સૌના સંવાદનો નાદ શંખનાદ
22 માર્ચ 2020 ભારતના ઇતિહાસમાં ઉમેરાયેલું તારીખનું નવું પાનું. ન ભૂતો ન ભવિષ્યતિ. કોરોનાને પણ રડવું આવ્યું હશે એવો પડઘો બ્રહ્માંડમાં પડ્યો. મારે કોરોના વિશે કોઈ જ વાત નથી કરવી કારણ કે એના જાણકારો કરી જ રહ્યા છે. મારે તો વાત કરવી છે આજે ફક્ત અને ફક્ત સૌ ભારતીયોના અંતરના નાદની, જે શંખનાદ દ્વારા એક સચોટ અને મજબૂત સંવાદ બની રહ્યો. કોઇ જ પક્ષપાત નહીં, કોઈ જાતિ તે મહાન બનવાની કે કોઈ રાજકારણની વાત નહીં. આજે તો એક હતું તો ફક્ત ભારત, દિવાળીમાં જેમ સેટેલાઇટ દ્વારા પૃથ્વી નો ફોટો લેવામાં આવે અને ઝળહળતી દેખાઈ એમ આજે પણ એકાદ ફોટો લેવાયો હોય તો સારું. કારણ બ્રહ્માંડ માં આજે પૃથ્વી નાચતી દેખાય હશે. એક સ્વર એકતાનો, એક જ ધર્મ માનવતાનો. વડાપ્રધાનની એકવારની અપીલ અને જયઘોષ- ધ્વનિઘોષ.
સંધ્યાકાળે મંદિરમાં કે પછી મસ્જિદમાં અજાન ના સમયે જે અવાજ થતો હોય એ બ્રહ્મનાદ આજે બે કલાક આપણે ભારતીયોએ વહેલો કર્યો અને બ્રહ્માંડને ડોલાવ્યુ.
અવસરનો આનંદ હોય એમ ઝૂમી ઉઠ્યું ભારત. વાતાવરણ એકદમ આહલાદક - સકારાત્મક બની રહ્યું. સ્વયં ભારતમાતા જાણે આજે આખો દિવસ પંખીઓના કલરવમાં ગીત ગાતા રહ્યા અને આપણે એમના બાળકો- ભારતીયો સાંજે એમના એ પ્રેમને વધાવી રહ્યા. માં ભારતી પણ આજે ખૂબ ખુશ હશે.
ચોક્કસપણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલી અપીલનો એ પડઘો હતો કે પ્રતિઘોષ હતો. પરંતુ આ અવાજ એમના માટે ન હતો. આ હેતુ તો દેશના અનેક ક્ષેત્રના સેવકો, કાર્યરત લોકો માટે હતો. અહીં હું બોર્ડર પર આપણી રક્ષા કરતાં જવાનો ને કેમ કરી ભૂલી શકું? કારણ 21 માર્ચે જ આપણા 17 જવાનો નક્સલી હુમલા માં શહીદ થયા છે. આ બધાં એ જ એમના જીવનની, એમના પરિવારની ચિંતા કર્યા વિના માનવ કલ્યાણની રાહ પસંદ કરી છે. સો સલામ કરીએ તો પણ ઓછા જ પડે.
હેતુ જો ફક્ત ધન્યવાદનો જ હતો તો આ રીતે જ કેમ? ધ્વનિ ઘોષ થી જ કેમ? અવાજ કરીને જ કેમ? કોઈ હાર-તોરા સંમેલન વગેરે કાર્યક્રમો દ્વારા કેમ નહીં? તેની પાછળ પણ એક કારણ છે ધ્વનિનો. ધ્વનિનો સીધો સંબંધ નાદ સાથે છે. અને નાદનો સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. આપણને તો મજા પડી ગઈ હતી આખા દિવસના ઘરમાં ગોંધાયેલા, સાંજે તો આભાર વિધિ કરવાના બહાને સૌ કોઈ મોજમાં આવી ગયા. અરે ઘણી જગ્યાએ તો ગરબા એ થયા અને ફટાકડા એ ફૂટ્યા. અરે ભાઈ આજ તો ન કરવાનું હતું!
પણ આપણા ભારતીયો અને તેમાંય ગુજરાતીઓના ઉત્સાહને વળી કોણ પહોંચી શકે? આપણા ગુજરાતી માટે તો એમ પણ કહેવાય જ છે ને, કે "ગાંડી ગુજરાત".
નાદ ધ્વનિનો સીધો સંબંધ માણસના મસ્તિષ્ક સાથે છે. અવાજનો સીધો સંબંધ માણસના ભાવ સાથે રહેલો છે. નાદ- અવાજ -ઘોંઘાટ શબ્દો તો એક જ સરખા લાગે છે, એના અર્થ પણ એક જ થતા હોય એવું લાગે છે, પરંતુ બધાની અસર અલગ અલગ થાય છે. અને એ બધાની સીધી અસર મનુષ્ય શરીર પર થતી જ હોય છે.
મંદિરમાં ઘંટ કેમ વગાડીએ? ભગવાનને પ્રસન્ન કરવા કે પછી જગાડવા?
આપણે મંદિરમાં ઘંટ વગાડીએ છીએ કારણકે આપણામાં પણ એ બ્રહ્મ છે જ. ઘંટનાદ દ્વારા નવી ચેતના અને સકારાત્મક ઉર્જા ઉત્પન થાય અને મંદિરમાં રહેલા એ ભગવાન સાથે આપણે એકાકાર થઇ શકીએ. આપણું શરીર પણ ધ્વનિ જ પ્રતિક્રિયા છે. સ્ટિવન હેપર્ન કહે છે કે, " આપણે બધા ધ્વનિના મહાસાગર વચ્ચે રહીએ છીએ. આમાં કેટલાક ધ્વનિ તો આપણા માટે ખૂબ જ લાભકારક છે." બલ્ગેરિયાના ધ્વનિ વિજ્ઞાનની ડૉ. ખોજાનોર્વ એક પ્રયોગ દરમિયાન વિશેષ તાલનો ઉપયોગ કરી પ્રયોગપાત્રોને સામાન્ય અવસ્થા માંથી ગાઢ શિથિલીકરણની સમાધી અવસ્થામાં લઈ ગયા હતાં. અમુક વૈજ્ઞાનીક તો એવું કહે છે કે, " પૃથ્વી પર પહેલું અસ્તિત્વ આકૃતિનું નહીં પરંતુ ધ્વનિનું છે." કુદરત માં પણ એક અનેરું સાઉન્ડ સીસ્ટમ કામ કરી રહ્યું છે. એ પણ જાણવા જેવું અને રસપ્રદ છે.
કુદરતી ધ્વનિ- જંગલોનો અવાજ અથવા તો પક્ષીઓનું ગાયન તણાવ મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. માનસિક અને શારીરિક પીડા ઘટાડે છે. શારિરીક પ્રવૃતિ ને પ્રોત્સાહન આપે છે. આવું તો ઘણું બધું.
આપણે કરેલી ધ્વનિઘોષની પ્રવૃત્તિ આપણા માટે જીવના જોખમે કામ કરી રહેલાને નવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે જ અને હિંમત વધારવા માટે જ હતી. કારણ એ લોકો પણ સતત શારીરિક અને માનસિક બંને રીતે તણાવમાં રહેતાં હોય છે. અને સાથે સાથે આપણાં પણ નવી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય એ માટે જ હતી. એક રીતે જોવા જઈએ તો આભારવિધિ જ કહેવાય ને! કર્મચારીઓની પણ, આપણાં વડાપ્રધાનની પણ, અને આપણી પણ. કે એમણે આપણને એક જ અપીલ કરી , એક દિવસ ઘરમાં રહેવાની અને આ મહારોગ સામે ઘરમાં રહી જંગ છેડવાની. સલામ છે ભારતની જનતાને કે એમણે બરાબર વચન પાળ્યું અને સાંજે આપણા અને આપણા જ ભારતીય ભાઈ-બહેનો માટે ધ્વનિ ઘોષ દ્વારા આભાર માન્યો. આ અવાજ આપણે વડાપ્રધાન માટે નથી કર્યો. આપણા માટે જ કર્યોછે, પરંતુ એકવાર આ શંખ કે થાળી આપણા વડાપ્રધાન માટે પણ વગાડીએ તો ખોટું નહીં જ કહેવાય. અંધ ભક્ત નહીં પરંતુ જવાબદાર અને સમજદાર નાગરિક તો છીએ જ કે જેમણે શંખનાદ દ્વારા આ દેશ પાસે એકતાનો સંવાદ કરાવ્યો એ વડાપ્રધાન શાબાશીના હકદાર તો ખરા જ.
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ "
કિલ્લા પારડી.