Lockdown- 21 day's - 2 in Gujarati Fiction Stories by Nirav Patel SHYAM books and stories PDF | લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૨

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

લોકડાઉન-૨૧ દિવસ - ભાગ - ૨


લોકડાઉનનો બીજો દિવસ..

બીજા દિવસે સવારમાં જયારે સુભાષ ઉઠ્યો ત્યારે મીરાં રોજના નિત્યકર્મ પ્રમાણે રસોડામાં હતી, સુભાષ ઉઠીને બેઠક રૂમ તરફ આવ્યો અને તરત ટીવી ચાલુ કર્યું. ટીવીનો અવાજ કાને પડતા જ મીરાંએ ત્રાસી નજરે રસોડા તરફ જોયું અને ચાની તપેલી ગેસ ઉપર ચઢાવી.

ટીવીના સમાચારમાં કોરોનથી ફેલાઈ રહેલી મહામારી બતાવાઈ રહી હતી, સુભાષ તેને ધ્યાનપૂર્વક જોવા લાગ્યો, મીરાં રસોડામાંથી ચાનો કપ લઈને બહાર આવી અને સુભાષ પાસે રહેલી ટિપોઈ ઉપર રાખી દીધો. સુભાષે મીરાં સામે જોયું અને વાતની શરૂઆત કરતાં કહ્યું: "મીરાં, આ વાયરસ ખુબ જ ખતરનાક છે, હમણાં આ લોકડાઉન દરમિયાન બહાર નીકળતા નહિ, અને ખાસ શૈલીનું ધ્યાન રાખજે, કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય તો મને કહેજે હું લઇ આવીશ."

મીરાંના કાને પડી રહેલા આ શબ્દો નવા હતા. ઘણાં સમયથી સુભાષે તેની ચિંતા કરતા કોઈ શબ્દો કહ્યા નહોતા, સાંભળીને મીરાંને સારું લાગ્યું, મીરાંએ પણ જવાબમાં કહ્યું: "તમે પણ તમારું ધ્યાન રાખજો, અને બહાર તમારે પણ નથી જવાનું. હમણાં ઘરમાં બધો જ સામાન પડેલો છે. દૂધવાળો દૂધ આપવા માટે રોજ ઘરે આવવાનો છે એવું તેને જણાવ્યું હતું."

આટલું બોલીને મીરાં રસોડા તરફ પાછી ચાલી ગઈ, સુભાષનું ધ્યાન પણ હવે ટીવીમાં ના રહ્યું પરંતુ મીરાંએ કહેલા એ શબ્દોમાં રાચવા લાગ્યું. લગ્ન પહેલાના એ દિવસો યાદ આવી ગયા જયારે બંનેની સગાઇ થઇ હતી, સુભાષને બરાબર તાવ આવતો હતો, 3 દિવસ હોસ્પિટલમાં દવા કરાવી ઘરે આવ્યો અને ત્યારે મીરાંએ ફોન કરીને સુભાષને કહ્યું હતું કે "તમારું ધ્યાન રાખજો, અને થોડા દિવસ બહાર નીકળતા નહીં,"

ઘણા દિવસે મીરાની એ ચિંતા તેના શબ્દોમાં પાછી છલકવા લાગી હતી, મીરાંએ પણ રસોડામાં જઈને વિચાર્યું કે સુભાષ સાથે આજે જે અણબનાવો થઇ રહ્યા છે, તેના માટે કેટલાક અંશે પોતે પણ જવાબદાર છે. તેને ઘણીવાર કારણ વગર સુભાષ સાથે ઝગડા કર્યા છે, પરંતુ પાછું તેના મનમાં એક જ વાત આવી જતી, અને તેના માટે તે ખોટી પણ નહોતી.

લગ્ન પહેલા સુભાષે જ મીરાંને સપના બતાવ્યા હતા, તેની નોકરીને લઈને, ઉજ્જવળ ભવિષ્યને લઈને, પોતે ઘણો આગળ વધવા માંગે છે અને થોડા જ સમયમાં તે અમદાવાદમાં પોતાનું ઘર પણ લેવા માંગે છે. પરંતુ લગ્નને પાંચ પાંચ વર્ષ વીતી જવા છતાં પણ સુભાષ હજુ સુધી પોતાનું ઘર લઇ શક્યો નથી. આ વાતનો ગુસ્સો મીરાંના મનમાં સતત વ્યાપેલો રહેતો હતો તેના કારણે જ ધીમે ધીમે બંને વચ્ચે મન મોટાવ થવા લાગ્યા હતા.

સુભાષ પોતાના વિચારોમાંથી બહાર નીકળીને ટીવી જોવા લાગી ગયો. મીરાં પોતાનું કામ પૂર્ણ કરીને બેડરૂમમાં ચાલી ગઈ. શૈલી હજુ સુઈ રહી હતી. મીરાંને સમય પસાર કરવો હતો એટલે તેને પોતાની મમ્મી મંજુલાને ફોન લાગાવ્યો.

મીરાં: "હેલ્લો મમ્મી, કેમ છો તમે?"

મંજુલા: "હું મઝામાં છું બેટા, તું કેમ છે?"

મીરાં; અમે પણ મઝામાં જ છીએ, આ કોરાનાના કારણે અત્યારે ઘરમાં જ બેઠા છીએ, શૈલી હજુ સુઈ રહી છે અને સુભાષ ટીવીમાં સમાચાર જુએ છે, હું ફ્રી હતી તો તને ફોન કર્યો.

મંજુલા: "અમારે વડોદરામાં પણ અત્યારે એવું જ છે, ઘરની બહાર કોઈને નીકળવા જ નથી દેતા, તારા પપ્પા કાલે જઈને બધો સમાન લઇ આવ્યા એટલે વાંધો નથી આવતો, પણ આ ઘરમાં બેસી રહેવાનો તારા પપ્પાને કંટાળો આવે છે, પણ હવે ના છૂટકે બેસવું તો પડશે."

મીરાં: "હા, મમ્મી, પપ્પાને કહેજે હમણાં બહાર ના નીકળે, આ કોરોના વાયરસ બહુ ખરાબ છે, અને બહાર કોઈને લાગેલો હોય તો પણ આપણને લાગી શકે છે. એટલે 21 દિવસ સુધી એમને કહેજે કે ઘરની બહાર ના નીકળે."

મંજુલા: "હું તો આખો દિવસ એમને કહ્યા કરું છું, દિવસમાં 10 વાર તો ચા બનાવીને આપવી પડે છે અને તોય એ કહે છે કે મને તો કંટાળો આવે, જવા દે એમની વાત, તું એમ કે સુભાષ કુમારને પણ હમણાં તો ઘરે જ રહેવાનું હશે ને?"

મીરાં: "હા, એ પણ 21 દિવસ ઘરમાં જ રહેવાના છે."

મંજુલા: "તો આ સરસ મોકો છે તારી પાસે એમને સમજાવવાનો, તું એમને કહે કે ગામની જમીન વેચી દઈને, હવે શહેરમાં ઘર ખરીદી લે."

મીરાં: "મમ્મી, આ બાબતે અમારે કેટલીવાર વાત થઇ ગઈ છે, મેં તને પણ કહ્યું છે કે એ માનવા માટે તૈયાર જ નથી થતા. એ પોતાના ગામની જમીન વેચવાની ના પાડે છે, આ વાતને લઈને તો અમારે કેટલીવાર ઝગડા પણ થયા છે, પરંતુ એ કહે છે કે કંઈપણ થશે, હું ગામની જમીન તો વેચવાનો જ નથી."

મંજુલા: "પણ અત્યારે એ ઘરમાં જ છે તો તું વાત કરીને સમજાવી શકે છે, અને ના સમજે તો હવે તેમને જણાવી દેજે કે આ વાયરસનું બધું પૂરું થાય એટલે છૂટાછેડા કરી લઈએ, અને શૈલીને પણ એમને જ આપી દેજે તો ખબર પડે પછી કે કેવી રીતે છોકરા પલવાય છે."

મીરાં: "મમ્મી, આ શું બોલે છે તું? અને આવી નાની અમથી વાતમાં છૂટાછેડા લેવતા હોય કઈ? અને છૂટાછેડા લેવાના થશે તો પણ હું શૈલીને તો નહીં જ આપું."

મંજુલા: "તું સાવ હજુ નાદાન બુદ્ધિની જ છે, આવી ધમકી આપીશ તો જ એ ગામડાની જમીન વેચી અને અહીંયા મકાન લેશે, ના એ નોકરી બદલે છે, ના બીજું કોઈ કામ કરે છે, મહિને 20-25 હજારમાં કઈ ઘર ચાલતું હશે? આ તારા પપ્પા જો, જયારે એ વડોદરામાં આવ્યા ત્યારે એમની પાસે તો કઈ જ નહોતું, સાવ ઓછા પગારમાં નોકરી કરતા અને મેં પણ સાવ નાના ઘરમાં એમની સાથે 8 વર્ષ વિતાવ્યા, પણ એમને નોકરી સિવાય ધંધામાં પણ ધ્યાન આપ્યું અને આજે જો પોતાનું ઘર અને દુકાન બંને કરી દીધા છે. કંઈક છોડે તો નવું મળે, એમને એ નોકરી છોડવી નથી, તો આખી જિંદગી તારી આવી રીતે કેમ કરી નીકળશે? હજુ તો શૈલી નાની છે, એ પણ ધીમે ધીમે મોટી થશે, એના ખર્ચ કેમ કરીને પુરા કરશો? લગન પહેલા તો બધી મોટી મોટી વાતો કરતા હતા અને હવે શું થયું? આવી ખબર હોત તો તારા લગન એમની સાથે કરાવતા જ નહીં."

મીરાં: "મમ્મી તું ક્યાંની વાત ક્યાં લઇ જાય છે? મેં પણ એમને ઘણીવાર નોકરી બદલવાનું કહ્યું, પણ એ ના પાડે છે તો હું શું કરું? મને પણ ઘણીવાર કંટાળો આવી જાય છે, ભવિષ્યનું વિચારીને મને પણ ગુસ્સો આવે છે, પણ હવે શું કરવાનું? જે છે એ નિભાવવાનું..!!"

મંજુલા: "એ નિભાવવાના જમાના હવે ગયા, હવે તો જો સારી રીતે જીવવું હોય તો વાઘણ બનીને જીવવું પડે, સામે થવું પડે, નહિ તો આ પુરુષોને કોઈ ફરક ના પડે, એ તો એમની જાતે નોકરીએ ચાલ્યા જાય, એમને તો ખબર પણ ના હોય કે ઘરમાં શું ખૂટે છે અને કેમનું બધું થાય છે, આપણે તો ઘરમાં રહીને બધું સાચવવાનું હોય છે, નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું હોય છે. તું જ્યાં સુધી સામે નહિ થાવ ત્યાં સુધી એ કઈ નહિ કરે, એકવાર ધમકી આપી દે કે 'હું મારા પપ્પાના ઘરે જતી રહીશ, અને શૈલીને પણ તમારી પાસે જ રાખીશ, પછી સાચવજો તમે ઘર, તમને પણ ખબર પડે' એવું કહીશ ત્યારે જ એ કંઈક વિચારશે."

મંજુલાની વાતો સાંભળી મીરાંને પણ થયું કે આજ સારો અવસર છે. સુભાષ પણ હમણાં ઘરમાં જ છે અને આ રીતે એમને કહીશ તો જ એ ગામની જમીન વેચીને અહીંયા ઘર લેશે, તેની મમ્મીની વાત તેને સાચી લાગવા લાગી હતી તેથી વિચારીને તેની મમ્મીને કહ્યું: "હા મમ્મી, વાત તો તારી સાચી છે, હું એમને આ રીતે કહેવાનો પ્રયત્ન કરું છું, જો માને તો ઠીક છે નહિ તો હું આ બધું પત્યા પછી થોડા દિવસ ત્યાં જ આવી જઈશ."

મંજુલા: "હા, આવી જજે ત્યારે એમને સમજાશે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે."

મીરાં: "સારું ચાલ હું મુકું છું, શૈલીને ઉઠાવું."

ફોન મૂકીને મીરાં બેઠી બેઠી વિચારવા લાગી કે હવે શું કરવું? તેની મમ્મીની વાત પણ ખોટી નહોતી, સુભાષ જીવનભર આ નોકરી કરશે તો પણ એનો પગાર એટલો વધવનો નહોતો, અને આજ રીતે ચાલ્યા કરશે તો શૈલીના ભવિષ્યનું શું? સુભાષ સાથે છૂટાછેડા થાય એવી તો ઈચ્છા મીરાંની પણ નહોતી, પરંતુ સુભાષ હવે ઘર ખરીદે એ માટે કંઈક તો કરવું પડશે એમ વિચારતી રહી.

સુભાષ સમાચારમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા આંકડા જોઈ રહ્યો રહ્યો, શૈલી પણ ઉઠીને સુભાષ પાસે આવીને બેસી ગઈ, સુભાષે તેને પોતાના ખોળામાં બેસાડી વહાલ કર્યું, મીરાં રસોડામાં જમવાનું બનાવવામાં વ્યસ્ત થઇ ગઈ. મોકો મળતા સુભાષ સાથે વાત કરશે એમ વિચાર્યું હતું.

બપોરે જમી અને સુભાષ હોલમાં જ બેસી રહ્યો, શૈલી અને મીરાં બેડરૂમમાં સુઈ ગયા, સાંજે પણ વાત કરવાનો કોઈ મોકો મળ્યો નહિ, પરંતુ રાત્રે સૂતી વખતે મીરાંએ નક્કી કર્યું કે સુભાસ સાથે કાલે તો ગમેતેમ આ બાબતે વાત કરવી જ પડશે.

(શું મીરાં પોતાના મનની વાત સુભાષને જણાવી શકશે? શું સુભાષ મીરાની વાત માની અને ગામડાની જમીન વેચી દેવા માટે તૈયાર થશે? જાણવા માટે વાંચો "લોકડાઉન-21 દિવસ" ભાગ-2)

લેખક: નીરવ પટેલ "શ્યામ"