વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 162
4 જૂન, 2013ના દિવસે મહારાષ્ટ્રના દલિત રાજકીય નેતા અને રાજ્યસભાના સભ્ય પ્રકાશ આંબેડકરે એવો ધડાકો કર્યો હતો કે, ક્રિકેટ જગત સાથે સંકળાયેલો એક યુવાન કેન્દ્રિય પ્રધાન પાકિસ્તાન ગયો ત્યારે દાઉદ ઈબ્રાહિમને મળ્યો હતો અને તેની દાઉદ સાથેની મુલાકાત વખતે પાકિસ્તાની લશ્કરનો એક ઉચ્ચ અધિકારી પણ હાજર હતો!
જોકે આશ્વર્યજનક રીતે, દાઉદની ટેલિફોનિક વાતોમાં દાઉદ પ્રધાનનું નામ બોલ્યો એ વિશે અને પ્રકાશ આંબેડકરના આક્ષેપ વિશે આગળ કોઈ તપાસ કે ચર્ચા થઈ નહીં.
**********
આઈપીએલના સ્પોટ મેચ ફિક્સિંગ કૌભાંડને મુદ્દે દાઉદનું નામ ગાજ્યા પછી સરકાર. પોલીસ અને પબ્લિક તથા મિડીયા ફરી એકવાર દાઉદને ભૂલવા માંડ્યા હતા ત્યાં જ અચાનક પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફના ખાસ દૂત શહરયાર ખાને ધડાકો કર્યો કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. 11 ઓગસ્ટ, 2013ના દિવસે આવું નિવેદન કર્યા પછી શહરયાર ખાને બીજા જ દિવસે ગુલાંટ મારી કે, ના, ના. દાઉદ પાકિસ્તાનમાં નથી. મારો કહેવાનો મતલબ એમ હતો કે દાઉદ કદાચ પહેલા પાકિસ્તાનમાં હતો. બાકી એમ પાકિસ્તાનમાં હોત તો અમે તેને ક્યારનો પકડી પાડ્યો હોત! મને લાગે છે કે પાકિસ્તાની સરકારથી ડરીને દાઉદ સાઉદી અરેબિયા કે બીજા કોઈ દેશમાં ભાગી ગયો છે.
શહરયાર ખાને દાઉદને મુદ્દે યુ ટર્ન લીધો એના બીજા જ દિવસે ‘મુંબઈ સમાચાર’ દૈનિકના ફાયર બ્રાન્ડ પત્રકાર નિર્મલ પટેલે મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારી પાસેથી માહિતી મેળવીને ઘટસ્ફોટ કર્યો કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને એના પુરાવા મુંબઈ પોલીસ પાસે છે. મુંબઈ પોલીસે દાઉદના ભાઈ અને બહેનના દાઉદ સાથેના ટેલિફોનિક કન્વેર્સેશન આંતરીને એ વાતની ખાતરી કરી હતી. ‘મુંબઈ સમાચાર’ દૈનિકમાં એ સ્ટોરી લીડ તરીકે છપાઈ એ પછી તો બીજા અખબારો અને ટીવી ચેનલ્સ પણ દાઉદ પાકિસ્તાનમાં જ છે એવું ગાણું ગાવા લાગ્યા.
*********
14 ઓગસ્ટ., 2013ની રાતના 11-30 કલાક, એસેક્સ (લંડન)માં દાઉદ ઈબ્રાહિમના ખાસ દોસ્ત કુખ્યાત ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચીનું અચાનક હાર્ટએટેકથી મૃત્યુ થયું. ઈકબાલ મિર્ચીની લંડનમાં બે વખત ધરપકડ થઈ હતી પણ તેને ભારત લાવવામાં નિષ્ફળતા મળી હતી અને બંને વખતે ઈકબાલ કાનૂની આંટીઘૂંટી અજમાવીને નીકળી ગયો હતો. 63 વર્ષના ઈકબાલ મિર્ચીના અચાનક મૃત્યથી લાગેલા આઘાતમાંથી દાઉદ બહાર આવે એ પહેલાં જ બે દિવસ બાદ મુંબઈમાં દાઉદના બાળપણના મિત્ર ખાલીદ ઘાંચીનું પણ હાર્ટએટેકથી મૃ્ત્યુ થયું. દાઉદનો બાળપણનો મિત્ર ખાલીદ ઘાંચી જો કે અંડરવર્લ્ડ સો ગાઉ દૂર રહ્યો હતો, પણ દાઉદના માણસો તેને હંમેશા આદર આપતા રહ્યા હતા.
બે ગાઢ મિત્રોના મૃત્યુથી લાગેલો આંચકો દાઉદ પચાવે એ પહેલાં 16 ઓગસ્ટ, 2013ના દિવસે દાઉદના નજીક ગણાતો કુખ્યાત આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા ભારતના કબજામાં આવી ગયો. પહેલા મિડીયા સુધી એવા સમાચાર પહોંચ્યા કે અબ્દુલ કરીમ ટુંડા ભારત અને નેપાળની સરહદ પર ઝડપાઈ ગયો છે પણ પછી સાચી વાત બહાર આવી કે ટુંડાને દુબઈ સરકારે પ્રત્યાર્પણ દ્વારા ભારતના હવાલે કર્યો છે. ભારતના અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવનારા ટુંડાએ પોલીસની પૂછપરછ દરમિયાન કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને તે કરાંચીમાં જ છે. હું દાઉદને અનેક વાર કરાંચીમાં મળ્યો છું.
આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાના એ ઘટસ્ફોટના થોડા દિવસ પછી ભારતના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ લોકસભામાં કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને ભારત સરકાર તેને કોઈ પણ હિસાબે ભારત લાવવા કટિબદ્ધ છે. વળી 3 સપ્ટેમ્બર, 2013ના દિવસે શિંદેએ પત્રકારોને કહ્યું કે, જેમ અબ્દુલ કરીમ ટુંડાને ઊંચકી લાવ્યા એ જ રીતે અમે દાઉદને પણ ઊંચકી આવીશું. દાઉદના સાથીદાર છોટા શકીલે સુશીલકુમાર શિંદેના એ નિવેદનની મજાક ઉડાવતા કહ્યું કે ભાઈ, (દાઉદ ઈબ્રાહીમ) કંઈ હલવો છે કે એને એમ સહેલાઈથી ઊંચકી લાવી શકાય!
*********
અમારા પોલીસ ઓફિસર ફ્રેન્ડ પપ્પુ ટકલાની ગેરહાજરીમાં અંડરવર્લ્ડની વાતો કહી રહ્યા હતા ત્યાં જ અચાનક તેમના મોબાઈલ ફોનની રિંગ વાગી. સામેથી બોલાયેલા શબ્દો સાંભળીને તેમના ચેહરા પર એવા ભાવ ઉપસી આવ્યા કે તેઓ ચોંકી ગયા હોય. તેમણે વાત પૂરી કરી ત્યાં સુધીમાં તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. મોબાઈલ ફોન બાજુમાં મૂકીને તેમણે કહ્યું, “પપ્પુ ટકલા ઈઝ નો મોર!”
‘પપ્પુ ટકલા ઈઝ નો મોર’ એટલે કે પપ્પુ ટકલા હવે ભૂતકાળ બની ગયો છે, એ શબ્દો સાંભળીને થોડીક ક્ષણો માટે અમારું મગજ સુન્ન થઈ ગયું. આમ પપ્પુ ટકલા સાથે અમારે કોઈ સંબંધ નહોતો અને એમાંય એ અંડરવર્લ્ડનો આદમી હતો. તેમ છતાં આટલા મહિનાઓથી એની સાથે મુંબઈની અંધારી આલમથી માંડીને દુબઈ, બેંગકોક, નેપાળ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા તથા મલેશિયાની અંધારી આલમની એક શબ્દોના માધ્યમથી સફર કરી રહ્યા હતા. બ્લેકલેબલ વ્હિસ્કીને પેગ ભરવાની એની સ્ટાઈલ, ફાઈવફાઈવફાઈવ સિગરેટ ફૂંકવાની એની આદત, વાતમાં અતિશય રસપ્રદ વળાંક આવે ત્યારે વ્હીસ્કીને ઘૂંટ ભરીને ફાઈવફાઈવફાઈવનો કશ ખેંચવાની એની સ્ટાઈલ, એના ઘણા ટપોરી બ્રાંડ શબ્દપ્રયોગો અને એથીય વિશેષ, વાળ વિનાના માથા ઉપર ફરતો એનો હાથ, બધુ જ અમારા માનસપટમાં તરવરી રહ્યું. એ અજાણ્યા માણસ સાથે અંધારી આલમના અજાયબ અંધારા-ઉજાસ અને જાતભાતમાં રંગો અમે જોયા હતા. પપ્પુ ટકલા કંઈ સજ્જન પુરુષ તો નહોતા જ! અંડરવર્લ્ડની અત્યાર સુધી ચાલી ચૂકેલી રીઅલ લાઈફની રીલોમાં ક્યાંક એણે પણ ભૂમિકા ભજવી હતી. એનાથી અમે બેખબર નહોતા અને એ અર્થમાં આવો કોઈ માણસ આ પૃથ્વી પરથી વિદાય લે તે અંગત રીતે દુઃખની બાબત તો નહોતી જ. એમ છતાં આ ખલનાયક જેવી વ્યક્તિના થોડાક સારા પાસાં પણ અમે જોયા હતા.
(ક્રમશઃ)