Mahekta Thor - 29 - last part in Gujarati Fiction Stories by HINA DASA books and stories PDF | મહેકતા થોર.. - ૨૯ (અંતિમ)

Featured Books
Categories
Share

મહેકતા થોર.. - ૨૯ (અંતિમ)

ભાગ-૨૯

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ડૉકટર આયુષ સાથે વ્રતીને લગ્ન કરવા જોઈએ એવો પ્રસ્તાવ લાવે છે, પણ વ્રતી માનતી નથી હવે આગળ.....)

વ્રતીના બસ ડુસકા સંભળાઈ રહ્યા. વ્યોમે બધાને ઘરે જવા વિનંતી કરી. ધીમે ધીમે ભીડ વિખેરાઈ. વ્રતી પણ ઘર તરફ જવા ઉભી થઈ, વ્યોમ બોલ્યો,

"તમે થોડો સમય અહીં બેસો પછી હું ઘરે મૂકી જઈશ.."

વ્રતી બોલી, "ના મારે કોઈના સહારાની જરૂર નથી.."

એ ઘર તરફ ચાલતી થઈ....

આખો દિવસ વ્યોમ વિચારતો રહ્યો કે હવે આગળ શું કરવું. વ્યોમે વિચાર્યું વ્રતીને હમણાં થોડો સમય આપું, એકાંત મળશે એટલે એ થોડી સ્વસ્થ થશે પછી ફરી વાત કરીશ.

બે દિવસ પછી વ્યોમ ફરી વ્રતી પાસે ગયો. આ વખતે એ એકલો ન હતો, પ્રમોદભાઈ, કુમુદ, વ્રતીના માતાપિતા, વિરલના માતાપિતા ને ડૉક્ટર આયુષ... બધા સાથે હતા. વ્રતીને બધાએ ખૂબ સમજાવી. સ્ત્રીવર્ગે તો બધા રસ્તા અપનાવી જોયા. વિરલના માતાપિતા તો પહેલા જ કહેતા હતા કે આ રીતે જિંદગી ન નીકળે હવે તો બધા સાથે મળી સમજાવવા લાગ્યા. છેલ્લે ડૉકટર આયુષ આવ્યા, એણે કહ્યું....,

"વ્રતી મને ખબર છે તમારે કોઈના સહારાની જરૂર નથી તમે સક્ષમ છો, પણ મારે તમારા જેવા જીવનસાથીની જરૂર છે. સેવાકાર્ય કરવા કોઈ માર્ગદર્શક જોઈએ છે બસ એમ વિચારી હા પાડી દો. તમારા દિલમાં વિરલ ભલે અંકિત હોય બસ મારા જીવનમાં તમારા પગલાં પાડી દો, હું તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતો. તમે બસ જીવનમાં સહકાર આપશો તો હું એટલાથી જ સંતોષ માની લઈશ...."

રાત થઈ તોય વાત તો એ જ ચાલી વ્રતી કોઈ વાતે માનવા તૈયાર ન હતી. એ એક જ વાત લઈને બેઠી હતી કે મારે કોઈના સહારાની જરૂર નથી ને વિરલનું સ્વપ્ન સાકાર કરવું છે. ફરી વ્યોમ બોલ્યો..,

"તમને એવું લાગતું હોય કે વિરલભાઈનું સ્વપ્ન અહીં રહીને જ પૂર્ણ થઈ શકશે તો હું વચન આપું છું હું આજીવન અહીં જ રહીશ, લોકોની સેવા કરીશ ને મારો નિર્ણય પણ અફર છે...."

વ્રતી તો અવાચક બની ગઈ. એ બોલી...,

"નહિ વ્યોમજી! આ તમે શું બોલો છો એમ કઈ સહેલું નથી બધું છોડી અહીં રહેવું...."

વ્યોમ બોલ્યો,
"પણ મેં તો નિર્ણય કરી લીધો છે, તમારે તમારા જીવનની સફર આગળ વધારવાની છે ને મારે અહીં રહી મારું ને બીજાનું જીવન મહેકવવાનું છે, હવે તો પ્લીઝ માની જાઓ....."

વ્રતી પાસે હવે બીજો કોઈ રસ્તો ન હતો, બધાની ઈચ્છાને એણે પણ માન આપી દીધું એણે લગ્ન માટે હા પાડી દીધી..

એક કાંટાળુ વ્યક્તિત્વ ફૂલ સમ મહેકી ઉઠ્યું, પોતાના જીવનને નવી રાહ આપી આજીવન પરમાર્થ માટે વ્યોમે ભેખ ધરી, થોર આજે મહેકી ગયો. ગમે એવી વ્યક્તિ પણ સુધરી શકે છે જો એ મનથી સુધરવા ચહે તો જ.

માણસને એક ટકોરની જરૂર હોય છે જો એ મળી જાય તો ગમે એવો વાલ્યો લૂંટારો પણ વાલ્મિકી ઋષિ બની શકે છે.......


થોર થઈ એક વખત ઊગી તો જો,
એકલપંડે ઉભતા જરા શીખી તો જો..

વસમું નથી આમ તો દૂર કરવું બધું,
કાંટા વચ્ચે ખુદને વાવી તો જો..

પી જવાય છે એકધારી બુંદો પાણીની,
છતે પાણીની તરસ નિભાવી તો જો..

મૃગજળ શો સાથ રેતીનો આપી તો જો,
અડીખમ રહી તુફાન સામે ઉભી તો જો..

( આ વાર્તા અહીં પૂર્ણ કરું છું, વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે એમના થકી જ આટલી પ્રેરણા મળી રહે છે....)



© હિના દાસા