Sawal ? in Gujarati Moral Stories by Meghu patel books and stories PDF | સવાલ ? (નિર્મલ હૃદય નાં સચોત કટાક્ષ)

Featured Books
Categories
Share

સવાલ ? (નિર્મલ હૃદય નાં સચોત કટાક્ષ)

ટેન્શન... ટેન્શન ....ટેન્શન ....ટેન્શન
આપણે અમુક વાર વિચારીએ‌ કે આપણે જિંદગી ટેન્શનોથી ભરાયેલી છે. ક્યારેક તો એમ પણ લાગે કે આપણા જીવનમાં ટેન્શન સિવાય બીજી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી,અને આ ટેન્શન પણ એક પ્રકારનો હોય તો સમજ્યા પરંતુ એમાં પણ ટેન્શનમાં પણ અલગ અલગ ટેન્શન.
સવારે ઉઠી કે સાંજ સુધી ટેન્શન.
કોઈને નોકરી નું ટેન્શન ...કોઈને છોકરી નું ટેન્શન ...
કોઈને કરિયરનું ટેન્શન ...કોઈને ધંધા નું ટેન્શન....

આપણે બધા ચાર દિવસની જિંદગીમાં 400 ટેન્શન માથા પર લઈને ફરીએ છીએ અને અંતે ટેન્શનના ભારથી કે વજન થી થાકી ને હારી જઈએ છીએ.
પરંતુ આ જિંદગીને સારી રીતે કોઈ જીવતું હોય તો એ બાળક છે.હા અહીં તમે મારી વાત સાથે જરૂર સહમત થશો ! કે સૌથી વધારે જો કોઈ ખુશ હોય તો બાળક કારણ કે તે હજી નાસમજ છે, નાદાન છે, તે દુનિયાદારીની સમજદારીથી હજી અજાણ છે ,એટલે આપણે હંમેશા કહેતા રહીએ છીએ તે હજી બાળક છે એને શેનું ટેન્શન ?આપણે બધા એમ જ વિચારીએ બાળકને શેનું ટેન્શન?
કેમ દોસ્ત! બાળકને ટેન્શન ના હોય એ માણસ નથી!? જી હાં! જેમ આપણને ટેન્શન હોય તો બાળકને પણ પોતાના ટેન્શન હોય છે. એ પણ ક્યાંક મનમાં મુંજાય છે, ફરક એટલો કે આપણે જેમ રોતડા નથી રડતા નથી .તમે કોઈ બાળકને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે તે બાળક જે પણ કરે મનથી કરે છે. રમે તો મનથી ,હસે તો મનથી એ જે કામ કરે એ સાચા મનથી કરે છે, અને આપણે એ વાત અનેક વાર સાંભળી હશે, કે જે વસ્તુ આપણે સાચા મનથી કરો તે જરૂર પૂરી થાય છે.
જે મેં આગળ કહ્યું કે બાળક પણ મનમાં મુંજાય છે, એને કોઈક સાંભળનારની જરૂર પડે છે. પરંતુ જ્યારે તેને કોઇ સાંભળનાર કે સમજનાર વ્યક્તિ મળતું નથી. ત્યારે તે અંતિમ આશા એ પોતાના મનની વ્યથા ભગવાનને કહે છે. કારણ કે તેને વિશ્વાસ છે , "કે સમગ્ર દુનિયામાં ભલે કોઈ મને નહીં સાંભળે કે સમજાય પરંતુ વિશ્વના સર્જનહાર તો મારી વ્યથા જરૂર સાંભળશે. અહીં તમને એક પ્રશ્ન થશે! શું હોઈ શકે? આ બાળકની વ્યથા કે તેને ભગવાનને કહેવાની જરૂર પડે .ત્યારે તેના જવાબમાં એ બાળકના મનની વ્યથા અને વેદના હું તમારા સમક્ષ સાઈરામ દવે ની પ્રાર્થના ચિઠી ની ટૂંકી વાર્તા દ્વારા કહેવાની શરૂઆત કરું છું.
" પ્રાર્થનાચિઠ્ઠી "
એક શિક્ષક ની વેદના આમ તો આખા સમાજ ની વેદના આદેશને ગરીબાઈની વેદના એક પ્રાર્થના ચિઠી 7 ઘોરણ મા ભણતો બાળક ભગવાનને પત્ર લખે છે અને પત્રમાં બાળકને પોતાની કાલીઘેલી ભાષામાં ભગવાનને બે - ચાર પ્રશ્નો પૂછ્યા છે તે આ પ્રાર્થનાચિઠ્ઠી તમે ધ્યાનથી વાંચજો.
સાતમા ધોરણમાં ભણતો બાળક ભગવાનને પત્ર લખે છે કે ,
પ્રતિ શ્રી,
ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા,
શંખચક્રવાળા,
સ્વર્ગ લોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુકામ આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,
જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણું છું.
મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે ,અને મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા માટે જાય છે .હું શું કામ ભણું છું? એની તો મને ખબર નથી,પણ હા કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાં મળે છે એટલે મારા મા-બાપ મને રોજ ૫ કલ્લાક નિશાળે તગડી દે છે.ભગવાન બે-ચાર સવાલો પૂછવાને આજે તને પત્ર લખ્યો છે કારણ મારા સાહેબ ને કીધું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન પેહલો :-
" હું રોજ સાંજે ભગવાન તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન! તારી મૂર્તિની ઉપર આરસપહાણનું એસી નું મંદિર છે ,અને મારી નિશાળની ઉપર છાપરૂં પણ કેમ નથી? દર ચોમાસે પાણી ટપકે છે! આવું શું કામ?"
પ્રશ્ન બીજો:-
" તને રોજ બત્રીસ ભાતના પકવાન પીરસાય છે અને તું તો ખાતો પણ નથી અને હું દરરોજ બપોરે મધ્યાહ ભોજન ના એક મૂઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાવ છું આવું કેમ?"
પ્રશ્ન ત્રીજો:-
" મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થિંગડું મળવા આવતું નથી ,અને તારા પચરંગી નવા નવા વાઘા સાચું કહું રોજ તને નહીં પણ તારા કપડાં જોવા રોજ મંદિરે આવું છું."
પ્રશ્ન ચોથો:-
" તારા પ્રસંગે લાખો માણસો મંદિરમાં સમાતા નથી તારા ધાર્મિક પ્રસંગ હોય તો લાખો માણસો તારા મંદિરોમાં સમાતા નથી અને 15મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિ ગીત રજુ કરૂ ને ત્યારે મારી સામે હોય છે, માત્ર મારા શિક્ષકો અને મારા બાળમિત્રો .ભગવાન તારા મંદિરે જે સમાતા નથી ! એ બધા મારા મંદિરે કેમ ડોકાતા નથી? "
પ્રશ્ન પાંચમો અને છેલ્લો:-
તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં પણ એક ફાઈવ સ્ટાર હોટલ જેવું મંદિર છે, ભગવાન! અને મંદિર જેવી પ્રાથમિક શાળા છે, પ્રભુ મેં સાંભળ્યું છે કે" તું તો અમારી બનાવેલી મૂર્તિ છો તોય આવી જલજલાટ છો! તો અમે તો તારી બનાવેલી મૂર્તિઓ છીએ.અમારા ચહેરા પર નૂર કેમ નથી? શક્ય હોય ને તો ભગવાન આ પાંચએના જવાબ આપજે .મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે ભગવાન મારે ખૂબ આગળ ભણવું છે મારે ડૉક્ટર થાવું છે, પણ મારા પિતા પાસે નિશાળની ફીના કે ટ્યુશનના પૈસા નથી તો ખાલી જો તારી એક દિવસની દાનપેટી મને મોકલને ભગવાન આખી જીંદગી હું ભણી શકું વિચારીને કહેજે દોસ્ત કારણકે હું જાણું છું કે તારે પણ ઘણાને પૂછવું પડે એમ છે પરંતુ સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા પહેલા તું જો મારામાં ધ્યાન નહી દે મને પૈસા નહીં મોકલે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટલે રોજના પાંચ રૂપિયાના ભવ્ય પગારથી નોકરીએ રાખી દેશે અને પછી આખી જિંદગી હું તારા શ્રીમંત ભક્તોને ચા પાઈશ ભગવાન અને તારી સાથે કિટ્ટા કરી નાખીશ જલ્દી કરજે પ્રભુ સમય બહુ ઓછો રહે તારી પાસે અને મારી પાસે પણ...
લિ. એક સરકારી શાળાનો ગરીબ
વિદ્યાર્થી અથવા
એક ભારતના ભાવિ મજૂરના વંદે માતરમ્




આ પ્રાર્થનાચિઠ્ઠી તમારા સમક્ષ રજૂ કરવાનો મારો આશય એટલો જ હતો કે વાર્તા દ્વારા વાસ્તવિકતા તમારી સમક્ષ મૂકી શકું.આ તો એક ઉદાહરણ માત્ર છે પરંતુ આવા તો કેટલાય કિસ્સા કે બાળકો સમાજમાં હશે જેણે સરકાર દ્વારા શિક્ષણનો હક મેળવેલ છે ,પરંતુ તેની આર્થિક પરિસ્થિતિના કારણે તે પૂરતા શિક્ષણથી વંચિત રહેતા હશે.એક શિક્ષક ની દ્રષ્ટિ એ કહું તો "રોટી કપડાં અને મકાન પછી શિક્ષણ આપણે પાયાની જરૂરિયાત કહીએ તેમાં કંઈ ખોટું નથી."
શિક્ષણ એ પોતાના વિકાસ અને રાષ્ટ્રના વિકાસમાં અગત્યનો ફાળો આપે છે ,પરંતુ જ્યારે આવા અનેક બાળકોને આપણે તેમને પાયાની જરૂરિયાતો જ પૂરી નહીં કરી શકીએ તો એ રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો કઈ રીતે આપી શકશે? તે વિચારવું ખૂબ અગત્યનું છે! અને આવા પ્રશ્નો આપણે આપણી જાતને ક્યારેય ભાગ્યે જ કરતા હોઈએ છીએ ,અને તેનું જ પરિણામ છે, કે આજે એવા કેટલાય બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.
એક સરસ વાક્ય છે કે "જ્યારે બીજાના દુઃખ જોઈને તમે પીડા થાય ત્યારે સમજી લેવું કે ભગવાને તમને માણસનો જન્મ આપીને કોઈ ભૂલ નથી કરી."કે પછી આપણે જાણી-જોઈને વાસ્તવિકતા નજર સમક્ષ હોવા છતાં તેને નજર અંદાજ કરીને કોઈ ભૂલ કરી રહ્યા છીએ? શું આપણે ક્યારેય વિચાર્યું છે કે સમાજમાં રહેતા આવા બાળકો માટે આપણે પણ કરી શકીએ છીએ!!!

આ બાળક કહે છે કે "ભગવાન તમારા એક દિવસની દાનપેટી માંથી હું આખી જિંદગી શિક્ષણ મેળવી શકું છુ ત્યારે એક શિક્ષક તરીકે મને એક પ્રશ્ન થાય છે કે" શું પૈસા દ્વારા જ ભગવાનની ભક્તિ કરી શકાય? ભગવાનને તમારા કરોડોના દાનની જરૂર છે કે ભક્તિની!આપણે પૈસા ને જ્યાં જરૂરિયાત છે ત્યાં આપીએ છીએ કે પછી ગાડરિયા પ્રવાહની જેમ એક કરે એટલે આપણે કરવું એ દેખાદેખીમાં કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને!!!? શું જે વસ્તુની જ્યાં જરૂરિયાત છે તે ત્યાં પહોંચે છે ખરી?
અહીં એક વાત હું ચોક્કસપણે સ્પષ્ટ કરવા માગું કે" મને ભગવાન સામે કે કોઈ ધર્મ અને તેની ભક્તિ સામે કોઈ પ્રકારનો વાંધો નથી", પરંતુ એક પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવું જરૂરી છે કે ભગવાનના નામે ભેગું કરવામાં ધર્મના નામે આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને!!?
વિચારી લેજો મિત્ર સમય ખરેખર ઘણો ઓછો છે ક્યાંક વધારે મોડું ના થઈ જાય.
વધારે સમય લેશો તો આવા કેટલાય શિક્ષણથી વંચિત રહેતા બાળકો હંમેશા માટે ભગવાન સાથે કિટ્ટા કરી લેશે અને એક જ સવાલ પૂછશે કે ,
હે પ્રભુ!!"કળિયુગના કાળથી તું પણ કંટાળી નથી ગયો ને!?
અમે અહીં માંગતા રહી જઈએ અને તું ક્યાંક સંતાઈ નથી ગયો ને...."!!?

વિશ્વના સર્જનહારે વિશ્વના દરેક જીવ માટે કંઈક ને કંઈક વ્યવસ્થા જરૂર કરે છે ,પરંતુ આપણે માણસ થઈને આપણા સમાજમાં શિક્ષણથી વંચિત રહેતા બાળકો માટે કંઈક વ્યવસ્થા ન કરી શકીએ?
સાહેબ,facebook ના ફોટા પર લાઈક અને કોમેન્ટ થી બેશક તમારા ચહેરા પર ખુશી આવતી હશે પરંતુ ૨૪ કલાકના દિવસમાં થોડોક સમય આ બાળકોના શિક્ષણની વ્યવસ્થા માટે આપશો તો દુનિયા શું ઈશ્વર પોતે તમારા કાર્યને like આપશે.એકવાર નિરાંતે શાંતિથી બેસી ને વિચારી લેજો મિત્ર આપણે થોડીક વધારાની મહેનત આપણા સમાજ નું ભવિષ્ય બદલી શકે છે અને આપણા દેશનું ભવિષ્ય આપણા જ હાથમાં છે.
મિત્રો ,જે થવાનું હતું તે થઈ ગયું પરંતુ હવે આશા રાખું કે જે થશે એ ચોક્કસપણે સારું જ થશે.
આ એક જ તો જિંદગી છે તેમાં કંઈક તો એવું મોટું કામ કરીને જઈશું કે જ્યારે પણ દુનિયામાંથી વિદાઈ લઈશું ત્યારે લોકોના મોઢેથી once more ની બૂમો નીકળશે.

મારી વાર્તા ને દુષ્યંતકુમારની બે પંક્તિઓ દ્વારા અહીં વિરામ આપું છું
"સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,
મેરી કોશિશ હૈ કી, યે સૂરત બદલની ચાહિયે;
મેરે સીને મેં નહીં તો ,તેરે સીનેમે સહી'
હો કહી ભી આગ ,આગ જલની ચાહિયે;"
મિત્રો ,જે થવાનું હતું તે થઈ ગયું પરંતુ હવે આશા રાખું કે જે થશે એ ચોક્કસપણે સારું જ થશે.