આંખોમાં રંગોની મહેફીલ
પ્રાર્થના સભામાં એક જાહેરાત થઇ.
જાહેરાત સાંભળીને વિદ્યાર્થીઓની કાનની બુટ્ટીને સ્પર્શીને ચોપાસ ઘૂમતી સઘળી હવાઁઓ રંગભરી પિચકારી બની ગઈ.
“કાલે આપણે મોટા શહેરમાં જાદુગરના જાદુના ખેલ જોવા જાવાનું છે. તમારે ઘરેથી જાદુના પંદર રૂપિયા અને ભાડાનાં પાંચ રૂપિયા એમ કુલ વીસ રૂપિયા લાવવના છે..”
જાહેરાતનું શૂરાતન એવું તે ચડ્યું કે બધ્ધાં બાળકોની આંગળી ઊંચી... ખૂબ ઊંચી થઇ ગઈ...
“એ....એ.... જાદુ.... જાદુગર... એ... હું જવાનો...!!!”
સાતમાં ધોરણમાં તમામ વિદ્યાર્થીઓ સાહેબને રૂપિયા જમા કરાવતાં હતાં. બાળકોએ વીસ રૂપિયાવાળી નોટને એવી તે કચકચાવીને મુઠ્ઠીમાં બંધ કરેલી; કે સાહેબ પાસે પોતાનું નામ લખાવે ત્યારે જ ખૂલે. ખરેખર તો રૂપિયા જમા કરાવતાં બાળકોની મુઠ્ઠીમાં જાદુ હતું !
જાદુ હતું... વિસ્મયનું..... જાદુ હતું... અચરજનું... જાદુ હતું... બેકરારીનું... બેતાબીનું...!!!
આજે વર્ગખંડનું એવું દ્રશ્ય સર્જાયું કે એક સાચુકલો જાદુગર; ખોટુકલાં જાદુગરના શો જોવા માટે પોતાનું નામ લખાવતો હતો. ખરેખર ! પ્રત્યેક બાળક એક મહાન જાદુગર છે.
પ......ણ......
ધોરણ સાતમાં ભણતો બાબુ એની જગ્યાએ જ બેસી રહ્યો. સૂનમૂન. જાદુ જોવાની ઇરછાનું કત્લ કરીને. આંખો ઢાળીને.. ઢીલો ઢફ્ફ બનીને.
સાહેબની નજર બાબુ પર પડી. બાબુના વાંકડિયા વાળની એક ઝુલ્ફ બાબુને કાનમાં ગલીપચી કરીને હસાવવા વ્યર્થ પ્રયત્ન કરતી હતી. બાબુ આજે હસવાનું ભૂલી ગયો હતો. બાબુની નટખટ મસ્તી આજે મૂંગીમંતર બની હતી.
“બાબુ, બેટા... તારે નથી આવવું ?”
બાબુની રમતિયાળ આંખો સાહેબ સામે નજર કરીને ઢળી ગઈ.
“તારા બાપુ ના કહેતાં હોય તો હું વાત કરું ? રૂપિયા નથી? કઈંક વાત કરે તો ખબર પડે ને !” સાહેબે પૂછ્યું.
“સા’બ... સા’બ... બાબુ પાંહે એક પાકીટ છે, ‘ઈ માં વીસ રૂપિયા છે. સા’બ એના બાપુએ જાદુગર જોવા જાવાની તો હા પાડી છે.” અલીબાબાનો ખજાનો હાથ લાગ્યો હોય એવા ઉત્સાહથી બાબુના મિત્રો એક સાથે બોલ્યાં.
બાળકોની વાત સાંભળીને સાહેબ બાબુની બાજુમાં બેસી ગયા.
“બાબુ, હવે તો તારા બાપુ પણ હા કહે છે.”
“હા ભણી છે પણ રૂપિયા નથી દીધાં.”
“બાબુ તારા પાકીટમાં તો વીસ રૂપિયા છે ને ?!” બાબુ કંઈક બોલે તેમ સાહેબ ઇરછતા હતા.
“હા મારી પાસે વીસ રૂપિયા છે પણ ‘ઈ હું નૈ આપું. સા’બ મારા બાપુ કે કે અત્યારે તારી પાંહે છે ‘ઈ આપી દે, પછી હું આપી દઈશ. સા’બ મારા બાપુ મારા વીસ રૂપિયાની વાંહે પડ્યા છે. પણ આ વીસની નોટ હું કોઈને નહીં આપુ.
બાબુ આજે જીદે ચડ્યો હતો. કોઈની વાત માનવા તૈયાર નહોતો.
“તો આપી દે ને ! આ જો બધાં આવે છે.” ફરી સાહેબે પ્રેમથી પૂછ્યું.
તમામ વાતોનો અંત બાબુના પાકીટ પાસે આવીને અટકી જતો. વિદ્યાર્થીઓની સાથે સાથે સાહેબેને અચરજ એ વાતનું હતું કે બાબુ જાદુ જોવા માટે પણ આ વીસની નોટ નથી આપતો.
બાબુ હવે સાહેબને સમજાવતા બોલ્યો: “તમને તો ખબર છે સા...હે...બ.... મારા બાપુ ઢોલ વગાડે છે. મારા બાપુ ઢોલ વગાડે, ને લોકો પૈસા ઉડાડે. હું ચોથા ધોરણમાં હતો ત્યારે મારા બાપુ હાર્યે એક લગનમાં ગયો હતો. ત્યારે આ વીસની નોટ મારા હાથમાં પહેલાં-વહેલાં આવેલી. સા’બ મારી આ પહેલી કમાણી છે. આને હું આખી જીન્દગી સાચવીશ. આ નોટ હું કોઈને નૈ આપું.”
બાબુ પોતાના દિલની વાત આંખોથી બ્યાન કરતો હતો. સાહેબ બાબુના જજબાત સમજી ગયા. બાબુ માટે એ વીસ રૂપિયા નહોતાં; બાબુનું એ સર્વસ્વ હતું.
જાદુનો શો શરૂ થયો.
બાળકોના આંખોમાં રંગોની મહેફીલ જામી હતી.
ઉત્સાહ હતો.
ચીચીયારીઓ હતી.
મસ્તીનો મહાસાગર હતો.
વિસ્મિત આંખોધારી બાબુ પહેલી હરોળમાં હતો.
બાબુના પાકીટમાં વીસ રૂપિયા હેમખેમ હતાં.
#નરેન્દ્ર_જોષી. #NARENDRA_JOSHI
#સંજોગ_ન્યૂઝ. #રસધાર, રવિપૂર્તિ.
#ટૂંકીવાર્તા. (5/03/2020)