આગલા ભાગમાં આપણે જોયું કે ઈનાયતના બોલવાથી અનુજ રિસાઈ જાય છે, તે નગ્માને મળે છે, ત્યારબાદ ઇનાયત અનુજને મનાવવા કેમ્પ પર પહોંચી જાય છે, તે બંને હોઠોનું રસપાન કરતા હોય છે અને કોઈકનો પગરવનો અવાજ આવે છે, હવે આગળ,
મને ઈનાયતના હોઠોનો સ્પર્શ ગરમી આપી રહ્યો હતો, અચાનક કોઈના પગરવનો અવાજ મને આવ્યો, હું અને ઇનાયત એકદમ દૂર થઇ ગયા, મેં તેને ઝાડની પાછળ છુપાઈ જવા કહ્યું,
મેં જોયું તો સામે કર્નલ સાહેબ ઉભા હતા, મારા તો જાણે શ્વાસ જ થંભી ગયા, મને લાગ્યું કે આજે મારો શહીદ દિવસ ઉજવાઈ જશે પણ કર્નલ સાહેબ હસતા હસતા બોલ્યા, 'કેમ જુનિયર સાહેબ ઊંઘ નથી આવતી?? '
'ના સર બસ આ બરફની વર્ષા માણવાનું મન થઇ ગયું એટલે બહાર આવો ગયો હતો', મેં પણ હસતા હસતા જવાબ આપ્યો,
'ચલો આટલી ઠંડીમાં ગરમી લાવી દઈએ, દેશી પીશો કે વિદેશી?? 'કર્નલ સાહેબે હસતા પૂછ્યું,
'સર તમે જે પીશો એ ', હું પણ હવે એમની જોડે નજીક આવીને બોલ્યો,
અમે બંને ચાલવા લાગ્યા, પાછળથી ઈનાયતને ઈશારો કરીને જવાનું સૂચવી દીધું, ઈનાયતે પણ અંગુઠો બતાવીને સહમતી દર્શાવી જે જોઈને મને હાશકારો થયો,
હું અને કર્નલ સાહેબ દારૂ પીવા બેઠા, મેં કર્નલ સાહેબને પૂછ્યું, 'સર આજે તમે અહીંયા રોકાઈ ગયા, મતલબ તમારા ઘેર?? '
'શું કહું જુનિયર તમારા મેડમ ગયા છે કાશી એટલે ઘરમાં એકલતા કોરી ખાય એની કરતા અહીંયા રહેવાનુંજ પસંદ કર્યું,' કર્નલ સાહેબે દારૂનો ગ્લાસ મને આપતાં કહ્યું,
મેં એમને આભાર વ્યક્ત કરતા કહ્યું, 'સારુ કર્યું સર, નહીં તો મને ફરી મોકો ના મળત આપની સાથે પીવાનો !!',
'તને ખબર છે જુનિયર આ સ્કોચ 100 વર્ષો જૂની છે, આને પીધા પછી માઇનસ ડિગ્રીમાં પણ ઠંડી શરીરને સ્પર્શતી નથી 'કર્નલ સાહેબ બોટલને હાથમાં રાખીને બોલ્યા,
'સર મારે આપને એક વાત કહેવી હતી 'મેં કર્નલ સાહેબનો મૂડ પારખીને કહ્યું,
'હા બોલો જુનિયર એમાં શું પૂછો છો? !!',
'સર, આજે હું ફિરોઝપોરા ગયો હતો, ત્યાં જાણવા મળ્યું કે દેશના જવાનો અહીંયા પોતાના ઉચ્ચ પદપ્રાપ્તિ માટે નિર્દોષ છોકરાઓના એન્કાઉન્ટર અને છોકરીઓને મન ફાવે એમ નીચોવી નાખે છે '
'આ શું બોલો છો જુનિયર ભાન છે તમને?? આ ખોટી વાત છે, 'કર્નલ સાહેબનો ચહેરો લાલ પીળો થઇ ગયો,
'સર આ વાત સાચી છે, મને પોતાને જાણીને વિશ્વાસ નહોતો થતો પણ આ નરવી સત્યતા છે ' મેં મારી વાત આગળ ચલાવતા કહ્યું,
'જુઓ જુનિયર, જો આ વાત સાચી હોય તો તપાસ કરવીજ પડશે, મારા ઘરમાં પણ દીકરી છે તો મારાથી આ વાત સહન ના જ થાય, મને આ વાત વિશે કોઈજ જાણ નથી મારા આટલા અનુભવમાં, મેં કર્નલ પદની પ્રાપ્તિ મારી ખુદની આવડત અને મહેનતથી પ્રાપ્ત કરેલી છે, 'કર્નલ સાહેબ નરમાશ થતા બોલ્યા,
'સર આપની પર મને પૂરો વિશ્વાસ છે કે આપ આવું વિચારી પણ ના શકો......
'એક મિનિટ મને માત્ર નામ આપો એનું જુનિયર, એની હવે ખેર નથી, ', ફરી કર્નલ સાહેબના આંખોના ભવાં ઊંચા થઇ ગયા અને મને પ્રશ્નસૂચક નજરે પૂછ્યું,
'સર નામ હું કહી શકું એમ નથી તમે પોતે જ ત્યાંથી જાણી લો એ વધુ ઉચિત રહેશે 'મેં કર્નલ સાહેબને માફીના સૂરમાં કહ્યું,
ઠીક છે કાલે સવારે જ આપણે ત્યાં જઈને તપાસ કરીશું, હવે મને લાગે છે તમારે જઈને સુઈ જવું જોઈએ, સવારે ટ્રેનિંગનો છેલ્લો દિવસ છે તો આરામ કરવો પણ એટલોજ જરૂરી છે, બરાબર '
મેં કર્નલ સાહેબને સલામી આપીને યસ સર કહ્યું અને શુભ રાત્રી કહીને હું મારા ટેન્ટ પર આવીને સુવા માટે લાંબો થયો, મને ઈનાયતનું પાગલપન યાદ આવી ગયું, હું મનોમન વિચારતો હતો કે ઇનાયત પણ મને ખરેખર પ્રેમ કરવા લાગી છે એટલે જ આવા માહોલમાં પણ તેણે અહીંયા આવવાનું સાહસ કર્યું, પણ શું તે એના ઘેર સમયસર પહોંચી ગઈ હશે?? મને હવે તેની ચિંતા થવા લાગી, પણ વિચારોનું વંટોળ ચાલતા ચાલતા મને કયારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ના રહી,
સવારે પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો, મારી આંખો તરત જ ખુલી ગઈ, જોયું તો કમલેશ કસરત કરી રહ્યો હતો, હું પણ ઉભો થયો અને ટેન્ટની બહાર આવીને જોયું તો બહાર જાણે સફેદ ચાદર ઢંકાઈ ગઈ હોય એવું લાગતું હતું, બહાર એકદમ રોમેન્ટિક વાતાવરણ થઇ ગયું હતું મને તરત ઈનાયતની યાદ આવી ગઈ અને મારો ચહેરા પર લાલાશ પથરાઈ ગઈ, હું અંદર આવ્યો અને કમલેશની જોડે કસરત કરવા લાગ્યો, આજે મારી ટ્રેનિંગનો અંતિમ દિવસ હતો, ત્યારબાદ 5 દિવસ બાદ અમારી પરીક્ષા આવી રહી હતી, ઇનાયતના આવ્યા બાદ હું પરીક્ષાને લગતું વાંચવાનું તો ભૂલીજ ગયો હતો, એક વાત તો હું ત્યારે સમજી ગયો કે જીવનમાં એક વાર પ્રેમ થઇ જાય તો તમારું ધ્યાન પણ બેધ્યાન થઈજ જાય છે, મેં નક્કી કર્યું કે હવે હું ઈનાયતને ત્યાં સુધી નહીં મળું જ્યાં સુધી મારી પરીક્ષા પૂરી ના થઇ જાય,
અમારી ટ્રેનિંગ શરુ થઇ, મેજર પ્રતાપરાય ચૌધરી કરીને સાહેબ અમારી ફિઝિકલ ફિટનેસ માપી રહ્યા હતા અમે 30 લોકો હતા જેમાંથી 10 જણા જ આ ટેસ્ટમાં પાસ થવા માટે જરૂરી હતા અને ત્યારબાદ પરીક્ષા આપીને માત્ર 5 જણાનીજ પસંદગી થવાની હતી, હું મારું લક્ષ્ય થોડા સમય માટે જરૂર ભૂલી ગયો હતો પણ હવે નવુંજ જોમ મારામાં ઉભરાઈ રહ્યું હતું, મારે ગમે તેમ કરીને પણ કાશ્મીરમાં ભરતી થવા માટે સિલેક્ટ થવું હતું, ફિઝિકલ ફિટનેસમાં જે કર્નલ સાહેબે મને ખૂબજ વધાવ્યો હતો એમાં હું સાતમા નંબરે સિલેક્ટ થયો, હું નિરાશ થઇ ગયો અને ડરી પણ ગયો હતો, મારા ચહેરા પરની મૂંઝવણ પારખતા કર્નલ સાહેબે મને કહ્યું, 'જુનિયર હજુ લેખિત પરીક્ષા બાકી છે, ગભરાશો નહીં, તમારે થોડું હમણાં આની ઉપર જ ધ્યાન આપવાની જરૂર છે '
મેં હકારમાં ડોકું હલાવ્યું, હું ત્યાંથી જતો હતો ત્યાં જ કર્નલ સાહેબે મને રોકતા કહ્યું, 'જુનિયર, તમે જે ફિરોઝપોર વિશે વાત કરી હતી એની માટે મેં અર્જુનને પૂછ્યું હતું પણ તેણે ત્યાં એવી કોઈજ વાતને હોવાની નકારી કાઢી છે,'
હું મનમાં બોલ્યો, 'સર તમે ખુદ ચોરને ચોરી વિશે પૂછો તો એ ક્યાંથી સાચો જવાબ આપે, પછી સ્વસ્થ થતા કહ્યું, 'મારી ભૂલ થઇ લાગે છે સર, મારે હમણાં મારી ટ્રેનિંગ પર ધ્યાન આપવું જોઈએ ', આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો,
હું વિચારતો રહ્યો કે મારે હમણાં ફક્ત મારી ટ્રેનિંગ ઉપર જ ધ્યાન આપવું જોઈએ, જો હું સિલેક્ટ ના થયો તો કાશ્મીરમાંથી સદાય અલવિદા કહેવું પડશે પણ જો પાસ થઇ ગયો તો અહીંયા રહીને હું જરૂર નગ્માને ન્યાય અપાવી શકીશ ' ત્યારબાદ સતત અઠવાડિયા સુધી મેં મન લગાવીને વાંચ્યું, ઈનાયતનો વિચાર કયારેક મને વિચલિત જરૂર કરી દેતો પણ મેં તેને જ વિચારીને ફરી અભ્યાસમાં મન પરોવેલું રાખ્યું,
આજે મારી પરીક્ષા હતી, પરીક્ષા આપ્યા બાદ મેં વિચાર્યું હતું કે ઈનાયતને જ સીધો મળવા જઈશ, પરીક્ષા આપ્યા બાદ હું ઈનાયતને મળવા તેના ઘેર જવા લાગ્યો, રસ્તામાં મને ઘણા વિચારો આવવા લાગ્યા કે આટલા દિવસોમાં હું અને ઇનાયત એકબીજાને મળ્યા જ નહોતા અને તેણે પણ મારો કોઈ સંપર્ક સાધવાનો પ્રયાસ નહોતો કર્યો, તો શું તે મને ભૂલી ગઈ હશે?? ના ના અમારી છેલ્લી મુલાકાત પર થયેલ ચુંબન પરથી તો હું એવું ના વિચારી શકું, વિચારો કરતા કરતા તેનું ઘર આવી ગયું, મેં જોયું તો ઈનાયતના એટલે કે સુલેમાનનાં ઘરની બહાર વિલાયતી ગાડીઓ ઉભી રહી હતી, મને દાળમાં કંઈક કાળું હોય એવો આભાસ થવા લાગ્યો, એટલામાં ગેટ પાસે વોચમેને કહ્યું, 'સાહેબ આપ ફેઝલ ખાન છો?? '
મેં કંઈ પણ વિચાર્યા વગર હામી ભરી દીધી, અને મને તે વોચમેને બંગલાની અંદર પ્રવેશ કરવા દીધો, હું પ્રથમ વખત ઈનાયતના ઘરે આગળથી પ્રવેશ્યો હતો, મનમાં તો હું ખૂબજ ખુશ થવા લાગ્યો કે મેં ઉલ્લુ બનાવીને અંદર પ્રવેશ મેળવ્યો પણ મારું હસવામાંથી ખસવું ત્યારે બની ગયું જયારે સુલેમાન મારી નજરો સામે આવી ગયો અને તે મારી તરફ જ આવી રહ્યો હતો,..........
સુલેમાન અનુજ પાસે કેમ આવી રહ્યો હતો?? શું અનુજ બચી શકશે સુલેમાનથી?? શું અનુજ ઈનાયતને મળી શકશે?? ઇનાયત અને અનુજની પ્રેમકહાની કેવી રીતે આગળ વધશે?? જોવા માટે વાંચતા રહો કાશ્મીરની ગલીઓમાં....