વાસવ -પ્રીતિ બંને જુહુ બીચ પર પહોંચ્યા. સાંજનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે ડૂબી રહ્યો હતો. પ્રીતિએ પોતાના પગ ઠંડી ઠંડી રેતીમાં મુક્યા. ઠંડી સુંવાળી રેતીમાં થાક શોષાતો જતો હતો. ખીલેલા કમળની જેમ સંધ્યા ખીલી ઉઠી હતી. ને સુર્ય... એણેય વાતાવરણને વધુ આકર્ષક બનાવવા અસ્ત પામતા પહેલા એની પાસે જે પણ વૈભવ બચ્યો હતો તે એણે છુટ્ટે હાથે વેરી દીધો.
બંને થોડીવાર મૌન રહી પ્રકૃતિને માણી રહ્યા. કશીક વાત કરવાના ઈરાદાથી પ્રીતિએ કહ્યું... ' જયારે જયારે આપણે સુર્યાસ્તને નીહાળીયે છીએ... તોયે કેવો નિરાળો લાગતો હોય છે... ખરુંને ? દરેક સાંજની એક આગવી અદા... એક જુદો જ મિજાજ હોય છે...
પ્રીતિએ મુઠ્ઠીમાં રેતી ભરી અને પછી સરવા દીધી. વાસવ પ્રીતિની બચકાની હરકતોને જોઈ રહ્યો.
હવે સંધ્યામાં ધીરે ધીરે અંધકારે પ્રવેશ કરવા માંડ્યો હતો. નીરવ પગલે આવી રહેલો અંધકાર એના ચહેરા પર ઢળી રહ્યો હતો.
'શું વિચારી રહી છે પ્રીતિ ?અને આજે અચાનક અહીં જીદ કરીને શું કામ લાવી... આપણે કાલે પણ આવી શક્યા હોત ડાર્લિંગ... '
'બસ મારે આજે આવવું હતું... અને હા મારે તને કંઈક જણાવવું છે... તો આનાથી સુંદર બીજી કોઈ જગ્યા મને ન લાગી ડિયર... '
'શું વાત છે ડાર્લિંગ... '
' હા હા જાણવું છું... ' કહેતાં એ ખીલખીલાટ હસી પડી...
' પ્રીતિ જણાવ ને... '
' કહું.... '
' હા હા કહેને જાન... '
' તો સાંભળો... તમે પાપા બનવાના છો... ' પ્રીતિ શરમાઈ...
' શું સાચે જ ' ખુશીથી ઉછળી પડતા વાસવે કહ્યું.
' વાસવ હું બહુ જ ખુશ હું માં બનવાની છું... અજીબ લાગણી અનુભવુ છું...'
'પ્રીતિ હું પણ ખૂબ ખુશ છું... 'પ્રીતિ ને બાહોમાં ભરી લેતા વાસવે કહ્યું.
' વાસવ ડેડી ને આ ખુશ-ખબરી આપવા અહીંથી સીધા ત્યાં જ જઈશું... '
' હા હા પ્રીતિ... તો વાર શાની.. ચાલ હમણાં જ જઈએ... '
પ્રીતિ અને વાસવ એકમેકનો હાથ.. હાથ માં પકડી ત્યાંથી બહાર ગયા. પાર્કિંગમાંથી કારમાં બેસી બન્ને પ્રીતિના પિતાને ત્યાં ગયા.
* * *
ખુશ-ખબર સાંભળી પ્રીતિના પિતાજી ખૂબ જ ખુશ હતાં. એણે વાસવ ને કહ્યું...
'આટલી ખુશીની ઘડી છે બેટા.., લગ્ન વખતે તો તારી મમ્મી ને નહીં બોલાવી શક્યા. જોકે ત્યારે મેં તો આગ્રહ કરેલો પણ તેં જ કહેલું કે એમની તબિયત નાજુક છે... ચાલો જે થયું તે થયું પણ હવે તો એમને બોલાવી જ લો... '
' હા બોલાવી લો... 'પ્રીતિ પણ જીદે ચડી.
બંનેના આગ્રહની સામે વાસવે હા કહેવી જ પડી.
પ્રીતિ ખૂબ જ ખુશ ખુશાલ હતી. એ પણ ઘણા સમયથી એમને મળવા માંગતી હતી. વાસવની હા થી એ ઝૂમી ઉઠી.
* * *
એ રાત્રે વાસવને ઊંઘ આવી નહિ. આમ તેમ પડખા ફેરવતો રહ્યો. પ્રીતિના ડેડીએ ફરી ભૂલી ગયેલા ગામ યાદ દેવડાવી દીધી હતી. માની યાદ આવી ગઈ. રીનાની યાદ આવી ગઈ. ગામની ટેકરીઓ, પર્વતો, નદીઓની યાદ આવી ગઈ, લીમડાની યાદ આવી ગઈ.
એને થયું મુંબઈ આવ્યાને કેટલાં વર્ષ વીતી ગયા. રીના તો કદાચ પરણીયે ગઈ હશે ! ને નહિ નહિ તોયે એકાદ બે છોકરાંઓની માં તો બની જ ગઈ હશે...
રીનાની યાદ સાથે પેલો લીમડો અને એને અઢેલીને બેઠેલા એ ને રીના...
ના, ના, ના. નથી યાદ કરવું એ બધું મારે... રીના તો મને ક્યારની ભૂલી ગઈ હશે... પરણીને એના પરિવાર સાથે ખુશ હશે.
પણ માં.. માં તો સાવ એકલી પડી ગઈ હશે. માં ને કાલે જ બોલાવી લઈશ. મારા લોકોને મોકલવી માં ને બોલાવી લઈશ... પ્રીતિ ખુશ થઇ જશે... માં આવશે તો....
* * *