"હું આર્યવર્ધન ની ફિયાન્સી છું. મારી અને તેની સગાઈ થઈ ચૂકી હતી અને લગ્ન થવાના હતા પણ એ પહેલાં જ તે મને છોડીને જતો રહ્યો.” આટલું કહીને ક્રિસ્ટલ રડવા લાગી. રિધ્ધી અને ભૂમિ તો જાણે પૂતળું બની ગયા એમ ત્યાં જ ઉભા રહી ગયા.
ભૂમિ ને પરિસ્થિતિ નું ભાન થતાં તેણે ક્રિસ્ટલના હાથ ખોલી નાખ્યા. ક્રિસ્ટલ હજુ પણ રડતી હતી એટલે રિધ્ધી તેને ગળે મળી. આખરે ક્રિસ્ટલ તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. ભૂમિ ને આ જોઈને ત્યાં રોકાવા નું યોગ્ય લાગ્યું નહીં એટલે ભૂમિ એ રૂમ ની બહાર નીકળી ને દરવાજો બંધ કરી દીધો.
ભૂમિ લિફ્ટ પાસે જઈને લિફ્ટ આવવાની રાહ જોવા લાગી. જેવો લિફ્ટ નો દરવાજો ખુલ્યો એટલે મેઘના લિફ્ટમાં થી બહાર આવી. મેઘના રિધ્ધી ના રૂમ તરફ જવા લાગી એ જોઈ ભૂમિ એ તેનો હાથ પકડીને રોકી લીધી.
ભૂમિ એ મેઘનાને રિધ્ધી પાસે જવાની ના પાડી અને થોડી વાર માટે રિધ્ધી અને ક્રિસ્ટલ ને એકલા રહેવા દેવાનું કહ્યું. મેઘના એ તેનું કારણ પૂછ્યું ત્યારે ભૂમિએ તેને આર્યવર્ધન અને ક્રિસ્ટલ ની સગાઈ અને ક્રિસ્ટલનો આત્મહત્યા કરવા ના પ્રયત્ન વિશે બધી વાત કરી.
આ બધું સાંભળીને મેઘના ડઘાઈ ગઈ. મેઘના એ ભૂમિ ને પોતાની સાથે લેબોરેટરીમાં આવવા માટે કહ્યું. ભૂમિ અને મેઘના લેબોરેટરીમાં પહોંચ્યા બાદ મેઘનાએ રાજવર્ધન સિરમ નો ડાયગ્રામ બતાવવા માટે કહ્યું.
રાજવર્ધને ફરીથી એલગોરિધમ પ્રોગ્રામ ચાલુ કર્યો અને ભૂમિને બતાવ્યો. ભૂમિ એ પ્રોગ્રામ જોયા પછી પૂછ્યું, “આ પ્રોગ્રામમાં શું સમસ્યા સર્જાઇ છે ?” રાજવર્ધને જવાબ આપતાં કહ્યું, “ આ સિરમને તૈયાર કરવા એક કે બે હ્યુમન ડીએનએ ની જરૂર છે. પણ કોના ડીએનએ સિરમ બનાવી શકે તે સમજાતું નથી.”
“ પણ તમે બધા એ તમારું ડીએનએ મેચ કરી જોયું ?” ભૂમિ એ મેઘના સામે જોતાં પૂછ્યું. આ સાંભળી ને નિધિ અને ખુશી તથા રાજવર્ધન અને મેઘના એકબીજા સામે જોવા લાગ્યા.
મેઘના બોલી, “ આપણે ભૂમિ એ કહ્યું તેમ આપણા બધા ના ડીએનએ મેચ કરવા નો પ્રયત્ન કરી જોવો જોઈએ.” નિધિ અને ખુશી એ મેઘના ની વાત માં સુર પુરાવ્યો. મેઘના, ભૂમિ, ખુશી અને નિધિ એ વારાફરતી પોતાના માથાં માંથી એક એક વાળ તોડી ને સ્કેનર માં મુક્યો.
અને છેલ્લે રાજવર્ધને પોતાનો વાળ સ્કેનર માં મૂક્યો. ત્યાર બાદ રાજવર્ધને એક પછી એક કરીને બધા ના વાળમાંથી ડીએનએ સેમ્પલ લઈને મેચ કરવા માટે મૂકી દીધા.
થોડી વાર પછી કમ્પ્યુટરે સૌપ્રથમ નિધિ ત્યાર બાદ ખુશીના ડીએનએ મેચિંગ નું રિઝલ્ટ બતાવ્યું. જેમાં તે બંને ના ડીએનએ ફેલ થઈ ગયા હતા. ત્યાર મેઘના ના ડીએનએ નું રિઝલ્ટ જેમાં મેઘના નું ડીએનએ 40% જેટલું મેચ થતું હતું.
છેલ્લે ભૂમિ નું અને ત્યાર બાદ રાજવર્ધનના ડીએનએ નું રિઝલ્ટ આવ્યું જેમાં ભૂમિ નું ડીએનએ 25 % જેટલું મેચ થતું હતું અને રાજવર્ધનનું ડીએનએ 85 % જેટલું મેચ થતું હતું. આ જોઈને બધા વિચાર માં પડી ગયા. આ રિઝલ્ટ બધા માટે આંચકા સમાન હતું. મેઘના તથા ભૂમિ એ રાજવર્ધન સામે જોયું અને રાજવર્ધને નિધિ સામે જોયું.
કેમકે સિરમની તપાસ કઈ રીતે કરવી એ રાજવર્ધન નો મુખ્ય વિષય હતો પણ તેને બનાવવી એ જુદો જ વિષય હતો. નિધિએ ખુશી સામે જોયું. ખુશી એ આંખની પલકો ઝપકાવી ને હકારમાં ઇશારો કર્યો.
એટલે નિધિ એ બોલવાનું શરૂ કર્યું, “ રાજવર્ધન, તારું અને મેઘના નું ડીએનએ સૌથી વધારે મેચ થાય છે અને ભૂમિ નું ડીએનએ પણ મેચ થાય તે નવાઈ ની વાત છે પણ અત્યારે મુખ્ય સમસ્યા અડધું સમાધાન થઈ ગયું છે. તારું અને મેઘનાનું ડીએનએ મેચ થાય છે તેનો અર્થ એ જ છે કે તારી અથવા મેઘના ની ફેમિલી ના કોઈ વ્યક્તિનું ડીએનએ સિરમ બનાવવા માટે કામ લાગી શકે તેમ છે.”
વાત કરતા કરતા નિધિ ની નજર લેબ ના દરવાજા પર પડી. એટલે નિધિ બોલતાં બોલતાં અટકી ગઈ. એટલે બધા એ દરવાજા સામે જોયું તો દરવાજો ખુલ્લો હતો અને ત્યાં રિધ્ધી અને ક્રિસ્ટલ બંને ઉભા હતા.
તે બંને કમ્પ્યુટર પાસે આવ્યા. ક્રિસ્ટલે એક ટેસ્ટટ્યુબ રાજવર્ધન ને આપી જેમાં કોઈના માથાં નો એક વાળ હતો. ક્રિસ્ટલે રાજવર્ધન ને તે વાળનો ડીએનએ ટેસ્ટ કરવા માટે કહ્યું. નિધિ કંઈક બોલવા એ પહેલાં ક્રિસ્ટલે તેને મો પર આંગળી મુકીને ચૂપ રહેવા માટે ઇશારો કર્યો એટલે નિધિ કઈ બોલી નહીં.
રાજવર્ધને ક્રિસ્ટલે આપેલી ટેસ્ટટ્યુબ માં થી સાવધાનીપૂર્વક તે વાળ ને બહાર કાઢીને સ્કેનર માં મુક્યો. થોડી વારમાં જ તે વાળના ડીએનએ નું પરિણામ આવી ગયું. તે 99.2 % જેટલો મેચ થતો હતો.
આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. રાજવર્ધને ક્રિસ્ટલ સામે જોઇને પૂછ્યું, “ આ કોના વાળનું સેમ્પલ હતું ?” ક્રિસ્ટલે પોતાની પલકો ઝુકાવીને કહ્યું, “મારા ફિયાન્સે નું, તારા ભાઈ આર્યવર્ધન નું.” આ સાંભળીને રાજવર્ધન કઈ બોલ્યો નહીં.
તેનું વર્તન સામાન્ય જ રહ્યું. જાણે કે આ વાત પહેલાંથી જાણતો હોય. રિઝલ્ટ જોયા પછી નિધિ બોલી, “ આર્યવર્ધન નું ડીએનએ સિરમ બનાવવા માટે કામ લાગી શકે તેમ છે પણ છતાં હજી પણ એક ડીએનએ ની જરૂર છે. ”
આ સાંભળીને રિધ્ધી બોલી, “શું મારું ડીએનએ આ સિરમ બનાવવા માટે કામ લાગી શકે ?” ખુશી એ જવાબ આપતાં કહ્યું, “રિધ્ધી, જો તારું ડીએનએ મેચ થશે તો તે સિરમ બનાવવા માટે કામ લાગી શકે છે.”
ખુશીની વાત સાંભળીને રિધ્ધી એ તરત તેના માથામાં થી એક વાળ તોડીને સ્કેનર માં મુક્યો. તે વાળ મુક્યા પછી તરત જ તેનું રીઝલ્ટ આવી ગયું. રિધ્ધીનો વાળ 99.8 % જેટલો મેચ થતો હતો.
આ જોઈને નિધિ અને ખુશી ના આનંદ કોઈ સીમા નહોતી. તે બંનેએ એકબીજા ગળે મળીને અભિનંદન આપવા લાગ્યા. રાજવર્ધન, મેઘના, ક્રિસ્ટલ અને રિધ્ધી એમ બધા એકબીજા ગળે મળવા લાગ્યા. પણ અચાનક નિધિ ને એક વિચાર આવ્યો એટલે તે અટકી ગઈ.
નિધિ રાજવર્ધન ને કહ્યું, “રાજવર્ધન, તારા મોટા ભાઈ હવે નથી તો આપણે સિરમ બનાવવા માટે તેમનું ડીએનએ ક્યાંથી લાવીશું ?”