ગાળ વિના મોળો સંસાર...!
કુદરતની રચના ગમે એટલી સુંદર હોય, પણ એના ખોળે ખેલવાનો પણ મિજાજ જોઈએ. પોતાના બનાવેલા કુંડાળામાં મસ્તીના ગરબા ગાતી દુનિયા સ્વચ્છંદ બને ત્યારે, કોરોના ડોરબેલ વગાડ્યા વગર ઘરમાં ઘૂસે. દરેકની દુનિયા અલગ, ને દરેકની મસ્તી અલગ. એને ફોટાવાળા ભગવાનનો ડર, પણ પ્રકૃતિ સાથે આડેધડ બાખડે. મૌજ કરવાની પણ કોઈ નૈસર્ગિક સ્ટાઈલ હોય દાદૂ..! ભગવાને કેવું મઝાનું મોઢાનું એલીવેશન આપ્યું છે, છતાં માવા-મસાલાથી એવું રંગરોગાન કરી નાંખે, કે કુદરત પણ એને ઓળખવામાં થાપ ખાય. રેખમાં પણ મેખ મારે એનું નામ માણસ. હરિનામ લેવાની ચોગઠમાં ગાળ બોલીને બાવળિયા વાવનારને ખુદ વેદવ્યાસ આવે તો પણ અસર થાય કે કેમ, એ પ્રશ્ન છે. જેને ગાળ વિના કંસાર પણ મોળો લાગે એની વાત આજે કરવી છે. ગાલીપ્રદાનના રવાડે ચઢી, બીજાને લોકસળી કર્યા વગર અમુકને તો ટાઢક જ નહિ વળે. સાળંગપુરનો સ ને હનુમાનજીનો હ બોલવાની એને ફાવટ નહિ આવે, પણ ગાલ બોલવામાં પાવરધા હોય. એવાં પાવરધા કે, દિવસભરમાં ૧૦૮ ગાળ-સ્મરણ કર્યા વગર એનો સૂર્ય અસ્ત જ નહિ થાય. જેમ કાંદા બટાકા વગર કોઈપણ શાકનો ઉધ્ધાર નહિ થાય, એમ ગાળ વગર એની વાણીનો ઉદ્ધાર નહિ થાય. વાતમાં વઘાર કરવા માટે પણ ગાળ તો જોઈએ. પછી મામૂલી વાત હોય, કે વાર્તાલાપ હોય, ગાળના મોરવણ વગર બોલકને બોલવાનો નિખાર જ નહિ આવે.
કોરોનાનો ઉપાય પણ થાય. ગાળ રોકવા ડોક્ટર પાસે નિદાન માટે નહિ જવાય. એના કપાળમાં કાંદા ફોડું પણ સમજે કોણ..? ( કાંદા ફોડવા ગાળ નથી...! ) કોરોના જીવલેણ હોય, ને ગાળ સામાનો જીવ બાળે..! સારું છે કે, ગાળનું સામ્રાજ્ય સર્વત્ર નથી. જેમ કે, ભાગ્ય દરેક પાસે હોય, પણ દુર્ભાગ્ય કર્મ આધારિત હોય. હું તો કહું છું કે, જેના મોઢામાં ગાળનો વાસ નહિ હોય, એનો સરકારે આદર સત્કાર કરવો જોઈએ. એવા ઘરને સામાજિક તીર્થનો દરજ્જો આપવો જોઈએ...! જો કે, અમુક વિસ્તાર તો ભૂકંપની માફક ગાળોનું એપી સેન્ટર હોય, એમ બારાખડીના માત્ર ‘ચબભમ’ જેવાં અક્ષરોનું જ વધારે ચલણ જોવા મળે. એ વિસ્તારને ગાળોના પ્રદેશ તરીકે ઓળખતા નથી, એ આપણી સંસ્કારિતા કહેવાય..! શું કહો છો મામૂ..?
પ્રત્યેક ગાળના પણ વોલ્ટેજ હોય. અમુક ગાળ હેવી વોલ્ટેજવાળી હોય, તો અમુક ગાળ માત્ર ગલગલીયા જ કરાવે. પછી જેવો જેવો મામલો..! કોરોનાની માફક ગાળ ચેપી છે કે કેમ, એના ઉપર સંશોધન થયાં નથી. પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો આવે, ત્યારે ગાળ સ્વયંસેવક બનીને નેતાગીરી જ ઉઠાવે. એની ભાષામાં ભૂતાવળ આવી જાય. ગાળ સાથે એવો ધડાકો કરે કે, સામેથી તણખો જ ઝરે. નવાઈ સાલી( ગુસ્તાખી માફ ) એ વાતે લાગે કે, ગાળ શીખવાના કોઈ તાલીમ કેન્દ્રો સરકારે કાઢ્યા નથી. છતાં ગાળ પ્રગટે છે કેવી રીતે..? સરકાર કોઈ વાંક ગુન્હામાં નથી, છતાં સાલા (ગુસ્તાખી માફ) સરકારને પણ નહિ છોડે..? અનુમાન તો એવું કહે કે, વધારેમાં વધારે ગાળ ખાવાનો શિરપાવ સરકારના ફાળે જ જતો હશે..! સરકારમાં રહેવું પડે એટલે, ગાળ સહન કરી લે બિચ્ચારા તંઈઈઈ..!
મોન્ટેસરીથી માંડી, ટોચની ડીગ્રી સુધી, હરામ બરાબર જો વિશ્વની એકપણ શૈક્ષણિક સંસ્થાએ કોઈને ગાળ શીખવી હોય તો..! છતાં, ગાળ બોલવાની વાત તો ઉકરડે ગઈ, પણ ગાળ સાંભળી શુદ્ધા ના હોય એવો માણસ પણ શોધવો મુશ્કેલ. કપાળે કપાળે જુદી બુદ્ધિ, એમ માણસે માણસે ગાળ નવી..! સામેવાળો જેટલી ડીગ્રીએ ઉકળે, એટલા વોલ્ટની સામેથી ગાળના અગનગોળા નીકળે..! જો કે બધાં જ એવા નથી હોતા. અમુક ફાલ તો ગાળપ્રૂફ પણ હોય, ક્યાં તો પછી, ગાળથી અજ્ઞાત પણ હોય. ગાળ સમજવા એણે ગાઈડ કરવો પડે. ક્યા તો પછી ‘અવેરે જ શમે વેર, ના શમે વેર વેરથી’ એવી ભાવનાવાળો પણ હોય. એવાંને ગાળ જેવું લાગે જ નહિ, માત્ર સામેવાળાનો અવાજ કે ઘોંઘાટ જ લાગે..!
ગાળ બોલવામાં પણ આચાર સંહિતા હોય મામૂ..! ભલે ગાળ ખરાબ આદત હોય, છતાં લોકો એને સામાન્ય ભાવે ફેંદતા નથી. બહેનોની વાત કરીએ તો, જેને ધારણા પ્રમાણેનો પતિ મળ્યો હોય, એ ક્યારેય ગાળ બોલતી નથી. ઉભરો ઠાલવવાનો આવે તો, સાહિત્યિક ભાષામાં માત્ર સંભાષણ જ કરે. જેમ કે, સરકારી સામુહિક નળની પાસે ક્યારેક સખીવૃંદ સાથે પાણીની બાબતે ઝઘડો થાય તો, એ લોકો હેવી ડોઝની ગાળ ગાળ કાઢતાં નથી. શિષ્ટ અને સંસ્કારી ભાષામાં જ બાઝતા હોય. પણ એટલા વોલ્ટમાં પણ સામેવાળીની ઠંડી ઉડાડી નાંખે. વાતાવરણમાં તેજી લાવી દે. જેમ કે. “ તારા માથાનું બક્કલ ચોરાય જાય, તારી ચંપલની પટ્ટી તૂટી જાય, તારી સ્કુટીમાં ભર બજારે પંક્ચર પડે, તારા કુકરની સીટી બંધ થઇ જાય, તારી સાસુના માથેથી લીંબુ મરચું ઓવારવાની નોબત આવે, તારો ધણી તારા ધાકમાંથી છૂટી જાય. વગેરે..વગરે !
આ તો એક નમુનો..! મને પણ ખબર કે, આને ‘મર્દાના’ ગાળ નહિ કહેવાય. પુરુષને આવી ગાળ મોળા દૂધપાક જેવી લાગે. રોટલા સાથે દૂધપાક ખાતો હોય એવો લાગે..! અશક્તિકરણવાળી ગાળ એને મુદ્દલે નહિ ફાવે. ફાવે..? બાસુદીમાં મરચું બોળીને ચાખણું કરતો હોય એવું લાગે..! એને સશક્તિકરણવાળી જ ગાળ ફાવે..! પુરુષને ગાળો ભાંડવાનો હોય તો, તોપના ધડાકા જ કરે. એ ક્યારેય એવી નહિ ફેંકે કે, “ ભરબજારમાં તારા પેન્ટના બટન તૂટી જાય, ભાષણ કરતાં કરતા તારી સુરવાલનું નાળું ઢીલ્લું થઇ જાય, કે આખું ગામ પરણી જાય પછી જ તારા લગનના ઢોલ વાગે, વગેરે વગેરે..!” સંશોધનનો મામલો છે યાર..! મોઢેથી ધારદાર ગાળના છુટ્ટા પથરાં જ ફેંકે...!
લોકો ગાળ શું કામ બોલતા હશે, એ જ નથી સમજાતું..! ચમનીયાનું સંશોધન એવું કહે કે, ગાળ બોલવાથી, વગર મહેનતે સાંભળનારનું ને આજુબાજુવાળાનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય, કે હું કોણ અને કેવો છું..? પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ને સામાના પડકારને ઝીલી લેવા માટે અશક્ત માણસ, ગાળ બોલીને સશક્તિકરણનો પ્રભાવ પાડતો હોય. એમનો એક જ મકસદ, કોઈપણ પ્રકારે આપણી વાતમાં વજન આવવું જોઈએ. ડાયનાસોરની માફક આપણી ઓળખ નામશેષ થઇ જાય એ નહિ પાલવે. એ ગાળ નહિ બોલે ત્યાં સુધી આવાં ખુજલીખોરની ખંજવાળ પણ નહિ મટે. કોરોના વળગ્યો હોય એટલું દુખ ભલે સામાને થાય, પણ ગાળ બોલનાર વગર ફેવિકોલે સામાના મગજે ચોંટી તો જાય..!
હશે, આપણો મામલો ગાળ ઉપર પીએચડી કરવાનો નથી. આપણે ગાળભેદુ થવું નથી. માત્ર જાણભેદુના કુંડાળામાં રહીએ તો પણ ઘણું. મૂળ મામલો એ વાતનો છે કે, જેને ગાળો આવડતી હોવા છતાં, ગાલિપ્રદાન કરવાની ફાવટ નહિ આવતી હોય, એ લોકો એકબીજા સાથે વાતાયાન કેવી રીતે કરતા હશે? પ્રો. ચમનીયાનું કહેવું છે કે, એવાં લોકો ગાળની જગ્યાએ ‘પ્રોક્ષી’ તરીકે એક ટીપીકલ શબદ મૂકે. જેમ કે કોઈ પૂછે કે, ભલા માણસ આજે તેં શું ખાધું, તો કહેશે, ‘એના કપાળમાં કાંદા ફોડું, ખાવાની વાત તો પૂછતો જ નહિ...! મામલો એવો બન્યો કે, તારી ભાભી જોડે એવો સોલ્લીડ ઝઘડો થયો કે, ખાવાનું પણ અટવાઈ ગયું..! એ તો સારું થયું કે, એ વખતે પાડોશણે હાર્મોનિયમ ઉપર ગીત લલકાર્યું કે, “ કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રિયે, મેરા દર ખુલા હૈ ખુલા હી રહેગા...” ત્યારે થોડું ઝાપટવાનું મળ્યું. તારી ભાબી સમજી ગઈ કે, નહિ ખવડાવું તો આ તો ગયો...! ‘
વાત વાતમાં ઘણા લોકો તકિયા કલામ જેવાં વિધાનો કાઢતા હોય. જે ભલે સાહિત્યિક લાગે પણ, ગાળની ગરજ સારે...! જેવાં કે,
૧. તમને સમજ પડી કે નહિ.
૨, મારી વાત ખોટી હોય તો, તારો જોડો ને મારું માથું,
૩. આ બાબતે તમારું શું માનવું છે ?
૪. ટેઈક ઇટ ફ્રોમ મી..!
૫. કોરા કાગળ ઉપર લખી આપું.
૬. એના કપાળમાં કાંદા ફોડું. વગેરે...વગેરે..
ગાળ નહિ બોલવાના ઉપવાસ કરવાનો આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. આવાં ઉપવાસ રખાતા હોય તો, ભગવાનના મંદિરે નહિ જવાય તો પણ પ્રભુ માફ કરી દે...! કોરોના હટાવની માફક, ગાળ હટાવ જેવી ઝુંબેશ પણ શરુ કરવાની તક હવે સરકારે ઉપાડી લેવી જોઈએ. ગાળનો આધાર ઘટનાના આકાર અને પ્રકાર ઉપર નિર્ભર હોય. કયા ભાવે કોણ ક્યારે, અને કોને ગાળ બોલે એના ઉપર ગાળના કેરેટ નક્કી થાય. કેટલીક ગાળ તિવ્ર ને એવી જલદ હોય કે, શરીરના બધાં હાડકાઓ ઉપર ક્યારેક તો જોખમ આવી પડે. ત્યારે કેટલીક ગાળો રિલાયન્સ રૂ ના જેવી પોચી પોચી મુલાયમ પણ હોય. ત્યારે કેટલીક ગાળ એવી ટ્યુબલાઈટ જેવી હોય, જે બીજા દિવસે બાથરૂમમાં ન્હાતા હોય ત્યારે સમજાય..!
ભાષાવિદ જેઈમ્સ ઓ કોનારનું કહેવું છે કે, જેમને ગાળો બોલવાની ટેવ છે, એમને એક ઉપર એક ફ્રી ની માફક, ખોટી દલીલ કરવાની, ફરિયાદો કરવાની ને ગુસ્સે થવાની ટેવ પણ મફતમાં મળે. યાદ આવ્યું છે તો કહી જ નાંખું. એક અમદાવાદીને એક ભાઈ સાથે સોલ્લીડ ઝઘડો થયો. પેલા ભાઈએ અમદાવાદીને કિલો કિલોની ગાળ ભાંડી. બિચ્ચારો અમદાવાદી બકા..બકા જ કરતો રહ્યો. પણ એના બકા..બકામાં પેલો ચકો અટકે..? બે બિલાડીની લડાઈમાં વાંદરો પડવા ગયેલો એમ એક ભાઈ અમદાવાદીને કહે, તારાથી ગાળ નહિ અપાતી હોય તો મને ભાડે રાખ. હું એને ગાળ આપું. પણ તું મોળા દૂધપાકની માફક બકા,,બકા શું કરે છે..? અમદાવાદી કહે, ‘ એ મને આપે છે ને..? મારી પાસેથી લઇ નહિ જવો જોઈએ...! એના કપાળમાં કાંદા ફોડું..! બોલો, આવાને કોરોના નડે..?
====================================================================