Shikshan Katha in Gujarati Philosophy by Mahesh makvana books and stories PDF | શિક્ષણ કથા

Featured Books
Categories
Share

શિક્ષણ કથા

શિક્ષણ_કથા



આજે શિક્ષણને માતૃભાષા સાથે સાંકળી લેવામાં આવ્યું છે. મને એવું કહેવામાં આવ્યું છે કે મારી માતૃભાષા ગુજરાતી છે અને ગુજરાતીમાં જ મને શીખવાડવામાં આવે તો હું સરસ ભણીશ. ગુજરાતી મારી માતાની ભાષા છે. બાળક સાથે સૌથી પહેલી વાત એની માતા કરે છે. બાળક માતાની ભાષામાં દુનિયાને ઓળખે છે, સમજે છે. વગેરે વગેરે

આ માતૃભાષા શું છે? ખરેખર આપણી માતૃભાષા ગુજરાતી છે? ગુજરાતી સિવાયની ભાષામાં ભણવાથી બાળક કુંઠીત થઈ જાય છે? તો પછી જેમની પાસે પૈસા છે એમના બાળકો સીબીએસઈ, ઇન્ટરનેશનલ સ્કુલોમાં ભણવાથી કુંઠીત થઈ જાય છે? આંકડાઓ અને હકીકત તો કંઈ જુદું જ કહે છે. ભણતરને પૈસા સાથે સંબંધ છે. તમારી પાસે પૈસા હોય તો તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપી શકો. ગરીબોના બાળકો સરકારી સ્કુલોમાં, મધ્યમવર્ગના બાળકો ગુજરાત બોર્ડમાં અને શ્રીમંતોના બાળકો સીબીએસઈ, ઇન્ટરનેશનલ સ્કુલોમાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ક્વોલિટી એજ્યુકેશનને માતૃભાષા સાથે નહાવાનીચોવાનો સંબંધ નથી. માતૃભાષા એક ષડયંત્ર છે એ તારણ પર હું આવું તે પહેલાં માતૃભાષાની આજુબાજુ વણવામાં આવેલી દંતકથાઓ વિષે હું તમને કહેવા માંગું છું.

હું તમને બે ટાઇમ ફ્રેમની વાત કરીશ. એક ક્ષણ છે 2002ની અને બીજી ક્ષણ છે 2002 વર્ષ પહેલાની.

29 સપ્ટેમ્બર, 2002. ન્યૂયોર્ક ટાઇમ્સે એની રવિ પૂર્તિ સાથે 68 પાનાની એક સપ્લીમેન્ટ બહાર પાડી. નામ એનું હતું વર્ડ્સરીચ: એ ટ્રાંસલિંગ્વિસ્ટિક સ્કલ્પચર. જર્મન કલાકાર કેરિન સેન્ડરે એની સંકલ્પના કરેલી અને ડોઇસ બેન્કે સ્પોન્સર કરેલી. ન્યૂયોર્ક શહેરમાં બોલાતી ભાષાઓ ડોક્યુમેન્ટ કરવાનો એમણે પ્રયાસ કર્યો. 250 ભાષાઓ બોલનારા લોકોને એકઠા કરવામાં આવ્યા. દરેકે એની ભાષાનો માત્ર એક શબ્દ કહેવાનો. એ શબ્દનો બાકીની 249 ભાષામાં અનુવાદ થયો. પરીણામે 62,500 શબ્દો મળ્યા. આ શબ્દોને સાત દિવસ પછીની પૂર્તિમાં સ્ટોક માર્કેટના ટેબલ જેવા કોલમમાં પ્રગટ કરવામાં આવ્યા. એક મેગા સિટીમાં એક જ સમયે એક સાથે કેટલી બધી ભાષાઓનું સહઅસ્તિત્વ હોઈ શકે છે એની તરફ ધ્યાન દોરીને ગ્લોબલાઇઝ્ડ જીવનની અદ્ભૂત નવિનતા ઉજાગર કરવા માટે આ કવાયત કરવામાં આવી. ન્યૂયોર્ક સિટીમાં 800 જેટલી ભાષાઓ બોલાય છે.

ભારતના કોઈ શહેરમાં, ધારો કે અમદાવાદમાં આવું થઈ શકે? 2002માં અમદાવાદીઓ દિવસમાં એક જ શબ્દ હજારવાર બોલતા હતા, ‘હૂલ્લડ’. એ વખતે ન્યૂયોર્ક શહેરમાં વિવિધતામાં એકતાનો આવો પ્રયોગ થઈ રહ્યો હતો. યાદ રહે. અમદાવાદ હેરિટેજ સિટી છે. ન્યૂયોર્ક હેરિટેજ સિટી નથી. ન્યૂયોર્ક અમદાવાદ જેટલું પ્રાચીન પણ નથી, પરંતુ ન્યુયોર્ક ગ્લોબલ વિલેજ છે. ગ્લોબલાઇઝ્ડ વિલેજમાં તમારી માતૃભાષાનું કોઈ મહત્વ નથી

ગુજરાતી તમારી પિતૃભાષા છે, માતૃભાષા નથી

હવે હું તમને હજારો વર્ષ પહેલાંના અતીતમાં લઈ જઈશ. તમે આર્ય-અનાર્યની કથાથી વાકેફ છો. ઋગ્વેદમાં દશ્યુ, દાસ, અસુરના વર્ણનો આવે છે. કાળા રંગવાળા, વાંકડીયા વાળવાળા, ચીબા નાકવાળા, મોટા હોઠવાળા લોકો, જેમની ભાષા સંસ્કૃત નથી. આર્ય ઋષિઓ કહે છે, “દશ્યુઓ અવિશ્વસનીય, મૂર્ખ, લોભી, અશુદ્ધ ભાષાવાળા, શ્રદ્ધા વિનાના, યજ્ઞ વિનાના, પૂજા વિનાના છે.”

આર્યો આ અનાર્યોને હરાવે છે અને ગુલામ બનાવે છે. આર્યો મધ્ય એશિયામાંથી નીકળ્યા. એમનો એક ફાંટો યુરોપમાં ગયો અને બીજો ફાંટો ભારતીય ઉપખંડમાં ફરી વળ્યો. યુરોપમાં ગયેલા લોકોની ભાષા લેટિન હતી, જેમાંથી આજની અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન ભાષાઓ ઉતરી આવી. ભારતમાં આવેલા લોકોની ભાષા સંસ્કૃત હતી, જેમાંથી ગુજરાતી, હિન્દી, પંજાબી ઉતરી આવી. આને ઇન્ડો-યુરોપીયન ભાષાઓ કહેવામાં આવી. લેટિનનો પીટર અને સંસ્કૃતનો પિતૃ. બંનેનું મૂળ એક છે. વિધવા અને વિડો. મધર અને માતા. શબ્દોમાં સામ્યતા છે.

ભારતના મૂળનિવાસીઓની ભાષા સંસ્કૃત નહોતી. એમની ભાષા દ્રવિડ હતી, જેમાંથી તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલી ઉતરી આવી. તમે મૂળનિવાસી છો. ગુજરાતી તમારી માતૃભાષા નથી. ગુજરાતી પિતૃભાષા છે, જે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. તમારી માતૃભાષા તો લુપ્ત થઈ ગઈ છે, જેના અવશેષ લોથલ અને હરપ્પાના ખંડેરોમાં જોવા મળે છે. આર્ય-અનાર્યની કથા બામસેફની શિબિરોમાં અસંખ્યવાર તમે સાંભળી હશે. મૂળનિવાસીની સંકલ્પનાથી પણ તમે વાકેફ છો. પરંતુ એનો તમારી ભાષા સાથે શું સંબંધ છે એના વિષે તમે વિચાર્યું નથી. હવે વિચારજો.