકોએ આ વાતને નકારી તો કાઢી હતી પણ ખુદ ચેલાએ આવીને આ વાતને સાચી ઠેરવતાં લોકો ચૂપ થઇ ગયા હતા.આ ભાઇ ને મળવું એવું અમે નક્કી કર્યું.અમે આ ભાઇને મળ્યા અને ચમક્યા.જે ત્રણ સ્કેચ અમારી પાસે હતા એમાં એક તો આ ભાઇનો જ હતો.પછીતો પોલીસ ઇન્સ્પેક્ટરે એ ભાઇને થર્ડ ડીગ્રી ટ્રીટમેન્ટ આપીને નાની યાદ કરાવી દીધી.પછી પોપટની જેમ બોલવા લાગ્યો.તેના બીજા બે સાથીદારો સુખપુર ગામના સ્મશાનમાં ગોપાલગીરી સ્વામી અને ચેલો બનીને લોકોને લૂંટીને પલાયન થવાનો પ્લાન બનાવીને બેઠા છે.લોકોમાં શ્રદ્ધા બેસાડવા આ ભાઇએ જ બાપજી ને એકજ સમયે બીજા ગામમાં જોયાની વાત ચલાવી અને ચેલાએ સમર્થન આપ્યું.એ પછી આ ભાઇએ કંડકટર ને મિત્ર બનાવીને તેના દ્વારા ઘુંટણ ની દવાની જૂઠી વાત ચલાવી.અમે તુરંત કંડકટર નો સંપર્ક કર્યો એટલે એ તો નોકરી જતી રહેવાની બીકે ગભરાઇ ગયો અને અમને કરગરવા માંડ્યો.તેણે કબૂલ કર્યું કે મને જૂઠું બોલવાના પાંચ હજાર રૂપિયા મળ્યા હતા.આ લોકો ખૂન અને લૂંટ કરીને ભાગેલા ગુનેગારો છે એવી કંડકટર ને કશી જાણકારી નહોતી એટલે એના ઉપર કયો આરોપ લગાવવો એ પોલીસ ખાતું નક્કી કરશે.હવે રહ્યા પંડિત કે જેમના કાકાનું કેન્સર બાપજી એ મટાડ્યું હતું.આવી જૂઠી વાત ચલાવવાના તેમને પણ પાંચ હજાર રૂપિયા મળ્યા હતા.ત્રણ હત્યારાઓ અને બે તેમના સહાયકોની ધરપકડ કરવામાં આવીછે.લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે ધર્મના નામે ધુતારા ચરી ખાય છે.જયાં ચમત્કાર ની વાત આવે ત્યાં શંકાથી જ જુઓ અને કશુંક રંધાઇ રહ્યું હોય ત્યારે તુરંત પોલીસ ખાતામાં જાણ કરો.જાગૃતિ રાખશો તો જ ગુના ઘટશે.બધા ભગવાધારી સંત નથી હોતા અને સંતો કદી ચમત્કાર નથી કરતા પણ લોકોને સન્માર્ગે વાળેછે.'