Ek tarfi prem in Gujarati Love Stories by Ashka Shukal books and stories PDF | એક તરફી પ્રેમ

Featured Books
Categories
Share

એક તરફી પ્રેમ

એક તરફી પ્રેમ

સારાંશ : એક તરફી તૂટેલા પ્રેમનો પ્રહાર એટલો પ્રચંડ હોય છે કે જે ઝીલી જાય એ તરી જાય, અને જે ના ઝીલી શકે એ ડૂબી જાય...

*****

રિયા ક્યારની રાજના મેસેજ ની રાહ જોઈ રહી હતી અચાનક બે દિવસથી રાજે રિયાની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું... જેના લીધે રિયા ને સહેજ ધક્કો લાગ્યો હતો, પણ ઊંડે સુધી એક વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે રાજ મારી સાથે વાત કરશે એટલે દર્દ એટલું અસહ્ય ન હતું...

રાજ થોડા અટપટા નિયમો વાળો હતો તે અતિરેકમાં માનતો ન હતો, પ્રેમ હોવા છતાં પણ ક્યારેય "આઈ લવ યુ" જેવા શબ્દો એને રિયા ને કહ્યા ન હતા.
અને રિયા પણ રાજને ખૂબ સારી રીતે સમજતી હતી.. તેણે પણ ક્યારેય એવી અપેક્ષા રાખી ન હતી બસ આંખોથી દિલ સુધી વાત ઊતરી જતી હતી એટલું કાફી હતું.
આજકાલ ના મોર્ડન પ્રેમમાં થતાં જાનુ, બાબુ, સ્વીટુ, લવ યુ, લવ યુ જેવા અડપલાં વેડા ન તો રાજ ને પસંદ હતા ન રિયા ને બંનેના વિચારો પણ ઘણા બધા મળતા આવતા હતા એટલે જ કદાચ બંને ના દિલ મળી ગયા હતા...

રિયા ને થયું બે દિવસથી વાત નથી થઈ તો હું જ સામે થી વાત કરું, રિયા એ રાજના મેસેજ કર્યો... હાઇ.. શું કરે છે!
કોલ કરું!?
પાંચ મિનિટ જ..
હું કાંઈ નહિ બોલું બસ ખાલી તારો અવાજ સાંભળીશ?
રાજે ઉત્તર આપ્યો.... યાર હજી તો અઠવાડિયું પણ નથી થયું આપણે વાત કરી એને લગભગ દસ કલાક વાત કરી હશે થોડું સમજ ... અતિરેક સારો નથી!
રિયા એ કહ્યું: ઓકે ! જેવી તારી ઈચ્છા સસલાં
( રિયા રાજને પ્રેમથી સસલું કહી ને બોલાવતી)
પાંચ છ કલાક પછી અચાનક રાજ નો મેસેજ આવ્યો હાય.. રિયા સોરી,
રિયા ને થયું કદાચ સવારે ફોન પર વાત કરવાની ના પાડી અને થોડું કઠોર થઈને જવાબ આપ્યો હતો એટલે સોરી કહ્યું હશે રાજે... રાજનો આ રીતે સામેથી મેસેજ આવતો જોઈને રિયા ના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને ચહેરો ખીલી ઉઠ્યો,
રિયા એ મજાક કરતા કહ્યું પચાસ વખત સોરી બોલ..
અને રાજ લગભગ નોનસ્ટોપ પાંચ મિનિટ સુધી સોરી સોરી ના મેસેજ કરતો રહ્યો,
રિયા થોડીવાર ખુશ થઇ ગઈ અને કહ્યું બસ કર પણ રાજના સોરી ના મેસેજ આવતા બંધ ન થયા...
રિયા એ એક ચુંબન કરતો smiley અને હાર્ટ નો સ્માઈલી મોકલાવી દીધો..
એ જોઈને રાજ નો મેસેજ ચેન્જ થઈ ગયો... બસ કર...
હું અહી વાતો કરવા નથી આવ્યો!! સોરી કહેવા આવ્યો છું.. મારા લીધે તને દુઃખ પહોંચ્યું એના માટે...

રિયા એકદમ સિરિયસ થઈ ગઈ રાજનો આવો પ્રત્યુતર!? આની પહેલા રાજે ક્યારેય પણ આવું વર્તન નહોતું કર્યું..
રિયા એ પૂછ્યું... કેનું! કઈ વાત નું સોરી કહે છે!?
રાજે કહ્યું... બસ એમ જ સોરી
રિયા ને થોડો ડર લાગ્યો.. સાફ શબ્દોમાં પૂછી લીધું આ તારો છેલ્લો મેસેજ છે!! હવે હું રાહ ના જોઉ ને!!
રાજ નો મેસેજ ... સોરી

રિયાના દિલમાં એક ગેબી ધડાકો થયો.. રિયા કહ્યું.... સમજી ગઈ...
ઇટ્સ ઓકે.... નો પ્રોબ્લેમ... બાય ટેક કેઅર
રિયા અસમંજસ માં પડી ગઈ
શું હતુ આ!??
રાજે આમ અચાનક જ બધા જ લાગણી ના સંબંધો તોડી નાખ્યા!!
રિયા થોડીવાર શૂન્ય થઈ ગઈ!

*****

રાજ રિયાની અૉફિસમાં નવો જ હતો, થોડા દિવસ પહેલા જ એને ઓફિસ જોઇન કરી હતી રાજ દેખાવમાં કોઈ હીરો થી કમ ન હતો પણ બીજા બધા છોકરાઓ ની જેમ હીરોગીરી કરવી કે સ્ટાઈલ મારવી એવું એને જરા પણ પસંદ ન હતું, રિયા પણ ખૂબ જ દેખાવડી અને સ્વચ્છંદી હતી.. રિયા ની પાછળ કેટલાય છોકરાઓને લાઈન હતી સુંદર અને સ્ટાઇલિશ.. પણ, રિયા ને એવા સ્ટાઈલ માંરતા છોકરાઓ પસંદ ન હતા એ ક્યારેય કોઈને ભાવ ન આપતી એના મનમાં વસે એવો કોઈ પુરુષ મળ્યો જ ન હતો એને..
રિયા ને રાજનું વ્યક્તિત્વ આકર્ષવા લાગ્યું એના દેખાવ કરતા પણ એની સમજ અને એના વિચારો પર રિયા કાયલ થઈ ગઈ, ધીરે ધીરે બંને ગાઢ મિત્રો બની ગયા હતા... એક દિવસ રિયા એ રાજ ને કહી દીધું કે મને તારા માટે કંઈક ખાસ કહી શકાય એવી લાગણી છે.....
રાજે શુષ્ક જવાબ આપ્યો.... પ્લીઝ રિયા હું આ પ્રેમ બેમ ના ચક્કરમાં પડવા નથી માગતો, મને આ બધું પસંદ નથી, પ્લીઝ કીપ ડિસ્ટન્સ વિથ મી...
રિયા ને થયું ઠીક છે યાર, ખૂબ જ ઉમદા , અલગ અને મજા નો માણસ છે.... પ્યાર ના સહી પણ દોસ્તી તો રાખવી જ જોઈએ... રિયા એ પોતાને ખુશનસીબ સમજી કે તેરા જે એની દોસ્તી નો સ્વીકારી રહ્યો છે એજ મોટી વાત છે....

અને થોડા સમયમાં રિયાની પોસ્ટીંગ એની અૉફિસ ની બીજી બ્રાંચમાં થઈ ગઈ....
પણ બંને જણા ફોનથી કનેક્ટિંગ રહેતા વાતો કરતા... હવે ધીરે ધીરે રિયા ને લાગવા લાગ્યું હતું કે રાજ રિયા તરફ જુકી રહ્યો છે.. રાજની ઘણી વાતો રિયા ને વિચારવા મજબૂર કરી દેતી હતી કે રાજ પણ એના પ્રેમ માં પડી ગયો છે.
એક વખત રાજે સામેથી રિયા ને મળવા માટે કહ્યું,
બન્ને બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ બીચ પર મળ્યાં થોડી ઘણી વાતો કરી
હાથમાં હાથ પરોવી ઉબડખાબડ પથ્થરો પર ચાલ્યા અમે છૂટા પડતી વખતે બંને ભેંટ્યા ત્યારે એવો અહેસાસ થયો જાણે બે ધડકતા દિલ એકબીજામાં સમાઈ જવા માટે આતુર હતા.. રિયા નું દિલ એ વખતે ખુબજ જોર-જોરથી ધડકવા લાગ્યું હતુ ભેંટતી વખતે રાજ અને રિયા ના ચહેરા ખૂબ નજીક આવી ગયા હતા બંને એકબીજાના શ્વાસ ની ગતિ અને એની ધ્રુજારી મહેસૂસ કરી શકતા હતા એકબીજાની આંખોમાં બંને એવા ખોવાઇ ગયા, અને રાજે રિયા ના હોંઠ પર એક પ્રગાઢ ચુંબન કરી દીધું.

******

ભૂતકાળની યાદ આવી જતાં રિયા એ એક ઉંડો શ્વાસ લીધો ,
બાજુમાં પડેલા ટેબલના ડ્રોઅરમાંથી રિયાએ પોતાની ડાયરી કાઢી...
રિયાએ પોતાની ડાયરીમાં લખવા માંડ્યુ...

-- હ્દય ને એટલુ મજબૂત બનાવી દો કે આંસુ ની મજાલ છે કે આંખ વડે બહાર પણ આવી શકે!

-- આ પ્રેમ બહુ ખરાબ વસ્તુ છે, (હા વસ્તુ જ કહીશ, કારણ કે એના માં આપણી લાગણી સમજી શકે એટલો ઉંડો ભાવ નથી, આ તો એક શબ્દ માત્ર છે )
જ્યારે તમે પ્રેમ રંગ માં રંગાઈ ને જીવતા હો છો ત્યારે બધું જ ખુબ જ સુંદર લાગે છે, અને જ્યારે એ પ્રેમ તમને છોડીને જતો રહે છે ત્યારે જીવતી લાશ થી પણ બદતર હાલત થઈ જાય છે,

-- શું થયું!! હૃદય રડે છે!?? ... રડવા દે,,, વધારે મજબૂત બનશે.. જલ્દીથી પછી કોઈ આઘાત એને દુઃખ નહીં પહોંચાડી શકે..

-- જ્યારે સાચો પ્રેમ થાય ત્યારે આ હ્દય કાંચ જેવુ હોઈ છે, પારદર્શક અને સ્વચ્છ, કોઈ પણ પ્રકાર ના દંભ કે આડંબર ની ધૂળ પણ નથી લાગી હોતી એના પર, પણ જ્યારે એ ટુટે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ સાથે એ કાંચ ના ઝીણા ઝીણા ટુકડાઓ વેરાઈ જાય છે, અને એજ ટુકડાઓ યાદો બનીને ઘણાં સમય સુધી તમારા મન અને શરીર પર શૂળની જેમ ભોંકાયા કરે છે જેની વેદના ખૂબ જ અસહ્ય હોય છે.

-- ઘવાયેલું દિલ એક જૂની જર્જરિત દીવાલ જેવું હોય છે...
જે દિવાલ માં પહેલા થી જ અસંખ્ય ખીલીઓ ઠોકાયેલી હોય ત્યાં એક વધુ એમાં શું ફરક પડે છે દોસ્ત!!
જ્યારે એ પ્લાસ્ટર ના થીગડાં મારેલી દિવાલ અસંખ્ય મજબૂત હથોડા વડે ઠોકાયેલી ખીલીઓના પ્રચંડ અને તીવ્ર પ્રહારને લીધે ખખડી ને એક દિવસ પડી જાય છે એમજ આ દિલ પણ એક દિવસ ધબકાર વગર નું થઈ જશે..

-- એવું નથી કે તૂટેલા દિલ માં લાગણીઓ નથી હોતી, હોય છે પણ પેરેલિસિસ જેવી, અડધી જીવંત અડધી મૃત.

******

રિયાના મનમાં વિચારો, સવાલો અને જવાબો નું યુદ્ધ ચાલ્યું હતું..
વિચારોના વમળમાં થી યાદોના ફીણ નીકળી રહ્યાં હતા, અને આંખો માં રહેલા ખાબોચિયા માંથી રિયા ના ગાલ પર એક પાણી નો લિસોટો સરી ગયો... સોફા પર સૂતેલી રિયા માથા નીચે હાથ રાખી ધીમા ફરી રહેલા પંખાની કિચૂડ કિચૂડ સાંભળતી એકીટશે પંખા સામે જોઈ પોતાની સાથે વાતો કરતી સ્વગત બબડી... હવે તો આ ફાટેલી ગોદડી જેવા હૃદયને થિંગડા લગાડી લગાડીને થાકી ગઈ છું, કાશ એના માટે પણ કંઈક બુલેટ પ્રુફ જેકેટ જેવું આવતું હોત તો! સાલ્લું પાછું એક જગ્યાએ થી ફાટી ગ્યું, લાવ જરા રફુ કરી દઉં.. રિયા કટાક્ષમાં જ પોતાના ઉપર હસતા હસતા બોલી ગઈ અને જોરજોરથી હસવા લાગી...
અચાનક રિયા હસતા હસતા રડવા લાગી... વ્હાય! ... વ્હાય!... કેમ મારી સાથે જ આવું થાય છે!
અઢકળ સવાલો મનમાં ભમી રહ્યા હતા... રિયા પોતાની સાથે જ સવાલ જવાબ કરી રહી હતી....
શું હું એકલી વન વે માં હતી?! ( એક તરફી પ્રેમ)
શું રાજને મારા પ્રત્યે કોઈ લગાવ ન હતો!?
શું એને મારા પ્રત્યે ખાલી આકર્ષણ હતું!
આકર્ષણ! મારા સૌંદર્ય નું બસ!!
કે પછી મારા વિશે બધુ જાણ્યા પછી માત્ર સિમ્પતી અને દયાભાવ હતો!!
રિયાએ એક ઊંડો શ્વાસ લીધો... અફસોસ... !
રાજ ને અફસોસ થઈ રહ્યો છે કે એને મારી સાથે વાત કરી!
અને મને?? મને અફસોસ છે!?
ના.. મને એને પ્રેમ કર્યા નો કોઈ અફસોસ નથી..
અફસોસ એક જ વાત નો છે કે બીજા બધાની જેમ એણે પણ ફક્ત મારા સૌંદર્ય થી પ્રેમ થયો?? મારા મન સાથે નહીં! મારા એના પ્રત્યે પ્રેમ થી છલોછલ હૃદય સાથે નહીં...
હું જ એવા ખોટા ભ્રમ માં હતી કે ચલો કોઈ તો મળ્યું જેણે મારા મનને સમજ્યું અને એને પ્રેમ કર્યો!!!
ના, પણ મારો રાજ એવો ન હતો...
તો પછી!!
એને કદાચ દોસ્ત હોવાના લીધે મારી સાથે સહાનુભૂતિ હતી માત્ર!
હા કદાચ....
તો એક ડિસ્ટન્સ રાખવું જોઈએ ને!
શું કામ મારા દિલની એટલો બધો નજીક આવી ગયો??
મેં કહ્યું હતું!?
કે મેં એના પર કોઈ જાદુટોના કર્યા હતા!
એ પૂરો ભાન માં જ હતો, કે હું રિયા સાથે શું વાત કરું છું અને રિયા મારા વિશે શું અનુભવે છે.. એ બધું જ સમજતો હતો... છતાં પણ... રાજે મારા અેક પણ પ્રશ્નના જવાબ આપ્યા વગર મને છોડી દીધી! વ્હાય???
શું ભૂલ કરી મેં !?? મન તો થાય છે એની પાસે જઈ એના શર્ટ નો કૉલર પકડી એને પૂછું અને એક હક થી એક લાફો મારી દઉં... પણ શું કરું એને મારી સાથે વાત કરવામાં પણ રસ નથી... મારાથી કંટાળી ગયો હશે!??
પણ સાલ્લું હજી સુધી એ નથી સમજાતું કે શું કચાશ રહી ગઈ મારી દોસ્તી માં!
હું મારા બેસ્ટ ફ્રેન્ડ કહેવાતા પુરુષ ના પ્રેમ માં પડી ગઈ એ ભૂલ થઈ ગઈ!?
હા, કદાચ એવું જ છે, એ ગુંગળાઈ રહ્યો હતો મારા થી,
પણ એની કોઈ વાત કે વર્તન થી એવું નહીં લાગ્યું ક્યારેય!
એ બીજી વખત પણ કહી શક્યો હોત કે.. પ્લીઝ રિયા... કીપ ડિસ્ટન્સ વિથ મી...
આ વખતે એ એવું કાંઈ નહી બોલ્યો, અને હું બેવકૂફ એમ સમજી બેઠી કે એ પણ મારા માટે આવી લાગણી અનુભવે છે...
ખેર, હવે અફસોસ શેનો!
રિયા ને પોતાની હાલત જોઈને એના પપ્પાએ લખેલી એક કવિતાની પંક્તિઓ યાદ આવી ગઈ....

જીત પર હસતો રહ્યો હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી કંટક પર હસતો રહ્યો,
ઓ મુસીબત એટલી જિંદાદિલી ને દાદ છે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો....

રિયા ફરી પોતાની ડાયરી કાઢી અને પોતાના લખેલા વિચારોને વાંચવા લાગી...
અને મનોમન પોતાને હસતા હસતા કહેવા લાગી.. વાહ !
રીયા તું તો ફિલોસોફર બની ગઈ શું વાત છે!
થેન્ક યુ.. કહી રિયા એ પોતાને જ જવાબ આપ્યો..

એકલતા માણસને પોતાની જાત સાથે સંવાદ કરતા શીખવાડી દે છે... રિયા પણ પોતાની સાથે ઘણીવાર એકાંત માં વાતો કરતી, પોતાની જાતને જ સવાલ પૂછતી અને પોતે જ જવાબ આપતી.
પોતાની ડાયરી પર લખેલા વિચારો વાંચતા-વાંચતા પોતાની જ લખેલી એક લાઈન પર રિયા ની નજર અટકી ગઇ...

"એવું નથી કે તૂટેલા દિલ માં લાગણીઓ નથી હોતી, હોય છે પણ પેરેલિસિસ જેવી, અડધી જીવંત અડધી મૃત.. પણ એ પેરેલિસિસ થયેલા દિલ પર પાછો પેરેલિસિસનો હુમલો આવે તો??"
તો બધું શૂન્ય થઈ જાય,
રિયા પણ અત્યારે શૂન્ય થઇ ગઇ હતી દુઃખ, પીડા, આંસુ, હાસ્ય કે ખુશી કોઈ જ ભાવ એના મુખ પર નહોતા
સૌથી મોટો સવાલ એ જ હતો કે.. દોસ્તી ને પણ કેમ ઠુકરાવી દેવામાં આવી!?

એ નિર્દોષ મિત્રતા જેમાં એટલી બધી નિર્દોષતા હતી કે એકબીજાના સુખદુઃખની વાતો કરવી કે પછી એકબીજાના બોલવાનો અલગ પ્રકારનો ટોન હોય અને એના ચાળા પાડવા અને પછી ખડખડાટ હસવું, તો પણ બંનેમાંથી કોઈને જરા પણ ખોટું ના લાગે અને એકબીજા સાથે વાતો કર્યા વગર ચાલે પણ નહીં એક કલાક, બે કલાક, તો ક્યારેક ચાર ચાર કલાક સુધી લંબાતી નિર્દોષ હાસ્ય ની અને અલક મલકની વાતો...
શું કામ થયું આવું!!
કમ સે કમ એ નિર્દોષ અને શુદ્ધ દોસ્તી રહી હોત તો!??
રહી ગયો માત્ર અફસોસ...
રાજ ને અફસોસ થયો કે એને મારી સાથે વાત કરવાની શરૂઆત જ નહોતી કરવી!
મને અફસોસ રહી ગયો કે... આટલી સુંદર મિત્રતા મારી બેવકૂફી ને લીધે ટુટી ગઈ...
મારા વધારે પડતા લાગણીવેડાથી એનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો કદાચ..
હા, કદાચ એવું જ હતું..
રિયા પથ્થર જેવી બની ગઈ હતી., જેમ પથ્થર પર ગમે એટલા પ્રહાર કરો તો પણ એને ક્યારેય દર્દ નથી થતું કારણ કે એ નિર્જીવ છે એમ રિયા ને અત્યારે કોઈ જ દર્દ કે દુઃખ મહેસુસ નથી થઈ રહ્યું...
આ અફસોસ નામના શબ્દ એ બધુ જ બદલી નાખ્યું..

રાજે રિયા ને મેસેજ કર્યો હતો... આઈ એમ સોરી... સોરી ફોર એવરીથિંગ,
રિયા એ ગુસ્સા માં અને થોડી થીજેલી અવસ્થા માં કાંઈ જ પ્રત્યુતર ન આપ્યો..
રાજ કદાચ એ વાત ભૂલી ગયો હતો કે... પથ્થર જવાબ ન આપી શકે, રિયા પથ્થર જેવી થઈ ગઈ હતી અને એની લાગણીઓ માટીના ઢેફાં જેવી! આકાર વગરની...
પણ જેમ માટીમાં એની સુગંધ અકબંધ રહે છે એમ ક્યાંક રિયાની લાગણીઓમાં પણ રાજ પ્રત્યેના પ્રેમ ની સુગંધ હજી પણ અકબંધ હતી....
લાગણીઓ મિત્રતાની, લાગણીઓ એક બેસ્ટ ફ્રેન્ડ સાથે થયેલા પ્રેમની, લાગણીઓ આત્મીયતાની...

*****

રિયા એ પાછી ડાયરી હાથ માં લીધી અને લખવા લાગી...

-- દિલમાં દર્દ ઊઠે છે એવું કે હવે કોઈને નહીં કહું,
આ પ્રેમ બહુ ખરાબ વસ્તુ છે દોસ્ત હવે ક્યારેય પ્રેમ નહીં
કરું.

-- टूटे हुए प्यार का दर्द बडा़ ज़हरीला होता है, नसों में इस
तरह घुल जाता है लगता है जैसे नसें अभी फट जाएंगी।

-- एक टीस उठती है दिल में चुपचाप कहीं से आती है।
और कलेजा चीर के बिना आवाज किए यूँही निकल
जाती है।

-- દોસ્તી અને પ્રેમ વચ્ચેની ભેદરેખા સમજવામાં થોડો
સમજફેર થઈ ગયો,
ત્યાં તો આટલી મધુર મિત્રતા નો સ્વાદ પણ કડવો ઝેર
થઈ ગયો.!?

લખતા લખતા રિયા ના હાથ ધ્રૂજવા લાગ્યા રિયા એ ડાયરી બંધ કરી બાજુના ટેબલ પર રાખી દીધી અને કબાટ માં વાઈનની બોટલ કાઢી ગ્લાસમાં વાઈન રેડ્યો... અને એક ઘૂંટ પીધો..

રિયા એ એક ઊંડો નિસાસો નાખ્યો અને રાજ વિશે વિચારવા લાગી... રાજ! બહુ અઘરું છે તને સમજવો એ...
રાજ તારા મનમાં શું હતું!? એકવાર તો કહ્યું હોત કે શું કામ મને તરછોડી રહ્યો છે,?! ખબર છે કે મારી ફિકર હતી તને પણ ઘણા બધા સવાલો હતા જેના જવાબ તારે આપવાના બાકી હતા !?

રાજ... ખરેખર અદ્ભુત હતો, એવો અલૌકિક પુરુષ રિયા એ ક્યારેય જોયો નહોતો, રિયા એને કોઈ દિવ્ય પુરુષ જ સમજતી હતી... શુદ્ધ અને નિર્મળ પાણી જેવો અલૌકિક પુરુષ એટલે રાજ...
જેનું હૃદય ખૂબ જ વિશાળ છે અને શિવજીની જટામાં થી નીકળતી ગંગા જેટલું પવિત્ર જે અવિરત વહ્યા કરે છે... એવું હ્દય હતું રાજ નું સ્વચ્છ અને શુદ્ધ પાણી જેવું.
રિયા વિચારતી રહી અને પોતાની જાતને જ પ્રશ્નો પૂછતી રહી...
શું પાણીને મુઠ્ઠીમાં કેદ કરી શકાય!
ના... રિયા એ પોતાના જ સવાલનો જવાબ આપ્યો..
તો તું કેમ એને પકડી રાખવા માંગે છે!!
કદાચ મને લાલચ આવી ગઈ હતી!!
શેની!?
આટલો અલૌકિક પુરુષ મારી પાસે જ રહેવો જોઈએ કદાચ એવું મારા મનમાં આવી ગયું હતું.. કદાચ!
પણ મારા પ્રેમમાં કોઈ લાલચ ન હતી, એ તો બસ થઈ ગયો, એ હતો જ એવો કે કોઈ પણ એના પ્રેમ માં પડી જાય...
રાજ મારા વિશે શું વિચારતો હતો એનો જવાબ મને હજી સુધી નથી મળ્યો અને હવે જવાબ જોઈતો પણ નથી. મેં અેને મારા બંધનમાંથી મુક્ત કરી દીધો..
પણ મનમાં હજી ક્યાંક ઉમ્મીદ છે કે કદાચ એ પાછો આવશે...
એને વહેવું હતું... ખળખળ વહેતી નદીની જેમ... એ ક્યાંય રોકી શકાય એવો ન હતો ખૂબ જ અદ્ભુત હતો એ, કોઈ અલૌકિક દિવ્ય પુરુષ જેવો.

રિયા ના મનમાં રાજ નું સ્થાન બહુ ઊંચું હતું, કૃષ્ણ પ્રેમી રિયા રાજને કૃષ્ણ જ સમજવા લાગી હતી અને મનોમન પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજતી હતી કે રાજ ના જીવનમાં એનું પણ એક મહત્વનું સ્થાન છે. કદાચ આને જ સાચો પ્રેમ કહેવાતો હશે!!
રાજ ના ઈંતજાર માં આજે પણ રિયા ઉમ્મીદ લગાવી ને બેઠીછે કે એ જરૂર આવશે.

આશકા શુકલ "ટીની"