lock down in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | લૉકડાઉન

Featured Books
Categories
Share

લૉકડાઉન

લૉકડાઉન ની પરિસ્થિતિ માં આખું શહેર બંધ હતું. વાહનોના ધમધમાટ થી ગાજતો રોડ જાણે આજે લાંબો વાહો કરી આરામ ફરમાવી રહ્યો હતો. ક્યારેક કોઈ ટવર્યું -ટવર્યું નીકળતું હતું. રસ્તાના પોઇન્ટે પોઇન્ટે પોલીસ જવાનો પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા. ભૂતોનું શહેર હોય તેવો સન્નાટો હતો. ક્યારેક આ સન્નાટાને ચીરતી એમ્બ્યુલન્સની સાયરન ની ચીસ વાતાવરણને વધારે ભયભીત કરતી હતી. આવશ્યક સેવાઓ ની દુકાનો જેવીકે કરિયાણા સ્ટોર, પેટ્રોલ પમ્પ, શાકભાજી અને ફ્રુટ સ્ટોર, મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા. બાકી બધું જ બંધ હતું. અહીં પણ એકલદોકલ માણસો જ દેખાતા હતા. આવા સુમસામ રોડ પર હું મારું બાઈક લઈ મારા મેડિકલ સ્ટોર પર જઈ રહ્યો હતો.

હંમેશા ભીડભાડવાળા એસટી ડેપો સામેથી પસાર થયો. જે કાયમ લાંબા રૂટની એસટી બસો અને ટૂંકા રૂટ ની લોકલ બસો ના ધમધમાટ થી હંમેશા ગાજતું હોય. જ્યાં વિદ્યાર્થીઓના ટોળે ટોળા હોય, મુસાફરોની દોડધામ હોય, ફેરિયાઓની બૂમાબૂમ હોય, પ્રાઇવેટ વાહનો મુસાફરોની ઉઠાંતરી કરવા સાદે સાદ દેતા હોય. આજુબાજુ આવેલી ફરસાણ ની દુકાનો, ભાગ ની દુકાનો, ચાની કીટલીઓ માણસોથી ભરેલી હોય.બરાબર એસટી સ્ટેશન ની સામે રોડની સાઈડમાં નાનો ઓટલો કરી ઉપર કોથળા નો છાયડો કરી બુટ ચપ્પલ રીપેરીંગ અને પોલીશની બે હાટડી કરેલી હતી. તેમાં એક મોટી ઉંમરના મૂછડ દાદા અને બાજુમાં આધેડ વયનો એક જણ પોતાનું પેટીયું રળતા હતા.

સામાન્ય સ્થિતિમાં આ હાટડીમાં કોઇનું કોઇ પોતાના જૂતા નું કામ કરાવ તું જ હોય. આટલી ભીડવાળી જગ્યા પર આ બંનેને કોઈને કોઈ ગ્રાહક મળી જતા હોય.

આ બંનેમાં પહેલો આધેડ વયનો મોચી મૂંગો છે. કોઈ ચપ્પલ રીપેરીંગમાં આપે તો તેને તે ઇશારાથી સમજાવે કે રીપેરીંગ ના કેટલા પૈસા લાગશે. બુટ પોલીશ કરવાના 10 રૂપિયા લેતો. આવતા જતા કાયમ હું તેને જોતો. તેની એક આદત એવી હતી કે તે જ્યારે નવરો હોય ત્યારે રોડ પર આવતી-જતી બાઈક સવારના પગ પર ધ્યાન ટકાવીને બેઠો હોય. હું વિચારતો કે તે લોકોના મોંઢા જોવાને બદલે પગ કેમ જોયા કરતો હશે? પરંતુ પછી સમજાયું કે લોકોને ધંધો કરી કરીને પોતાના ધંધાની વસ્તુ જોવાની આદત થઈ જાય છે. મોચી નું ધ્યાન આવતા જતા લોકોના બુટ ચપ્પલ પર જ રહેતું.

આજે આ બધી જગ્યા સુમસામ હતી. રોજ દોડમ-દોડ કરતા લોકોને આજે પોતપોતાના ઘર ગળી ગયા હતા. બસ સ્ટેશનની સામે ની પેલી બંને હાટડીમાંથી એક હાટડી બંધ હતી. પણ પેલો મૂંગો મોચી રોજની માફક રોડ પર નજર ટેકવી ઉભડક બેઠો હતો.રોજનું રળીને રોજ ખાવા વાળાા ને આવા સમયમાં ખૂબ તકલીફ પડે છે.

સવારે દસેક વાગ્યે નો સમય હતો. ખાલીખમ રોડમાં હું મારી બાઇક લઇને નીકળ્યો. તેણે દૂરથી મારા બૂટ પર નજર ટેકવી દીધી હતી. હું પણ તેના તરફ જોઈ રહ્યો હતો. તેને મનમાં એવું હશે કે આ સાહેબ બુટપોલીશ કરાવે તો સારું. પણ હું ત્યાંથી નીકળી ગયો.

તેના મોઢા પરની ઉદાસી જોતા મને એવું લાગ્યું કે આજે હજી તેને બોણી પણ નહીં થઈ હોય. હું ત્યાંથી નીકળી ગયો એટલે તેણે ફરી ખાલીખમ રસ્તા પર વાટભરી મીટ માંડી.

હું મેડિકલ સ્ટોર પર આવીને બેસી ગયો. પણ મને ઘડીએ ઘડીએ પેલા મોચીનો ઉદાસ ચહેરો નજર આવવા લાગ્યો. પણ હું શું કરું? મે તો થોડા દિવસ પહેલાં જ બુટ પોલીશ કરાવેલા હતા. હું મારા કામમાં જીવ પરોવવા લાગ્યો. આજે આ વેરાન રસ્તાઓ વચ્ચે મારા સ્ટોરે પણ કોઈ ગ્રાહક આવતું ન હતું.

બરાબર દોઢ વાગ્યે હું મારો સ્ટોર વધાવી જમવા જવા નીકળ્યો. હવે મારા મગજમાંથી પેલા મોચી નો વિચાર નીકળી ગયો હતો. પરંતુ ફરી બસ સ્ટેશન આવતાં મેં તેને જોયો. તે ભૂખથી લંઘાઈ ગયેલો હતો. તેણે ફરી તેની ઉદાસ નજર મારા બૂટ પર ખોડી. મને લાગ્યું કે હજી તેને બોણી થઈ લાગતી નથી.

મેં મારી બાઇક ધીમી પાડી. તેની હાટડી સામે ઉભી રાખી. તેની ઉદાસ આંખોમાં ચમક આવી. હજી તેનું ધ્યાન મારા બૂટ પર જ હતું. મારા પોલીશ કરેલા બૂટ મેં ઉતારી તેને આપ્યા. સામે પાથરેલા કોથળા પર હું ઊભો રહ્યો. તેણે મારા બુટ હાથમાં લઈ ફેરવી ફેરવી જોયા, પછી મારી સામે જોઈ ઇશારાથી દસ આંગળીઓ બતાવી, " દસ રૂપિયા થશે" એવું સમજાવ્યું. મેં માથું હલાવી હા પાડી.

તેણે પોલીશ લગાડી મારા બૂટને ફરી કાળા મેશ કરી દીધા. બરાબર ઘસી તેના પર વેક્સ લગાડી ને બ્રશ ઘસવા લાગ્યો. બુટ પર જ્યાં તેનું બ્રશ ઘસાવા લાગ્યું ત્યાં ત્યાં બુટ ચમકવા લાગ્યા. તેના હાથમાં જોશ આવી ગયું. તેણે બંને બુટ ને પોલીશ કરી મારી આગળ મૂક્યા. મે ખિસ્સામાથી સો રૂપિયાની નોટ કાઢી તેના હાથમાં મૂકી. તેણે નોટ હાથમાં લીધી, પછી તેને સાંભર્યું હોય તેમ મને ઈશારો કરી મારી પાસે છુટ્ટા નથી છુટ્ટા આપો તેમ સમજાવ્યું. મેં ઇશારાથી તેને સો રૂપિયાની નોટ રાખી લેવા સમજાવ્યું. થોડી આનાકાની કરી તેણે સો રૂપિયાની નોટ ખિસ્સામાં મૂકી. હવે પોતાનું બ્રશ, પોલીશની ડબ્બી, સિલાઈ કરવાનો સૂયો, દોરો, ચામડાના ટુકડા બધું તે પોતાના થેલામાં ભરવા લાગ્યો. તેણે પોતાની બેઠકનો કોથળો પણ સંકેલી માથે પથ્થર મૂકી દીધા. પોતાની હાટડી વધાવી તે થેલી ખંભે નાખી ચાલવા લાગ્યો. તેના મોઢા પર ચમક આવી ગઈ. ઉદાસ મોઢા પર સ્મિત આવી ગયું. મને હાથ ઊંચો કરી, તે સુમસામ રોડ પર ચાલવા લાગ્યો.

હું મારા બૂટ પહેરી, મારું બાઈક લઈ ઘરે જવા નીકળી પડ્યો. મારા બુટ આજે ખૂબ જ ચમકી રહ્યા હતા.

લેખક: અશોકસિંહ ટાંક
(તા. ૨૭/૩/૨૦)