૨૬ જાન્યુઆરી, ૨૦૧૯
(આગલા પ્રકરણથી ચાલુ દિવસ)
"બસ, મારા હસબન્ડના અવસાન પછી હું સાવ એકલી થઇ ગઇ. પિયર પક્ષના દરવાજા તો મારા માટે બંધ જ હતાં. મમ્મી અને પપ્પા બન્નેના મૃત્યુ પણ ટૂંકા ગાળામાં જ થયાં, બન્નેનાં સમાચાર મળ્યાં ત્યારે હું ગઇ જ હતી. પણ મને ભાઇએ પણ ના આવકારી. સાસરી પક્ષ તરફથી દોલત બેશુમાર મળી ગઈ, પણ એકલતાની ભેટ ચારે તરફથી મળી. હસબન્ડ એક્સિડન્ટમાં ગુજરી ગયા ત્યારે હું માંડ સત્તાવીસ વરસની હતી, ત્યારથી અત્યાર સુધીમાં મને એકાદ બે જણ એવા મળ્યાં કે જેમની સાથે દિલનો સંબંધ હું અનુભવી શકું... પણ અંતે તો જવાબમાં સામે પક્ષે મને સ્વાર્થ જ દેખાયો... અને બસ, ધીરે ધીરે કવિતા સાથે જ પાકી દોસ્તી કરી લીધી. અત્યારે હું એવું અનુભવી રહી છું જાણે મને તમામ સુખ સાધનો અને સંપત્તિ સાથે કોઇ નિર્જન ટાપુ ઉપર વર્ષોથી એકલી છોડી દેવામાં આવી છે."
આખરે આ વાક્યોથી સંજનાજીની લગભગ અડધો કલાક લાંબી કથા પતી, અને આંખમાંથી દડ દડ આંસું વહેવા લાગ્યા, રડવાના "સૂડુક... સૂડુક" અવાજની સાથે. "કોફી, કેર એન્ડ મોર"ના વેઈટરો પણ જોઇ રહ્યાં. બીજા કોઇ કસ્ટમર નહોતા એટલે રડવાનો અવાજ ગુંજીને એમના સુધી પહોંચી શક્યો અને એ લોકો ફ્રી હોવાથી એ માણી પણ શક્યાં. 'કોફી' તો એ લોકોએ સર્વ કરી દીધી હતી, હવે એમના નામ પ્રમાણે 'કેર' નો વારો હતો. પણ મને ખાતરી હતી, એના માટે એ લોકો નહીં આવે. એ તો વગર પેમેન્ટે મારે જ બતાવવી પડશે. કાફેમાં આવતા પહેલાં હું ધારતો હતો કે સંજના મેડમ મારા પર ત્રાસ કરશે અને મારા જીવનની કથા ખોદવા પ્રયત્ન કરશે. પણ પછી હું સમજ્યો કે એ કથા સાંભળવા માટે નહીં, એમની કથા કહેવા માટે મને અહીં લાવ્યા હતાં. પ્રેમમાં ઘેલી બનેલી સુંદર યુવતી, જાતિ જ્ઞાતિની સંકુચિત માનસિકતા, મા બાપના વિરોધ છતાં ઘર ત્યાગીને પ્રેમી સાથે લગન, અને લગ્નનાં એક જ વર્ષની અંદર પતિનું મૃત્યુ... છેલ્લાં બાર વર્ષથી એકલવાયું જીવતા સંજનાજી. અને હવે હું મળ્યો. ના યાર, મહેરબાની... હું ક્યાંય નથી આવવા માંગતો આ વાર્તામાં. કોઇ નજીકના વ્યક્તિનું અવસાન થઇ જાય પછી જીવન સાવ નિરસ બની જાય. મને શું ખબર પડે! મારી નજીકનું તો કોઇ ક્યારેય ગુજરી નથી ગયું. હા, પણ મારી નજીકનું કોઇ છે જ ક્યાં! પપ્પાનું અવસાન થયું ત્યારે હું પંદર વરસનો હતો. એના પછી મારા જીવનમાં કોઇનું મૃત્યુ નથી થયું. મૃત્યુ થવાની જરુર જ નહોતી, જીવતેજીવત જ બધાં એ મને છોડી દીધો, કે મેં જે મળ્યાં એ બધાંને જ છોડી દીધાં. હું બોલવા જ જતો હતો કે, 'રડો નહીં, પ્લીઝ. જીંદગી દરેકને આ રીતે ઉંધા ચત્તા કરતી જ હોય છે.' પણ એવું હું બોલું એની પહેલાં મારા કાને એ જ શબ્દો અથડાયાં, 'રડો નહીં, પ્લીઝ. હું તમારી સાથે જ છું.' અને આવું એક વેઈટર કહી રહ્યો હતો, સંજનાજીની પાસે આવીને. મને પ્રશ્ન થયો કે જો આ વેઈટર સંજનાજીની સાથે છે, તો હું કોની સાથે અહીં આવ્યો છું?
'વાંધો નહીં, હું બરાબર જ છું. આઇ એમ ફાઇન. તમારી સેવા બદલ આભાર.' એવું સંજના મેડમનું બોલવાનું પતે એ પહેલાં વેઇટરે કાળા ભૂખરા કલરની, ચળકાટ વાળી એક રિવોલ્વર કાઢી. હું સમજી જ ના શક્યો કે આ બધું શું થઈ રહ્યું છે! વેઇટર પોતાના બાળકનું રમકડું લઇને કેમ અહીં આવ્યો છે! અને ધારો કે કામ પર આવું રમકડું લઈ પણ આવે તો અત્યારે જ્યારે રડારોળ ચાલી રહી છે ત્યારે કેમ એણે રમવા માટે બહાર કાઢ્યું? બહુ જ જોરદાર, કાન ફાટી જાય એવા બે ધડાકા થયા... મારી આજુ બાજુ જાણે લોહીની પિચકારી થઈ ગઇ. મેં મારા હાથ પર એક બચકું ભરી લીધું, હું તો હજુ જીવું છું ને એની ખાતરી કરવા માટે. ધડાધડ દોડવાનો અવાજ આવ્યો.... અને પછી જોરથી 'ખણણણ્ણ... ' એવો કાચ તૂટવાનો અવાજ આવ્યો. ગોળી ચલાવનાર વેઇટર હોટલની ગ્લાસની ફ્રેમ તોડીને બહુ જ ઝડપથી ભાગી ચૂક્યો હતો. મારી સામેની ચેર પર તો મારી નજર ઘણી સેકન્ડો પછી પડી. સંજનાજીનું પ્રાણ પંખેરું ઉડી ચૂક્યું હતું. એમના દેહ પર લોહીના મોટાં મોટાં ધબ્બા પડી ગયા હતાં કે એમનું શરીર જ આખું લોહીના ખાબોચિયાંમાં હતું તે નક્કી કરવું મુશ્કેલ હતું. ત્યાં સુધીમાં બીજા બધા વેઇટરો તથા બહારના રસ્તા પર અવરજવર કરતા લોકોનું મારા ટેબલની આસપાસ ટોળું થઈ ગયું હતું. ટેબલ પર પડેલ કોફી ઉપર મેં નજર નાખી અને કપ ઉપાડીને હોઠે લગાડવા ગયો, પણ અંદર કોફી કરતાં લોહી વધારે છે એ દેખાતાં મેં પાછો મૂકી દીધો.
થોડીવાર પછી હું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસના સવાલોનો જવાબ આપી રહ્યો હતો. એ લોકો એ માનવા જ તૈયાર નહોતાં કે સંજનાના જીવન વિષે મને જે થોડી ઘણી જાણ છે એ એની હત્યાની પંદર મિનિટ/ અડધા કલાક પહેલા જ થઇ. હું એમને એવું પણ ના સમજાવી શક્યો કે જવાબો આપતા પહેલાં મારે સરસ નાહી ધોઈને શરીર પરથી લોહીના ડાઘા સાફ કરવાની ઈચ્છા છે. કપડાં તો જો કે ફેંકી જ દેવા પડશે. મને પંદર દિવસ અમદાવાદ છોડીને બહાર ન જવા માટે સૂચના આપી, અને પોલીસ બોલાવે તો તરત હાજર થવા પણ તાકીદ કરી.
પોલીસ સ્ટેશનથી નીકળીને હું ઘરે જવા વિચારતો હતો. પણ મારે તો કોફી પૂરી કરવાની હજુ બાકી જ હતી, એટલે નજીકના એક કાફેમાં ગયો. ત્યાંના વેઇટરો અને અન્ય કસ્ટમર જે ત્યાં કોફી પી રહ્યાં હતાં, એ બધાં જ મારી સામે તાકી તાકીને જોઇ રહ્યાં. એમને કેવી રીતે ખબર પડી હશે કે હું હમણાં હમણાં જ એક મર્ડરનો સાક્ષી બનીને આવ્યો છું! પછી મારા ધ્યાનમાં આવ્યું કે મારા લોહીથી રંગાયેલા કપડાંના કારણે લોકો કૂતુહલ પામ્યાં છે. મેં મારું ટેબલ લીધું અને કોફી ઓર્ડર કરી. કોફી આવી અને મેં ત્રણ ઘૂંટડા માર્યાં. એટલામાં મારી સામે ચેર પર એક યુવતી આવીને ગોઠવાઇ ગઇ. કાફેમાં ઘણાં બધાં ટેબલ ખાલી જ હતાં, છતાં એ મારા ટેબલ પર કેમ બેઠી? પણ હું હજુ સંજનાની હત્યાની ઘટનાના આઘાતમાં જ હતો. નીચું માથું રાખીને ઘૂંટ જ મારી રહ્યો હતો, કે સામેથી યુવતી બોલી, 'કેવી છે કોફી? મારી એક મંગાવી દઉં?' અને આ અવાજ સંજનાજીનો જ હતો. સામે જોયું તો એ યુવતી સંજનાજી જ હતાં. મેં એમની પણ કોફી મંગાવી. કોફી પીતાં પીતાં મેં એમને પૂછ્યું, "તમે આટલી વાર ક્યાં ગયા હતા? અને આપણે આ કોફી શોપમાં તો નહોતાં જ બેઠાં ને?" સંજનાજી ખડખડાટ હસી પડ્યાં. "પેલી કોફી શોપમાં કોઇકનું અચાનક મર્ડર થઇ ગયું, અને બહુ હોહા થઇ ગઇ એટલે તો ત્યાંથી નીકળીને આપણે અહીં આવ્યાં. ખરું ભૂલી જાઓ છો તમે તો!" મને પૂછવાની ઈચ્છા થઈ કે, 'એ મર્ડર તો તમારું જ નહોતું થયું?' પણ કોઇને એના પોતાના મર્ડર વિશે ના પૂછાય, ખોટું લાગી જાય. એવું વિચારી હું ચૂપ રહ્યો. મેં એમને એવું પૂછ્યું, 'હમણાં તો હું અહીં જ બેઠો હતો ને! હમણાં તમે ક્યાંથી આવ્યા?' સંજનાજી એ જવાબ આપ્યો, 'મારા હસબન્ડનો કોલ હતો, એટલે વાત કરવા બહાર ગઈ હતી.' મને યાદ આવ્યું કે હસબન્ડના અકાળ મૃત્યુ પછી તો એ એકલવાયા થઈ ગયા હતાં! અને હવે જો હસબન્ડ ફરીથી જીવિત થયો હોય તો સારું જ છે, એમની એકલતા દૂર થશે.
કોફી પત્યાં પછી થોડી ઔપચારિક વાતો કર્યા પછી અમે છૂટા પડ્યાં. અત્યારે ડાયરી લખતાં લખતાં હું એ જ વિચારી રહ્યો છું કે, કાલે એટલે કે રવિવારે બપોરે મિતુલની સગાઈમાં જવાનું છે. જે છેક અહીંથી ત્રીસેક કિલોમીટર દૂર હાથીજણનાં કોઇ પાર્ટી પ્લોટમાં છે. પાર્થ તો મણિનગર જ રહે છે એટલે એ તો એની મેળે પહોંચી જશે. પણ ડેમીને લઈને મારે જવાનું છે. ડેમી તૈયાર થઈને અહીં મારા ઘરે આવશે, પછી બાઇક પર છેક હાથીજણ જઈશું. એ સમયસર આવી જાય તો સારું. છોકરીઓને પ્રસંગો પર તૈયાર થતાં કેટલો બધો ટાઈમ લાગે! અને તોય લાગે તો ભૂત જેવી જ.
સંજનાજી અને એમના હસબન્ડ, બન્ને કે બન્નેમાંથી કોઇ એક, હયાત હશે કે મૃત એ વિશે બહુ વિચાર કરવાની કોશિશ કરી પણ કોઇ વિચાર નથી આવતો.