૨૬ જાન્યુઆરી, ૨૦૧૯
અમુક વાર અમુક અજાણ્યા લોકોને મળીયે અને એ આપણી બહુ જ નજીકની વ્યક્તિ હોય એવું વર્તન કરવા લાગે. મારા જેવા અંતર્મુખીને એ થોડું અજીબ લાગે, અને મોટાભાગના લોકો પણ એવા વ્યક્તિથી થોડું અંતર રાખવાનું જ પસંદ કરે. પણ જો આપણને એ વ્યક્તિમાં થોડો ઘણો રસ પડે કે એનાથી આપણો કોઇ મતલબ નીકળશે એવું લાગે તો આપણે પણ એની આવી "ગેરવાજબી નજદીકી"ને હળવેથી આવકારીયે જ. મારી સાથે પણ એવું થયું અને મેં પણ એવું કર્યું. સંજના મેડમ સાથે આજે પહેલી વખત રૂબરૂ વાત થઈ.
બન્યું એવું કે, આજે શનિવાર અને પ્રજાસત્તાક દિવસ પણ છે, એટલે "સાહિત્ય રસિક મંડળ" દ્વારા આજે સાંજે કવિ સંમેલન હતું. આ મંડળ દ્વારા મહિને એકાદ બે વખત કવિતાનો કોઇને કોઇ કાર્યક્રમ થતો જ હોય છે, અને અહીં અમદાવાદમાં જ હોય છે એટલે હું બને ત્યાં સુધી જતો જ હોઉં છું. "સાહિત્ય રસિક મંડળ"ના કવિસંમેલનોમાં અમદાવાદના તો મોટાભાગના જાણીતા કવિઓ હાજરી આપે જ. જેમાંથી ચાર પાંચ પ્રખ્યાત કવિઓ અને એકાદ બે નવોદિત કવિઓનું કાવ્યપઠન એ લોકો રાખે. ઘણી વાર બહાર ગામના કવિઓનું પઠન પણ હોય. એને કાવ્ય રસિકો માટે ખૂબ સારી પ્રવૃત્તિ અને નવોદિત કવિઓ માટે ઉચ્ચ પ્લેટફોર્મ ગણી શકાય. મારા જેવા જે અર્ધા પર્ધા કવિ હોય એવા લોકો દરેક કાર્યક્રમમાં સાંભળવા આવતા હોય. મને બહુ ઓછા કવિઓ ઓળખે એટલે હું ત્યાં હોલ પર સમય પહેલાં તો ન જ પહોંચું અને પાછળની કોઇ હરોળમાં જઇને જ બેસું. પણ આજે ઓફિસ પતાવીને ત્યાં પહોંચતા વધારે મોડું થઈ ગયું અને પાછલી બધી જ હરોળ ભરાઇ ગયેલી લાગી. બીજા નંબરની લાઇનમાં થોડી ખુરશી ખાલી હતી, હું વિચારતો હતો કે અહીં જ ક્યાંક બેસી જઉં કે પાછળ જઈને જગ્યા શોધું! એટલામાં ત્યાં જ બેઠેલા સંજના મેડમનો અવાજ આવ્યો, "ધ્રુવ! અહીં બેસી જાઓ." આ પહેલી વખત એમનો કોકિલકંઠ જેવો અવાજ રૂબરૂમાં સાંભળ્યો. અત્યાર સુધી ફોન પર ચારેક વખત વાત થઇ છે. અને 'વ્હોટસએપ' ચેટીંગ ઘણી વાર કર્યું છે. એમની લખેલી કોઇ કોઇ ગઝલો મને ગમે, ઘણી બધી ના પણ ગમે. બે એક મહિના પહેલા એક પ્રેમમાં એકલતા વિષેની ગઝલ એમણે પોસ્ટ કરેલી, અને મને એ બહુ જ ગમી. એ વખતે હજી તો હું માંડ માંડ છંદમાં કવિતા લખતાં શીખતો હતો. મેં એમને પર્સનલમાં મેસેજ કર્યો કે, 'બહુ સરસ ગઝલ છે, મેડમ.' એમણે આભાર માન્યો, પછી થોડા દિવસે મારી પ્રોફાઈલ જોઇ તો એમને ખ્યાલ આવ્યો કે હું પણ લખું છું. (કવિઓની પ્રશંસા કરનારા મોટાભાગે કવિઓ જ હોય છે, એ એમણે સમજી લેવા જેવું હતું) ક્યારેક મેં સારું લખ્યું હોય તો એ લાઇક કરે, ક્યારેક કોમેન્ટ પણ આપે. પછી તો મારી પ્રોફાઈલના મારા પોતાના બધાં ફોટોસ પણ એમણે લાઇક કરી લીધાં. હું છેલ્લાં ઘણાં વર્ષથી પોતાની જાતને એટલો પ્રેમ કરતો થઈ ગયો છું કે ખૂબ સેલ્ફીઝ પાડું. અને બે ચાર દિવસે એમાંથી એકાદ તો પોસ્ટ કરું જ, અને સંજના મેડમ લાઇક કરે જ. મારી બધી જ કવિતા પર પણ એ લાઇક આપવા માંડ્યા. પછી વોટ્સએપ નંબરની આપ લે થઈ. હું એમને મારી ઘણી રચના મેસેજ કરીને મોકલી, છંદની ભૂલો શોધી આપે કે અન્ય કોઇ ફેરફાર કરવાનું એ સૂચવે, ટૂંકમાં કવિતામાં મારા પ્રથમ ગુરુ કહી શકાય. આવી કશી સલાહ કે ચર્ચા માટે હું એમને જરુર પડે ફોન પણ કરું. ફેસબુકમાં એમના ફોટોસ પરથી મારા જેવડી જ ઉમરના લાગ્યા, કદાચ એક બે વર્ષ નાના પણ હોય. ખૂબસુરત કહી શકાય, પણ એથી વધુ જાજરમાન કહેવું યોગ્ય ગણાય. સૌંદર્ય અને ઐશ્વર્યનો સમન્વય ઉપસી આવે એમના દેખાવમાં. જો કે જેમ જેમ એકાદ બે મહિનામાં કવિતા પર મારી પકડ વધુ મજબૂત બની પછી એમની રચનાઓ તો મને થોડી દરિદ્ર જ લાગતી. પણ પછી ઘણી વાર એમના સામેથી મેસેજ આવતા, છૂટક પૂટક વાત કરી લેતાં... ક્યારેક કવિતા વિશે કે ક્યારેક એમ ને એમ પણ. વાતચીતમાં હું એમને મેડમ કહીને જ બોલાવું, દરેકને "ફલાણા ભાઇ" કે "ઢેકણા બેન" એવું 'ભાઇ-બેન' વાળું ગુજરાતી પધ્ધતિનું સંબોધન મને પહેલાથી જ ઓછું ફાવે છે, ગુજરાતી હોવા છતાં! તો પણ પુરુષોને ભાઇ કહી દઉં, સ્ત્રીઓને બેન નથી કહી શકાતું.... સિવાય કે સવિતાબેન જેવી કોઇક મારી ઉંમરની મારાથી ઘણી નીચી પોસ્ટ વાળી સ્ત્રી હોય તો. બાકી જે ઉંચી પોસ્ટ પર હોય એ "મેડમ" અને નાની ઉંમર નીચી પોસ્ટ હોય તો ફક્ત નામથી કામ ચગાવું. તો મૂળ વાત હતી કે અગાઉ વીસેક દિવસ પહેલાં 'સાહિત્ય રસિક મંડળ'નું જે કવિ સંમેલન હતું, એમાં આ સંજના મેડમનું કાવ્ય પઠન હતું પણ એ વ્યસ્ત હતાં અને હું મળ્યો નહતો. એ અગાઉ બે ચાર વાર એમને અહીં જોયા હતાં ત્યારે ફોન પર કોઇ સંપર્ક નહતો. એટલે આ પહેલી જ વાર એમના રૂબરૂ સાનિધ્યનો લાભ મળ્યો. એમના મીઠા મધુરા અવાજ (ટૂંકમાં કહેવું હોય તો "સેક્સી" કહી શકાય) નું માન રાખી હું એમની બાજુમાં ગોઠવાયો.
સ્ટેજ પરથી કવિતાઓ ચાલુ થઇ. મારા માટે અઘરું હતું, કવિતામાં ધ્યાન રાખવું. બાજુમાં આવી કોઇ તેજસ્વી બલા બેઠી હોય, અને એ પણ એનો હાથ, કોણી કે ક્યારેક ખભો પણ તમારા પ્રત્યક્ષ સંસર્ગમાં આવી જાય એવી સીટ હોય, અને એમાંય પાછું કોઇ સરસ શેર કે પંક્તિ આવે તો "વાહ વાહ", "ક્યા કહને", એવું બધું બોલીને એ તમારી સામે જોતી હોય, સ્મિત આપે... ક્યાં સુધી સહન કરે પુરુષ! મને કહેવાની ઈચ્છા થઈ ગઇ કે, "ઓ સંજના બેન! કવિતા સ્ટેજ પરથી બોલાઇ રહી છે, હું નથી બોલી રહ્યો." માંડ માંડ બે અઢી કલાકનો કાર્યક્રમ પત્યો. 'પછી મારે તમારી સાથે વાત કરવી છે, બહાર ઉભા રહેજો ને થોડી વાર. હમણાં કવિઓને મળી લઈએ, પછી." આટલું બોલી એ તો સ્ટેજ તરફ જતા રહ્યાં, એમને તો બધાં જ ઓળખે. સ્ટેજ પર જઈ બધાં જોડે ફોટો સેશન્સ કરવામાં વ્યસ્ત થઇ ગયા. મેં પણ ભાવિનભાઇ, ચતુરભાઇ વગેરે જે બે ત્રણ કવિ મને ઓળખતા હતાં એમની પાસે જઈ ઔપચારિક વાતો કરી. જે લોકો મને નામથી થોડું ઘણું જાણતા હોય, પણ વાતચીત ભાગ્યે જ કરી હોય એવા લોકો પાસે સામેથી જઈને વાતો કરવાનું કામ મારા માટે હંમેશા અઘરું જ રહ્યું છે. પણ હવે મને ખ્યાલ આવ્યો છે કે જો કવિ તરીકે થોડાં ઘણાં પણ જાણીતા થવું હશે તો એ તો કરવું જ પડશે, નહીં તો કોઇ ક્યારેય નહીં ઓળખે.
થોડીવાર પછી હું અને સંજનાદેવી હોલમાંથી પાર્કીંગ તરફ જવાના રસ્તે ચાલતા હતાં. પગદંડી પર બન્ને બાજુ એલ. ઈ. ડી. ના લેમ્પમાં સંજનાજીની ચમકદાર ત્વચા વધુ ચમકી રહી હતી. એમની આભા, એમનું તેજ જાણે મને સતત દૂર રહેવાની સલાહ આપતા હતાં, પણ એમની સપ્રમાણ આકર્ષક દેહયષ્ટિ વાત કરતાં કરતાં મારી તરફ ઝૂકી રહી હતી. "ધ્રુવ, તમારે પેલું ગઝલના છંદનું પુસ્તક જોઇતું હતું ને! તે લાવી છું. મારી કારમાં જ છે, ત્યાં સુધી ચાલો, હું આપું તમને", મેડમ બોલ્યાં. "હા, મેડમ પણ એ તો પછી મેં ઓનલાઈન મંગાવી લીધું હતું, અને એ વાતને તો ખાસ્સો સમય થઈ ગયો! તમને હજુ એવું લાગે છે કે મારી રચનામાં છંદના લોચા હોય છે!" મેં હળવાશથી કહ્યું. એ હસ્યા, પછી બોલ્યાં, "ના, ખરેખર બહુ મસ્ત લખો છો હવે તો! તમારી કવિતામાં આટલું દર્દ ક્યાંથી લાવો છો?" મને તો એ જ વાતની નવાઈ લાગી કે મારી કવિતામાં દર્દ હોય છે! રોતડું રોતડું તો એ પોતે લખતાં હોય છે. "જૂનું જૂનું થોડું પડ્યું હોય છે મારી પાસે, એને વાટી વાટીને દરેક કવિતામાં સ્હેજ સ્હેજ જવા દેતો હોઉં છું." એવું બોલ્યો અને પછી અમે બન્ને ખડખડાટ હસી પડ્યાં. લાઈટ પડતાં એમના હોઠ પર જાણે સિતારા ચમકતા હોય એવું દ્રશ્ય લાગતું હતું, પણ એ સિતારા મારે નથી જ તોડી લાવવાના એ બાબતે હું ચોક્કસ હતો. 'તમારા ઘરમાં કોણ કોણ છે?' એ કદાચ ક્યારનાય પૂછવા માંગતા હતાં. 'જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું, અને જ્યારે ના હોઉં ત્યારે કોઇ નહીં.' ફરી હું બોલીને હસી પડ્યો. પણ આ વખતે હું એકલો. હવે અમે એમની કાર પાસે ઉભા હતાં. 'ઓહ! તમે મેરેજ જ નથી કર્યા?' સુવાળાં લાલચટક હોઠમાંથી ફરી સુવાળો અવાજ આવ્યો. 'અરે! બહુ લાંબી વાર્તા છે, પછી ક્યારેક. હકીકતમાં વાર્તા નહીં, વાર્તાઓનો આખો સંગ્રહ છે." હું ફરી હસ્યો. 'અરે! ચાલો ને ધ્રુવ, સામે સરસ કોફી શોપ છે, ત્યાં બેસીએ થોડી વાર.' મને એહસાસ થયો કે, યાર! હું ક્યારનો આ મેડમ સાથે શું ખપાવી રહ્યો છું! હું મારા જીવનનો ચોપડો ક્યારેય મારી પોતાની સામે પણ નથી ખોલતો, તો પછી આ સૌંદર્યમૂર્તિ શું ચીજ છે! આટલી વાત પણ એમની સાથે કરી એનું કારણ એ જ કે કવિતા ક્ષેત્રે એ મારા સિનિયર કહેવાય કદાચ ક્યારેક એમની જરુર પડશે જ એવી આશા. અને ચલો, મારું છોડો... એ મારી સાથે કેમ આટલાં આત્મીય થવા માંગે છે? અને મને સ્હેજ પણ નથી પસંદ કોઇ સામે મારી જીંદગીની કહાની કહેવાનું. મેં કહ્યું એમને કે મારું જમવાનું ઘરે તૈયાર જ હશે, કોફી પી લઈશ તો જાશે નહીં, પણ એ મને ખેંચીને લઇ જ ગયા (ખેંચીને એટલે કોલર પકડીને કે હાથ પકડીને તો નહીં પણ શબ્દોથી મારા બધાં બહાના નાકામ બનાવીને) સામે આવેલી "કોફી, કેર એન્ડ મોર" માં.
(ડાયરીલેખનમાં તારીખ ૨૬ જાન્યુઆરીના દિવસનું લેખન પ્રકરણ ૭ માં ચાલુ રહેશે)