desertsafari in Gujarati Travel stories by Manu v thakor books and stories PDF | રણસફર

Featured Books
Categories
Share

રણસફર

રણસફર____


रास्ते नहीं यहां जिंदगी गुजर रही है।
જિંદગી રોજની સફર છે.
સફર મને ગમે છે. રોજબરોજની જિંદગીમાં અટવાઈ જાઉં છું ત્યારે રજાનો દિવસ મને કંઇક નવું જોવા - જાણવા ભીતરમાં સળવળાટ આપે છે.
રજાનો દિવસ મારે મન ઘરે બેસીને આરામ કરવાનો નહીં પણ મિત્રો સાથે મજા કરવાનો. હરવા-ફરવાનો ને મારા શબ્દોમાં કહું તો રખડપટ્ટીનો- રઝળપટ્ટીનો. જોવા કરતાં પણ વધુ જીવવાનો, ને આ જીવ્યાનો આનંદ.

રજાના દિવસે મિત્રોને મળવું અને સાથે રહેવું, ખાણીપીણી અને રખડપટ્ટીની મજા લેવી. આજકાલ ઘઉં - ચણાનો ખેતરોમાં ઠાઠ જામ્યો છે, ત્યારે પ્રથમ તો એ બાજુ જવાનું વિચારેલું. ઘરેથી નાસ્તો લઈ ખેતરોમાં જવું ને મજા માણવી. પરંતુ બે-ચાર વાર જઈ આવ્યા બાદ આજે કોઈ નવીન જગ્યાએ જવાનું ગોઠવ્યું.

મિત્રોને ઘણાં સમયથી રણમાં વાડીલાલ ડેમ જવાની ઈચ્છા હતી. આમ પણ રણ મને રોજથી સ્પર્શે. રણ એ રોમાંચ છે. રણ મારે રોમ રોમ છે. રણનો માણસ પોતાની અંદર એક મીઠું ઝરણ લઈ ફરે છે. અહીંનો માણસ ખારો નહીં પણ મારો લાગે. અહીં ધૂળ નહીં મૂળ જોવાય.
ડુંગર , ઝરણાં, વહેતી નદીઓ, લીલાછમ જંગલો નહીં પણ રણ, રેતી અને ઝાડી-ઝાંખરા એ જ અમારો પ્રાકૃતિક વૈભવ.

વઢિયાર પ્રદેશ એટલે ભાવનાનો પ્રદેશ. શબ્દોની સીમા આપી વિભાવનામાં બાંધી ન શકાય એવો રણનો પ્રદેશ. અહીં જોવા નહીં જીવવા આવો તો જ એને જાણી શકો, માણી શકો ને ખરા અર્થમાં પ્રમાણી શકો. જોવાથી તો માત્ર માપી શકો. વઢિયારનો આ વૈભવ સાચુકલો પામવા તો અહીં જીવવું પડે. અહીં તાપ છે, સંતાપ છે તોપણ આ ભૂમિનો એક નોખો પ્રતાપ છે. વેદનાઓ પોતીકી ખરી પણ સહૃદયી સંવેદનાઓ ભરપૂર છે. એકબીજાથી હોવાનો ને એકબીજાના હોવાનો ભાવ અહીં મળે. વઢિયારની ધીંગી ધરા ને ધરમ કાજે ધડ પણ ધીંગાણા લડી લે એવો મોંઘામૂલો મલક.

અહીંનો પ્રદેશ એટલે રણને જાણે દરિયાની તરસ હોય એવી એક આશ. અહીં જીવનનો એક પ્રાસ છે. બહારથી શુષ્ક ખરો પણ ભીતરમાં સંવેદનાઓની ભીનાશ છે. કારણ એ જ કે અહીં નદીઓ બહાર નહીં ભીતર ધરબાયેલી છે. અને જે ભીતરમાં છે એ જ તો ખરું. બહારનો બફાટ તો આજે બધે બળબળે છે. માણસ હોય કે પ્રદેશ તળનો ગમે છળનો નહીં. જેણે જોયો નથી એ શું જાણે? વઢિયારનો યાર અને પ્યાર. ખાર અને સાર.
આ ખારનો વિસ્તાર કે વ્યક્તિ કેટલી મીઠાશ ધરે છે એ તો મીઠાના ગુણથી જ સમજી શકાય.

મલક તણાં મુજ માનવી મીઠા મોંઢે વેણ
છલકે હૈયાં હેતથી, નેહે ભર્યા નેણ.


રણનો મિજાજ પણ આગવો હોય છે.
રણ સામે મીટ માંડીએ ત્યારે તરસ આપોઆપ ફૂટે.
ઝાંઝવાના દેશમાં ઝંખનાઓ પ્રબળ બને છે ને પછી વિસ્તરે છે રણ માનવીની ભીતરમાં પણ . દૂર દૂર દેખાતા મૃગજળને નજરથી પી લેવાની ઘટના એટલે રણ.

રવિવારની સવારે અમે ત્રણ મિત્રો ઘરેથી બાઈક પર રણ તરફ નીકળી પડ્યા. રખડપટ્ટી રણની હોય ત્યારે પૂર્વતૈયારી સાથે જવું જોઈએ. વાડીલાલ ડેમ સાઈટ પર જવું, વનભોજનની મજા માણવી ને આસપાસની જગ્યાએ રખડવું એ ઉપક્રમ હતો. રણની સફર હોય ત્યારે પૂરતું પાણી, નાસ્તો, મોબાઈલમાં ચાર્જીગ, પાવરબેન્ક અને બાઇકમાં પેટ્રોલ ખાસ જરૂરી છે. અન્ય સૌથી મહત્ત્વની વાત એ કે રણ એટલે ચોક્કસ રસ્તા વગરની યાત્રા. રણનો ભોમિયો સાથે હોય તો જ રણની સફર ખેડવી જોઈએ. રણના ભોમિયો કહી શકાય એવા મિત્ર નવઘણભાઇ ઠાકોર કોડધાથી અમારી સાથે આવ્યા. ખારમાં રહેતો મનનો મીઠો માનવી અમને આવકારવા આતુર હોઈ એમ જમવાની વ્યવસ્થાનો આગ્રહ ઘણો કર્યો, પરંતુ ઘરેથી તૈયારી સાથે જ ગયેલા એટલે એ આતિથ્ય માણવાનો અવસર મુલત્વી રાખ્યો.

સવારે ૧૧:૦૦ વાગ્યે કેમ્પ સાઈટ પહોંચી અહીં રહેતા દાદાને ત્યાં થોડીવાર બેઠા ને વાતો કરી. દાદાએ ખાવા માટે ચણાનો ઓળો પાડી આપ્યો. દાદા પાસેથી દૂર દર્શન માટે દૂરબીન પણ લીધું . સાઇટ પર બનાવેલ પોઈન્ટ (સનસેટ, પક્ષીદર્શન, રણદર્શન) પર ચડી આસપાસનો નજારો ખરેખર જોયા જેવો. અહીંથી પસાર થનાર દરેક માટે આ પોઈન્ટ ખાસ આકર્ષણ છે. અહીંથી રણની અસીમતાને આંખમાં ઉતારવા મન સહજ લલચાઈ જાય. શીતળ પવનની લહેરોનો ભીનો અહેસાસ આપતું સરોવર આંખને રસ્તે ઉતરી હૈયા સુધી ભીંજવી દે એવું. દૂરબીનથી દૂર ડેમ મધ્યે સુરખાબ, બતક, બગલા, ટીંટોડી, અને અન્ય વિદેશી પક્ષીઓ જોવાનું ગમે. દૂર ઝાડીઓમાંથી ઘુડખર નજરે પડે એવી આશાએ ડેમની ફરતે થોડી રઝળપાટ કરી. અહીંની પ્રકૃતિમાં બાવળ ઉડીને આંખે વળગે. ગુંદના ઢેલા ડાળીએ ડાળીએ ફૂટેલા. અહીં ગુંદ વીણવાનું કામ રોકડી કમાણીરૂપે થાય. પૈયડીયા (પરડા - બાવળની ફળી) પણ લૂંમખે - ઝૂમખે. જે ખાસ કરીને ઢોરને ખવડાવવા માટે ઉપયોગ થાય. વગડાનો માણસ પૈયડીયાના સ્વાદથી અજાણ ન રહે. થોડો મીઠા, થોડો કડવો ને તૂરો એનો સ્વાદ. અહીંના લોકગીતોમાં પણ પૈયડીયાને સ્થાન છે.

ચાં ચાંથી આયું? ઢેંચણીયું ઢોલું.
શું ખઈને રહ્યુંતું? ઢેંચણીયું ઢોલું.
સામે ગામથી આયું ઢેંચણીયું ઢોલું
પૈયડીયા ખઈને રહ્યુંતું? ઢેંચણીયું ઢોલું

રણનો શરૂઆતી વિસ્તાર એટલે ઝાડી-ઝાંખરાનો. ઉબડખાબડ ભૂમિ જ્યાં આવળ-બાવળ(ગાંડા બાવળ, રામ બાવળ, દેશીબાવળ, પાનબાવળ) ખીજડા, બોરડી, પીલુડી અને ઊંટમરોડ, ફરાહડી જેવી અન્ય કેટલીય વનસ્પતિઓ પણ જોવા મળે.સરુંની જાતના નાના છોડ મનને ગમી જાય. અહીંનું પ્રાણીજગત પણ અનોખું છે. જે વિશે મેં અગાઉ જણાવેલ.

રણની પણ એક ઋતુ હોય છે.
દિવસે જેટલું ગરમ હોય છે એટલું જ રાત્રે ઠંડુ. રણની રાત્રિ એ રોમાંચક છે. પૂનમની રાત્રે રણનો અજવાસ માણવા જેવો. એમાં પણ શરદપૂર્ણિમાં હોય તો ઉત્તમ. રણનો સ્વભાવ શિયાળે સમજી શકાય અને ખરો પ્રભાવ ઉનાળે.
ફેબ્રુઆરી - માર્ચ એ રણની રખડપટ્ટી માટે સૌથી ઉત્તમ સમયગાળો.

ઘણીવાર સાંભળ્યું છે કે અહીં તો ખાર છે, ધૂળની ડમરીઓ છે ને ગરમીનો ત્રાસ છે. એકલવાયું રણ છે. જો રણને તમે આમ બાહ્ય રીતે જોવો છો તો તમે રણને જાણતા નથી અથવા જાણી શક્યા નથી.

-મનુ.વી.ઠાકોર 'મનન'
ભદ્રાડા