Jaane ajaane - 47 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (47)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (47)

પોતે જ પોતાનાં વાત-વિવાદમાં ફસાયેલી રેવા સામે કોઈ માર્ગ દેખાતો નહતો. પોતાનાં જ માણસો ધ્વારા મળેલાં ધક્કાઓથી હવે એટલો અવિશ્વાસ જાગી રહ્યો હતો કે કૌશલ પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની ગયો હતો. રેવાને કૌશલ પર પણ ભરોસો બેઠો નહીં અને તેની તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો. હવે તો પોતાની પાસે કોઈ એવાં સંબંધ પણ નહતાં બચ્યાં કે તેની સામે પોતાની બધી વાત મુકી શકે. " શા માટે ભગવાન... શા માટે મારાં જ જીવનમાં આટલી ઉપાધિઓ આપો છો?.. મેં ક્યારેય કોઈનું ખોટું નથી વિચાર્યું કે ના કોઈનું ખોટું કર્યું છે. છતાં બધાં સંબંધો મારી વિરુધ્ધ કેમ?... એક તરફનાં સંબંધ સાચવવા બીજી તરફથી કેમ હાથ છોડવો પડે છે?.. શું એવું ના બની શકે કે બંને તરફથી હું બધું સાચવી લઉં?.. શું એવું ના બને કે હું કોઈને દુઃખી ના થવાં દઉં?.. કોઈક તો માર્ગદર્શન કરો પ્રભુ કો...કોઈક તો માર્ગ બતાવો...." રેવા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. તેની સામેનાં બધાં રસ્તાં બંધ હતાં. એટલે કોઈક એકને તો દુઃખી કરવી જ રહી.
મક્કમ મન બનાવી રેવા સાક્ષી તરફ ચાલવા લાગી. પોતાનાં પગ તો અંદરથી ધ્રુજી રહ્યાં હતાં પણ સત્યથી આંખ પરોવવી જરુરી હતી. સાક્ષીની સામેં ઉભી રેવાથી પહેલાં તો કશું બોલાયું નહીં. પણ જેવું જ સાક્ષીની કોમળ ઉંડી આંખોમાં જોયું કે તરત તે રેવાથી નિયતિ બનવાં લાગી. પોતાની બહેન પ્રત્યે એટલી લાગણી ઉભરાવાં લાગી કે બસ શાંત અને મૌન રહેવાનું મન થતું હતું. પણ મૌન રહેવું એ ઘણી જીંદગીઓને ઉથલપાથલ કરી શકવાની હતી એટલે તેણે વાત શરૂ કરી. " દીદી... તમેં રોહન સાથે કેમ લગન કરવાનાં છો?... મતલબ તમનેં એમાં શું દેખાયું?.. એ તમારા માટે યોગ્ય છે?.." સાક્ષીએ થોડું હસીને જવાબ આપ્યો " અરે વ્હાલી... હું એમ કહું ને કે રોહનથી વધારે યોગ્ય મારાં માટે કોઈપણ નથી તો પણ ચાલશે... એટલો યોગ્ય છે એ. તને ખબર તેણે મને મારી જાતથી પણ વધારે સાચવીને રાખી છે. હંમેશા મારાં ડગલે ને પગલે ઉભો રહ્યો છે. પછી એ તને શોધવાની હોય કે પપ્પાની તબિયત હોય. તેણે હંમેશા સાથ આપ્યો છે. મને તેનાં માટે જે લાગણી છે ને એ ક્યારેય કોઈ માપી પણ નહી શકે. જોજે તું... એટલું ધ્યાન રાખશે ને એ આપણું કે કોઈની જરુર નહીં પડે. કોઈ મુશ્કેલી નહીં આવે. "
"પણ દીદી.. એવું પણ બની શકે ને કે એ દેખાડો કરતો હોય... એવું પણ બની શકે ને કે તેનાં ઈરાદા કંઈક અલગ હોય એ તમને પોતાનાં કામ માટે વાપરતો હોય?.." નિયતિ એ ઉતાવળે પોતાની વાત કહી. " ના ના.. એવું મને નથી લાગતું. હું તેની પર ભરોસો કરતી આવી છું અને આજ સુધી કરું છું. તેણે અત્યાર સુધી મારો ભરોસો નથી તોડ્યો તો હવે ક્યાંથી... અને એટલો ભરોસો છે ને કે મારાં મનને નજીક કોઈ વ્યક્તિ આવીને કહેશે ને કે રોહન સારો માણસ નથી તો પણ હું વિશ્વાસ નહીં કરું..." સાક્ષીનો નિસ્વાર્થ પ્રેમ દેખાય રહ્યો હતો. રોહનનાં પ્રેમમાં આંધળી બનેલી સાક્ષીને કશું પણ કહેવું ભેંસ આગળ ભાગવત સમાન હતું. અને રેવા ફરીથી નિરાશ બની ત્યાંથી ચાલી ગઈ.

એકવાર તેણે પ્રકૃતિ ને રોહન વિશે વાત કરવાનું વિચાર્યું. અને તે તરત પ્રકૃતિને મળી. " પ્રકૃતિ, તું મને પુછતી હતી કે હું અનંત માટે શું લાગણી રાખું છું ને!.. અને મેં તને ચોખ્ખી ના પાડી દીધી હતી. પણ જો હું કહું કે મારે અનંત સાથે લગ્ન..."
" ખબર જ હતી મને.. તું તારો રંગ બતાવી જ દેશે. તું બોલે કંઈક છે અને કરે કંઈક છે. આ વાત પહેલેથી જ મારે ધ્યાન રાખવી જોઈતી હતી. તારો ભરોસો જ નહતો કરવાનો. " પ્રકૃતિ રેવાની આખી વાત સાંભળ્યા પહેલાં જ તેની પર આક્ષેપો મૂકવાં લાગી. અને રેવાની કોઈ વાત આગળ સાંભળી નહીં. પ્રકૃતિનાં ધારદાર શબ્દો રેવાનાં મનની આરપાર થવાં લાગ્યાં. અને તેનાંથી વધારે કશું સ્પષ્ટપણે કહેવાયું નહીં. પોતાનાં બંન્ને વ્યક્તિ આજે પોતાની જ વિરુધ્ધ બોલવાં લાગ્યાં હતાં. રેવાની વાત સાંભળવાં કે સમજવા કોઈ તૈયાર નહતું. રેવા ફરીથી તે જ સ્થિતિ માં આવીને ઉભી હતી જ્યાં પહેલાં હતી. એક તરફ રોહન અને તેની અનંત સાથે પરણાવાની જીદ્દ અને બીજી તરફ સાક્ષી અને પ્રકૃતિ વચ્ચે ફસાયેલો નિર્ણય.

જ્યાં બધાં રસ્તાં રેવા તરફ બંધ થતાં હતાં ત્યાં એક રસ્તો સામેં ચાલી તેની તરફ ખુલી રહ્યો હતો. એક વ્યક્તિનું આગમન. અને રેવાને એક આશ મળી રહેવાની હતી. ઘણાં દિવસો પછી રચના અને વિનય આવી રહ્યાં હતાં. રચનાનાં લગ્ન રેવાનાં મદદથી જ શક્ય બન્યાં હતાં અને રેવા રચનાને બહેન સમાન માનતી હતી. એટલે તેની સાથે વાત કરવી રેવા માટે આરામદાયક કામ હતું. રેવા ઘણી આશાઓ સાથે રચનાને મળવાની રાહ જોઈ રહી હતી. પણ ઘણાં દિવસો પછી આવવાથી દિવાળીબેન અને ગામનાં બીજાં લોકો સાથે તે વ્યસ્ત હતી. રેવાને જે સમય જોઈતો હતો તે મળી નહતો રહ્યો. પણ રચનાને રેવાને જોઈને ખબર પડી ગઈ હતી કે કોઈ સમસ્યા છે. એટલે સામેથી રચના રેવાને મળવાં પહોંચી. રેવા રચનાને જોઈ વળગી પડી. સુકી ભૂમિ પર એક ધોધમાર વર્ષાનાં છાંટા પડતાં હોય અને ભુમિ સંતૃપ્ત બનતી જાય એમ રેવાનું મનને ઠંડક મળી રહી હતી.
રચનાએ ઘણી સહજતાથી રેવાને શાંત કરી આખી વાત જણાવવા કહ્યું. રેવાએ પોતાની એક એક ક્ષણનો હીસાબ આપ્યો. અને પોતાની બધી વાત વિગતે જણાવી. પ્રકૃતિનાં શબ્દો, રેવાનું નદીમાં ઝંપલાવવુ, કૌશલનું તેને બચાવવું, ગામનાં દરેક વ્યક્તિ સાથે કપાયેલો સંબંધ, રેવાનું ઘરમાં સંતાઈ રહેવું, અજાણે જ પોતાનાં પિતા અને બહેનને મળવું, અને છેવટે રોહનનું પોતાની જિંદગીમાં આવવું અને અનંતની વાત પર રોહનનું દબાણ... અને છેવટે પ્રકૃતિ અને સાક્ષી વચ્ચે ફસાયેલી દરેક વાત.

દરેક વાત ચિવટતાથી રચના સાંભળી રહી હતી. અને તેની આંખોમાંથી આંસુઓ રોકાતા નહતાં. "દીદી કંઈક તો બોલો.. " રેવાએ રચનાનું ધ્યાન તોડ્યું. " શું બોલું એ જ નથી સમજાતું યાર... કેવી રીતે?.. કોઈ કેવી રીતે આટલી પરિસ્થિતિ સામે લડી શકે?.. અને આટલું બધું થયું છતાં તેં એકવાર પણ મને યાદ ના કરી?... તને એમ ના થયું કે રચનાદીદીની મદદ લઉં?... કે તને મારાં પર ભરોસો જ નહતો?.." રચના રેવાનું દર્દ અનુભવી રહી હતી. " ના દીદી એવું કશું જ નહતું. પણ તમારું પણ નવું નવું લગ્ન થયું હતું તો તમને પણ સમય આપવો પડે એમ હતું, તમારી નવી જીંદગી માં પ્રવેશવા. અને વંદિતા પણ પોતાનાં સ્કૂલના કેમ્પમાં આટલાં દિવસથી ગઈ છે તો એ પણ નથી . ખરેખર મારી એની સાથે પણ કોઈ વાત નથી થઈ. અને પ્રકૃતિ તો વાત જ નહતી કરતી. બચ્યા અનંત અને કૌશલ.. તો અનંતનાં લીધે જ બધું થયું હતું તો તેની સાથે તો હું વાત કરવાની નહતી...." " અને કૌશલ?..." રેવાની વાત અટકાવતાં રચનાએ પુછ્યું. રેવાએ ધ્યાન દોરતા કહ્યું " હા.. એક એ જ તો હતો કે જેણે મારો સાથ આપ્યો. નિસ્વાર્થ ભાવે જાણે-અજાણે મારી મદદ કરતો જ ગયો. તમને ખબર દીદી,.. નદીમાંથી બચાવવાથી લઈને મને ડિપ્રેશનમાંથી બહાર કાઢવું અને મને સહારો આપવો એ દરેક વસ્તુ તેણે કર્યું. મેં તેને કેટલું ખરુ-ખોટું સંભળાયું પણ છતાં તેણે મને ના છોડી. એકવાર તો એવું મનમાં થવાં લાગ્યું કે કૌશલ પર મારો હક્ક છે... " રેવાની વાતોમાં તેની લાગણીઓ ઉભરાય રહી હતી. રચનાને તે ચોખ્ખી સંભળાય રહી હતી. " રેવા... તું કૌશલને પસંદ કરે છે ને?..." રચનાએ પુછ્યું. રેવાનું મન એકદમ ઉત્તેજીત થઈ રહ્યું . મનમાં હા અને ચહેરાં પર ના કહેવાની કોશિશ સાથે તેણે ના કહ્યું. પણ તે પોતાની લાગણી છુપાવી ના શકી. અને રચનાએ તે ઓળખી લીધી. " તું કૌશલને બધી વાત કેમ નથી કરતી?.. એ તારો સાથ આપશે..."
" ના..ના દીદી... હું તેને રોહનની કોઈ વાત નથી કરી શકતી. મારી લાઈફમાં હવે ઘણાં ઓછા લોકો છે જેને હું પોતાનાં કહી શકું. હું તે...તેને ખોવા નથી માંગતી. એટલે એ સિવાયનો રસ્તો બતાવો ને..." રેવાએ કહ્યું. " એક કામ કર... તું થોડાં દિવસ મારાં સાસરે જતી રહે... મારાં સસરા એટલે કે તારાં માનેલાં પિતા શેરસિંહ તને એમ પણ બહું યાદ કર્યાં કરે છે. અને અમી પણ તને મળી ખુશ થઈ જશે. અહીં વંદિતા નથી તેની કમી અમી પુરી કરશે. અને થોડો તને પણ શાંત સમય મળી રહેશે કે તારે આગળ શું કરવું છે એ વિચારવાનો. ત્યાં સુધી અહીંયા પણ બધું શાંત પડી જશે અને વંદિતા પણ આવી જશે. પછી પરિસ્થિતિ સામે લડી શકાશે.." રચનાએ જવાબ આપ્યો. રેવાને આ વાત યોગ્ય લાગી. પણ પ્રશ્ન હજું એક બાકી હતો. કૌશલથી દૂર આટલાં દિવસ?!.. પણ કદાચ કૌશલથી પણ અંતર કરવું જરૂરી હતું એટલે રેવા એ હા પાડી. અને વગર કોઈને કહે, દાદીમાંને જણાવી રેવા ચાલી ગઈ.

આ વાત પર કૌશલ અને રોહન શું પ્રતિક્રિયા આપશે તે સમય આધારીત હતું....


ક્રમશઃ