ALL IS VERY WELL in Gujarati Short Stories by Jayesh Soni books and stories PDF | ઑલ ઇઝ વેરી વૅલ

Featured Books
Categories
Share

ઑલ ઇઝ વેરી વૅલ

વાર્તા-ઑલ ઇઝ વેરી વૅલ લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં.9601755643
વિશ્વ વ્યાપી મહામારી કોરોના ને હરાવવા માટે ભારતે આગેવાની લીધી છે અને હરાવીને, ભગાડીને જ રહેશે.અત્યારે એકવીસ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.રોજ નવા કેસો આવી રહ્યાછે. આખા દેશમાં દહેશત ફેલાઇ છે.હવે શું થશે એ પ્રશ્નનો કોઇની પાસે જવાબ નથી.
ગુરૂનગર ગામ પણ ચિંતિત છે.સરકારે ઘરમાં જ પુરાઇ રહેવાનું સ્પષ્ટ કહ્યું હોવા છતાં બહાદુરી બતાવવા લોકો ખાસ કરીને યુવાનો બજારમાં રખડપટ્ટી કરી રહ્યાછે.એકબાજુ ડૉક્ટરો, નર્સો,સફાઇ કામદારો,પોલીસો પોતાના જીવનને દાવ ઉપર લગાવી લોકસેવા કરી રહ્યાછે અને બીજી બાજુ પબ્લિક બેજવાબદાર બનીને સૂચનાઓ ને અવગણી રહી છે.આ સેવકોના કુટુંબીજનો ની શું હાલત હશે તે કોઇ વિચાર કરેછે? ધંધા રોજગાર બંધ છે.નોકરિયાતો ઘરે બેઠા છે.
બજારમાં ફરતા યુવાનો ને પોલીસવાળા પ્રેમથી સમજાવી રહ્યા હતા કે ભાઇઓ મોઢા ઉપર માસ્ક પહેરો અને ઘરમાં જ રહો.દિવસમાં દસ વાર સાબુ થી હાથ ધોવો અને સેનિટરાઇઝ વારંવાર લગાવતા રહો.પણ યુવાનો સામી દલીલો કરતા હતા કે આવી સૂચનાઓ તો ટીવી ઉપર આવેજ છે.કોઇ કહેતું કે ભાઇઓ આ સેવાકર્મી ઓ સામે તો જુઓ સહુને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે.ત્યારે કેટલાક નફ્ફટ લોકો એવી દલીલો કરતા કે એમનેતો સરકાર પગાર આપેછે,એમની ડ્યુટી છે.પોલીસો ને એમ હતું કે અત્યારે આવા સમૂહ દુઃખ ના પ્રસંગે મારઝૂડ ના કરવી પડે ત્યાં સુધી સારૂં.

ગુરૂનગર ગામના પાદરે આજે બપોરે ત્રીસેક જેટલા વડીલોની મીટિંગ મળી.બધાએ ઠરાવ્યું કે આપણે જ ધોકા લઇને બહાર નીકળીએ અને બધાને ઘરભેગા કરીએ.સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો અને વડીલો ઊભા થયા.હાલ જ બજારમાં જઇએ અને રખડતા લોકોને ઘરમાં પુરાવીએ.એકાદ બે વડીલોએ કહ્યું પણ ખરૂં કે પોલીસનું કહ્યું પણ માનતા નથી તો આપણું માનશે?
પણ બીજા મજબૂત વડીલોએ કહ્યું કે કોઇનું કહ્યું માનતા નથી એટલે તો આપણે હવે ધોકાવીને ઘરમાં પુરવાના છે.તમે જુઓતો ખરા કેવું પરિણામ આવેછે.ભાઇઓ આપણને શોખ નથી કે આપણાજ દીકરાઓ ઉપર હાથ ઉપાડીએ પણ આ બિમારી એવી ભયંકર આવીછે કે જોતજોતામાં આખું ગામ સ્મશાન બની જશે.અત્યારે
જો આપણે ચિંતા નહીં કરીએ તો કોણ કરશે? નાછૂટકે આપણે મેદાનમાં ઉતરવું પડે છે.અમુક લાગણીશીલ વડીલો ની આંખો પણ ભીંજાઈ.
એક સમજદાર વડીલે સલાહ આપી કે આપણે લાકડીઓ સાથે જઇને યુવાનોને ઘરે કાઢવા હોયતો સૌપ્રથમ પોલીસો જે ચાર્જમાં છે તેમની મંજૂરી લેવી પડે.આ વાત સાથે બધા એકમત થયા.એટલે બે વડીલો બજારમાં આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર ને મળ્યા અને ' સાહેબ, અમે આ ગામના જ રહીશો છીએ.આ છોકરાઓ કોઇનું માનતા નથી પણ અમારૂં માનશે.જો તમે મંજૂરી આપો તો અમે ડરાવી ધમકાવીને ઘરમાં પુરાવીએ.
' હા કેમ નહીં.મંજૂરી જ છે.તમારૂં કહ્યું માનશે.બધાના જીવન મરણ નો સવાલ છે.આ નાદાન છોકરાઓ ને ખબર નથી કે એક્વાર જો આ બિમારી માં સપડાઇ ગયા તો કોઇ ખભો આપીને સ્મશાને પણ નહીં લઇ જાય.લાવારિસ ની જેમ અંતિમક્રિયા કરી દેવાશે.' ઇન્સ્પેક્ટર પણ આટલું બોલીને ગંભીર થઇ ગયા.
સાંજે છ વાગ્યા.બજારમાં ઘણા લોકો બેજવાબદાર બનીને રખડી રહ્યા હતા.એટલામાં ત્રીસ વડીલો હાથમાં ધોકા લઇને મોઢા ઉપર રૂમાલ બાંધીને આવી ગયા અને રખડતા લોકોને ઝૂડવાના ચાલુ કર્યાં.પહેલાંતો કોઇને સમજ ના પડીકે કોણછે આ વડીલો અને કેમ અમને મારે છે? બધા વડીલો એ રૂમાલથી ચહેરા ઢાંકેલા હતા એટલે ઓળખાણ પડતી નહોતી.પણ પછીતો એક યુવાને હિંમત કરીને એક વડીલનો રૂમાલ ખેંચી લીધો અને ચહેરો જોઇ લીધો.આ જોઇને બીજા યુવાનોએ પણ વડીલોના ચહેરા ઉપરથી રૂમાલ ખેંચી લીધા.યુવાનો દંગ થઇ ગયા.વડીલો પણ ઓળખાઇ ગયા એટલે ભોંઠા પડી ગયા અને ગામના પાદર તરફ જવા માંડ્યા.
યુવાનો એકબીજાના ચહેરા સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યા અને પછી તુરંત ચૂપચાપ નીચું જોઇને પોતપોતાના ઘરે જતા રહ્યા.થોડે દૂર પોલીસો પણ ઊભા રહીને આ ખેલ જોતા જ હતા.તેમને શાંતિ થઇ.વડીલો સારા કામમાં આવ્યા. ઇન્સ્પેક્ટરે પોલીસો ને સૂચના પણ આપીકે કાલે પણ આ વડીલો ને જરૂર પડે તો બોલાવી લાવજો.
આ ઘટના ને ચાર દિવસ વિતી ગયા.પોલીસોને તથા આ યુવાનોના ઘરનાં ને પણ નવાઇ લાગી એકપણ વીરલો બહાર ફરક્યો નહીં.આખા ગામમાં જનતા કરફ્યુ થઇ ગયો.અને ઘરનાં લોકોએ એ પણ નોંધ્યું કે એ દિવસ પછી આ છોકરાઓ ધરાઇને જમતા નથી અને રાત્રે ઊંઘતા પણ નથી.પૂછપરછ કરતાં પણ છોકરાઓ જવાબ આપતા નહોતા.હવે ઘરનાં માણસોને ચિંતા થવા માંડી કે એવો તો કેવો આ છોકરાઓ ને માર પડ્યો કે આવા સુનમુન થઈ ગયા? અને કયા વડીલો હતા એ આવી રીતે મરાતા હશે છોકરાં ને.કેટલા ડરી ગયાછે.પણ જનતા કરફ્યુ હતો એટલે બધા સમસમીને બેસી રહ્યા હતા.
પોલીસો ને રાહત થઇ ગઇ હતી.જનતા કરફ્યુ નો સરસ રીતે અમલ થઇ રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે નક્કી કર્યું હતું કે એકવીસ દિવસ પૂરા થાય પછી પેલા વડીલોનું જાહેરમાં સન્માન કરવું છે.
આખા દેશે કડક શિસ્ત નું પાલન કરી, સરકારે પણ પ્રજા હિતમાં લીધેલા ત્વરિત નિર્ણયોથી અને આરોગ્ય કર્મીઓ,સફાઇ કામદારો અને પોલીસખાતાની સખત મહેનત થી અને પ્રજાએ પણ આપેલા અભૂતપૂર્વ સહકારથી આખા વિશ્વમાં કોરોનાને હરાવીને નેસ્તનાબૂદ કરવામાં સૌ પ્રથમ આપણા દેશે બહુમાન મેળવ્યું.
હવે ગુરૂનગરમાં હરવા ફરવાની છૂટ હતી.પેલા યુવાનો જેમને ઘરમાં પુરવામાં આવ્યા હતા તેઓ હજીપણ ઘરમાં થી બહાર આવતા નહોતા. ઘરનાં લોકો માટે ચિંતા ઊભી થઈ.એવું તો શું બન્યું હતું.
પણ એક યુવાન આજે ઘરમાં બધાં ની પૂછપરછ ના અંતે બોલ્યો કે ' મને જે વડીલે લાકડી ફટકારી હતી એ વડીલનો રૂમાલ ખેંચી ને મેં ચહેરો જોઇ લીધો હતો.'
' કોણ હતા એ વડીલ?' ઘરનાં સભ્યોએ ઉત્કંઠા થી પૂછ્યું.
' બાજુવાળા નિકુંજ ના દાદા હતા.' બધા ચૂપ થઇ ગયા.નિકુંજના દાદા પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા હતા.
પછીતો બધા યુવાનો ને ભેગા કર્યા.જે જે યુવાનોએ વડીલો ના ચહેરા જોયા હતા એ બધા પાસે જવાબ સરખો જ હતો.ફકત પાત્રો જુદા હતા.
કહેવત છે કે ઘરડાં ગાડાં વાળે.પોતાના ગામની રક્ષા કરવા આ સજ્જન આત્માઓ એ કપરી ફરજ બજાવી હતી.