આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત ગુલમર્ગમાં ભેગા થાય છે, કર્નલ સાહેબનો ફોન ઈનાયતને બચાવી લેવા માટે આવે છે, અનુજ ઈનાયતને જ્યાં રાખી હોય છે ત્યાં જોવે છે તો ઇનાયત ત્યાં નથી હોતી, હવે આગળ,
, હું ફરી કેન્ટીનમાં ગયો અને સ્ટોરરૂમમાં જ્યાં ઈનાયતને પૂરીને આવ્યો હતો ત્યાં આવીને જોયું તો ઇનાયત ત્યાં નહોતી......
હું આમતેમ આંટા મારવા લાગ્યો પણ ક્યાંય ઈનાયતનો પતો લાગતો નથી, હું આખું કેમ્પ ફરી ગયો પણ ઇનાયત મને ક્યાંય ના દેખાઈ, હું ભયભીત થઇ ગયો, મારા ટેન્ટમાં આવીને જરૂરી સામાન લઈને મેં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું, મને એમ હતું કે કદાચ ઇનાયત ડરીને કેમ્પની બહાર નીકળી ગઈ હશે એમ વિચારતો હું મારા ટેન્ટમાં આવ્યો જોયું તો હું ઘડીક સ્તબ્ધ થઇ ગયો, ઇનાયત હરપાલસિંહ સાથે વાતો કરી રહી હતી અને હરપાલસિંહ તેને નાસ્તો કરાવી રહ્યો હતો, મને આ જોઈને ખૂબજ ગુસ્સો આવી ગયો,
'તું પાગલ થઇ ગઈ છું!!, આખા કેમ્પમાં તને શોધી અને તું અહીંયા બેઠી બેઠી નાસ્તો કરી રહી છું, ' મેં ગુસ્સે થઈને ઈનાયતને કહ્યું,
'પણ ત્યાં કોઈકે એ દરવાજો ખોલ્યો જોયું તો હરપાલસિંહ હતા, મેં તેમને ટૂંકમાં વાત કરી અને કોઈનું ધ્યાન ના પડે એમ અમે અહીંયા આવી ગયા, એમાં આટલો બધો ગુસ્સો કેમ કરો છો?? ' ઈનાયતે ઢીલા સ્વરે કહ્યું,
'કર્નલ સાહેબનો ફોન હતો ', હું બોલ્યો,
'શું?? પપ્પાનો ફોન તમારી માટે કેમ આવ્યો?? ' ઈનાયતે પ્રશ્નાર્થભાવે મને પૂછ્યું,
હું ચોંકી ગયો, 'શું શું કીધું તે?? પપ્પા?? કોના પપ્પા?? ' મેં એની સામું જવાબની રાહમાં કહ્યું,
'મારા પપ્પા, તમારા કર્નલ સાહેબ Mr. કેશવ અગ્નિહોત્રી એ મારા પૂજનીય પિતાજી છે ', ઈનાયતે ઘટસ્ફોટ કરતા કહ્યું,
મને કંઈજ સમજ નહોતી પડી રહી, 'એક મિનિટ શું કહે છે તું વિસ્તારમાં સમજાવ '
'પહેલા તમે એમ કહો કે પપ્પાએ તમને શું કહ્યું?? બાકીની વાત હું તમને કરું છું પછી...'
'તારો જીવ મુસીબતમાં છે, એવું તેમણે કહ્યું તેમજ અહીંથી નીકળી જવાનું તેમણે સૂચવ્યું છે ',
'હેં પ્રભુ રક્ષા કરજે પપ્પાની '
'એક મિનિટ કોઈ મને કહેશે આ બધું શું ચાલે છે?? ' હરપાલસિંહે અકળાઈને પૂછ્યું,
'મનેજ નથી ખબર પડતી કે આ શું ચાલી રહ્યું છે ', મેં ગુસ્સામાં ઇનાયત સામું જોયું,
'જુઓ હું તમને બધુંજ જણાવું છું પણ એ પહેલા આપણે અહીંથી નીકળવું પડશે, રસ્તામાં હું તમને બધી વાત કરીશ 'ઈનાયતે મને સમજાવતા કહ્યું,
હું ફટાફટ જરૂરી સામાન બાંધવા લાગ્યો, જતા જતા હરપાલસિંહને ભેટ્યો અને કહ્યું, 'મારી મદદ કરવા બદલ ખુબ આભાર, જીવનમાં ફરી મળ્યા તો જરૂર દોસ્તી આગળ વધારીશું ', કહેતા હું છૂટો થયો,
હરપાલસિંહે મને અને ઈનાયતને ત્યાંથી નીકાળવામાં મદદ કરી જેના માટે હું તેનો ખૂબજ આભારી હતો,
ત્યાંથી અમે બસ પકડી લીધી જેનું અંતિમ સ્ટોપ ફિરોઝપુર હતું, ઈનાયતે બુરખો પહેરી લીધો હતો, મેં પણ આર્મીના કપડાં ઉતારીને સાદા વસ્ત્રો પહેરી લીધા હતા,
'ઇનાયત હવે તારે મને બધું કહેવા માટે લાયક ગણવાનો છે?? 'મેં વ્યંગ્ય સૂરમાં તેને કહ્યું,
'કહું છું, બધુંજ કહું છું પણ આમ મને બોલશો નહીં, ત્યારબાદ ઈનાયતે બધી હકીકત કહેવાનું શરુ કર્યું,
મેં તમને અનુજ પહેલા પણ કહ્યું એમ હું બ્રાહ્મણ હતી, મારા પપ્પા આર્મીમાં હતા, કાશ્મીરનાં પંડિતો ખૂબજ વિદ્વાન કહેવાય છે પણ પપ્પાએ ભગવાનથી પણ વધુ દેશને પ્રેમ કર્યો, તેઓ આર્મીમાં જોડાઈ ગયા, તેમની મહેનતનાં લીધે તેઓ જલ્દી કર્નલ પદ માટે લાયક બની ગયા, પપ્પાને અમે 2 દીકરીઓ હતી, મારી બહેનને સુલેમાન ઉઠાવીને લઇ ગયો હતો જેની જાણ પપ્પાને થતા પપ્પાએ સુલેમાન પર ગોળી પણ ચલાવી દીધી હતી, સુલેમાને મારી બહેનને તો છોડી દીધી, પપ્પાના કાને કોઈકે એવી વાત નાખી કે સુલેમાન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે અને તે અને ફરી સ્વસ્થ થઈને અમારા ઘરે આવ્યો, આ વખતે પપ્પાના અવાજમાં નરમાશ હતી, સુલેમાને મને જોઈ અને તે માંગવા મારી બેનનો હાથ આવ્યો હતો પણ મને જોઈને તેણે તેનો વિચાર બદલી નાખ્યો, મારા પપ્પાએ મને કાંઈ પણ પૂછ્યા વગર સુલેમાનનાં હાથમાં મારો હાથ આપી દીધો, મને આ વાતનો ખૂબજ ગુસ્સો આવ્યો અને સુલેમાનનાં ગયા બાદ હું સીધી તેમની ઉપર તાડૂકી તો તેમણે મને સુલેમાનના આતંકવાદી સંગઠન સાથેના જોડાણ વિશે કહ્યું અને મને તેની સાથે રહીને તેની દરેક હરકત ઉપર નજર રાખવા કહ્યું, આથી મારા અને સુલેમાનનાં નિકાહ કરવામાં આવ્યા, લગ્નની પ્રથમ રાત્રીએ મેં સુલેમાનને સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી હું આ સંબંધને સ્વીકારવા સક્ષમ નહીં થઉં ત્યાં સુધી આપણે અલગ રહીશું, સુલેમાને પણ મારી સુંદરતાનો લાભ કયારેક લેશે એવું વિચારીને મને લોકો આગળ પોતાની બેગમ બનાવીને રાખતો, સિયાલકોટ ગયા બાદ મને જે પણ જાણકારી મળતી એ હું પપ્પાને કોડવર્ડમાં કહેતી રહેતી જેના પરથી મને એટલો અંદાજ આવી ગયો હતો કે સુલેમાન આતંકવાદીઓ સાથે મળીને કાશ્મીરમાં બૉમ્બ બ્લાસ્ટ કરાવવાનો છે પણ એ ક્યારે અને ક્યાં કરાવશે એ હું જાણી ના શકી, એ જાણવામાં હું પકડાઈ પણ ગઈ અને સુલેમાને મારા શરીરને તારા માટે પવિત્ર રાખેલું જેને હેવાનિયતથી પીંખી નાખ્યું, હું હવે એવી પવિત્ર નથી રહી અનુજ, તને મેં જોયો હતો ત્યારથી તારા માટેની લાગણી મેં મારા પપ્પાને જણાવી હતી અને તેમને પણ તું મારા માટે પસંદ પડ્યો હતો, પણ તેમણે મને પહેલા મિશન ઉપર ધ્યાન આપવાનું કહ્યું હતું, હું ફરી સુલેમાન પાસે નહીં જઉં હવે મને તેનો સ્પર્શ બિલકુલ નથી ગમતો,'આટલું કહીને તે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી,
તેનું માથું મારા ખભે ઢળી ગયું મેં તેના માથે હાથ મૂકીને તેને શાંત થવા કહ્યું,
'ઇનાયત મારા માટે તું હંમેશા પવિત્ર છું, તું ચિંતા ના કર હું તને કાંઈ જ નહીં થવા દઉં, તું થોડું યાદ કરવાનો પ્રયત્ન કરી જો જેમાં કાશ્મીરનાં કયા ભાગમાં તે લોકો બૉમ્બ બ્લાસ્ટ કરવાના છે એના વિશે તે જોયું હોય કંઈક ', મેં તેને હિંમત આપતાં પૂછ્યું,
'અનુજ એક વખત સુલેમાન ત્યાંના કોઈ સલીમ કરીને એક માણસને મળ્યો હતો, મેં દરવાજાનાં કાણાથી કાન લગાવીને તેમની વાતો સાંભળવાનો પ્રયત્ન કરી જોયો હતો, તે લોકો કાશ્મીરમાંથી હિન્દૂ લોકોને કાઢવાની વાત કરી રહ્યા હતા, તે લોકોને કાશ્મીરમાં ફક્ત મુસલમાન લોકોને જ રાખવાનું કાવતરું કરવું હતું જેથી તે લોકો કાશ્મીર પર પોતાનો કબ્જો જમાવી શકે, એ સિવાય હું વધારે નહોતી સાંભળી શકી', ઈનાયતે આ વાતને યાદ કરતા કહ્યું,
'હમ્મ સમજી ગયો, આટલી માહિતી પણ ઘણી છે, હજુ સુધી બૉમ્બ બ્લાસ્ટ થયો નથી અને કયારે કરશે એ પણ ખબર નથી પણ આપણે આજ રાત સુધીમાં વિચારી લઈશું અને કાલે સવારે કર્નલ સાહેબને જાણ કરી દઈશું અને પછી કંઈક એક્શન લઇ લઈશું ' મેં મક્કમ સ્વરે કહ્યું,
ઈનાયતે પણ સહમતી દર્શાવી,
થોડી વાર બાદ મેં તેને પૂછ્યું, 'ઇનુ જો કર્નલ સાહેબને આ વાતની જાણ હતી કે સુલેમાન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ છે તો તેમણે તરત એક્શન કેમ ના લીધો?? ' મેં મારા મનમાં રહેલ સવાલને ઈનાયતને પૂછ્યો,
'અનુજ પપ્પાએ મેજર સાહેબથી લઈને ઉપરી દરેક વ્યક્તિઓને કહ્યું હતું પણ તેમણે પુરાવો માંગ્યો હતો અને સુલેમાનને કારણ વગર પકડવામાં કોમી થાય એમ હતું, અને એમ પણ સુલેમાન હોત કે ના હોત, આતંકવાદીઓને જે કરવું છે એ એ લોકો કરીજ શકે એટલે સુલેમાનની સાથે જાણીને રહેવું વધુ ઉચિત હતું સમજ્યા 'ઈનાયતે મુદ્દાની વાત કરતા કહ્યું,
મેં હકારમાં માથું હલાવ્યું, અમે બંને એકબીજા પર માથું ઢાળીને સફર કાપવા લાગ્યા, થોડીવાર બાદ મેં જોયું તો ઇનાયત સુઈ ગઈ હતી,
હું ઈનાયતની કહેલી વાત પર વિચારવા લાગ્યો કે એવી કઈ જગ્યા હોઈ શકે જ્યાં આતંકવાદીઓ બૉમ્બ બ્લાસ્ટ કરશે??
અચાનક મારા દિમાગમાં એક વિચાર આવી ગયો.....
શું વિચાર આવ્યો હશે અનુજને?? શું તે જાણી શકશે?? શું અનુજ અને ઇનાયત રોકી શકશે આતંકવાદીઓને?? શું થશે અનુજ અને ઈનાયતની પ્રેમકથાનું?? જાણવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....