Incpector Thakorni Dairy - 11 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૧

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૧

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું અગિયારમું

ઇન્સ્પેક્ટર ઠાકોર એક હત્યાના કેસમાં ખીરપુર ગામના સીમાડા પર પહોંચ્યા. પહેલી વખત તે કોઇ ગામડાનો કેસ ઉકેલવા આવ્યા હતા. ગામની સીમ પાસે જંગલ જેવી જગ્યાએ એક યુવતીની લાશ સાફાના સફેદ કપડાંથી ઢાંકેલી પડી હતી. ખીરપુરના એક ભરવાડે વહેલી સવારે બીજા ગામમાં દૂધ આપવા જતી વખતે યુવતીની અર્ધનગ્ન લાશ જોઇને પોલીસને ફોન કર્યો હતો. તેણે લાશ પર પોતાના માથા પર બાંધેલું કપડું કાઢીને ઢાંકી દીધું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે લાશ પરથી એ કપડું હટાવ્યું અને અવલોકન શરૂ કર્યું. વીસ-બાવીસ વર્ષની યુવતી જણાતી હતી. શરીર થોડું ભરાયેલું હતું. શરીર પરના બધા જ વસ્ત્રો ફાટી ગયા હતા. તેના રંગરૂપ પરથી કોઇ ભિખારી યુવતી હોવાની શક્યતા ન હતી. રેપ વીથ મર્ડરનો કેસ વધારે લાગતો હતો. માથામાં કોઇ બોથડ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. માથામાંથી નીકળેલું લોહી આખા ચહેરા પર વહીને સુકાઇ ગયું હતું. ધીરાજીએ લાશના અને આસપાસના ફોટા પાડી વીડિયો ઉતારી લીધો. અન્ય કર્મચારીઓએ જરૂરી નમુના લઇ લાશને એમ્બ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. યુવતીની ઓળખ કરવામાં બહુ સમય લાગ્યો નહીં. ત્યાં આવી પહોંચેલા ગામલોકોએ કહ્યું કે ખીરપુરની વહુ અનિતાની બહેન લાગે છે. ગઇકાલ રાતથી પરિવાર અને ગામવાળા અનિતાની નાની બહેનની શોધખોળ કરી રહ્યા છે.

ઇન્સ્પેક્ટર ઠાકોરની ટીમ અનિતાના ઘર પાસે પહોંચી. એ ઘર હતું અવિનાશનું. ગામના જાણીતા જમીનદાર ગણપતલાલનું આ ઘર હતું. તેમના અવસાન પછી પુત્ર અવિનાશ તેમનું કામ સંભાળી રહ્યો છે. ઘરમાં અવિનાશની પત્ની અનિતા હતી. તે પોલીસને જોઇ રડતી રડતી બહાર દોડી આવી. અને બોલી:"સાહેબ મારી બહેન કેતના મળી ગઇ? અવિનાશ પોલીસ મથકે જાણ કરવા જ ગયા છે..."

ઇન્સ્પેક્ટર ઠાકોર તેને શાંત પાડતાં બોલ્યા:"જુઓ બહેન, અમને એક યુવતીની લાશ સીમમાંથી મળી છે. એ કેતના જ છે કે નહીં એની તપાસ કરવાની છે..."

"લાશ...." અનિતાનો અવાજ ફાટી ગયો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ઇશારો કર્યો એટલે સહાયક ધીરાજીએ મોબાઇલમાં પાડેલા યુવતીના ફોટા બતાવ્યા. એ જોઇને અનિતાએ તે લાશ કેતનાની હોવાની બાબતે મહોર મારી દીધી. પણ એ પછી તે પોતાના પર કાબૂ રાખી શકી નહીં. અને ત્યાં જ ફસડાઇ પડી. આસપાસમાંથી દોડી આવેલી બે મહિલાએ તેને સંભાળી લીધી અને ઘરમાં લઇ ગયા.

એ જ સમયે એક કાર આવીને ઊભી રહી. એમાંથી અવિનાશ નીકળ્યો અને ઇન્સ્પેક્ટર ઠાકોરને નમસ્તે કહી બોલ્યો:"સાહેબ, હું હમણાં જ પોલીસ મથકે મારી સાળી કેતના ગૂમ થયાની જાણ કરીને આવ્યો છું. મને હમણાં પાડોશમાંથી એવો ફોન આવ્યો કે તમે કેતના વિશે કોઇ જાણકારી લઇને આવ્યા છો? એની ભાળ મળી છે? એનો મોબાઇલ સ્વીચ ઓફ આવે છે...."

"ભાઇ અવિનાશ, સમાચાર દુ:ખદ છે. કેતનાની લાશ સીમમાંથી મળી છે. તેના પર હુમલો કરીને મારી નાખવામાં આવી હોય એવું પ્રાથમિક અનુમાન છે. પીએમ રીપોર્ટ પછી જ સાચી વાતની ખબર પડશે... તમે એના વિશે કંઇ જાણકારી આપશો..."

ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સાંભળીને અવિનાશ પણ ભાંગી પડ્યો હતો. તે માથું પકડીને ઓટલા પર બેસી પડ્યો. અને રડમસ અવાજે બોલ્યો:"હું એના મા-બાપને શું જવાબ આપીશ? એ બારમાની પરીક્ષા આપીને અઠવાડિયું અમારે ત્યાં રહેવા આવી હતી." પછી એકદમ ઊભો થઇ ગયો અને આંખમાં ખુન્નસ ભરીને બોલ્યો:"સાહેબ, આ કામ પંકજનું જ છે એને પકડો..." અને તે પંકજના ઘર તરફ દોડ્યો. પાછળ ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજી દોડ્યા.

તેની બૂમાબૂમ સાંભળી એક મહિલા બહાર આવી અને બધાને જોઇ સહેજ ડરીને બોલી:"શું વાત છે? પંકજ.... એ તો ગઇકાલે રાત્રે શહેરમાં એના મિત્રને ત્યાં વાંચવા ગયો છે. કોલેજની પરીક્ષા ચાલે છે ને..."

પંકજની માતાની આ વાતને ખોટી પાડતો હોય એમ અવિનાશ બોલ્યો:"આ જૂઠું છે. ઇન્સ્પેક્ટર સાહેબ, કાલે મોડી સાંજે જ મેં કેતનાને પંકજ સાથે જોઇ હતી. હું શહેર તરફ કારમાં જઇ રહ્યો હતો ત્યારે પંકજ અને કેતનાને મેં બાઇક પર જોયા હતા. મેં તેમને અટકાવ્યા. કેમકે કેતના એમ કહીને નીકળી હતી કે તે ગામમાં આંટો મારવા જઇ રહી છે. બંને છેલ્લા ચાર દિવસથી છાનાછપના મળતા હતા. મને જોઇ બંનેના ચહેરા ઝૂકી ગયા હતા. મેં જ્યારે કેતનાને ઘરે જવા કહ્યું ત્યારે પંકજે એમ કહ્યું કે અમે તો અમસ્તા આંટો મારવા નીકળ્યા છે. મેં તરત જ કેતનાને ઘરે મોકલી આપી. પછી હું રાત્રે શહેરમાંથી પાછો આવ્યો ત્યારે અનિતાએ કહ્યું કે કેતના ઘરે આવી જ નથી. એટલે હું શહેરમાં તેને શોધવા આખી રાત ફર્યો. મેં રાત્રે પંકજના ઘરે તપાસ કરી તો તેની આ માએ કહ્યું કે એ તો બપોરનો શહેર જવા નીકળી ગયો હતો. લાગે છે કે તેણે જ કેતનાનો જીવ લીધો છે. મારી ભોળી સાળીને ભોળવીને આ કૃત્ય કર્યું છે....."

ઇન્સ્પેક્ટર ઠાકોરે અવિનાશને કહ્યું:"મિ.અવિનાશ, તમે અને પંકજના પરિવારમાંથી કોઇ પોલીસ મથક પર ચાલો. આપણે ત્યાં જઇને બધી વાત જાણીએ અને આગળની કાર્યવાહી કરીએ..."

પંકજની માએ ફોન લગાવ્યો પણ સ્વીચ ઓફ આવ્યો એટલે બોલી:"પંકજ વાંચવા બેઠો હશે..."

"તમને ઊંઠા ભણાવી ગયો છે તમારો છોકરો..." કહી અવિનાશ ઝઘડવા લાગ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને શાંત પાડ્યો અને બધાને જીપમાં લઇ પોલીસ મથક પર આવ્યો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે અવિનાશ, તેની પત્ની અનિતા અને પંકજની મા સાથે વાતો કરી એના પરથી જે જાણવા મળ્યું એ સ્પષ્ટ બતાવતું હતું કે કેતનાને છેલ્લે મળનાર પંકજ હતો. અને ફોન કરનાર પણ પંકજ હતો. એ પછી કોઇએ કેતનાને જોઇ નથી. એટલે આ કૃત્ય પંકજનું જ હોય શકે. પણ કોઇ પુરાવા વગર તેની ધરપકડ થઇ શકે એમ ન હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે બધાને ઘરે મોકલ્યા અને પીએમ રીપોર્ટ પછી આગળની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની ડાયરીમાં બધી વિગત લખવા લાગ્યા. કેતના નામની એક સુંદર છોકરી જે મોડેલ જેવી દેખાતી હતી અને જોતાંની સાથે જ તેના પર કોઇ પણ યુવાનનું દિલ આવી જાય એમ હતું. પણ રૂપસુંદરી કેતનાને પામવાને બદલે પંકજે તેને ખોઇ બેસવાનું કેમ પસંદ કર્યું હશે? અનિતાએ કહ્યું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલાં અવિનાશ સાથે થયા હતા. પણ અનિતાના સાસરે કેતના પહેલી વખત અઠવાડિયું રહેવા આવી હતી. તે અભ્યાસમાં એટલી મશગૂલ રહેતી કે અમે જ તેને મળવા જતા હતા. બારમા ધોરણની પરીક્ષા પછી તે આરામ માટે જ આવી હતી. અવિનાશને કોઇ ભાઇ-બહેન નથી. જે ગણો તે કેતના જ હતી. બંને ભાઇ-બહેનની જેમ મસ્તી પણ કરતા હતા. ગઇકાલે જ અવિનાશે મને કહ્યું હતું કે ફળિયાના પંકજનો ડોળો કેતના પર ફરી રહ્યો છે. મેં એ વાતને ગંભીરતાથી લીધી ન હતી. તે પંકજને ત્યાં પડોશી હોવાના નાતે જતી હતી. મારી પરી જેવી બહેનનું આવું ભયાનક મોત કેમ આવ્યું?

અનિતાના પ્રશ્નએ ઇન્સ્પેક્ટર ઠાકોરને હચમચાવી દીધા હતા. તેમણે આ હત્યાનું કારણ જાણવા પંકજને શોધી કાઢ્યો. એ નજીકના શહેરમાં તેના મિત્રને ત્યાં વાંચવા ગયો હતો. પંકજ કેતનાની હત્યાના સમાચાર જાણી ચોંકી ઊઠ્યો હતો. તેને આ વાત સાચી લાગતી ન હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને થયું કે સારું નાટક કરી જાણે છે. કોલેજના ઘણા નાટકોમાં ભાગ લીધો લાગે છે. પંકજે જે વાત કહી એ ઇન્સ્પેક્ટર ઠાકોરને ગૂંચવાડામાં નાખે એવી હતી. તેણે કબૂલ કર્યું કે તે ગઇકાલે મોડી સાંજે કેતનાને મળ્યો હતો. તેમની વચ્ચે મિત્રતા હતી. તેને પ્રેમ કહી શકાય કે નહીં એની ખબર નથી. મારે એક અઠવાડિયું શહેરમાં મિત્રને ત્યાં વાંચવા જવાનું હતું એટલે અમે ગામના છેવાડે આવેલા માતાજીના મંદિર પાસેના તળાવની પાળે બેસવા જતા હતા. ત્યાં તેનો બનેવી અવિનાશ મળી ગયો અને તેણે મારા પર ગમે તેવા આક્ષેપ કર્યા એટલે મેં કહ્યું કે હું તો શહેરમાં જઉં છું. અને હું નીકળી ગયો. એ પછી શું થયું એની મને કોઇ ખબર નથી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે હવે સવાલ શરૂ કર્યા:"જે સાચું હોય એ કહી દેજે. કંઇ પણ છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો મારા જેવો ખરાબ બીજો કોઇ નહીં હોય..."

"સાહેબ, મારે આમાં શું છુપાવવાનું? અને હું તેની હત્યા શા માટે કરું?" પંકજ આત્મવિશ્વાસથી બોલતો હતો.

"તો પછી ગઇકાલના કેતનાના કોલ લોગમાં સૌથી વધારે ફોન કોલ્સ તારા જ કેમ છે. અને તમે બંને અલગ થયા પછી પણ તેણે તને કોલ કર્યો છે..."

"અમે મિત્રો હતા. ગમે તેટલા કોલ કરી શકીએ. રહી વાત છેલ્લા કોલની તો મેં માફી માગવા ફોન કર્યો હતો. મેં કહ્યું કે મારા લીધે તારે જીજાજીનું સાંભળવું પડશે. ત્યારે તેણે મને એવી નાહકની ચિંતા કરવાની ના પાડી..."

"અને એણે રાત્રે દસ વાગે તને કોલ કર્યો હતો ત્યારે શું વાત કરી હતી?"

"સાહેબ, મેં શહેરમાં જઇને અભ્યાસમાં ખલેલ ના પડે એ માટે ફોન બંધ બંધ કરી દીધો હતો...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને ગામ બહાર ન જવાની સૂચના આપીને જવા દીધો.

બે દિવસ પછી કેતનાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો. તેમાં માથામાં લોખંડની કોઇ વસ્તુથી થયેલા હુમલામાં મોત થયાનું જણાવાયું હતું. બળાતકાર થયાના કોઇ નિશાન ન હતા. અને ફોરેન્સિક રીપોર્ટમાં પણ તેના પર બળાત્કાર થયો હોવાનું જણાયું ન હતું.

ઇન્સ્પેક્ટર ઠાકોરનું મગજ ચકરાઇ ગયું. તેના કપડાંની સ્થિતિ તો બતાવતી હતી કે તેના પર બળાત્કારનો પ્રયાસ થયો હશે. એ પંકજ હતો કે ગામના બીજા કોઇ માથાભારે માણસે તેના પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કરી હત્યા કરી હશે? અવિનાશ તો તેને બહેન ગણતો હતો. તો કોણ હોય શકે? તે સુંદર જ એટલી હતી કે કોઇપણ વાસના ભૂખ્યા માણસે તેને શિકાર બનાવવાની કોશિષ કરી હોય. પાંચ હજારની વસ્તીવાળા ગામમાંથી કોણ હોય શકે? શહેરમાં તેની સાથે સ્કૂલમાં ભણતો કોઇ યુવાન કે કોઇ ટોળકી આવી હોય શકે?

ઇન્સ્પેક્ટર ઠાકોર કોઇ નિર્ણય પર આવી શકતા ન હતા. આ કેસ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હોવાની નોંધ સાથે બંધ થઇ જવાની અણી પર હતો. તે એક છેલ્લો પ્રયત્ન કરવા માગતા હતા. તે ફરી કેતનાની લાશ મળી હતી એ સ્થળ પર પહોંચ્યા. આસપાસમાં તપાસ કરી. પહેલી વખત આવ્યા ત્યારે ધીરાજીએ લીધેલું વીડિયો રેકોર્ડિંગ તપાસ્યું. આ કેસમાં જેમને પણ મળ્યા હતા તેમની વાતો મગજમાં રીવાઇન્ડ કરી લીધી.

પોલીસ મથક પર પહોંચીને તેમણે ડાયરીમાં લખેલી વાતો ફરી વાંચી અને ધીરાજીને કેટલીક કામગીરી સોંપી.

બે દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરની જીપ ગણપતલાલના ઘર પાસે જઇ ઊભી રહી.

અવિનાશ અને અનિતા શોકમગ્ન બનીને બહાર બેઠા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે બંનેને સંબોધીને કહ્યુ:"કેતનાના હત્યારાનો પતો મળી ગયો છે..."

"ખરેખર? એ પંકજ જ છે ને?" અવિનાશને ગળા સુધી વિશ્વાસ હોય એમ બોલ્યો.

"ના...અવિનાશ....એ તું જ છે..." ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને તેની ધરપકડનો ઇશારો કર્યો.

"આ કેવી બેહુદી વાત કરો છો? હું....હું શા માટે મારી સાળીની હત્યા કરું? મને ફસાવવામાં આવી રહ્યો છે...." અવિનાશે ઊભા થઇને બહાર ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે ધીરાજીએ તેને પકડીને હાથકડી પહેરાવી દીધી.

"અવિનાશ, તેં પંકજને ફસાવવાની બહુ કોશિષ કરી. અને તારા બેહુદા વર્તન પછી જ કેતનાએ જીવ ગુમાવ્યો છે...." ઇન્સ્પેક્ટર ઠાકોર કડક અવાજે બોલ્યા.

"તમારી પાસે શું સાબિતિ છે? આમ એક પ્રતિષ્ઠિત માણસનું અપમાન કરવાનો તમને હક્ક નથી..." અવિનાશ ગુસ્સામાં બોલ્યો.

"તેં ગણપતલાલની પ્રતિષ્ઠાને એ દિવસે જ ધૂળમાં મેળવી દીધી હતી જ્યારે કેતનાના શરીર પર તરાપ મારી હતી..." ઇન્સ્પેક્ટર ઠાકોરે તેના માથાના વાળ ખેંચી આંખ લાલ કરી કહ્યું.

અનિતા તો હતપ્રભ થઇને જોતી જ રહી.

"અનિતાબેન, આ તમારા નાલાયક પતિની નજર કેતના પર બગડી હતી. કારણ તો તેના મોંએથી જ સાંભળીશું પણ અમને જે પુરાવા મળ્યા એ પરથી કહું છું. કેતનાનું મોત થયું એ રાત્રે પંકજ અને કેતના સાથે જોવા મળ્યા હતા. પંકજની કેતના સાથે મિત્રતા હતી કે પ્રેમ હતો. પણ અવિનાશને હવસ હતી. કેતનાની લાશથી થોડે દૂર અવિનાશની કારના નિશાન મળ્યા છે. અને કેતનાની હત્યા અવિનાશની કારમાં રહેલા ટાયર બદલવામાં કામ આવતા મોટા લોખંડના પાનાથી થઇ છે. અમને એ પાનું કેતનાની લાશથી ઘણી દૂર જગ્યાએથી મળી આવ્યું છે. અને બીજા દિવસે જ્યારે અમે કેતનાની લાશ જોઇને તમારા ઘરે આવ્યા ત્યારે અવિનાશ તેની કાર લઇને શહેરમાંથી આવ્યો ત્યારે મેં જોયું કે આખી કાર ધોવડાવવામાં આવી છે. જંગલની ધૂળ કે ઝાડપાન પડ્યા હોય તો કોઇ નિશાન ના મળે એવી ચાલ ચાલી હતી. બીજું કે કેતનાની હત્યા કરીને તરત જ અવિનાશે તેના મોબાઇલ પરથી પંકજને મિસકોલ કરીને સ્વીચ ઓફ કરી દીધો હતો. મોબાઇલ પર અવિનાશના આંગળાના નિશાન મળી આવ્યા છે. બીજા ઘણા બધા નાના-મોટા પુરાવા છે જેના આધાર પર અમે અવિનાશની ધરપકડ કરીએ છીએ. હવે તમારા પતિને પૂછી જુઓ કે તમારી ફૂલ જેવી બહેન પર તેણે અત્યાચાર કેમ કર્યો?" ઇન્સ્પેક્ટર ઠાકોર અનિતા તરફ જોઇને બોલ્યા.

અનિતા કંઇ કહે એ પહેલાં જ અવિનાશે શરણાગતિ સ્વીકારી લીધી:"અનિતા, મને માફ કરજે, વાસનામાં અંધ બનીને મેં આ કૃત્ય કર્યું છે. તારી સાથે લગ્ન નક્કી થયા પછી મેં તારી બહેન કેતનાને જોઇ અને મને તેનું રૂપ ગમ્યું હતું. તે ૧૮ વર્ષની થવાની રાહ જોતો હતો. હું એને પામવા ઇચ્છતો હતો. ઘણા દિવસથી તેને મારો ઇરાદો છતો કરી રહ્યો હતો. પણ એ ભોળી સમજતી ન હતી. મેં એને પંકજ સાથે જોઇ ત્યારથી ઇર્ષા વધી હતી. એ સાંજે મેં પંકજથી એને છૂટી પાડી ઘરે જવા કહ્યું. પંકજ શહેર તરફ જતો રહ્યો એટલે હું પાછો કેતના પાસે ગયો અને તેને ફોસલાવી કારમાં ગામની સીમ સુધી લઇ આવ્યો. પછી ધમકી આપી કે તું મારા વશમાં નહીં થાય તો તારી બહેનને છૂટાછેડા આપી દઇશ. પહેલાં તો એ ગભરાઇ ગઇ પણ પછી મારો પ્રતિકાર કર્યો. મેં એના કપડાં ફાડ્યા તો એણે લાતો મારી. મેં એને ડરાવવા કારમાંથી લોખંડનું પાની લાવી ઉગામ્યું. પણ મારાથી જોરથી મરાઇ ગયું અને તે ઢળી પડી. એ લોહીવાળું પાનું કારમાં રાખવામાં જોખમ હતું. તેનો દૂર ઘા કરી ફેંકી દીધું. પછી જાણી જોઇને પંકજને ત્યાં પૂછવા ગયો અને કેતનાને શોધવાના બહાને શહેરમાં મારા મિત્રને ત્યાં ભાગી ગયો. અને આખી રાત વિચાર કરી પંકજ પર આરોપ મૂકવાનું આયોજન કરી લીધું. અને સવારે પોલીસમાં કેતના ગૂમ થયાની જાણ કરી ઘરે આવે ગયો...."

અનિતાએ તેને એક તમાચો જડી દીધો. ધીરાજીએ તેને જીપમાં બેસાડી દીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોર પંકજના ઘરે ગયા અને પુરાવા એકત્ર કરવા સહકાર આપવા માટે આભાર માન્યો.

*

વાચકમિત્રો, આપને કારણે જ મને તા.૨૬/૧/૨૦૨૦ ના રોજ અમદાવાદ ખાતે માતૃભારતી તરફથી વર્ષ ૨૦૧૯ નો "રીડર્સ ચોઇસ એવોર્ડ" એનાયત થયો હતો. ૨૦૧૯ માં મારી બુક્સ સૌથી વધુ ડાઉનલોડ થઇ એ માટે આ એવોર્ડ મળ્યો છે. મારી તમામ ૧૬૬ ઇ બુક્સના ૩.૨૯ લાખથી વધુ ડાઉનલોડ થઇ ગયા એ બદલ આપનો આભાર!

માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" ના માર્ચ્-૨૦૨૦ માં ડાઉનલોડ ૨.૬ લાખ ઉપર પહોંચી ગયા એ બદલ આપનો આભાર! શું તમે "રેડલાઇટ બંગલો" હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ માં ૭૯૦૦૦ ડાઉનલોડ છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.

***