Positivity-Importance-of-Relationship in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | પોઝીટીવિટી : સંબંધનું મહત્વ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પોઝીટીવિટી : સંબંધનું મહત્વ

પોઝીટીવિટી ● ભાવિક ચૌહાણ (અંક નંબર : ૦૬)

સંબંધનું મહત્વ

મે મહિનાની એ પાંચમી તારીખ હતી. સાંજનો સમય હતો. મલયના પપ્પા તેમની નોકરીના સ્થળ પરથી ઘરે પરત આવીને ટીવીમાં સમાચાર જોઈ રહ્યા હતા, જ્યારે તેની મોટી બહેન શ્વેતા ટ્યુશન કરાવીને ફ્રી થઈ ગઈ હતી. મલયનાં મમ્મી મીનાબહેન રસોડામાં રસોઈ બનાવી રહ્યાં હતાં. ઘરનાં આંગણામાં હીંચકા પર મલય તેની નાની બહેન નેહા અને દાદી – એમ ત્રણેય સાથે બેઠાં બેઠાં અલક મલકની વાતો કરી રહ્યાં હતાં. તેનાં દાદી એમનાં સમયમાં જે ‘રામાયણ’ અને ‘મહાભારત’નાં પાત્રો ભજવતા નાટક ગામમાં આવતા તેના વિશે વાતો કરી રહ્યાં હતાં, તેમાં વળી નેહા અચાનક વચ્ચે બોલી ઉઠી : “અરે મલય ! આજે તો તારું સાયન્સનું રિઝલ્ટ આવવાનું છે ને ? રિઝલ્ટની પાર્ટી તો જોઈએ જ હોં !”

“અરે ! મારી મા... રિઝલ્ટ તો આવા દે ! હજુ ક્યાં રિઝલ્ટ આવ્યું છે ? રિઝલ્ટ આવે એ પહેલાં તો પાર્ટીની માંગણી શરૂ કરી દીધી ! આવે પછી વિચારીશું.” મલયે મજાકના સ્વરમાં જવાબ વાળ્યો.

“હા ! એ તો અમને ખબર જ છે કે તારું રિઝલ્ટ સારું જ આવશે.” નેહા બોલી.

“ઓહો ! તને ક્યારથી મારા પર આટલો વિશ્વાસ આવવા લાગ્યો ?” મલય નેહાની મજાક કરતાં બોલ્યો.

“બા... મલય... નેહા... જમવા ચાલો.” મલયનાં મમ્મી બોલ્યાં.

રાત્રે જ્યારે જમવા બેઠા ત્યારે પણ ઘરમાં સૌને મલયનું રિઝલ્ટ જાણવાની ઉત્સુકતા હતી. એમાં પણ મલયનાં મમ્મી અને નેહાને તો મલયનું રિઝલ્ટ જાણવાની સૌથી વધુ ઉત્સુકતા હતી.

ઘરમાં ઉનાળાની ગરમીનો સખત બફારો લાગી રહ્યો હતો એટલે પરિવારનાં બધાં જ લોકો રાત્રે જમીને પરવાર્યા બાદ એકસાથે ઘરનાં આંગણામાં બેઠાં હતાં અને વાતો કરી રહ્યાં હતાં. મલયનાં દાદી જ્યારે કોઈ વાત નીકળે ત્યારે સ્વજનો સાથે સંબંધનું મહત્વ ખૂબ હોય છે એ સમજાવતાં. હવે દાદીની વાત પૂરી થઈ એટલે ફરી નવી વાત શરુ થઈ. તેમાં મલયનાં મમ્મી બોલ્યાં, “મલય ! ચેક તો કર, રિઝલ્ટ વિશે કાંઈ માહિતી આવી કે નહીં ? અથવા કોઈને પૃચ્છા કરી જો કે કેટલા વાગ્યે રિઝલ્ટ આવવાનું છે ?”

“અરે ! મમ્મી... આવશે એટલે કોઈકનો ને કોઈક્નો તો ફોન આવી જ જશે અને ખબર પડી જશે. મારું રિઝલ્ટ સારું જ આવશે એટલો મને વિશ્વાસ છે. આવડી ઉપાધિ થોડી કરવાની હોય.” મલય બોલ્યો.

“તને ઉપાધિ ન હોય, અમને તો હોય ને ? આવડો ખર્ચો કર્યો છે તારા તારા ભણવા પાછળ.” મલયનાં મમ્મી બોલ્યાં.

“મમ્મી, મને ખ્યાલ છે તમે ઘણો ખર્ચો કર્યો છે. દીવસ-રાત એક કરીને તમે મારી સ્કૂલની અને ટ્યુશનની ફી ભરી છે. પપ્પા પૂરા છ મહિનામાં જેટલું કમાઈને બેન્ક બેલેન્સ ભેગું કરતા એ જ્યારે મારી સ્કૂલની અને ટ્યુશનની ફી ભરવાની થતી ત્યારે એકી સાથે જમા બેન્ક બેલેન્સ ખતમ થઈ જતી. પરંતુ તું ટેન્શન ન લે, મને ખૂબ સારા ટકા આવશે જ.” મલય થોડો ગંભીર થઈ બોલ્યો.

જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમ ઘરમાં સૌને વધુ ને વધુ ઉત્સુકતા જાગતી ગઈ. મલયને એટલું બધુ ટેન્શન ન હતું, પરંતુ તેનાં મમ્મી-પપ્પા અને સાથે નેહાને બહુ અધીરાઈ હતી મલયનું રિઝલ્ટ જાણવાની.

રાત્રે સૂતા પહેલાં મલયે અનેક વાર ઈન્ટરનેટ પર ‘ગુજરાત બોર્ડ’ની વેબસાઈટ પર પોતાનું રિઝલ્ટ ચેક કરવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે તેનો પ્રયાસ નિષ્ફળ જ જતો અને રિઝલ્ટ જોવા ન મળતું. અંતે કંટાળીને રાત્રે દોઢ વાગ્યે તેણે તેની મમ્મીને કહ્યું, “આ રિઝલ્ટ હજુ આવ્યું નથી. કેટલી વાર હું ચેક કરુ ? સવારે વહેલાં ઊઠીને જોઈ લઈશું. આમ પણ રિઝલ્ટ આવી ગયું હશે તો કોઈનો ને કોઈનો ફોન તો આવી જ જશે.”

“હા, વાંધો નહીં, હવે સૂઈ જા.” મલયનાં મમ્મી બોલ્યાં.

રિઝલ્ટ આવવાની સતત મનમાં જાગતી ઉત્સુકતા વચ્ચે નીંદર પણ નહોતી આવતી. રાત્રે સૂતા સૂતા પણ વચ્ચે વચ્ચે તે રિઝલ્ટ આવ્યું કે નહીં એ તો ચેક કરી જ લેતો હતો. તે રાત્રે દોઢ વાગ્યે સૂતો અને સવારે ફરી સાત વાગ્યે ઊઠીને થોડી થોડી વારે રિઝલ્ટ ચેક કરવાનું શરુ કરી દીધું.

સવારે ફરી રિઝલ્ટ આવ્યું કે નહિ તે તપાસ્યું, પરંતુ હજુ સવારના આઠ વાગ્યા સુધી તો આવ્યું જ ન હતું. “અરે યાર ! ખરેખર હદ છે. કાંઈક તો મર્યાદા હોય ને વિદ્યાર્થીઓને રાહ જોવડાવવાની ! આટલી બધી વાર હોય રિઝલ્ટ મુકવામાં ?” ગુસ્સાના ભાવ સાથે મલય બોલી ઊઠ્યો.

અંતે સવારે બરાબર નવ ને પાંત્રીસના ટકોરે ‘ગુજરાત બોર્ડ’ની વેબસાઈટ gseb.org પર રિઝલ્ટનું વેબ પેજ ઓપન થયું અને મનમાં એક ખુશીની લહેર સાથે મલયે તો એક સેકન્ડની પણ રાહ જોયા વિના જ પોતાના સીટ નંબર અને તેની નીચે રહેલો કોડ ઉમેરી સીધું જ ‘ગો’ બટન પર ક્લિક કરી દીધું અને એક સેકન્ડમાં જ મલયનું ઝળહળતું પરિણામ તેની આંખોની સામે કોમ્પુટરની સ્ક્રીન પર આવી ગયું હતું. ચાર સેમના કુલ ૮૯.૬૧% અને ૯૯.૬૪ PR. મલય જોર જોરથી શોર કરવા લાગ્યો, નાચવા લાગ્યો, “મમ્મી... બા... નેહા... મારું રિઝલ્ટ આવી ગયું....! મારું રિઝલ્ટ આવી ગયું... ૮૯.૬૧ ટકા આવ્યા...!”

મલય તો ઉછળવા – કૂદવા લાગ્યો. હજુ તો રિઝલ્ટ આવ્યું ને થોડી જ વારમાં મલયને તેના અનેક મિત્રોના ફોન આવવા લાગ્યા. એમાંય વળી વચ્ચે કેટલાંય બધાં સગાં-સંબંધીઓના ફોન ચાલુ થઈ ગયા મલયનું રિઝલ્ટ જાણવા માટે. જેનો ફોન આવે એ એક જ સવાલ પૂછે - મલયનું શું રિઝલ્ટ આવ્યું ? અને રિઝલ્ટ જાણ્યા પછી તેને અભિનંદન પાઠવે. સવારથી સાંજ સુધી આ ક્રમ ચાલુ જ રહ્યો.

રિઝલ્ટ આવ્યા બાદ દિવસો પસાર થતા જતા હતા અને ધીરે ધીરે મલયને મનમાં પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા કે - મારું આટલું સારું રિઝલ્ટ તો આવી ગયું, હવે હું એડમિશન કઈ બ્રાન્ચમાં મેળવું અને કઈ કોલેજમાં એડમિશન મેળવું ? એડ્મીશન મેળવ્યા બાદ ત્યાં પ્રોફેસરો કેવું ભણાવતા હશે ? ત્યાં રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરીશ ? પસંદ કરેલી શાખામાં આગળ જોબની તકો હશે કે નહીં હોય ? કઈ કૉલેજ સારી રહેશે ? ત્યાના પ્રોફેસરો કેવો અભ્યાસ કરાવતા હશે ? – આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્દભવવાનું શરૂ થઈ ગયું, પરંતુ આ બાબતનું કોઈ જ પ્રકારનું જ્ઞાન મલય પાસે હતું નહીં. હવે શું કરવું અને કોની પાસેથી જાણવું તે પ્રશ્ન તેને સતાવતો હતો. જેટલું બને તેટલું જલ્દી આ દરેક પ્રશ્નોનું નિવારણ લાવવું જરુરી હતું. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે કોઈ જાણકાર વ્યક્તિની મદદ લેવી પડશે એવું તેને લાગ્યું.

મલયનું ખૂબ સારું પરિણામ આવ્યું હતું તેથી તેને ‘MBBS’માં જ એડમિશન લેવાની ઇચ્છા હતી, પરંતુ મેડીકલની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મેળવવા માટે તો ‘NEET’ (જે પરીક્ષા ડોકટરીની કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન મેળવવા માટે આપવી ફરજીયાત છે.) તેમાં મેળવેલા માર્ક્સ પર જ એડમિશન આપવામાં આવે છે અને મલયનું તે રિઝલ્ટ આવવાનું હજુ બાકી હતું. હવે ‘NEET’ની પરીક્ષામાં જેટલા માર્ક્સ આવે તેના પરથી નક્કી થાય કે તેને આટલી બધી મહેનત કર્યા પછી પણ મેડિકલની સારી કૉલેજમાં એડમિશન મળશે કે નહીં ! એક રીતે તો આ એક જાતનો અડસટ્ટો જ હતો. અને આ એડમિશનની પ્રોસેસમાંથી પસાર થવું એ લોઢાના ચણા ચાવવા જેવી જ પરિસ્થિતિ હતી. તેમાં પણ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કરતાં ‘CBSE’ બોર્ડના વિદ્યાર્થીઓ ‘NEET’ના મેરિટમાં વધુ આગળ નિકળી જતા હોય છે. તેથી MBBSમાં સારી કૉલેજમાં એડમિશન મળશે કે નહીં તેનો અંદાજો પહેલાથી લગાવી શકાય તેમ ન હતું. તેમાં પણ મેડીકલ કોલેજની તગડી ફી ભરપાઈ કરવી અને સાથે-સાથે હોસ્ટેલ ફી પણ ભરવાની. ઘરેથી એટલી ફી ભરી શકવાની પહોંચ છે કે નહીં એ બાબતે પણ ધણું વિચારવું પડે. તેથી જ્યાં સુધી NEETનું રિઝલ્ટ ન આવે અને MBBS, હોમિયોપેથી, આયુર્વેદિક જેવી મેડીકલની વિદ્યાશાખામાં અભ્યાસ માટે એડમિશન શરૂ ન થાય ત્યાં સુધી શું કરવું ? મલયે આ બધી વાત તેનાં ફઈના છોકરા ભરતને કરી અને ત્યાર બાદ મલયે ગુજરાતની સૌથી સારી B.Sc ની કૉલેજમાં એડમિશન લઈ ત્યાં અભ્યાસ કરી દેવાનું નક્કી કર્યું. પરંતુ હજુ તેને પ્રશ્ન હતો કે B.Sc માટે કઈ કૉલેજમાં એડમિશન માટે ફોર્મ ભરવું અને એ ફોર્મ કઈ તારીખથી ભરવાનું શરૂ થશે ? એ ફોર્મ કેવી રીતે ભરવું ? તેમાં વિષય પસંદ કેવી રીતે કરવા ? વગેરે અનેક પ્રશ્નોના ગૂંચવાળામાં ફસાયેલો હતો અને તેને આ પ્રશ્નોના ગૂંચવાળામાંથી બહાર નીકળવાનું જ હતું. પોતે તો નવો નિશાળીયો હતો અને સ્કુલમાંથી ૧૨મું ધોરણ પાસ કર્યા પછી શું કરવું તેના વિશે કોઈ માર્ગદર્શન જ આપ્યું ન હતું એટલે હવે શું કરવું, કેવી રીતે જિંદગી બનાવવાના પથ પર આગળ વધવું એ કાંઈ સમજાતું જ ન હતું. તેથી આ પ્રશ્નોનાં ગૂંચવાળામાંથી બહાર નીકળવા માટે તેણે તેનાં ફઈના છોકરા ભરતને ફોન પર પોતાની એડમિશન બાબતે સંપૂર્ણ વાત કરી અને ભરત આ દરેક બાબતમાં થોડો જાણકાર હતો, કારણ કે તેણે પોતે પોતાના એડમિશન વખતે ઘણી દોડાદોડ કરી હતી અને તે હંમેશા કાંઈક નવું જાણવા તરવરતો યુવાન હતો એટલે એ એના ઘણાબધા મિત્રો સાથે પણ એન્જિનિયરિંગના અને B.Sc ના એડમિશન માટે તેઓની સાથે જતો અને ત્યાં કાંઈક ને કાંઈક નવું જાણીને આવતો. ભરતે તેના એનેક મિત્રોને ફોન કરી અને પૂછ્યું કે B.Sc માટે ગુજરાતની સારી કૉલેજ કઈ કઈ છે અને ત્યાંના અનુભવો જાણ્યા. સાંજે છ વાગ્યાથી કરીને રાત્રિના બે વાગ્યા સુધી સતત અલગ અલગ મિત્રોને ફોન પર વાત કરી ઘણા બધા અલગ અલગ શિક્ષકોને પૂછ્યું કે આટલા સારા ટકા આવ્યા છે તો હવે કઈ કૉલેજમાં અભ્યાસ કરવા માટે જવું અને કયો કોર્સ પસંદ કરવો, કારણ કે બાયોલોજીને લગતા જુદા જુદા પાંચથી સાત અલગ અલગ કોર્સ B.Sc માટે હતા. તેમાંથી કયો કોર્સ પસંદ કરવો અને ત્યાર પછી એમાં ભવિષ્યમાં શું તક મળશે અને તેનાં અભ્યાસક્રમમાં શું ભણવાનું આવે વગેરે દરેક પ્રશ્નો જાણકાર લોકોને પૂછતાં પૂછતાં અને સતત ઈન્ટરનેટ પર સર્ચ કરવામાં રાત્રિના બે વાગી ગયા હતા. આ દરેક માર્ગદર્શન માટે ભરત અને તેના મિત્રો, તેના શિક્ષકોનો ખૂબ જ સહકાર મળ્યો હતો. તેઓ દરેકના સહકાર વિના તો યોગ્ય કૉલેજ અને અભ્યાસક્રમ પસંદ કરવું આટલું જલ્દી શકય જ ન બન્યું હોત.

એટલે મલયની બહેન શ્વેતા બોલી ઊઠી, “આ બધા જ લોકોએ આપણને માર્ગદર્શન ન આપ્યું હોત તો આજે આ બધું આટલું જલદી શકય જ ન બન્યુ હોત. ખરેખર જીવનમાં સંબંધનું બહું મોટુ મહત્વ રહેલું છે !”

એ જ દિવસે રાત્રે તેઓએ ઈન્ટરનેટ પર ‘સેન્ટ ઝેવિયર્સ’ કૉલેજ વિશે અને ત્યાંના અભ્યાસ માટેના વિષયો તેમજ તે કોલેજની ફી... એ સિવાય અન્ય ગુજરાતની B.Sc ની સારી કૉલેજ વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું અને ઈન્ટરનેટ પર જોવાનું શરૂ કર્યું ત્યારે માહિતી જોતાં વેંત ધ્રાસકો પડ્યો કે ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સીટી એવી ‘ગુજરાત યુનિવર્સીટી’માં ઓનલાઈન ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ હતી અને એમાં પણ બેન્કમાંથી રૂપિયા ભરી તેની બુક અને કોડ લો ત્યારે જ ઓનલાઈન ફોર્મ ભરી શકાય. મતલબ પૂરેપૂરું વિચારી લીધું કે આ કૉલેજ તો હાથમાંથી ગઈ જ. દરેકના મનમાં એક જ પ્રશ્ન થયા કરતો હતો કે હવે શું થશે ? હવે શું થશે ? સારી કોલેજની ફોર્મ ભરવાની તારીખ તો નીકળી ગઈ. ભરતે કહ્યું, ‘વાંધો નહીં. હજુ ધણીબધી સારી કોલેજો છે. આપણને એડમિશન મળી જ જશે.”

હવે કઈ કૉલેજ બાકી રહી છે તેના વિશે તપાસ કરવાનું શરૂ કરી અમદાવાદની ‘સેન્ટ ઝેવિયર્સ’ કૉલેજ વિશે ઈન્ટરનેટ પર તપાસ કરી તો તે કૉલેજમાં પણ ઓનલાઈન ફોર્મ ભરી અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના બે જ દિવસ બાકી હતા. કૉલેજમાં માહિતી મેળવવા માટે ઈન્ટરનેટ પર આપેલા નંબર પર ફોન કરીએ તો કોઈ ફોન જ ન ઉપાડે; કોઈ જવાબ જ ન મળે. હવે થયુ એવું કે ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળળવવા ? એક ઉપાય શોધ્યો કે કોલેજની મેઈલ આઈ.ડી. પર મેલ કરી પ્રશ્ન પૂછ્યા તો ત્યાંથી પણ કોઈ જવાબ ન મળ્યો. એક દીવસ સુધી રાહ જોઈ અંતે બીજે જ દિવસે કોઈની રાહ જોયા વિના જ સવારે સાયબર કાફેમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં B.Sc Bio Chemistry નું ઓનલાઈન ફોર્મ ભરી એ જ દિવસે બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી તેની ત્રણ-ત્રણ ઝેરોક્ષ કરાવી, બ્લડ ગ્રૂપ એ જ દિવસે ચેક કરાવીને રાતની બસમાં જ અમદાવાદ નિકળી ગયા.

અમદાવાદ જતી વખતે જ ભરતના કાકાનો છોકરો સ્વર ત્યાં અમદાવાદમાં એક કૉલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો તેને ફોન કરીને સંપૂર્ણ વાત કરી અને કહ્યું, “અમે મલયનું એડમિશન કરાવવા માટે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અમદાવાદ આવી રહ્યા છીએ. કાંઈ જરૂર પડશે તો તને ફોન કરીશું.”

સવારે અમદાવાદ પહોંચ્યાં ત્યારે તો સ્વર બસ સ્ટોપ પર બધાને તેડવા માટે આવી ગયો હતો. તરત જ તેણે ‘ઉબર’ બુક કરાવી આપી અને તેમને પણ શીખવાડી દીધું કે કેવી રીતે ઉબર બુક કરાવવી અને એકદમ નોર્મલ ભાડામાં એસી ગાડીમાં પૂરા અમદાવાદમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જવું. સ્વરે તો મલયની સંપૂર્ણ એડમિશન પ્રોસેસ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પૂર્ણ કરાવી આપી અને તેણે પોતાનો એ દિવસ કોઈ પણ જગ્યાએ જવાનો પ્લાન કેન્સલ કરી પોતાનો સંપૂર્ણ સમય મલયના એડમિશનની દરેક પ્રોસેસ પૂર્ણ કરવામાં આપ્યો. તેણે મલયને રહેવા માટેની વ્યવસ્થા પણ કરાવી આપી. કૉલેજમાં એડમિશન પ્રક્રિયા પૂરી થયા પછી પહેલી વાર અમદાવાદ ગયેલા મલય અને તેની સાથેના દરેક લોકોને અમદાવાદના જુદા-જુદા મોલ જોવા લઈ ગયો, ત્યાં મોલમાં ઘણુ બધુ ફર્યા, બપોરે પોતાનાં ખર્ચે જમવા માટે સારાં રેસ્ટોરેન્ટમાં સાથે લઈ ગયો અને ખૂબ સપોર્ટ કર્યો. સ્વરે મલય અને એની મમ્મીને આટલી બધી મદદ કરી અને તેમનું દરેક કાર્ય ખૂબ આસાન કરી દીધું એ બદલ અંતમાં તો તેઓ ગળગળા થઈ ગયાં. કોઈ સ્વજન આટલી બધી મદદ કરી પોતાનો બહારનો સંપૂર્ણ કાર્યક્રમ રદ કરી સંપૂર્ણ સમય તેમને આપ્યો અને અજાણ્યા શહેરમાં તેમનું દરેક કામ આસાન કરી દીધું.

થોડા દિવસો બાદ મલયનું B.Sc નું મેરિટ લિસ્ટ બહાર પડ્યું. મેરિટ લિસ્ટમાં તેનું નામ ચોથા નંબર પર જ હતું અને સરળતાથી તેને એડમિશન મળી ગયું. મલયે ત્યાં હોસ્ટેલમાં રહી કૉલેજમાં અભ્યાસ શરૂ કરી દીધો. આ બધું જ ભરત અને સ્વરને કારણે સરળ બન્યું. એ સિવાય ઘણી બધી રીતે ભરતના મિત્રો અને શિક્ષકોએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બધી જ બાબતો પાછળ આટલા બધા લોકો સાથેનો એક સારો સંબંધ જ જવાબદાર હતો. આવી જ રીતે સતત અનેક સ્વજનોનું માર્ગદર્શન મળતું રહ્યું હતું અને થોડા દિવસો બાદ મલયનું NEET નું રિઝલ્ટ પણ આવી ગયું અને મલયે મેડીકલ કૉલેજમાં એડમિશન લેવા માટે ફોર્મ ભરીને તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવી દીધા હતા. થોડા થોડા સમયના અંતરાલે મેરિટ બહાર પડતાં જતાં હતાં, પરંતુ અમુક કૉલેજો ગુજરાતની સારી કૉલેજો હતી છતાં તેમાં તેને ફી પરવડે તેમ ન હતી. તેથી એડમિશન ન લીધું. અંતે જ્યારે MBBS માટે સાવ આશા છોડી દીધી હતી ત્યારે એક સંબંધીએ કહ્યું, “તમે અંતિમ મેરિટ રાઉન્ડમાં જઈ તો આવો.” હકીકતમાં એવું થયું કે તેઓ અંતિમ રાઉન્ડમાં ગયા ત્યારે મલયનું નામ બોલાયું અને તાત્કાલિક બાકી રહેલી કૉલેજ પસંદ કરવાની હતી. તેનાં નસીબ સારાં હતાં. તેને જોઈતી અને જે કૉલેજની ફી પરવડતી હતી, તેવી ગુજરાતની સારી કૉલેજમાં એડમિશન પણ મળી ગયું. જો કે તેના નંબર પછીના વિદ્યાર્થીને એડમિશન ન મળ્યું ! ભગવાનનું પણ કેવું કરવું કે અંત સમયે પણ સાચવી લીધું ! અંતે તેની આટલી બધી મહેનત અને અનેક લોકોનો સહકાર પરિણામ લાવીને જ રહ્યો. અત્યારે મલય MBBS નો અભ્યાસ ખૂબ સારી કૉલેજમાં કરી રહ્યો છે.

*

મિત્રો, દર વખતે પૈસા કે માન-મોભો કામ નથી લાગતાં. કેટલીક વાર નાના લોકો સાથેનો સારો સંબંધ કે પરિવારજનો સાથેનો સારો સંબંધ અને નાનકડી મદદ કે માર્ગદર્શન જીવનમાં આપણને ખૂબ ટોચના સ્તરે પહોંચાડી આપે છે.

*

(મિત્રો, આ વાર્તા સંપૂર્ણ સત્ય ઘટના પર આધારિત છે. આજથી એક વર્ષ પહેલાંની જ આ વાત છે. દરેક ઘટના જેમ બની તે પ્રમાણે જ લખી છે. કોઈની ગોપનીયતાનો ભંગ ન થાય તે માટે વ્યક્તિનાં નામ બદલ્યાં છે.)