'હજી કેટલો સમય લાગશે ભાઈ...' રીનાએ પૂછ્યું.
' બસ પહોંચી જ જઈશું... કલાકેક માં... ' એકે જવાબ આપ્યો.
'કંઈક નાસ્તો કરવો છે તમારે... કહેજો... કોઈ હોટેલ પર રોકીશું... '
' ના ના મને બિલકુલ ભૂખ નથી '
' ભલે... '
ભુખેય ક્યાંથી હોય... અનેક વિચારોનું ટોળું વંટોળની જેમ એના મન પર તૂટી પડ્યું હતું...ગાડી નો વેગ જેમ જેમ વધતો ગયો એટલી જ ગતિ વિચારો પણ પકડતા હતાં...
જન્મોજનમ ના સાથના વચન વાસવ બસ અમુક વર્ષો માં ભૂલી ગયો...? જન્મોજનમ ના સાથ નો મતલબ આટલાંજ વર્ષ થાય ? એ મને ભૂલી ગયો...? ક્યાંક એ મને ઓળખવાની ના તો નહિ પાડી દે ને... ?ક્યાંક મારું અપમાન કરી... ધક્કા મારી બહાર તો નહિ કાઢી મૂકે ને... ?આટલા વરસ થયા એને જોયાને... કેટલો બદલાઈ ગયો હશે.. ? કેવી હશે એની પત્ની... ?ખૂબ સુંદર હશે ?હા હા સુંદર તો હશે જ ને... તો જ તો... ! એની પત્ની એની કાળજી તો રાખતી હશે ને... ? એ ક્યારેક મને યાદ કરતો હશે ?એકાદ પળ માટેય હું યાદ આવતી હોઈશ... ? ' વિચારોનું વંટોળ થોભવાનું નામ નહોતું લેતું. પણ એક આંચકા સાથે ગાડી થોભી ગઈ.
એના વિચારોની તંદ્રા તૂટી. એને થયું પહોંચી ગયા કે શું ? એણે આસપાસ જોયું. સિગ્નલ ના કારણે ગાડી ઊભી રહી હતી. થોડીવારમાં સિગ્નલ ચાલુ થતાં ગાડીએ ફરી રફ્તાર પકડી. ને વિચારોએ પણ...
વિચારો અને ગાડીના રફ્તાર વચ્ચે પીસાતી રીના આખરે વાસવના ઘરે પહોંચી...
* * *
રીના ગાડીમાંથી ઉતરી અને ઘર અને રાજશી ઠાઠ -માઠ જોઈ રહી. દરવાજા પાસે પહોંચ્યા. એક માણસે આગળ આવી ડોરબેલ વગાડ્યો. રીના એ પણ બાઘાની જેમ જોઈ રહી. દરવાજો જલ્દી ન ખુલ્યો. રીનાથી હવે રાહ ન જોવાતી હતી. વર્ષો થયા વાસવને જોયાને... એને જોવા ટળવળતી આંખો... અતૃપ્ત આંખો હવે ઇન્તજાર કરવા સહમત નહોતી... એણે ફટાફટ ડોરબેલ વગાડ વગાડ કર્યો. વારંવાર વગાડ્યો. એકે કહ્યું... 'અરે અરે થોભો મેમ ગુસ્સે થઇ જશે... 'આ સંભાળી રીના સહમી ગઈ. ને ત્યાં જ વાસવે આંખો ચોળતા ચોળતા બડબડાટ સાથે દરવાજો ખોલ્યો... 'સ્ટુપિડ આટલો ડોરબેલ વગાડાઈ... સમજણ નથી પડતી... '
'નથી પડતી સમજણ... ગવાર છું... માફ કરજો '
અરે આ તો રીના નો અવાજ... ! એક ઝટકા સાથે એણે બહાર જોયું... રીના પણ વાસવને જોઈ રહી...બન્ને એકમેકને તાકી રહ્યા. રીનાના આંખમાં વર્ષો પછી વાસવને જોયાનો સંતોષ... તો વાસવની આંખમાં અચાનક આવી ચડેલી રીનાનો ડર.
' કોણ છે ? ' પ્રીતિએ આવી વાસવના ખભા પર હાથ મુકતા કહ્યું...બંને ચોંક્યા.
' માં ક્યાં છે ?' વાસવે પૂછ્યું.
' અરે દવાજામાં જ પૂછીશ.. આવો અંદર... ' બધા ને અંદર આવવા પ્રીતિએ જણાવ્યું...
ડરતા ડરતા રીનાએ પ્રવેશ કર્યો. બધા સોફા પર બેઠાં... પ્રીતિએ વાસવ તરફ જોતાં પૂછ્યું... 'આ કોણ છે... '
'આ...આ... માં ની કેરટેકર ને ઘરનું કામ કરતી... ' ઘભરાતા વાસવે કહ્યું.
એક આંચકો અનુભવતાં રીનાએ કહ્યું 'હા એમની ઘરની નોકર છું મેમ ' પ્રીતિ એની સામું જોઈ હસી.
રીનાએ પછી માં ના મોતની ખબર આપી બધું જણાવ્યું. વાસવે થોડા આસુ ટપકાવ્યા... પછી એ નોર્મલ થઇ ગયો. એ જોઈ રીના વિચારી રહી, 'એક સમય હતો કે માં ને તકલીફ પણ થતી તો વાસવનો જીવ ઊંચો નીચો થઇ જતો ને આજે માં ના મુત્યુના સમાચાર પછી પણ વાસવ આમ...આ શહેરની હવાને પૈસો માણસને આટલું બદલી નાખે ?હેં ?...હા...માં ની ખબરથી પ્રીતિ દુઃખી હતી એ સાફ દેખાતું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રીતિના કહેવાથી પાર્ટી કૅન્સલ કરાઈ હતી.
બે દિવસ વીતી ગયા. વાસવ ઘણી વખત રીનાની આસપાસથી ગયો પણ એ રીનાને નજરઅંદાજ કરતો. એની સાથે નજર નહોતો મળાવી શકતો. પ્રીતિ રીનાનો સારો ખ્યાલ રાખતી. પણ વાસવનો અણગમો દેખાતો હતો. હવે એ અણગમો રીનાને પીડા આપતો હતો. રીનાને મળવાની કોઈ ખુશી નહોતી. દેખાતો તો માત્ર ડર...હવે રીનાથીએ જોઈ શકાતું નહોતું... આમેય એણે વાસવને જોઈ લીધો હતો. એનો સુખી સંસાર જોઈ લીધો હતો. હવે ગામ જવું જોઈએ વિચારી સવાર સવારમાં એણે પ્રીતિને કહ્યું.
' તમારા કોઈ નોકરને કહી મને સ્ટેશન સુધી મૂકી આવવા કહો...મારે ગામ જવું છે ત્યાં બધા રાહ જોતાં હશે... '
' ત્યાં તારું પરિવાર છે... 'પ્રીતિએ કુતુહલતાથી પૂછ્યું.
'હા....' રીનાએ કહ્યું. ને મનમાં જ બોલી ઘર, ઝાંપો, પંખી, ગુલમહોર, નદી, પહાડો, લીમડો... બધા મારું પરિવાર જ છે ને '
' ઠીક છે હું વ્યવસ્થા કરી આપું છું '
એ તરફ આવતાં વાસવ બન્નેની વાત સંભાળી રહ્યો હતો. એણે કહ્યું... 'હું છોડી દઈશ સ્ટેશન... મારે એ તરફ જ જવાનું છે... સ્ટેશન નજીક છોડી દઈશ... '
'હા ઠીક... તો તો ઘણું સારું 'કહી પ્રીતિ રૂમમાં ગઈ. અમુક સામાન રીનાને આપ્યું. રીનાએ લાવેલ સામાન ખોલી એમાંથી એક ચાંદીની ચેન કાઢતાં પ્રીતિના હાથમાં આપતાં કહ્યું... 'આ લો માં ની આખરી નિશાની છે... આશીર્વાદ સમજી રાખી લેજો... એમની ઈચ્છા હતી કે આ એમની વહુ પાસે હોય... સોનુ નથી... ગરીબી માં સોનુ તો ક્યાંથી લે... પણ માં એ આ બહુ દિવસથી મજૂરીની મહેનતથી લીધી હતી. સાચવજો.... '
પ્રીતિએ હાથમાં લઇ માથે અડાડી...રીના એને જોઈ રહી... જતાં જતાં રીનાએ કહ્યું... ' તમારો... આવનાર બાળકનો ને વાસવનો ખ્યાલ રાખજો...
કહી રીના ઘરની બહાર આવી. વાસવ ગાડી લઈને આવ્યો રીના બેઠી. એણે નિશ્ચય કર્યો હતો વાસવ સાથે વાત જ ન કરવી. ગાડી સ્ટેશન તરફ જવા લાગી.... વાસવે કહ્યું...
' તું શું કામ આવી રીના... પ્રીતિને ખબર પડી જાત તો... '
રીના અનુત્તર રહી...
'પ્લીઝ હવે પછી ક્યારેય ન આવતી....'
રીના અનુત્તર રહી...
'હું તો ડરી ગયો હતો તું ક્યાંક પ્રીતિ સામે મોં ખોલી દે તો... '
રીના અનુત્તર રહી...
' ચાલ જે થયું તે થયું એ કહે તે કોની સાથે લગ્ન કર્યા... ?'
રીના અનુત્તર રહી...
'કેટલાં બાળકો છે... '
રીના અનુત્તર રહી...
'અરે કઈ બોલ તો ખરી... '
રીના અનુત્તર રહી...
' હા સાંભળ... અહીં મારી પાસે આટલા પૈસા જોઈ લાલચમાં આવી એમ ન વિચારતી કે ફરી ક્યારેક પાછી આવી મને હેરાન કરે.. તો એનો ઇન્તજામ મેં કરી દીધો છે. કેમકે હું મારી લાઈફમાં ભવિષ્યમાં કોઈની પ્રોબ્લેમ નથી ઈચ્છતો... તો આ રાખ પૈસા... જિંદગીભર ચાલી જશે... મારી માંની સેવા કરી એનો પગાર સમજજે... '
રીનાની આંખમાં આંસુ આવી ગયા...આંસુ ટપકતા રહ્યા. પણ એ અનુત્તર રહી...
ત્યાં જ વાસવે ગાડી રોકી... કહ્યું... ' સ્ટેશન આવી ગયું... ચાલ તને છોડી દઉં... '
' એકવાર તો છોડી... હજી કેટલીવાર છોડશે... ' કહેતાં પૈસાનું બંડલ વાસવના મોં પર ફેંકતા રીના ત્યાંથી સ્ટેશન તરફ ચાલી ગઈ...
* * *