( પૂજા અમદાવાદ પહોંચે છે . ઘરે જવાને બદલે હિંમતનગર જવાનું નક્કી કરે છે .રવિ અમદાવાદ જવા નીકળી જાય છે . પૂજા વિચારો થી હિંમત હારી જાય છે . પૂજા ને શોધવા રવિ પુલ ઉપર જાય છે ,ત્યાં આગળ નો ભાગ તૂટી જાય છે . હવે આગળ ..)
હિંમતનગર ઘરે પહોંચ્યા , બધાં રાહ.. જોઈને જ બેઠાં હતાં . પૂજા પચીસ દિવસ પછી ઘરે આવી .કાકાની છોકરી ટીના સાથે બહુ બને . દર વેકેશન માં આખું વેકેશન સાથે જ રહેવાનું નાનપણથી નિયમ બની ગયો હતો . પૂજા ગઈ ના ખબર સાભળીને ત્રણ થી ચાર દિવસ સુધી તો ખૂબ જ રડી હતી , પૂજા જેવી ઘરમાં આવી ટીના દોડી ને એની સામે આવીને ઊભી રહી , એક મિનિટ બન્ને એકબીજાને જોતાં રહ્યા ,અને દરિયામાં ભરતી આવે એમ બન્ને એકબીજાને વળગી ને રડી પડ્યા , ફરીથી પાછા મળ્યાં ,એ જ એક વાત થી બન્ને ના આસું ઓનો ધોધ બંધ જ નહોતો થતો , બન્ને ને જુદાં પાડવા બે જણે મહેનત કરવી પડી ,ત્યારે થોડાં શાંત થયાં , પાણી પીને ટીના ઊભી થઈ , પૂજા માટે પોતાના કપડાં કાઢી લાવી , પૂજા ને આપતાં બોલી : " નાહીને કપડાં બદલી લે , થોડો થાક ઉતરી જાય , " પૂજા ને પણ એ જ લાગતું હતું , એ સીધી બાથરૂમમાં જતી રહી .
ઘરમાં બધાં એ એકબીજાને કહી દીધું હતું કે કોઈ એ પણ હંમણા કશું પૂછવાનું નથી . પૂજા નાહી ને આવી બધાં ની સાથે જમવા બેઠી ,પણ એના ગળે કોળિયો ઉતરતો નહોતો .રડતાં રડતાં જ જમી , એ પણ ટીના એ બળજબરીથી જમાડી . જમીને ટીના એને ઉપર ના રૂમમાં લઈ ગઈ , અને કહ્યું : " પૂજા તું બહુજ થાકી ગઈ હશે , હંમણા તું આરામ જ કરી લે . " પૂજા ને પણ આરામ કરવો હતો , એ પથારીમાં આડી પડી , એને એમ હતું કે ટીના કશુંક પૂછશે , પણ ટીના એ કશું જ પૂછ્યું નહીં , અને નીચે કામ માટે જતી રહી .પૂજા બહુજ થાકી ગઈ હતી ,થોડી વારમાં તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ .
રવિ અમદાવાદ પહોંચી ગયો હતો , સીધો તો એ પૂજા ના ઘરે જઈ શકે નહીં , એટલે એ તેનો એક લંગોટીયો દોસ્ત વિજય અમદાવાદ રહેતો હતો એના ઘરે ગયો , એને બધી વાત કરી એણે વચન આપ્યું પૂજા ને આપણે પાછી લાવીશું , આ તારું જ ઘર છે , પૂજા આવે ત્યાં સુધી અહીં જ રહે .
પૂજા ની આંખ ખુલી એને બધે અંધારું દેખાતાં રાત થઈ ગઈ છે નો ખ્યાલ આવ્યો , ડીમ લાઈટ ચાલુ હતી .બાજુમાં કોઈને સૂતેલી જોતાં ટીના જ હશે , સમજી લીધું , એણે ઘડિયાળ માં જોયું રાતના ત્રણ વાગ્યા હતા. જમીને બપોરે ત્રણ વાગે સૂઈ ગઈ હતી, આટલું બધું સૂઈ ગઈ ,એને પોતાના ઉપર જ આશ્ચર્ય થયું , કોઈ એ એને ઉઠાડી પણ નહોતી , પરેશભાઈ ને ખબર હતી , પૂજા માનસિક રીતે ઘણી થાકેલી છે . એટલે એમણે એને ડિસ્ટર્બ નહીં કરવા કહેલું હતું , પૂજા ને ઘણું મન થયું ટીના ને ઉઠાડી ઘણી બઘી વાતો કરું ,પણ એ મોડા જ સૂતી હશે ,સમજી ને મનને રોકી રાખ્યું .એને યાદ આવ્યું જયારે વેકેશનમાં ભેગાં થતાં હતાં ત્યારે આખી આખી રાત વાતો કરતાં હતાં , કાકી ખીજાતા : " હવે ઊંઘી જાવ બેઉ જણા. " પૂજા ઊભી થઈ ને પાણી પીને પાછી આડી પડી , હવે એને થોડું સારું લાગતું હતું , એને મમ્મી પપ્પાની યાદ આવી , બહેન નીમા અને બન્ને ભાઈઓ ને યાદ કરી ને ગ્લાનિ થી પીડાઈ રહી , તરતજ " રવિ શું કરતો હશે ? " વિચાર થી લખનૌ થી નીકળતાં રવિએ કહેલાં શબ્દો યાદ આવી ગયાં , પૂજા પોતાને મઝધાર માં અટકેલી જોઈ રહી . ત્યાં જ એને યાદ આવ્યું હરિદ્વાર માં પુલ તૂટી જતાં એ ગંગા જી માં પડી ગઈ હતી . રવિએ ના બચાવ્યું હોત તો શું તે આ જીંદગી જોઈ શકેત ?
જયારે પુલ તૂટયો ત્યારે પૂજા પણ પડી હતી .બચાવ કાર્યકરો ની ટીમ નાવ લઈને મદદ માટે પહોંચી હતી , પણ ભીડ ને લીધે અફરાતફરી એટલી બધી થઈ ગઈ હતી કે મદદ કયાં થી શરૂ કરીએ એ જ ખ્યાલ નહોતો આવી રહ્યો. બીજી નાવો પણ આવી પહોંચી એટલે લોકોને નાવમાં ચઢાવી કિનારે લઈ જવા લાગ્યાં , પુલ તૂટયો છે ખબર પડતાં જ રવિએ ગંગાજી માં છલાંગ લગાવી , એને તરતાં આવડતું હતું , એ તરત ત્યાં પહોંચ્યો અને લોકોને નાવમાં ચઢવા મદદ કરવા લાગ્યો , પણ એની નજર પૂજા ને જ શોધી રહી હતી . ત્યાં જ એને " રવિ રવિ " અવાજ સંભળાયો . રવિએ અવાજ ની દિશામાં જોયું , પૂજા તૂટેલા પુલનો જે હિસ્સો તૂટયો નહોતો એને પકડીને લટકતી હતી , કમર સુધી પાણી માં ડૂબેલી , પડી ના જવા પકડીને રહી હતી , પણ હવે કદાચ વધારે વાર પકડી નહીં રાખી શકે , એવા ભાવ સ્પષ્ટ એના ચહેરા પર દેખાઈ રહ્યા હતા.
રવિ તરત ત્યાં પહોચ્યો , એણે પૂજા ને કમરમાં થી પકડી હાથ છોડી દેવા કહ્યું , પૂજા પહેલાં તો અચકાઈ પણ કોઈ રસ્તો જ નહીં દેખાતાં હાથ છોડી દીધાં , એ સાથે જ પૂજા ગંગાજી માં પડી , એણે તરત રવિને બૂમ પાડી , રવિ એનો હાથ પકડીને તરતાં નાવ પાસે લઈ ગયો ,પૂજા ને નાવમાં ચઢાવી , પોતે પણ ચઢયો .
કિનારે ઉતર્યા પછી રવિએ હસતાં હસતાં પૂજા ને કહ્યું : " આપણું શાહી સ્નાન થઈ ગયું હે ને ? "
પૂજાએ એની સામું જોયું , એના વિચિત્ર નાટકીય હાવભાવ જોઈ ને પૂજા ને બહુ જ હસું આવ્યું . રવિને શાયદ આવો મોકો ફરી નહીં મળે એ ખાત્રી જ હતી , એ તરતજ ગંભીરતા થી બોલ્યો : " તને નથી ખબર પૂજા તે મારા શ્વાસ અધ્ધર કરી દીધાં હતાં , " પૂજા એની સામે જોઈ રહી , " કેમ મેં શું કર્યું ? "
રવિ એ કહ્યું : " પુલ તો હંમણા તૂટયો , હું તો તને કયાર નો શોધી રહ્યો છું , અને તને નહીં ખબર મેં એક માનતા માની લીધી હતી , અહીં મનસાદેવી મંદિર માં દર્શન કરવા માટે . તું આવીશ ને મારી સાથે ? "
પૂજા ને પણ લાગ્યું , મને બચાવી મારા માટે જ માનતા માની છે તો જવું જ પડે તેણે હા પાડી , પૂજા એ પૂછ્યું ," મારા ફોઈ અને બાકી બધાં કયાં ? " રવિએ એને સમજાવ્યું કઈ રીતે એ બધાં ને બહાર કાઢી ભગીરથ અને મનોજ એમને લઈ ગયાં , સવાર ના છ સાત વાગ્યા હશે , પૂજા એ કહ્યું : " આપણે વહેલાં પહોંચી જઈએ , આજે તો મોટી પંગત છે અને આપણે બહુ મોડાં પહોચીશું
તો કામ માં અવ્યવસ્થા થઈ જશે ."
રવિ અને પૂજા ઉતારા ઉપર પહોંચ્યા ત્યારે સાડાસાત વાગવા આવી રહ્યા હતાં , પુલ તૂટયો એ અકસ્માત ની વાત અહીં ચર્ચાઈ રહી હતી .ભગીરથ અને મનોજ બધાં ને લઈ ને પહેલાં થી જ પહોંચી ગયેલાં હતા , પૂજા આવ્યા ની ખબર પડતા જ ફોઈ આવ્યાં , બધાં જ ભેગાં થઈ ગયાં , પૂજા એ કહ્યું એ કેવી રીતે બચી ને આવી , ફોઈને હાશકારો થયો . એ પૂજા ને ગળે લગાવી રડી પડયાં .
મોડું થયું હોવાથી બધાં જલ્દીથી કામે લાગી ગયાં , સાધુસંતો ની પંગત એટલે બાર વાગે તો ભોજન પર બેસી જ જાય ,દરેક પોતપોતાના કામ જલ્દી જલ્દી કરવા લાગ્યા ,બહાર ખુલ્લામાં બે બે પાટલા ગોઠવી દેવામાં આવ્યાં .એક ઉપર સાધુઓને બેસવા બીજા ઉપર પતરાંળા ગોઠવવા , બાર વાગવા માં પાંચ મિનિટ જ બાકી હશે , અચાનક જ જાણે સાધુસંતો નું મોટું ટોળું કયાંક થી પ્રગટ થઈ ગયું હોય એમ દોડી દોડી ને અંદર આવવા લાગ્યું , જયાં નજર નાખો ત્યાં સાધુઓ જ દેખાય , અને એમની પણ કોઈ વ્યવસ્થા હોય એમ પોતપોતાની જગ્યાએ બેસી ગયા , પાંચ જ મિનિટમાં હજાર ઉપરાંત સાધુસંતો ગોઠવાઈ ગયાં હતાં .
એમને પીરસવું એ પણ જિંદગી નો એક લહાવો જ છે .ક્રમ પ્રમાણે દરેક પોતપોતાની લાઈન માં પીરસવા લાગ્યાં , બધું પીરસાઈ જતાં એક સમૂહ પ્રાર્થના થઈ , એક સાથે ના અવાજ માં સમજ પડી નહીં , ફકત છેલ્લે હર હર મહાદેવ બોલી હાથ ઉપર કરી જમવાની શરૂઆત કરી , ભગીરથ પૂરી નો ટોપલો લઈ ને આવ્યો , ચાલ પૂજા , સાભળી પૂજા તરત જ એની સાથે થઈ ગઈ , એટલો જલ્દી આગળ ચાલે ,પૂજા પૂરી ઓ પીરસતી ગઈ લગભગ દોડતાં જ હોય એમ જ પીરસવા નું પૂજા ને ખૂબ મઝા આવી .સૌથી વધારે મઝા તો જમી લીધાં પછી આવી , જેવી રીતે આવ્યાં હતાં એવી જ રીતે લગભગ દોડતાં જ બધાં જવા લાગ્યાં , જાણે આ ભોજન ઉપર એમનો કોઈ લગાવ જ નહોતો .ફકત શરીર ની અર્થવ્યવસ્થા માટે જ જમ્યા હોય એમ જ જતાં રહ્યાં , જેવી એ લોકોએ દોટ મૂકી , એવી જ દોટ અંદર પણ લાગી ગઈ હતી , એ સાધુસંતો જમીને ગયાં , એમના પતરાંળા ઉઠાવવા માટે બધાં મહેમાનો દોટ લગાવી રહ્યા હતા , પૂજા પણ દોડી દોડી ને પતરાંળા ઉઠાવવા લાગી , પણ એને સમજ પડી નહીં .
મહેમાનો પણ જમી રહ્યાં પછી એ કાકા ને મળવા ગઈ , બોલી :" એક વાત સમજાવો , આ સાધુસંતો જમીને ગયાં પછી એમના પતરાંળા ઉઠાવવા બધાં લૂંટ કેમ મચાવી રહ્યાં હતાં ? "
કાકા એ કહ્યું : " આ સાધુસંતો અત્યારે કુભમેળા માં આવેલાં , એ લોકો કેટલોય ટાઈમ સમાધિ માં રહેતાં હોય , ઘણા મંત્રો પઠન કર્યા હોય , એમનું એઠું પતરાંળા ઉઠાવવા થી થોડું પુણ્ય આપણને મળે , આવો મોકો રોજ રોજ ના મળે માટે બધાં લૂંટ મચાવે જ ને ? "
પૂજા કંઈક સળવળાટ થતાં બેઠી થઈ , ટીના ઓઢવાનું માથા સુધી ઓઢી ને સૂઈ રહી હતી , પડખું ફરી હશે , પૂજા એ ઘડિયાળ માં જોયું , સવાર ના છ વાગી ગયાં હતાં .હવે એને ભૂખ પણ લાગી રહી હતી , એણે ટીના ને બૂમ પાડી , ટીના તરતજ બેઠી થઈ , ટીના બોલી : " હવે તને સારું લાગે છે ? " " હા ટીના , ખૂબ સારું લાગે છે , પણ ભૂખ લાગી છે . "
બન્ને નીચે આવી ફ્રેશ થઈને ચા નાસ્તો કરવા બેઠા , એટલામાં પરેશભાઈ પણ આવ્યાં , ટીના એ એમની પણ ચા બનાવી , ત્યાં સુધી માં પરેશભાઈ પણ ફ્રેશ થઈ ને આવ્યાં ,." હવે તને કેમ છે ? " " સારું છે મોટાભાઈ ." " પૂજા કાલે મારે અમદાવાદ કામથી જવાનું છે , તો કાલે આપણે તારા ઘરે જઈશું , ત્યાં પણ બધાં તારી રાહ જોતાં હોય , પછી તને જયારે આવવું હોય આ તારું જ ઘર છે નિસંકોચ આવી જ જવાનું ." પૂજા એ પણ માથું હલાવી હા કહી .
રવિને અમદાવાદ આવે બે દિવસ થઈ ગયા હતા , બે દિવસ માં પાંચ થી છ વાર એ પૂજા ના ઘરની આસપાસ આંટા મારી આવ્યો હતો , પણ પૂજા કયાંય દેખાઈ નહોતી ,કોઈ અણસાર પણ નહોતાં મળી રહ્યાં ,હવે એને પાકી ખાત્રી થઈ ગઈ હતી , આ લોકો જુઠ્ઠું બોલીને પૂજા ને લઈ ગયાં છે , અને કયાંક છુપાવી દીધી છે. એ વિજય ના ઘરે પહોચ્યો , એણે વિજય ને વાત કરી , વિજયે એને ચિંતા ના કરવા કહ્યું , વિજય ની પત્ની આશા બોલી , " રવિભાઈ તમે બે દિવસ થી જમ્યા નથી થોડું જમી લો , " રવિ એ કહ્યું : ' ના ભાભી હવે પૂજા આવી જાય પછી જ જમીશ . "