Utkarshnu Rajwadu in Gujarati Motivational Stories by Yuvrajsinh jadeja books and stories PDF | ઉત્કર્ષનું રજવાડું

Featured Books
Categories
Share

ઉત્કર્ષનું રજવાડું

*ઉત્કર્ષ નું રજવાડું*

આ વાત છે ઉત્કર્ષ ની . ઉત્કર્ષ સરકારી શાળામાં સાતમા ધોરણમાં ભણતો સીધો , સરળ અને હોશિયાર છોકરો . શાળામાં કોઈ એવું ન હોય જે ઉત્કર્ષ ને ન ઓળખતું હોય . જેરામ ભાઈ ઉત્કર્ષ ના પપ્પા એક મીલમાં વર્કર તરીકે કામ કરે ને અતિશય મધ્યમવર્ગીય પરિવારનાં આ મોભી . ઉત્કર્ષ ના મમ્મી જમના બેન . થોડું ઘણું ભણેલા નાનું મોટું સીવણ કામ કરી ઘરમાં મદદ કરે અને બાકી આખો દિવસ ઘરકામમાં જ જાય .

જાણે પરિસ્થિતિઓ એ સમય પહેલાં જ એને સમજદાર બનાવી દીધો હોય તેમ એ અત્યંત સમજદાર અને માયાળુ છોકરો . ખીજાવુ તો દુર રહ્યું આજ સુધી જેરામ ભાઈ કે જમના બેન ને તેની સામે ઉંચો અવાજ પણ કરવો પડ્યો ન્હોતો . સરકાર તરફથી મફતમાં મળતા પાઠ્યપુસ્તકો અને થોડી ઘણી કોરી બુકો માં તેનું બધુજ આવી જતું .

જેરામ ભાઈ ના મીલ માલિક ધનસુખ શેઠે કહી જ રાખેલું કે ઉત્કર્ષ ને જ્યારે પણ રજા હોય ત્યારે એને ઘરે જય સાથે રમવા આવવાનું . જય ધનસુખ શેઠ નો એક નો એક દિકરો . બંને રજાના દિવસોમાં સાથે રમતા જય તો જાત જાતની પ્રવૃત્તિઓ કરે એટલે એ શતરંજ પણ શીખતો અને ઉત્કર્ષ ને પણ શીખવાડી દીધું . ઓમ પણ ઈશ્વરે ઉત્કર્ષ પર સમજદારી તો છુટા હાથે વેરેલી તે ઉત્કર્ષ શતરંજ માં ખુબ જ હોશિયાર થઈ ગયેલો . જય એ તેને એક જુની શતરંજ પણ રાખવા આપેલી . એ ઘરે પણ શતરંજ સાથે સમય પસાર કરતો .

એક દિવસ શાળામાં ખેલ સપ્તાહ ની જાહેરાત થઈ . આખા પ્રાથમિક વિભાગમાં ખુશી ની લહેર દોડી ગઈ . ઉત્કર્ષે પણ શતરંજ માં ભાગ લીધો . અને જે દિવસે શતરંજ સ્પર્ધા માટે બાળકો ને પસંદ કરવાના હતા ત્યારે એ એની જુની તુટેલી શતરંજ સાથે સ્પર્ધામાં ગયો . બધા તેની જુની શતરંજ જોઈ રહ્યા . ઉત્કર્ષ ને અજુગતું તો લાગ્યું પણ એ સ્વસ્થ રહ્યો . સ્પર્ધા આગળ ચાલી . ઉત્કર્ષ ના જુના હાથી - ઘોડા ને હરાવી શકે , ત્યાં એવી સેના કોઈ પાસે ન્હોતી . એ બહું સરળતાથી ફાઈનલ્સ માં સીલેક્ટ થયો .

બે દિવસ પછી ફાઈનલ હતી . આજે પેલી વાર ઉત્કર્ષે એના પપ્પા સામે એક માંગણી કરી . એને પપ્પાને કહ્યું મારે પણ શતરંજ ની ફાઈનલમાં નવી નક્કોર ટુર્નામેન્ટ ક્વોલિટી ની શતરંજ લઈ જવી છે . એના પપ્પાએ એમ કહી લુખ્ખો બચાવ કર્યો કે દિકરા શતરંજ નવી હોય કે જુની શું ફરક પડે છે . પણ ઉત્કર્ષ ન માન્યો .

સાંજે રડીને ઉઠેલા ઉત્કર્ષ નું મન રાખવા પપ્પા તેને શહેરની જાણીતી સ્પોર્ટ્સ ની દુકાને લઈ ગયા . પરિસ્થિતિ નો તાગ મળી જતાં જેરામ ભાઈ ના પગ અને મન બેઉ ત્યાં જવાની ના પાડતા હતા . છતાં જેરામ ભાઈ ઉત્કર્ષ સાથે ગયા અને એને જોઈએ તે શતરંજ નો ભાવ પુછ્યો . અને એનો ભાવ હતો પુરા સાડા-પાંચસો રૂપિયા . હવે જેરામ ભાઈ ને તો ઉત્કર્ષ ને પાંચ રૂપિયા વાપરવા આપવા હોય તો પણ પાંચ વાર વિચાર કરવો પડતો . એમાં સાડા-પાંચસો રૂપિયા ની જોગવાઈ કેમ થાય ?

ઉત્કર્ષને ખુબ મનાવ્યો પણ એ ન માન્યો અને કહ્યું કે તો મારે સ્પર્ધામાં જવું જ નથી . અંતે જેરામ ભાઈએ કહ્યું " ઠીક છે દિકરા , આપણે મારી જુની સાઈકલ વેચી દઈએ એમાંથી પાંચસો-સાતસો રૂપિયા મળી રહેશે "

ઉત્કર્ષને વિચાર આવ્યો કે જો સાઈકલ વેચી દેશું તો પપ્પા નોકરીએ કેમ જાશે ? આમ પણ ઉત્કર્ષને જીદ્દ કરતાં ક્યાં આવડતું હતું ? તે એ એની પેલી જ જીદ્દમાં ફાવી ન શક્યો . એ પોતાની જુની શતરંજથી રમવા માની ગયો . પણ ઉત્કર્ષ ને હરાવીને પણ જેરામ ભાઈ જીતી ન શક્યા . એમણે ઈશ્વર તરફ જોઈ એક નિસાસો નાંખ્યો .

આજે ઉત્કર્ષ ની ફાઈનલ નો દિવસ હતો પણ એ ઉત્સાહમાં ન્હોતો લાગતો . એ કમને સ્કુલે ગયો . એની જુની હાથી-ઘોડા ની સેના થી બધા ડરતા હતા . ધીમે-ધીમે જીતતા જીતતા એ પહેલાં ક્રમે આવ્યો . પણ એ હજુ પણ ક્યાંક દુખી હતો ઈનામ માં મળેલું એક બોક્સ લઈ એ ઘરે ગયો એને બોક્સ ખોલવાની પણ તસદી લીધેલી નહીં . ઘરે જેરામ ભાઈએ એને બોક્સ ખોલવા કહ્યું ત્યારે એને બોક્સ ખોલ્યું . અને બોક્સ ખોલતાં જ એની આંખો પહોળી થઈ ગઈ . જેવી એને દુકાનમાં જોયેલી તેના કરતા પણ ખુબ સારી ટુર્નામેન્ટ ક્વોલિટીની ચેસ હતી એમાં . એની ખુશી નો પાર ન રહ્યો . એ હાથી ઘોડા હાથમાં લઈ એમ હરખાતો હતો જાણે એને કોઈએ સાચું રજવાડું આપી દીધું હોય આજે ઈશ્વરે ઉત્કર્ષ ની પરિસ્થિતિઓ ને સીધી જ ચેકમેટ કરી દીધી હતી . ફરીથી જેરામ ભાઈએ ઈશ્વર સામે જોયું........