Niyati in Gujarati Moral Stories by મનોજ જોશી books and stories PDF | નિયતિ

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

નિયતિ

નિયતિ

કુમાર સાહેબનો પરિવાર નાનો હતો, સુખી પણ હતો. સુખનું કારણ હતી કુમારની પત્ની સ્મિતા. સ્ત્રીત્વના પૂર્ણ લક્ષણો સાથે જ જાણે, સહુની સેવા માટે અને સહુને દેવા માટે જ અવતરી હોય, એવી સ્મિતા કુમારના સદ્ભાગ્યે તેને પત્ની તરીકે પ્રાપ્ત થઈ હતી. અત્યંત સ્નેહાળ અને સૌમ્ય સ્વભાવ, જેને કોઈ પાસેથી કશું યે લેવાની અપેક્ષા જ નહીં, બીજાને આપીને જ ખુશ થાય. પોતાનું હોય તો ય વ્હેંચીને ભોગવે એવી ઉદાર સ્મિતા હતી. નિખાલસ પણ એવી! બીજાના દુર્વ્યવહારથી દુઃખી થાય, પણ દુઃખી કરનાર સાથે પણ સદ્વ્યવહાર જ કરે, તેવી ઉમદા સ્ત્રી કુમારને મળેલી. એ રૂપથી તો સુંદર હતી જ. પણ એનું સ્વરૂપ વધુ સુંદર હતું! એની સુંદરતા સૌમ્ય હતી. ખમી ખાવું એના સ્વભાવમાં હતું.એ સ્વભાવ એની ભીતરી સુંદરતાને સાત્વિક ઓપ આપતો હતો.
પરંતુ સ્મિતા જાણે નિયતિ માટે રમત રમવાનું એક રમકડું હતી ! સરળ સ્વભાવની સ્મિતાની જિંદગી સાથે સદાય નિયતિ રમત રમતી રહેતી. ચાર ભાઈની એકની એક મોટી બહેન, એવી સ્મિતાએ ટૂંકી આવકવાળા પપ્પા અને નિરક્ષર મમ્મીની ઈચ્છા મુજબના સામાજિક વ્યવહારોને સાચવવાના હતા. સાથોસાથ આર્થિક અભાવ વચ્ચે પણ નાના ચાર ભાઈઓના ઉછેર સાથે પોતાના અભ્યાસને પણ જાળવવાનો હતો. દૃઢ મનોબળ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સ્મિતાએ નિયતિના આ પડકારને સારી રીતે પાર પાડ્યો હતો. તેની વ્યવહારદક્ષતા, કાર્યકુશળતા અને સૂઝ - સમજને કારણે તેણે તમામ કસોટીઓને પાર કરી હતી.

વીસ વર્ષની થતાં જ સ્મિતા માટે યોગ્ય પાત્રની શોધ શરૂ થઈ, જે કુમાર સુધી આવીને અટકી હતી. કુમારનું વ્યક્તિત્વ સ્મિતાથી સાવ ભિન્ન હતું. સ્મિતાનું ઉદારપણું તેનામાં ન હતું. દેખાવમાં તે દેવ હતો, પણ સ્વભાવથી દાનવ હતો. આકર્ષક વ્યક્તિત્વ, ભાષા પરનું પ્રભુત્વ અને અન્ય પાસેથી કામ કઢાવી લેવાની ચાલાકી - આ બધું જો સદ્ગુણ ગણાતું હોય, તો તે સદ્ગુણી હતો ! સ્મિતા જેવી સરળતા અને નિર્મળતા એનામાં ન હતી. સ્મિતા જેટલી પરમાર્થી, એટલો જ કુમાર સ્વાર્થી. સ્મિતા જેટલી નમ્ર, એટલો જ કુમાર ઉદ્દંડ. સ્મિતા જેટલી ધૈર્યવાન, એટલો જ કુમાર ઉતાવળો. સ્મિતા જેટલી સાચી, એટલો જ કુમાર ખોટો.

બંનેના રસ-રુચિ, ગમા-અણગમા, ટેવ- શોખ, વ્યવહાર- વર્તન અને વૃત્તિ-પ્રવૃત્તિ સાવ ભિન્ન. સ્મિતા સંતોષી સ્વભાવની, જે હોય તેમાં સુખ માની લેનારી. જ્યારે કુમાર નકારાત્મક વિચારધારા વાળો! સ્વભાવથી જ અસંતોષી! અસંતોષનું કોઈ કારણ ન હોવાં છતાં તે દુઃખી રહ્યા કરતો. તેથી તે 'સંતોષ' મેળવવા ઘરની ભટક્યા કરતો.

પ્રકૃતિની ભિન્નતાને કારણે બંને વચ્ચે એક અંતર રહેતું. દાંપત્ય જીવનમાં પતિ-પત્ની વચ્ચે માનસિક અને ભાવનાત્મક સુમેળ હોવું, સુખી દામ્પત્ય માટે અનિવાર્ય છે. એવા દંપતિ પાસે ભૌતિક સુખ ન હોય તો પણ જીવવાનો સંતોષ હોય! સ્મિતા માટે તો સુખ અને સંતોષ બન્ને- કુમાર અને પોતાના પરિવારમાં સમાઇ જતાં હતાં. પણ કુમાર પોતાની જ રચેલી મિથ્યા ભ્રમણામાં રાચ્યા કરતો. અને પરિવારનો સઘળો બોજ સ્મિતા પર નાખીને, સ્વચ્છંદી થઈને, પોતાને જેમાં આનંદ આવે, એવી પ્રવૃત્તિ કર્યા કરતો. સ્મિતાએ તો લગ્ન પછી પોતાના સમગ્ર અસ્તિત્વને કુમારમાં ઓગળવા દીધું હતું. કુમાર જ એનું જીવન. કુમાર જ એનો આનંદ. કુમારની ખુશી એ જ એની ખુશી. કુમાર માટે જ સર્જાઇ હોય એવું એનું સમર્પણ હતું.
સ્મિતાની તપસ્યાના ફળ સ્વરૂપે તેને બે સંતાનની પ્રાપ્તિ થઈ હતી. જાણે દેવનાં દીધેલ દિકરો-દિકરી હતાં. પ્રભુની આ અણમોલ પ્રસાદી પામીને સ્મિતા વધુ ધન્ય થઇ. તેને એવી આશા હતી કે આવાં સુંદર સંતાનોને પામ્યાં પછી, એના માટે થઇને ય કુમાર સુધરી જશે. પણ કુમાર પુરુષ હતો, પરંતું કુપાત્ર હતો.

કુમારને સત્ય સમજાવવાની સ્મિતા કોશિશ કરતી. પુરા પ્રેમ,આદર અને વિવેકથી તેણે કુમારને કુમાર્ગેથી પાછા ફરવા વિનવ્યો. પણ કુમારનો વ્યવહાર દિવસે દિવસે બગડતો જતો હતો. હદ તો ત્યારે થઇ, જ્યારે કુમારે સંતાનોની હાજરીમાં સ્મિતા સાથે ઝઘડવાનું શરૂ કર્યું. સ્મિતા સ્ત્રી હતી, સહનશીલ હતી, પણ આખરે તે માણસ હતી! પત્ની હતી, સાથે માતા પણ હતી. તેણે વિચાર્યું કે હવે જો પોતે પત્ની- ધર્મને જ પ્રાધાન્ય આપતી રહેશે, તો સંતાનોનાં સંસ્કાર બગડશે અને પોતે માતૃ-ધર્મથી ચલિત થઈ ગણાશે........ આખરે અત્યંત વ્યથિત હૈયે તેણે ગૃહ- ત્યાગ કરવાનો નિર્ણય કર્યો.

માનવ સમાજની વિડંબના તો જુઓ ! પરમાત્માનું ઉત્કૃષ્ટ સર્જન જ સ્ત્રી છે. એક રીતે જોઈએ, તો સ્ત્રી જગતનો આધાર છે. માતા વિના, બહેન વિના, પત્ની વિના, પુત્રી વિનાનાં ઘરની કલ્પના ય કડવી લાગે છે. સ્ત્રી વિના ઘર ઉજળું ન લાગે, રૂડું ય ન લાગે ! દેહ-બળને બાદ કરતાં, પુરુષ સ્ત્રી સામે બધી રીતે નિર્બળ હોવા છતાં, યુગોથી માનવ સમાજે પુરૂષને જ પ્રાધાન્ય આપ્યું છે. પુરુષ એટલું નથી સમજતો કે સ્ત્રી ન હોત તો પોતે ક્યાંથી હોત ? સ્ત્રી ન હોત તો કુટુંબ વ્યવસ્થા ક્યાંથી હોત ? અને સ્ત્રી ન હોત તો સંસ્કૃતિ પણ ક્યાંથી હોત ? સૃષ્ટિના સર્જનહારે પુરુષ અને પ્રકૃતિનું સાયુજ્ય રચ્યું છે. બંનેને પરમેશ્વરે સમાન હક અને તક આપ્યાં છે. પરંતુ સ્ત્રીને કેટલીક વિશેષ પ્રાકૃતિક બક્ષિસ આપી છે, જે પુરુષ પાસે ક્યારેય હોઈ શકે નહીં.એ બક્ષિસ જ સ્ત્રી માટે ઘાતક બની રહી છે.

વાસ્તવમાં સમગ્ર સૃષ્ટિનાં સર્જન પછી, સૃષ્ટિનાં જ ઘટકોની શ્રેષ્ઠતાઓને સંમિલિત કરીને સર્જનહારે આખરે સ્ત્રીનું સર્જન કર્યું. સ્ત્રીના સર્જન પછી કદાચ તેણે હાથ ધોઈ નાખ્યા. કારણકે આટલી ઉત્કૃષ્ટ કૃતિ રચ્યા પછી ભગવાને સંતુષ્ટ થઈને સૃષ્ટિનાં સર્જનની જવાબદારી જ પોતાના શિર પરથી હળવી કરી નાંખી ! સ્ત્રીનું સર્જન અને સંચાલન તે પુરુષ અને પ્રકૃતિને સોંપવા માગતા હતા. તેથી જ ઈશ્વર પછી જગતમાં સર્જન-કર્તા કેવળ માતૃશરીર છે. સ્ત્રી એ આજ સુધી ઈશ્વરદત્ત કર્તવ્ય નિભાવ્યું છે. પણ પુરુષે પોતાના અહંકાર અને બર્બરતાથી માતૃશક્તિને સદા ય અન્યાય જ કર્યો છે.
સ્મિતા વિચારવાન હતી. કુમાર જેટલી જ શિક્ષિત હતી. એથી ય વિશેષ, માનવતાથી દીક્ષિત પણ હતી!
કુમારની સ્વચ્છંદતાએ તેનાં સ્ત્રીત્વનું અપમાન કર્યું હતું. હવે તે કુમારના અત્યાચારને સહી લઇને વધારે અપમાનિત થવા ઇચ્છતી ન હતી. તેથી કુમારને એના મિથ્યાભિમાન સાથે જીવવા દઇને એણે ગૃહત્યાગ કર્યો.
સ્મિતાના ગૃહ-ત્યાગ પછી કેટલાક દિવસ તો કુમારે સ્વતંત્રતાનો આનંદ માણ્યો. પણ તેણે અનુભવ્યું કે તેની સામાજિક પ્રતિષ્ઠા અને પરિવારમાં મળતું માન તો માત્ર અને માત્ર સ્મિતાને આભારી હતું. સ્મિતાના ગયા પછી તો પડોશીઓ માટે પણ જાણે તે પરાયો બની ગયો હતો. તેના ઘેર આવતા-જતા મિત્રોએ તેની સાથેના પારિવારિક સંબંધો પર મર્યાદા મૂકી દીધી હતી. કુમારને સમજાયું કે ઘર તો પત્નીથી જ રચાય. બાકી તો મકાન હોય. ચાર દિવાલ, રંગરોગાન કે રાચરચીલાથી જ ઘર નથી બનતું. ઘર તો સ્ત્રી થી જ બને છે . સ્ત્રી વિનાનું રહેઠાણ હોઈ શકે, ઘર નહીં. કુમારને સત્ય સમજાયું, પણ ત્યારે સ્મિતા ઘરનો ત્યાગ કરી ચૂકી હતી. કુમારની આંખ ખૂલી, પણ પુરુષ તરીકેનું અભિમાન તેને સ્મિતા પાસે જતા રોકતું હતું.
સમજદાર માતા તરીકે સ્મિતાએ સંતાનોને કોઈ અભાવ ન સાલે, તેની કાળજી રાખી. તેણે નોકરી સ્વીકારી. પોતે પગભર થઈ ગઈ. પણ કુમારના અત્યાર સુધીના દુર્વ્યવહારે તેને ભીતરથી તોડી નાખી હતી. સંતાનોનાં સુખ ખાતર ત્યાગ તો કર્યો, પણ પોતાના આટલાં વર્ષનાં સમર્પણ, ત્યાગ અને પ્રેમનો આવો બદલો કુમારે આપ્યો, તેનાથી આહત થયેલી સ્મિતાને કેન્સર થયું.

ક્યારેક એવું લાગે કે ભગવાનનો જો કોઈ દરબાર હોય, તો તેમાં ન્યાય હશે ખરો ? સત્ય સદાય આહત થયા કરે, અને અસત્ય સદાય આનંદ કર્યા કરે? નિયતિને કોણ સમજી શક્યું છે ?
સ્મિતાના સમાચાર સાંભળતા જ કુમારને ભાન થયું કે પોતે જાણી જોઈને, પોતાની મોહાન્ધાતાને કારણે પોતાની પ્રેમાળ પત્નીને કેવી હાલતમાં મૂકી દીધી છે ? કશાય દોષ વિનાના બે માસુમ સંતાનોને તેણે રઝળતાં કરી મૂક્યાં. સ્મિતાની મહત્તા અને પોતાનાં વામણાપણાં વિશે વિચારીને તે શર્મીંદો બન્યો. સ્મિતાની સાથે રહીને તે જે ન સમજી શક્યો, તે તેના વિયોગે તેને સમજાવ્યું. સ્મિતાની માંદગીના સમાચાર મળતાં જ તે સ્મિતા પાસે પહોંચી ગયો. કશું બોલ્યા વગર, તેની પથારી પાસે બેસી, તેનાં માથાં પર હાથ ફેરવતો રહ્યો.

બંને બાળકો સાથે સ્મિતાને ઘેર લઈ જઈ, તેમની દેખરેખ માટે પોતાના સાસુ-સસરાને જાતે તેડી લાવ્યો. ઘરકામ રસોઈ અને બાળકોનાં શિક્ષણ માટે વ્યવસ્થા કરી. સારામાં સારા નિષ્ણાંત ડોક્ટર પાસે લઇ જઇને સ્મિતાની સારવાર કરાવી. કિમોથેરાપીથી સ્મિતાના લાંબા, સુંદર, શ્યામલ, મુલાયમ કેશ ખરી ગયા. સ્મિતા ડિપ્રેશનમાં સરી પડી. કુમારે નોકરી છોડીને સ્મિતાને સાચવી લીધી. પોતે કોઈપણ હાલતમાં તેને નહીં છોડે અને જીવનપર્યંત પ્રેમ કરશે, તેનો અહેસાસ પોતાના વ્યવહારથી કુમાર સ્મિતાને કરાવતો રહ્યો. સ્મિતા સૂતી હોય, ત્યારે તેના પગ પાસે બેસી, મુંગુ રુદન કરતો તે વિચારતો રહેતો કે પોતાની સુખની વ્યાખ્યા કેટલી ખોટી હતી ? અત્યાર સુધી તે માની લીધેલા ભ્રાંત સુખની પાછળ ભટકતો રહ્યો. સુખનો સાગર તો એનાં પોતાનાં ઘરમાં ઘૂઘવતો હતો.

આટલા વર્ષે પહેલી વાર પત્નીના અસલ સ્વરૂપને તેણે પિછાણ્યું. સ્મિતા તેના પરિવારનો આધાર હતી. પોતે સમાજમાં ઉજળો થઈને ફરતો, તેનું કારણ કેવળ સ્મિતા હતી. સ્મિતા કુમારના જીવનની ધરી હતી, જેની આસપાસ એનું અને એના પરિવારનું જીવન ફરતું હતું. કુમારનું હૈયું સ્મિતા તરફના સાચા સ્નેહની અનુભૂતિથી છલકી ઉઠ્યું. પત્નીને આજ સુધી પોતે કરેલા અન્યાયોનું વળતર ચુકવવું હોય, તેમ તે સંપૂર્ણ રીતે સ્મિતામય થઈ ગયો.

સ્મિતાનું મન કુમારમાં આવેલા આ પરિવર્તનની નોંધ લેતું. તેણે કુમાર જેવા તદ્દન વિપરીત સ્વભાવના વ્યક્તિ સાથે બે દાયકા સુધી દુઃખ સહ્યા પછી દાંપત્યજીવનની આ કસોટીને પણ પાર કરી હતી. તે ઝડપથી સાજી થવા લાગી. નવા આત્મવિશ્વાસ સાથે, નવી શ્રદ્ધા સાથે, જીવન પ્રત્યેના તેના હકારાત્મક અભિગમ સાથે તે પુનઃ તંદુરસ્ત બની. ઈશ્વરે જાણે તેના તપ અને ત્યાગની સામું જોયું હતું.

....પણ નિયતિ તો નિયતિ હતી ! મનુષ્યની મતિ, નિયતિની ગતિને કેમ કરીને પામી શકે ? સ્મિતાની સાથે ભાગ્ય ફરી રમત રમતું હતું. સ્મિતાના જીવનપથ પર સદાય કંટકો જ પાથરવાની નિયતિને કદાચ મજા આવતી હતી ! સ્મિતા તો સાજી થઈ ગઈ પણ કુમારને કેન્સર હોવાનું નિદાન થયું.....


મનોજ જોશી,

મહુવા.

9824543497