Aaradhya ne kem kahu ? in Gujarati Love Stories by Author Vaghela Arvind Nalin books and stories PDF | આરાધ્યા ને કેમ કહું ?

Featured Books
Categories
Share

આરાધ્યા ને કેમ કહું ?

આજે ઓફિસે કઈ વધારે કામ ન હતું. એટલે રૂમે થોડો વહેલો આવી પહોંચ્યો હતો. પણ શું ખરેખર એજ સાચું કારણ હતું ? કે પછી કોઈની ચિંતા થઇ રહી હતી ? આમ પણ ગાંધીનગરમાં કઈ ખાસ ટ્રાફિક નહિ. એટલે ઓફિસેથી રૂમે આવતાં ફક્ત ૧૫-૨૦ મીનીટ જેટલો જ સમય લાગે. પરંતુ આજે બાઈક થોડી વધારે ચલાવી હતી. કારણ કે ..... ? શાં માટે મે જીવના ઝોખમે બાઈક વધારે સ્પીડથી ચલાવી ? શું મને પણ ખબર નથી ? આ શહેરમાં આવ્યા તેને હજી ફક્ત એક વર્ષ જ થયું હતું. તેમ છતાં આટલા ઓછાં સમયમાં પણ મને અહિયા ઘણું બધું મળ્યું હતું. જેની મે ક્યારેય અપેક્ષા પણ રાખી ન હતી. રહેવા માટે એક સારો રૂમ અને ઓફિસે જવા માટે મારા પસંદની સુપર બાઈક, તેમજ કામ પ્રમાણે યોગ્ય સેલેરી પણ હતી. આ બધી તો રોજની જરૂરિયાતો હતી. જે કદાચ બધાને મળી શકે. પરંતુ આથી વિશેષ અહિયા જે મને મિત્રો મળ્યાં હતા. તે કદાચ કોઈને ભાગ્યે જ મળી શકે. દરેક અલગ અલગ જિલ્લાઓમાંથી અહિયા જોબ માટે આવ્યા હતા. તેથી દરેકની બોલી, રહેણીકરણી, ખાવા-પીવાની પસંદગી, સ્વભાવ વગેરે અલગ પડતા હતા. પરંતુ જ્યાંથી અમારું એક ફ્રેન્ડ સર્કલ બન્યું, બસ ત્યારથી દરેક આ શહેરના રંગે રંગાય ગયાં હતા. અમારું ગર્લ્સ અને બોઇઝનું એક ગ્રુપ, જેમાં ભાઈ-બહેન, દિયર-ભાભી, લવર્સ, મિત્ર વગેરે જેવા પરસ્પર એકબીજા સાથેનાં અમારા પવિત્ર સંબંધો બંધાયા. જે ખુબ જ નિષ્ઠાપૂર્વક નિભાવવાના હોય છે. રક્ષાબંધન, વેલેન્ટાઈન જેવા દિવસોની ઉજવણી સાથે મળીને કરવાની હોય છે. દરેકે અહિયા આવીને પોતાની અંદર બદલાવ લાવ્યો હતો. બસ એક આરાધ્યા સિવાય.


આરાધ્યા જયારે અહિયા આવી ત્યારે અને અત્યારે પણ એવી જ હતી. તેમાં કોઈ પણ વાતનો બદલાવ જોવા મળતો ન હતો. જે મને બહું ગમતું હતું. બસ એટલે જ હું તેને પહેલેથી પસંદ કરતો હતો. જે વાતની આમ તો બધા મિત્રોને ખબર જ હતી. બસ આરાધ્યાને કહેવાનું બાકી હતું. પણ તે અંદરથી જાણતી હતી કે હું તેને પસંદ કરું છું. તેમ છતાં પણ હું જયારે મારા દિલની વાત તેની સમક્ષ મુકવાની કોશિશ કરતો ત્યારે હંમેશની જેમ તે વાતને ટાળતી રહેતી હતી. બસ કોણ જાણે કેમ ? અને મારી દિલની વાત દિલમાં જ રહી જતી હતી. ક્યારેક તો તે મને સમજશે, એમ સમજી મારા મનને મનાવી લેતો હતો. બીજું કરું પણ શું ? ધીરજ ધરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ આખરે કેટલાં દિવસ કે મહિના સુધી પ્રતીક્ષા કરવી ? રાતના નવ વાગ્યા સુધીમાં તો હું જમીને બાલ્કનીમાં રોજની જેમ ગોઠવાય ગયો હતો. અને નજર પણ એકદમ આરાધ્યાનાં રૂમ ઉપર મંડરાયેલી હતી. બસ સામે આરાધ્યા જ ન હતી. કોણ જાણે છેલ્લા ત્રણ દિવસથી તેની કોઈ ભાળ મળી રહી ન હતી. તો મિત્ર સર્કલમાં પણ કોઈને ખબર ન હતી કે અચાનક આરાધ્યા ક્યાં ચાલી ગઈ છે. તે ક્યાં જાય છે ? શાં માટે જાય છે ? એ વાતની ચર્ચા કોઈ સાથે થઇ ન હતી. તો ઓફિસમાં પણ તેને કોઈ રજા વિશે અરજી કરી ન હતી. અમે બધા જ તેનો સંપર્ક કરવાની કોશિશ કરી રહયા હતા. પણ આ બધા માટે કદાચ હું જ જવાબદાર હતો.


આમતો ઓફિસમાં આખો દિવસ અમારે એકબીજા સાથે મળીને કામ કરવાનું એટલે એકબીજાના સંપર્કમાં આવવું સામાન્ય હતું. તો કેન્ટીનમાં થોડીવાર મજાક મસ્તી પણ થતી રહેતી. અને સાંજે રહેવાનું પણ એકબીજાની રૂમની સામે, બસ આટલો સમય કોઈ સાથે વિતાવતા હોય એટલે દોસ્તીની તો શરૂઆત થઇ જ ગઈ હોય. બસ ત્યાર પછી દોસ્તીના સર્કલમાં કેટલાં નવા દોસ્તો સાથે ઓળખાણ થઇ ગઈ, એજ કઈ ખબર ન રહી. અને દિવસે દિવસે આ સર્કલમાં નવા સંબંધોની રચના થઇ. કોઈ એકબીજાને ભાઈ-બહેન માને, તો કોઈ એકબીજાને દિલોજાનથી પ્રેમ કરે, તો કોઈ ફક્ત મિત્ર તરીકેનું વર્તન કરે, અને અમુક ભાભી કહીને દેવર તરીકે મજાક કરે. અને વળી રજાના દિવસોમાં એકાદી પાર્ટી તો પાક્કી હોય જ છે. તેમાં બોયઝ અને ગર્લ્સનાં પાર્ટીના ખર્ચનાં કરાર કરેલા. તો ક્યારેક કોઈનો બર્થડે પણ કામ આવી જતો હતો. આવું તો આજના ઝડપી યુગમાં એકદમ કોમન થઇ ગયું છે. આમ તો બધા જ મસ્તીખોર હતા. પણ ક્યારેક આરાધ્યાનું મુડ થોડું ઓફ હોય તેવું બને. તે બીજી છોકરીઓ કરતાં તદ્દન અલગ હતી. તેને બીજાની જેમ ફેશનમાં કઈ ખાસ રસ નહિ. એજ સાદું અને સરળ ગામડાનું જીવન પસંદ હતું. આમ પણ તેને ફેશન કરવાની જરૂર પણ ન હતી. તે સુંદર જ એટલી હતી કે બધા જ તેની ઉપર મોહિત થયાં હતા. પણ તે વધારે ભાવ આપવાને બદલે તેને ભાઈ કહીને બોલાવતી હતી. બસ મારી સાથે જ તેનો કોઈ નામ વિનાનો સંબંધ હતો. આમ તો અમે મિત્ર જ હતા. પણ હમણાં થોડાં મહિનાથી હું થોડો વધારે આગળનું વિચારી રહયો હતો. અને કદાચ તે પણ ... ?


બસ આજ દરમિયાન એપ્રિલમાં મારો જન્મદિવસ આવ્યો. હવે બધાની કેક અને પાર્ટીનો આનંદ લીધો હોય. એટલે આપણે પણ પાર્ટીનું આયોજન કર્યું. જેમાં દરેક કઈંકને કઈંક મારા માટે ગિફ્ટ લાવ્યા. પણ કોઈ કારણોસર આરાધ્યા મારા માટે કઈ જ ન લાવી શકી. અને એટલે જ તે મને શું આપી શકે તેવું તેને કહયું, બસ આજ સારી તક હતી, તેથી બધા મિત્રોની સમક્ષ મે તેનો હાથ જ જીવનભર માટે માંગી લીધો. મારા પ્રેમને મિત્રોએ તો તાળીઓથી વધાવી લીધો. પણ આરાધ્યા કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ત્યાંથી જતી રહી. બસ તે દિવસથી લઈને દસ-પંદર દિવસ સુધી તે એકદમ ચૂપચાપ રહી. આખરે એક દિવસ બધા મિત્રોએ ભેળા મળીને થોડી હસતી કરી. એ પછી તે મારી સાથે કામ સિવાય વધારે કઈ જ વાત ન કરતી. અને મોડી રાત સુધી બાલ્કનીમાં એકલી બેસી રહેતી હતી. અને હું તેને ચૂપચાપ એકીનજરે બારીમાંથી જોતો રહેતો હતો. પણ એક દિવસ તે બાલ્કનીમાં એકલી બેઠી બેઠી રડી રહી હતી. તેને જોઈ હું પણ મારા રૂમની બાલ્કનીમાં સામો ઉભો રહી ગયો. મને સામે જોઈને તેને રડવાનું બંધ કરી દીધું, જાણે કશું થયું જ ન હોય. બસ તે દિવસથી રોજ હું પણ બાલ્કનીમાં તેની સામે બેસી જતો, જેથી તે રડે નહિ.


કોણ જાણે શું દુઃખ અમારા બધાથી છુપાવી રહી હતી ? કારણ કે મારાથી તો દુઃખી ન હતી. એટલું તો તેની ખાસ ફ્રેન્ડ પાસેથી સાચું જાણવા મળ્યું હતું. તે જ્યારથી અહિયા આવી બસ ત્યારથી જ મુંજાયેલી રહેતી હતી. અને કદાચ જાણતા અજાણતા થોડી ઘણી તકલીફ મે જ આપી હતી. રાતના સાડા દસ થયાં હતા. બસ ત્યાં જ આરાધ્યાની ફ્રેન્ડનો ફોન આવ્યો. હું ઉંડા ભૂતકાળમાંથી ફરી વર્તમાનમાં આવ્યો. તેનાં ફોન સાથે એક નવી આશા બંધાણી, બસ ફોન ઉઠાવી ત્રીસ સેકન્ડ કાને રાખ્યો. અને તરત જ જરૂરી ચીજવસ્તુઓ સાથે લઇ. એક અજાણ્યા રસ્તે જવા ચાલી નીકળ્યો. આમતો આ શહેર બીજા શહેરો કરતાં થોડું શાંત એટલે અગિયાર વાગ્યા સુધીમાં તો રસ્તાઓ એકદમ સૂમસાન થઇ પડ્યા હોય. મોડી રાત્રે બસ સ્ટેન્ડ પર પહોંચ્યો, અને કચ્છ-ભુજ તરફ જતી બસની પૂછપરછ કરી. વળી ત્યારે પહેલી વાર મને નસીબે પણ સાથ આપ્યો. અત્યારે જ એક એક્સપ્રેસ બસ ભુજ તરફ જવા રવાના થવાની હતી. હું ઝડપથી તે બસમાં બેસી ગયો. બસમાં ભુજ તરફ જવા વાળા ખુબ જ ઓછાં હતા. એટલે અડધામાંથી પણ અડધી બસ ખાલી હતી. અને બસમાં બેઠેલાં મોટાભાગના અત્યારથી જ નીંદર કરવા લાગ્યા હતા. બસ નાનાં છોકરાઓની નજર મારા પર મંડાયેલી હતી. હું પણ એક સારી બારી પાસેની જગ્યાએ શાંતિથી બેસી ગયો. અને થોડી જ વારમાં બસ શરૂ થઇ. જે આરાધ્યાનાં ઘર તરફ મને લઇ જઈ રહી હતી.


આરાધ્યાની ફ્રેન્ડે મને આરાધ્યા પોતાના વતન ગઈ છે. તેમ ફોન કરીને કહયું હતું. આરાધ્યા ભુજ પાસેના ભવાઈ ગામમાં રહેતી હતી. બસ એ સિવાય તેનાં વિશે વધારે કઈ પણ ખબર ન હતી. બસ આખી રાત રસ્તા પર દોડતી રહી. મે પણ થોડીવાર આરામ કર્યો. અને જેવી આંખ ખોલી તો ભુજ આવી ગયું હતું. વહેલી સવારે અહિયા ખુબ જ ઠંડી જણાતી હતી. તો ચાર-પાંચ પાઘડીવાળા માણસો તાપણું કરીને બીડીના ધુંવાડા ઉડાડી રહયા હતા. ( ધ્રુમપાન સ્વસ્થ માટે હાનિકારક છે.) ખંભે બેગ સાથે ભવાઈ ગામનું એડ્રેસ પૂછવા તેની પાસે ગયો. મારા સવાલનો જવાબ તે બધા પાસે હતો. ભવાઈ ગામ અહિયાંથી ફક્ત દસ-બાર કિ.મી જેટલું જ દુર હોવાનું તેને કહયું. પણ ત્યાં જવા માટે અત્યારે તો કોઈ બસ મળે તેમ ન હતી. તેથી મે ચાલવાનું વિચારી લીધું હતું. રસ્તો સીધો જ હતો. વાતાવરણમાં આંધળો ધુમ્મસ પથરાયેલો હતો. નજર પહોચે ત્યાં સુધી બસ રણ જ નજર આવી રહયું હતું. રસ્તો એકદમ કાચો હતો. એટલે કદાચ બસની સુવિધાની આશા ન રાખી શકાય. બસ ત્યાં જ પાછળથી કોઈ રજવાડી ગાડી લઈને આવી રહયું હતું. જે એક ગામડાનું દેશી બાઈક હતું. બાઈક એક મોટી ઉંમરનો વ્યક્તિ ચલાવી રહયો હતો. જેને કચ્છી પહેરવેશ પહેર્યો હતો. તેમજ બાઈક દૂધનાં વાસણોથી શણગારેલી હતી.


બાઈકની પાછળની સીટ આમ તો ખાલી જ દેખાતી હતી. તેથી મે તેને ઊભા રહેવા હાથ લંબાવ્યો. કદાચ હું તેની નજરમાં એકદમ પાસેથી આવ્યો હતો. એટલે તેને મારાથી થોડે દુર બાઈક ઊભી રાખી. તેને ઊભા રહેલા જોઈ હું જડપથી તેની પાસે દોડીને પહોંચ્યો. અને ભવાઈ સુધી તેની સાથે આવવા કહયું, તેની મોટી મોટી આંખો અને લાંબી મૂછો વાળો ચહેરો મને જોઈ રહયો હતો. અને કઈ બોલવાના બદલે માથું બે વાર ઉચું-નીચું કરી હા માં જવાબ આપ્યો. તેથી ઉતાવળો બની તેની પાછળની ખાલી સીટમાં બેસી ગયો. બાઈકની સ્પીડ અંદાજીત ૫૦-૫૫ જેટલી હશે. ઠંડીથી મારા શરીરમાં પ્રસરી ગઈ હતી. એટલે બંને હાથ ભેળા કરી, ઉંડા શ્વાસ લેવા લાગ્યો. આછાં અંધકાર અને ધુમ્મસને કારણે રસ્તો કેટલો પસાર થઇ ગયો, તેની પણ ખબર ન રહી. તો ઊભા રસ્તે બાઈક પરના વાસણો અવાજ કરી રહયા હતા. બસ ત્યાં જ અચાનક બાઈકને બ્રેક લગાવી દીધી. એકાએક વળી શું થયું હશે ? મે ઠંડીથી ધ્રૂજતા શરીરે આગળ નજર કરી. સામે બે રસ્તાઓ હતા. જે અલગ અલગ દિશા તરફ જઈ રહયા હતા. મને થોડીઘણી સમજ આવી જ ગઈ કે આ બંને માંથી કોઈ પણ એક રસ્તે મારે અને બીજા રસ્તે આ પહાડી ભાઈને જવાનું છે. તેથી બાઈક પરથી ઉતરી તેની સામે ઉભો રહી થોડું સ્મિત કર્યું. જયારે તેનાં પ્રતિભાવમાં મને હાસ્ય તો ન મળી શક્યું. પરંતુ જતાં જતાં આંખોથી આ બીજા રસ્તાનો ઈશારો કરી દીધો હતો. થોડીવાર તેની બાઈકનો અવાજ સંભળાયો, ત્યારબાદ ધુમ્મસમાં ક્યાંક અદ્રશ્ય થઇ ગયો.


બીજા રસ્તે ઊભા રહી કોઈની આવવાની પ્રતીક્ષા કરવી વ્યર્થ જણાતી હતી. તો આજુબાજુમાં ક્યાંય સરકારી સુવિધા વાળું બોર્ડ પણ ન હતું. કે જે ગામ તરફ જવાનો ઈશારો કરતુ હોય. રસ્તે ચાલવાનું શરૂ કરતાં શરીરમાં થોડી ગરમ ઉર્જા આવી, કદાચિત એકાદ કિલોમીટર જેટલું ચાલ્યા પછી આછી આછી ગામની વસાહત નજર આવવા લાગી. ગામના નામ ઉપરથી તો નવીન લાગી રહયું હતું. બાકી ત્યાં પહોચતાં ખબર પડી કે અહિયા તો મોટાભાગની ઝુપડાઓની વસાહત જ છે. તો સવાર સવારમાં કુતરાઓ પણ મને જોઈને ભસી રહયા હતા. પણ આજુબાજુમાં ક્યાંય કોઈ વ્યક્તિ નજર આવી રહી ન હતી. તેથી ચારેબાજુ નજર ફેરવતો આરાધ્યાનું ઘર શોધી રહયો હતો. પણ એમ જ ક્યાંથી તેનું ઘર મળે ? ધીમે ધીમે હું આગળ વધી રહયો હતો. અને મારી પાછળ કુતરાઓ કદાચ મને ભસતા ભસતા આવી રહયા હતા. પણ હું તેને નજર અંદાજ કરતો કોઈને આરાધ્યાનાં ઘર વિશે પૂછવા શોધી રહયો હતો. અચાનક કોઈ મારી પાછળ પાછળ આવી રહયું હોય તેવું મને લાગ્યું. અને તરત જ પાછું વળીને જોયું તો કોઈ સ્ત્રી મારાથી છ સાત ડગલે મારી સામું જોઈને જ ઊભી હતી. તેને જોઈને હું તો ચોકી જ ઉઠ્યો. હમણાં તો કોઈ જ દેખાતું ન હતું. અચાનક આ સ્ત્રી ક્યાંથી આવી ગઈ. તેનો અલંકાર અને વસ્ત્રોનો પહેરવેશ ચમકતો હતો. ચહેરાં પર તેજ છવાયેલું હતું. તેની ઉંમર મારી માં જેટલી તો હશે જ, પરંતુ એકવાત સમજાતી ન હતી કે બધા કુતરાઓ કોને ભસી રહયા હતા ? મને કે પછી તે સ્ત્રી ને .. ? કુતરાઓને હવે જોતા તો લાગતું હતું કે તે આ સ્ત્રીને ભસી રહયા હતા. જયારે મને પહેલાં એમ કે મારી સિવાય અહિયા બીજું હતું પણ કોણ ? એટલે મને જ ભસી રહયા હશે.


તેને બાજુમાં ઉભેલા જોઈ હું થોડો ચોકી તો ઉઠ્યો જ હતો. પણ અત્યારે આરાધ્યા વિશે જાણવાની પહેલ કરવી હતી. તેથી આરાધ્યા ક્યાં રહે છે ? તે પૂછી જ લીધી. પરંતુ સામેથી કઈ પણ જવાબ ન આવ્યો. મે ફરી વાર પૂછ્યું, તેમ છતાં પણ તે કશું જ ન બોલ્યા. અને મારી આગળ ધીમે ધીમે ચાલવા લાગ્યા. જયારે હું તો ત્યાં ઉભો રહી તેને જોઈ રહયો. તે થોડાં આગળ ચાલી ઊભા રહી પાછળ વળી મારી તરફ જોયું. જાણે મને તેની પાછળ આવવા કહેતા હોય. તેથી હવે ધીમે ધીમે હું પણ તેની પાછળ ચાલવા લાગ્યો. રસ્તાની બંને બાજુનાં ઘરોમાં ધીમે ધીમે બદલાવ આવી રહયો હતો. ઝુંપડાઓમાંથી કાચાં મકાનો અને કાચાં મકાનો પછી પાક્કાં મકાનો ઊભા હતા. તેની પાછળ થોડું ચાલ્યા પછી અચાનક તે ઊભા રહી ગયાં. હું ચાલીને તેની એકદમ પાસે પહોંચી ગયો. અને ફરીવાર આરાધ્યાનાં ઘર વિશે પૂછ્યું, તે પહેલાં તેને સામેના ઘર તરફ હાથ સીધો કરી આંગળીએ ઈશારો કર્યો. હવે નક્કી આ આરાધ્યાનું જ ઘર હોવું જોઈએ. પણ નાં, નાં, આ ઘર થોડું કહેવાય. આ તો હવેલી હતી. શું આ જ આરાધ્યાનું ઘર હશે ? શું આરાધ્યા આવી મોટી હવેલીમાં રહેતી હશે ? હવે ધીમે ધીમે તે હવેલી તરફ આગળ વધી રહયો હતો. પણ મનમાં ક્યાંયને ક્યાંક શંકા થઇ રહી હતી. શું ખરેખર આ આરાધ્યાનું જ ઘર હશે ? કે પછી આ સ્ત્રી મને ......... ? પરંતુ આમ કઈ શંકાનું સમાધાન થાય તેમ ન હતું. તેથી થયું ફરીવાર પાછળ વળીને પાક્કું પૂછી જ લવ, અને ફરીવાર પૂછવા જેવું પાછળ વળીને જોયું તો એ સ્ત્રી ગાયબ હતી. અરે પણ હમણા તો અહિયા જ ......... ? ચારેબાજુ પણ નજર ફેરવીને જોઈ લીધું હતું. પણ આજુબાજુમાં કોઈ જ ન દેખાયું. મારામાં મોટી ફાળ પડી. આવું કેવી રીતે શક્ય બની શકે ? એ સ્ત્રી હમણાં તો મારી પાછળ જ ઊભી હતો તો બે ક્ષણમાં તે ક્યાં જઈ શકે ?


મારી આટલી ઉંમરમાં આવું તો ક્યારેય બન્યું ન હતું. એ પણ આજના યુગમાં ? હું જેવું અંદરથી વિચારી રહયો હતો. તેવું તો શક્ય જ ન હતું. અચાનક જ સુર્ય પ્રકાશનું ધરતી પર આગમન થયું. ચારેબાજુથી ધુમ્મસ થોડો ઓછો થયો. હવે વધારે બીજા વિચારોમાં ગુંચવાયા વિના હવેલી તરફ આગળ વધ્યો. થોડું આગળ ચાલીને જોયું તો, હવેલીનો દરવાજો ખુલ્લો હતો. અને હવેલીની અંદર ઘણા બધા લોકો એકઠાં થયેલા હતા. થોડીવાર તો મને કઈ સમજ ન પડી. કારણ કે સવાર સવારમાં કોઈનાં ઘરે આટલા લોકોનું ભેગા થવું, એટલે શું સમજવું ? ધીમા પગલે દરવાજા સુધી તો પહોંચી ગયો. પણ હવે શું ? હવેલી અંદર એકદમ શાંતિ સ્થપાયેલી હતી. બધા લોકોનું ધ્યાન સામેની તરફ હતું. તો કોઈ અંદરોઅંદર ધીમે ધીમે વાતો કરી રહયા હતા. જે સાંભળવા હું પણ બધાની પાછળ ચૂપચાપ આવીને ઉભો રહી ગયો. લોકોની ભીડ એટલી બધી હતી કે બધાની સાથે ભળી જવું એકદમ સહેલું હતું.


“ હમણાં સુધી તો તેને કઈ જ ન હતું. પણ છેલ્લા બે વર્ષમાં આ ઘર ઉપર તો દુઃખનાં વાદળ તૂટી પડ્યા. દીકરીનું કન્યાદાન પણ ન કરી શકી. કન્યાદાન પણ કેમ કરે ? આરાધ્યા પણ ક્યાં કોઈ સાથે લગ્ન કરવા તૈયાર થતી હતી. બસ તેને તો પોતાની માં ને ખાટલામાંથી હાલતીચાલતી કરવી હતી. તેનાં જેવી સમજદાર દીકરી તો આખા ગામમાં ન થઇ શકે. ઘર ચલાવવા શહેરમાં દિનરાત કામ કરી દવાખાને પૈસા મોકલતી. વળી હમણાં સુધી નાનાં ભાઈનો ભણવાનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો. પણ ગયાં વર્ષે દીકરાનું પણ અકસ્માતે મોત થયું. બસ તે દિવસથી માતાની તબીયત પણ લથડી ગઈ હતી. બાપે તો ક્યાં પહેલેથી ઘરમાં ધ્યાન આપ્યું ? બસ આખો દિવસ નવરા માણસો સંગાથે હોકો અને દારૂ પીધા કરે. આ તો આરાધ્યાનાં દાદાનાં પ્રતાપ કે રહેવા માટે હવેલીનો આસરો બનાવી દીધો. બાકી તેનાં બાપથી તો કઈ થાય તેમ ન હતું. અને એટલે જ દાદાએ આરાધ્યાનાં જેની સાથે લગ્ન થાય, તેને ઘર જમાઈ બનીને રહેવાનું નક્કી કરી લીધું હતું. બીજું કરે પણ શું ? ઘરની જવાબદારી એક સ્ત્રી કેટલાં સમય સુધી એકલી નિભાવી શકે ? અને દાદા પણ વધી વધીને કેટલાં વર્ષ જીવશે ? કોઈને તો ઘર સંભાળવું જ પડશે. “


આવી કેટકેટલીય વાતો સાંભળી હું તો એકદમ દંગ જ રહી ગયો. આરાધ્યા આટલા મોટા દુઃખમાંથી પસાર થઇ રહી હતી. જેની કોઈને પણ ખબર ન હતી ? ક્યાંથી હોય ? ક્યારેક કોઈને વાત કરે તો બધાને ખબર પડે ને ? શાં માટે તે આટલી ઉદાસ રહેતી ? શાં માટે મારા પ્રેમનો સ્વીકાર ન કર્યો ? શાં માટે તે આટલી બધી પૈસાની બચત કરતી ? શાં માટે તે કોઈને કહયા વિના ત્રણ-ચાર દિવસ પહેલાં અહિયા આવી ગઈ ? આ બધા જ સવાલોના જવાબ મને અત્યારે મળી ગયાં હતા. પણ હવે મોડું થઇ ગયું હોય તેમ લાગ્યું. આ બધી વાત અમને પહેલાં ખબર હોત તો બધા પણ બની શકે તેટલી આરાધ્યાની મદદ કરત. લોકો ધીમે ધીમે આગળ વધી રહયા હતા. મે થોડું બાજુમાંથી ઉચી નજર કરીને જોયું તો એક મોટી ઉંમરનાં વ્યક્તિ બેઠાં હતા. જે કદાચ આરાધ્યાનાં દાદાજી હશે. કારણ કે બધા તેને બે હાથ જોડી વિદાઈ લઇ રહયા હતા. પરંતુ આજુબાજુમાં ક્યાંય આરાધ્યા દેખાય રહી ન હતી. તેને શોધવા મારી નજર ચારેબાજુ ફરતી રહી પણ ક્યાંય આરાધ્યા દેખાય નહિ. હવે બધાની સાથે હું પણ ધીમે ધીમે આગળ વધી રહયો હતો. કદાચ ગામના લોકો દાદાજીને મળી સીધા બહાર જઈ રહયા હતા. અને પરિવારના સગા સંબંધીઓ અહિયા જ બાજુમાં બેસતા હતા. થોડીવારમાં તો આખુ ઘર ખાલી દેખાવા લાગ્યું. ગામના મોટાભાગના લોકો જતાં રહયા હતા. બાકી રહેલાની સાથે હું પણ દાદાજી પાસે પહોંચી ગયો. દાદાજીની આંખોમાં દુઃખ દેખાય રહયું હતું. ચહેરાં પર કરચલીઓ હતી. માથે સફેદ વાળ ને કહેવા ખાતરની થોડી દાઢી અને મૂછો હતી. શરીર આખુંય ચિંતામાં ચંકોચાઈ ગયેલું હતું. બસ હવે એકબીજાને હાથ જોડવા જેટલી હિંમત વધી હતી. તેમાંય બંને હાથ ધ્રૂજતા હતા. બાકી સાચી વેદના તો અંદર જ થઇ રહી હતી. જેને સમજવી ખુબ જ અઘરી હતી.


દાદાજી તરફ આગળ વધતા હું બીજાની જેમ કઈ બોલ્યો તો નહિ, બસ દુઃખ વ્યક્ત કરતાં ચહેરે બંને હાથ જોડી તેની સામે ઉભો રહી ગયો. સામે દાદાજીએ પણ બંને હાથ જોડી દુઃખ હળવું કર્યું. અને થોડીવાર મને એકી નજરે જોઈ રહયા. “ બેટા, ક્યાંથી ..... ? “ દાદાજીએ ધીમે રહીને મને કહયું, જે કદાચ મારા ખંભે થેલો જોઈ કહયું હતું. આમ પણ અહીના સ્થાનિક કરતાં હું થોડો અલગ દેખાય આવતો હતો. “ જી, હું આરાધ્યા ........... ? “ બસ એટલું બોલતા આરાધ્યાને મહેમાનો માટે પાણી લાવતા જોઈ રહયો. દાદાજીની નજર મારી ઉપર અને મારી નજર આરાધ્યા ઉપર ટકેલી હતી. જયારે આરાધ્યાની નજર તો નીચે નમેલી હતી. તેનાં ચહેરાં પર દુઃખ અત્યારે બમણું છલકાય રહયું હતું. આંખોની ફરતે સતત રડવાથી કાળાશ પડી ગયેલી હતી. અને આજે પહેલી વાર તેને સફેદ સાડીમાં જોઈ રહયો હતો. આમતો હવે ગામના લોકો તો ચાલ્યા ગયાં હતા. અહિયા ફક્ત હવે પરિવારના સભ્યો જ હાજર હતા. હું હજી પણ દાદાજી પાસે જ ઉભો હતો.


એકાએક દાદાજીએ મારા ખંભે હાથ રાખતા પાણી પીવાનું પૂછ્યું, જો કે મને તરસ તો લાગી હતી. તેમ છતાંય મે નાં કહી, મારી નજર હજી પણ આરાધ્યા ઉપર જ ટકી હતી. પણ આરાધ્યાને કેમ કહું કે હું પણ તારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું. એકવાર તો મારી તરફ નજર ફેરવી જો, પરંતુ હું સમજતો હતો કે જેને પોતાનો એકનો એક નાનો ભાઈ અને માં ખોયા હોય. તેની નજર કેમ કરીને ઉચી થઇ શકે. ...........................................................................................................................................................


********************************************************************************


મિત્રો હવે તમે આગળ શું થયું તે વિચારતા હશો. પણ માફ કરજો. કારણ કે આ સ્ટોરી હું જયારે ભુજથી બસમાં ગાંધીનગર આવી રહયો હતો. ત્યારે મારી પાસેની સીટમાં બેઠેલાં યુવાને મને કહી હતી. જે તેની સાથે બનેલી ખુદની હકીકત હતી. તે અત્યારે આરાધ્યાનાં ઘરેથી ભુજ આવી, પરત ગાંધીનગર જઈ રહયો હતો. અમારી મુસાફરી એક જ બસમાં અને મારી બાજુની સીટમાં તેની સાથે હતી. શરૂઆતમાં તો એ એકદમ દુખદાયી ચૂપચાપ બેઠો હતો. અને ભુજથી નીકળ્યા પછી થોડીવાર તે આંખો બંધ કરી એમજ સ્થિર રહયો. અને જયારે તે નીંદમાંથી અચાનક જાગ્યો. એટલે મે તેને પાણીની બોટલ આપી. તે જોઈને થોડીવાર તો એ મારી સામે જોઈ રહયો, પણ પછી બોટલનો સ્વીકાર કર્યો. અને બસ ત્યાંથી એક લાંબી મુસાફરીની શરૂઆત થઇ. એકબીજાના નામ, કામ, રહેઠાણ વિશે થોડું સામાન્ય જાણ્યું, તેમજ જયારે મે પૂછ્યું કે “ તમારે ભુજ કેમ આવવાનું થયું ? “ ત્યારે તેની આંખોમાં જે ભીનાશ છલકાવા લાગી. તે જોઈને હું તો ચોકી જ ઉઠ્યો, અને ત્યાંથી તેને મૂળ વાત કહેવાની શરૂઆત કરી. જે એક મિત્ર તરીકે તેની બધી આપવીતી હું સાંભળતો રહયો. તો વચ્ચે તેને આગળ કહેવાનું બંધ કરી દીધું. પણ ત્યારે તેને મારા લેખનનાં શોખ વિશે કહયું ત્યારે તેને ફરી શરૂઆત કરી. અને પોતાની સ્ટોરી લખવાની મને કહયું, મે પણ તેની વાતનો સ્વીકાર કર્યો. અને એટલે જ આપ આ સ્ટોરી વાંચી રહયા છો. પણ તકલીફ તો ત્યારે પડી કે જ્યાંથી મે સ્ટોરી અધૂરી છોડી છે, ત્યાં સુધી વાત પહોંચી હતી. બસ ત્યાં જ તેનાં મોબાઈલમાં કોઈનો ફોન આવ્યો. અને બસ એટલું જ કહયું કે “ હા જી કોણ ... ? “ અને બસ ત્યાર પછી તે અચાનક જ ઉભો થઇ ગયો. તેનો ચહેરો એકાએક બદલાયેલો હતો. મે પૂછવાની બે-ત્રણવાર કોશિશ કરી પણ તે એકદમ ઘાંઘો થઇ ગયો હતો. અને હું ફોન વિશે વધારે વિચારું તે પહેલાં એ બેગ સાથે કંડકટર પાસે પહોંચી ગયો હતો. તેમજ અહિયા જ બસ રોકવાનું કહેવા લાગ્યો હતો. આ બધું જ મારી નરી આંખે જોઈ રહયો હતો. જયારે કંડકટર કોઈ ગામ કે બસસ્ટોપ ઉપર બસ ઊભી રહેશે તેવું સમજાવી રહયો હતો. પણ અત્યારે તેની કોઈ પણ વાત માનવા આ યુવાન તૈયાર ન હતો. કોણ જાણે અચાનક તેને શું થઇ ગયું હતું ?


બંને વચ્ચે થોડીવાર દલીલ શરૂ રહી. અને આખરે કંડકટરે અધવચ્ચે બસ ઊભી રાખવાનો બેલ મારી જ દીધો. હવે આ બધું જોઈને મારાથી બરાબર પૂછ્યા વિના રહેવાયું નહિ. બસ ઊભી રહે અને તે ઉતરી જાય તે પહેલાં જ હું તેની પાસે ઊભો રહી ગયો. ‘ શું થયું ? કઈ તકલીફ જેવું છે ?’ મે એક ફરજના ભાગ રૂપે પૂછ્યું, પરંતુ જતાં જતાં તેને ફક્ત એટલું જ કહ્યું, “ આરાધ્યાનો ફોન હતો “ બસ તે ફક્ત એટલું જ બોલી શક્યો. અને જેવી બસ ઊભી રહી, એટલે તરત જ નીચે ઉતરી ગયો. અને બસ હું તેને બસમાંથી જોઈ રહયો. ત્યારબાદ શું થયું ? એ તો ઈશ્વરને ખબર, બાકી મને જેટલી ખબર હતી. એ તો મે બધાની સમક્ષ મૂકી દીધી. હવે કદાસ ભવિષ્યમાં આ સ્ટોરી તે અને આરાધ્યા વાંચે તેમજ ત્યારપછી જો એ આગળ શું થયું હતું ? તે જણાવે પછી જ સાચી હકીકતની ખબર પડે. બાકી હું અને તમે ફક્ત કલ્પના જ કરી શકીયે.


= બની શકે તો સમયાંતરે આગળ .......