"પપ્પા, ગજબ થ..ઈ ગયો. નલીનકાકા મળ્યા હતા. એમણે કીધું ઝાલા કાકા ગુજરી ગયા."
"હેં??? પરમદિવસે સાંજે તો જયુભાઈએ કહ્યું હતું કે એમનો ફોન હતો. સાવ નરવા. હસતા ને હસતા.
બહુ ભારે થઈ. ક્યારે કાઢી જવાના છે તે કાંઇ કહ્યું?"
" ના. કદાચ અગાઉ ગુજરી ગયા હશે. મને તો હું જિમ માંથી આવતો હતો ત્યાં મોલ પાસે નલીનકાકા મળ્યા. મને તમને કહેવા કહ્યું."
"લે. તો ખાસ કોઈને ખબર નહીં હોય. ચાલ અમારાં પેંશનર ગ્રુપમાં કહી દઉં પણ .. ક્યારે બની ગયું હશે આ? હું હમણાં બહાર નથી નીકળતો એમાં ખબર ન પડી. ક્યારે?"
"એ ખબર નથી. નલિનભાઈએ કહ્યું. એમને પણ વૉટસ એપ ગ્રુપથી આજે સવારે જ ખબર પડી"
"હરે હરે.. હે ઈશ્વર.. કોનું ક્યારે શું થશે તે કહી શકાતું નથી. હાલ, એમનાં મીસીસ કાલિંદીબેનને બે ચાર દિવસમાં મળી આવીશ. બે ચાર કેમ? આજે સાંજે જ. આપણા તો ઘર જેવા સંબંધો.
અરે ક્યાં છો? રસોડામાં? કહું છું ઝાલા સાહેબ ગુજરી ગયા. હવે આજે સાંજે જઈ આવીએ કાલીંદી બહેન પાસે."
.........
"હેં? .. ઓહો.. હો... દવે સાહેબ, તમે ? કઈ બાજુ? એ પણ મારા એરિયા માં? અને આ સફેદ ઝબ્બા લેંઘા માં? ક્યાં જાઓ છો? લે કર વાત. ભાભી પણ પાછળ આવે છે ને! પણ આમ?
"બસ એમ જ. જસ્ટ ફરવા આવેલો. તમે.. એં.. અર.. તમે.. તમારી તબિયત કેમ રહે છે? હમણાં આપણે ફોન પણ નથી થયો અને તમે દેખાતા પણ નથી. તબિયત આમ તો સારી છે ને?"
" રહે. ચાલ્યા કરે. ઉંમર ઉંમર નું કામ કરે. કાલિંદી ખૂબ સાચવે છે. આ ગાર્ડનમાં અંધારા પહેલાં ચાલવા આવેલો.
પણ.. પણ.. જહુ છું, દવે સાહેબ, આજે સંદેશમાં મેં જે. સી. દવે ના અવસાનના સમાચાર વાંચ્યા.. મારૂં તો હાર્ટ અટકતું રહી ગયું. આપણે તો કેટલા જુના મિત્રો? સાથે જ ખૂબ લાંબો સમય નોકરી પણ કરી. તમને કેમ છે આજકાલ, દવે સાહેબ? અને આ ભાભી સફેદ સાડીમાં? કોઈ ટપકી ગયું ત્યાં જઈને આવો છો કે શું?"
"ના રે ના ઝાલા સાહેબ. આ ગરમીના દિવસોમાં કિતન અને સફેદ ડ્રેસ."
"સરસ. ચાલો. સાથે ચાલીએ."
"તે.. દવે સાહેબ, તમારી તબિયત તો સારી છે ને?"
"ઝાલા સાહેબ, હું તો રોજ સુતા પહેલાં ભગવાનનો આભાર માનું છું કે આજે જીવ્યો ને સવારે ઉઠું એટલે એક દિવસ જીવવા મળ્યો એટલે થેન્ક ગોડ કહું છું. બાકી ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે! ચાલો, અહીં સુધી આવ્યા છીએ તો તમારે ઘેર પણ આવીએ."
'"હેં?.. હા હા, જરૂર. એક મિનિટ હોં? જે શ્રી કૃષ્ણ. સારું અહીં ગાર્ડનમાં જ મળી ગયા તે. બસ એક મિનિટ હોં.. દવે સાહેબ! એક ફોન આવે છે. સહેજ વાત કરી લઉં."
"જરૂર. તો સારું. ઝાલા સાહેબ, હું પણ એટલીવાર પેલી બાજુ આંટો મારી લઉં."
"અરે બેટા, તને નલીન કાકાએ કોનું કહ્યું? અરે, જીવે છે.. જીવે છે.. ઝાલા સાહેબ તો જીવે છે. આ થોડે દૂર ચાલે. એમને ખબર ન પડે એ રીતે તને ફોન કરું છું. તારી મમ્મીને પણ સફેદ સાડલામાં જોઈ ગયા."
" એ કહું છું, સાંભળો, જે. સી. દવે સાહેબ તો જીવે છે .. આ સારું થયું આપણા ઘર પાસે જ અહીં ગાર્ડનની બહાર જ મળ્યા. આપણે એમને ત્યાં જવા નીકળ્યાં, આપણું ઘર બતાવવા ઉબેરને ગાઈડ કરવા બહાર નીકળ્યો, ગાર્ડન ના રસ્તે પહોંચ્યો ત્યાં એ જ સામા મળ્યા. તમે જલ્દીથી સફેદ સાડી બદલી નાખો. મારી સાથે એ અને ભાભી આવે છે. પેપરમાં ગુજરી ગયા એ કોઈ બીજા જે. સી. દવે હશે. હવે એમ જ ભાભીને કોઈ બહાનું બતાવી મળવા આવતાં હતાં એમ કહેશું."