Swasanvad in Gujarati Short Stories by Kashyap Pipaliya books and stories PDF | સ્વસંવાદ

Featured Books
Categories
Share

સ્વસંવાદ

હોતી જ હશે પ્રેમની એક્સપાયરીડેટ, હોય જ. એટલે જ તો તેમનો પ્રેમ એક્સપાયર થઇ ગયો છે અને હવે નવો લેવા નીકળ્યા છે. આટલા વર્ષ એકલા કાઢ્યાં, દસ વર્ષની હતી ત્યારથી લઇ આજ સુધી મને એકલે હાથે મોટી કરી, મા અને બાપ બન્ને બન્યા, તો આ રહી રહી ને પત્ની ની જરૂર કેમ પડી?. સાચા પ્રેમની ડંફાશ મારી ને જ મને કંદર્પથી દુર રહેવા કીધુ હતુ “ બેટા, આ ઉંમર મા થાય તેને પ્રેમ ના કહેવાય, તે તો ખાલી આકર્ષણ છે” તો શું અત્યારે તેમને આ પ્રેમ પાંગર્યો છે તે પ્રેમ કહેવાય? આ તો પગ દુ:ખે ને ડુંગર ચડવા! મમ્મી કેટલો પ્રેમ કરતી હતી એમને, એક અસલ ભારતીય નારી ની જેમ પતિવ્રત પાળવા વાળી એ સ્ત્રીની ગેરહાજરી વાળા ખાનામા એમને હવે બીજાની હાજરી પુરતા શરમ નથી આવતી?

ચાલીસ ઉપર પાંચમુ ચાલે છે એમના બર્થ ડે પર જ્યારે તેઓ પેલીની સાથે ચિપકી ચિપકી ને હસી હસીને વાતો કરતા હતા ત્યારે જ મારે સમજી જવાની જરૂર હતી પણ મને એમ કે આ તો ‘પપ્પા’ છે એ જ પપ્પા જેને મે મારા આઇડલ માન્યા હતા! એમનો કામના નો તિરસ્કાર મારુ અભિમાન હતુ. પણ બધુ ખોટુ હતુ બધી રમત હતી, રમત હતી ’કામ’ ની ,માણસ કદાચ માયા મુકી દે પણ ‘કામ’ ને મુકી શક્તો નથી જ, એ વાત નો મને વિશ્વાસ થઇ ગયો છે .પપ્પાના ના પાડવા છતા કંદર્પ સાથે મિત્રતા રાખી, પહેલી વાર એકાંત માણ્યુ ત્યારે મે તેને પેહલી વાર તેને જોયો. કદાચ ભગવાનથી પણ ઉપરની કોઇ શક્તિ હશે આ ‘કામ’. એ ક્યારે શરીરમા પ્રવેશે તેની ખબર સુધ્ધા નથી પડતી. ત્યારે વિચાર આવેલો કે આટલા વર્ષો થી શું તેઓ તપ જ અકરતા હશે? કેમ કરી તેઓ આ સ્વર્ગસમ આનંદ ને ધુતકરતા હશે! કંદર્પે કીધુ હતુ તે સાચુ હશે કે તેઓ પણ તરુણોની જેમ પોતાની જાત સાથે ઓતપ્રોત થઇ જતા હશે. તેમ વિચારી કોઇ દિવસ તેમને કઇ નથી પુછ્યુ કે નથી ફોન ચેક કર્યો, મે હમેશાતેમને તેમની પ્રાયવસી આપી હતી. કદાચ આજે પણ મે આ મર્યાદા રાખી એમનો ફોન ચેક ન કર્યો હોત તો સારુ હોત.. અરે આવા પિક્સ તો મારા અને કંદર્પના પણ નથી, આ બધા મેસેજીસ.. પપ્પાને તો જવાની ફુટી લાગે છે.. એટલુ બધુ જ હતુ તો બીજા લગ્ન કરી લેવા હતા ને..

“શું બકબક કરે છે? એ તારા પપ્પા છે અને હા, આ બકબક કરતા પણ એમણે જ શીખવાડ્યુ છે ને? તો ચુપ થઇ જા.. “

“ શું કામ ચુપ થાવ? સત્ય હમેશા કડવુ જ હોય છે. પપ્પા એ બોલતા શીખવાડ્યુ તો શુ એ ખોટુ કરે તો મારે બોલવુ નહી? “

“ શું ખોટુ કરે છે એ? , પપ્પાના ના પાડવા છતા તે કંદર્પ સાથે મિત્રતા રાખી, અને તારી વર્જીનીટી પણ ગુમાવી, શું તે બરાબર હતુ? “

પપ્પાના ગુનાહો નુ ગાણુ તુ ગાય છે અને ખુદ ના ગુનાહોનુ શુ?. અંકોના તારા પપ્પા પણ છે તો માણસ જ ને? કામ,ક્રોધ, લોભ અને મોહ તો તેમનામા પણ હોય જ ને, અને એ પણ પહેલે થી જ. તુ અચાનક જ મોટી થઇ ને પપ્પા પર આરોપો મુકી દે એ કેમ ચાલે? તને શુ લાગે પપ્પાને તારા અને કંદર્પ વિશે ખબર નથી?

અંકોના,તને યાદ છે? સ્કૂલમા જ્યારે બધુ જ જાણે ગોળ ગોળ ઘુમવા લાગ્યુ હતુ, માથાની ભમરીથી લઇને પગના તળીયા સુધી ધ્રુજારી પ્રસરી સાથળથી લઇ ઘૂંટી સુધી તુ પહેલી વાર નીતરી હતી? ત્યારે પપ્પા જ તને લેવા આવ્યા હતા. બધા ટીચર તો શરમમા ને શરમ મા તને પપ્પાને સોંપી જતી રહી હતી, અને ઘરે આવી પપ્પાએ તને તારી જાત વિશે બે કલાક સુધી માહિતગાર કરી હતી, યાદ છે ને?

સવારે તુ નાસ્તા મા જે મ્યુસલી ખાય છે એના ભાવ ખબર છે?. અંકોના હકીકત તો એ છે કે પપ્પા એ તને આજ સુધી કોઇ પણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી. તારી જવાની ને વહેલી આવતા જોઇને કેટલાય કુતરાઓ લાળ ટપકાવતા તને ખબર છે? ત્યારે પપ્પા જ તારી સાથે ગાર્ડન મા ફરવા આવતા.

અને તુ તો જાણે એમ વાત કરે કે તે પપ્પા ઉપર ઘણો ઉપકાર કર્યો ન હોય! તુ જ મને કહે, તે પપ્પા માટે કર્યુ છે શું? મિત્રો સાથે ગપશપ, ઇંટરનેટ, ટી.વી, લેપટોપ, કંદર્પ અને સમય મળે તો સ્ટડી આ સિવાય તે બીજુ કર્યુ છે શું? પપ્પા સાથે બેસી ને એમની એકલતા દુર કરવાનો પ્રયત્ન તે કર્યો છે કોઇ દિવસ?

અંકોના, જીવનસાથી સાથે જીવન ખુબજ ટુંકૂ હોય છે, પણ જો એ સાથી જતો રહે તો એ જ જીવન ખુબ જ લાંબુ બની જતુ હોય છે. જીંદગીની દિવાલ પર લાંબા સમયે ગાબડા પડી જાય છે, એ ગાબડા જો તારા પપ્પા પુરવા માંગતા હોય તો તેમા ખોટુ શું છે? માણસ બની ને જન્મ લીધો છે તો માણસની જેમ જ જીવવામા કશુ ખરાબ નથી. કંઇ બધા જ સંત મહાત્મા નથી હોતા.

“ અંકોના, બેટા શું કરે છે ? “ અંકોના ના પપ્પા બાથરૂમ માથી બહાર આવતા બોલ્યા.”કઇ નહી પપ્પા, મારુ ડેટા પેક પુરુ થઇ ગયુ છે અને થોડુ રિસર્ચ બાકી હતુ તો તમારો ફોન... સોરી.. “” કઇ વાંધો નહી,લાવ રિચાર્જ કરી આપુ.. “

અંકોના ફોન આપે તે પહેલા સ્ક્રીન બ્લીંક થઇ, કોઇ નો કોલ આવ્યો હતો,ત્રાંસી નજરે અંકોના એ નામ વાંચી લીધુ ‘કામના’ એના પપ્પા વાત કરતા બહાર જતા રહ્યા.

“ તો હવે મારે શું માનવુ? તું પપ્પાની ‘કામના’ સ્વીકારવા તૈયાર છે? “

“ અંકોના,બેટા મારે મિટીંગ છે હું સાંજે આવીશ, ડ્રાઇવરને કહી દીધુ છે તે તને બપોરે લંચ માટે મારી પાસે લઇ આવશે.. ઓકે . ટેક કેર.. “

“ તે જવાબ ના આપ્યો.. ચાલ છોડ એ બધુ .. કંદર્પને કોલ કર..”