Definition of love - 3 in Gujarati Short Stories by Sandeep Patel books and stories PDF | પ્રેમની પરિભાષા - ૩

Featured Books
Categories
Share

પ્રેમની પરિભાષા - ૩

ધર્મેન્દ્ર નો ફોન આવતા જ હું સફાળો બેઠો થઈ ગયો. તેણે મારા જોડે વાત કરવાની શરૂઆત તો કરી, પરંતુ તે દિવસે ધર્મેન્દ્રની વાતચીત કરવાની ઢબ રોજ કરતા અલગ લાગી રહી હતી. થોડી વાર વાત કર્યા પછી મને ધ્યાનમાં આવ્યું કે તેણે સોમરસ નું સેવન કર્યું હતું. ધર્મેન્દ્ર એ તેના જીવનકાળ દરમ્યાન પ્રથમ વખત આવું કાર્ય કર્યું હતું. મને તે સમયે ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે સમયે ધર્મેન્દ્રની જે હાલત હતી તેને અનુલક્ષીને મે તેને દુખ પહોંચાડે તેવી કોઈ પણ વાત કરવાનો વિચાર ત્યાગી દીધો.

ધર્મેન્દ્રએ ફોન પર તેની વેદનાની વાતની શરૂઆત કરી. મને તે કહેવા લાગ્યો - " ભાઈ, મારે જીવવું જ નથી, હવે મારા જીવન માં કંઈ રહ્યું જ નથી. " મારાથી આ વાત બીલકુલ સહન થઈ નહી. પરંતુ હું ફોન પર કંઈ કરી શકું તેમ ન હતો. છતાં મે તેને બને એટલી ધીરજ તથા શાંત મનથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. મે તેને કહ્યું - " આવું બોલીશ નહી, હજુ તારા મમ્મી - પપ્પા, તારી બહેનો, અને અમે મિત્રો તારી જોડે જ છીએ. ", " અને હજુ તારે ઘણું લાંબુ અને સુખી જીવન જીવવાનું બાકી છે." આટલું બોલી ગયા પછી મને પોતાના પ્રત્યે થોડી વાર માટે નફરત થઈ આવી. જે વ્યક્તિ પાસેથી જીવનથી વ્હાલું કોઈ છીનવી લેવામાં આવ્યું હોય તેને કેવી રીતે કહી શકાય કે તારે હજુ ઘણું લાંબુ અને સુખી જીવન જીવવાનું બાકી છે !! સમજાવવા વાળા સમજાવી શકે કારણ કે તેઓને જેના પર વીતી રહ્યું હોય છે તેની વેદનાનો અંદાજો નથી હોતો.

છતાં થોડી વાર માં ફરીથી સ્વસ્થ થઈને મે ધર્મેન્દ્રને સમજાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તે મારી કોઈ પણ વાત માનવા તૈયાર ન હતો. મે તરત જ એક નિર્ણય કરી લીધો, અને મારી મોટરસાઇકલની ચાવી લઈ ખિસ્સામાં મુકી. તરત જ મમ્મીએ પ્રશ્ન કર્યો કે આટલી મોડી રાતે ક્યાં જાય છે ? , મે મમ્મીને - " આવું છું " કહી ને ટૂંકમાં પતાવવાનો પ્રયત્ન કર્યો. એટલું કહીને ખિસ્સામાંથી મોટરસાઇકલની ચાવી કાઢીને હાથમાં લીધી. આ બાજુ ધર્મેન્દ્ર નો ફોન ચાલુ જ હતો. ધર્મેન્દ્રના રુદન અને આક્રંદ બંને મારા કાનમાં સોંસરવા ઉતરી રહ્યા હતા, જે મારા માટે ખૂબ જ અસહ્ય હતું. હું દોડતો દોડતો વાડામાં મુકેલી મોટરસાયકલ તરફ દોડ્યો. એટલામાં મમ્મીએ પપ્પાને પણ ફોન કરી દીધો હતો. મારી સામે આટલી મોડી રાતે અચાનક ઘરેથી નીકળવાના કારણે સો પ્રશ્નો આવી ગયા હતા. હવે મને મમ્મીને સાચું કહી દેવું યોગ્ય લાગ્યું, પરંતુ પપ્પાનો ફોન આવી ચુક્યો હતો, તો પપ્પાને ગમે તે રીતે તેમની શંકાનું સમાધાન કરી આપ્યું. આહિયાં મને ચિંતા મમ્મી પપ્પાના પ્રશ્નોની ન હતી પણ એ વાત ની હતી કે મારી સામે હજુ જે હિમાલય સમાન અડગ સમસ્યા ઉભી છે તેનું સમાધાન હું કઈ રીતે કરીશ.

હું ગમે તે રીતે બને એટલું જલ્દીથી ધર્મેન્દ્ર પાસે પહોંચવા માંગતો હતો. પરંતુ એક કહેવત છે ને કે - ' દશેરાના દિવસે ઘોડો ના દોડ્યો '. મારી સાથે અત્યારે એવું જ થઈ રહ્યું હતું. મે જેવું મારી પ્યારી મોટરસાયકલ પર મારું સ્થાન ગ્રહણ કર્યું , અને મે તેને આદેશ આપતા કહ્યું કે મને પવન વેગે મારા પ્રિય મિત્ર જોડે પહોચવા માં મદદ કર - બાદ મે કીક મારી, પરંતુ આજે મારી પ્યારી મારાથી રિસાઈ હોય એમ લાગ્યું .

માનો કે તમારી કોઈ નાજુક નમણી, અતિસુંદર, સુશીલ ( જો નશીબ માં હોય તો ), પ્રેમિકા હોય અને તમે એને મળવા ગયા હોય અથવા તો મળવા બોલાવી હોય અને તેણીને સખત ભુખ લાગી હોય, તમે તેણીની સાથે મહત્તમ સમય પસાર કર્યા છતાં તેને કઈ ખવડાવ્યું ન હોય અને પછી છૂટા પડ્યા બાદ રાત્રિ દરમ્યાન ફોન પર વાત કરવાની થાય ત્યારે તમારી સ્થિતિ શું થાય ?

હા, તો બસ એ જ સ્થિતિ આ સમયે મારી હતી. મે મારી મોટરસાયકલ સાથે મહત્તમ સમય તો પસાર કર્યો હતો પરંતુ તેમાં પેટ્રોલ પુરાવવાનું ભુલી ગયો હતો. એ સમયે મારા મનની મનોદશા શું હતી તે હું જ જાણું છું. એક બાજુ મોટરસાયકલ શરૂ કરવાનો પ્રયાસ અને બીજી બાજુ ધર્મેન્દ્રને સમજાવવાનો પ્રયાસ. બંને માંથી એક પણ માં સફળતા નહોતી મળી રહી.

મારી અનિચ્છા છતાં માટે ફોન સમાપ્ત કરવો પડ્યો. તરત જ નજીક માં રહેતા એક બીજા મિત્રને ફોન કરીને તેની મોટરસાયકલ મંગાવી. મોટરસાયકલ આવતા જ હું તેના પર સવાર થઈ નીકળી પડ્યો. જેમ પાયલટ વાદળ ચીરીને વિમાનને હાંકે તેમ હું મોટરસાયકલ હાંકવા લાગ્યો.
( ક્રમશ: )