** આથમતા સૂરજના સથવારે... **
સાબરમતી નદીના કિનારાને અડીને આવેલ એક નાનકડા ગામમાં દિવાળીના બે દિવસ અગાઉ પ્રભાભાઈ પટેલના ખોરડાની બાજુમાં આવેલ ચોગાનમા ત્રણ લક્ઝુરિયસ ગાડી પાર્ક થયેલી હતી. સંધ્યા રાણીએ ધીમા પગલે અવનિ પર આવી પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. આસો વદ તેરસની (ધન તેરસ) રાત હતી. ખાસો અંધકાર હતો. કોઈકના ઘરે એક કે બે દિવડા ટમટમી રહ્યા હતા. વાતાવરણમાં બાફ હતો તેમ છતાં સાબરમતી નદી પરથી આવતો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવવા મહેનત કરી રહ્યો હતો. ચોગાનની વચ્ચોવચ એક લોખંડનો પલંગ હતો અને તેની આજુબાજુ છ સાત પ્લાસ્ટિકની ખુરશીઓ પડી હતી. પલંગ પર આશરે પંચોતેર વર્ષના પ્રભાભાઈ સૂતેલા હતા. બાજુની ખુરસીઓ પર તેમના બે દીકરા, બે દીકરાની પત્નીઓ, દીકરી અને જમાઈ બેઠા હતા. હળવે હળવે વાતો ચાલતી હતી. તેમના બંને પુત્રો અને પુત્રી પ્રભાભાઈ માટે ખૂબ મોંઘી મોંઘી ભેટો લાવ્યા હતા તે તેમના પલંગ ઉપર મૂકી હતી. તેમનો જ્યેષ્ઠ પુત્ર ગણપત હજુ ઘરે પહોંચ્યો ન હતો. ઘરના રસોડામાં ગણપતની પત્ની લક્ષ્મી સૌના માટે રસોઈ બનાવી રહી હતી. આજે આખું કુટુંબ એક સાથે વતનના ઘરમાં હાજર હોવાથી લક્ષ્મીના હદયમાં ઉલ્લાસ સમાતો ન હતો. તે ખુશીમાં તેણે કંસારનું આધણ મૂક્યું હતું. પ્રભાભાઈની નજર ગણપત જે દિશામાંથી આવવાનો હતો તે તરફ મંડાઇ હતી. તેમણે પલંગમાં સૂતાં સૂતાં રસોડામાં કામ કરતી પુત્ર વધુ લક્ષ્મીને મોટા અવાજે પૂછ્યું “ બેટા લક્ષ્મી મોટો (ગણપત) હજુ કેમ નથી આવ્યો ...?” લક્ષ્મીએ ત્યાંથીજ જવાબ વાળ્યો “ બાપુજી તે આવતાજ હશે. કદાચ દિવાળીને લઈને દુકાનમાં કામ વધારે હશે એટલે મોડુ થયું હશે. “ કહી તે પોતાના કામે વળગી.
દસ મિનિટ પછી ગણપત તેની ખખળધજ સાઇકલ પર આવી પહોંચ્યો. તેણે આવીને તેના બાપુજીને પગે લાગી આશીર્વાદ લીધા અને બોલ્યો “ બાપુજી તમારા માટે નવું ધોતિયું લાવ્યો છું “ કહી પ્લાસ્ટિકની થેલીમાંથી એક બગલાની પાંખ જેવુ સફેદ ધોતિયું કાઢી પ્રભાભાઈને આપ્યું જે જોઈ પ્રભાભાઈ ખૂબ ખુશ થયા. તેમણે તે ધોતિયું લઈ પોતાની છાતી પર ગોઠવ્યું. તેમના શ્રીમંત દીકરાઓ અને દીકરીની મોંઘી ભેટો કરતાં પ્રભાભાઈને ગણપતની સાચા હદયથી લાવેલી ભેટ ખૂબ ગમી હતી.
ગણપત તેના નાના ભાઈઓ, તેમની પત્નીઓ અને બહેન બનેવીને આવકાર દઈ બોલ્યો “ બધા સુખ રૂપ આવી ગયા. ભગવાનનો ખૂબ ખૂબ આભાર “ તેણે પોતાની નાની અને લાડકી બેન વર્ષાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને પ્રભાભાઈના પલંગ પર તેમના પગ પાસે સ્થાન લીધું. .
પ્રભાભાઈને ચાર બાળકો હતા. ત્રણ પુત્રો અને એક પુત્રી. સૌથી મોટા પુત્રનું નામ ગણપત,વચલાનું નામ સુરજ અને નાના પુત્રનું નામ કમલ હતું. ત્રણ દીકરા પછી એક પુત્રી અવતરી હતી તેનું નામ વર્ષા હતું. સુરજ સરકારી અધિકારી હતો, કમલને તેના સસરાએ અમેરીકા બોલાવી લીધો હતો એટલે તે ત્યાં સ્થાયી થયો હતો. પુત્રી વર્ષાનું લગ્ન સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતા અમદાવાદના શ્રીમંત કુટુંબમાં થયું હતું. તે બધા ખૂબ ધનાઢ્ય હતા. તેમનો સૌથી મોટો પુત્ર ગણપત નજીકના શહેરમાં એક કાપડની દુકાનમાં ગુમાસ્તાગીરી કરતો હતો. તેનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું.
સુરજ અને કમલની પત્નીઓ લક્ષ્મીને મદદ કરવા રસોડા તરફ ગઈ એટલે પ્રભાભાઈ પલંગમાં બેઠા થયા અને સૌની સામે જોઈ બોલ્યા “ જુઓ તમારી બાના ગયા પછીની આ પહેલી દિવાળી છે એટલે બધા સાથે બેસી તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ તે માટે તમને બધાને એક સાથે ઘેર બોલાવ્યા છે. બીજું મને હવે પંચોતેર થયા છે. હું ખર્યુ પાન કહેવાઉ તારી બાની જેમ ગમે ત્યારે ખરી પડીશ કદાચ આવતી દિવાળી ન પણ ભાળું એટલે મને થાય છે કે મોટાના જીવન નિર્વાહ માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તો તે બાબતે પણ ચર્ચા કરી લેવી જોઈએ.”
પ્રભાભાઈની વાત સાંભળી થોડી વાર સુધી કોઈ કઇં બોલ્યું નહીં એટલે ગણપત બોલ્યો “ બાપુજી મારે નોકરી છે દોઢ વિઘો મજિયારી જમીન છે તે ખેડુ છું એટલે આપણો ગુજારો થઈ જશે તમે શા માટે ફિકર કરો છો ?”
પ્રભાભાઈ ગણપતની વાત ધ્યાને લીધા સિવાય બોલ્યા. “ બધા સાંભળો મોટાને કોઈ ઓલાદ નથી. હવે તે પંચાવન વટાવી ગયો છે. તેણે આખી જિંદગી તમારા માટે ઢસરડો કર્યો છે. તેના હાથ પગ ચાલે ત્યાં સુધી ઠીક પણ તેના હાથ પગ ન ચાલે ત્યારે તેની આજીવિકાનું શું, તે વિષે પણ આપણે વિચારવું જોઈએ કે નહીં ?”
વર્ષા બોલી “ ભાઈ બાપુજી સાચું કહે છે. મોટા ભાઈને ભગવાને સંતાનો નથી આપ્યા એટલે તેમની ઘડપણની લાકડી તો તમારે જ થવું પડશે ને...?”
વર્ષાની વાત સાંભળી કમલ બોલ્યો “ મોટા ભાઈ ભાભીને સરકાર તરફથી પેન્શન મળશે ને ..”
પ્રભાભાઈ “ આ ભારત છે અમેરિકા નહીં. અહી એવું પેન્શન બેન્શન ન હોય !“
સુરજ બોલ્યો “ બાપુજી અત્યાર સુધી જમીનની ઊપજમાંથી અમે કશું લીધું નથી એટલે તે બચત પૈકીની રકમની ફિક્સ ડિપોઝિટ કરાવી લઈએ તો તેના વ્યાજમાંથી તેમનું ગુજરાન ચાલી શકે “
પ્રભાભાઈ “ ભાઈ તું કઈ જમીન અને કઈ બચતની વાત કરે છે ? તમે આજ સુધી ઘરમાં એક પાઇ પૈસો પણ આપ્યો છે ખરો. ? મારા બાપુજીની જમીનના ભાગલા પડતાં મારા હિસ્સે દસ વીઘા જેટલી જમીન આવી હતી. તમારા ભણતર અને લગ્નોના અને અન્ય સામાજિક ખર્ચા પૂરા કરવા ગીરો મૂકતાં મૂકતાં હવે દોઢેક વીઘા જેટલી જમીન બચી છે. તેમાંથી શું ઉપજ આવે અને શું બચે તેનો તમે કદી વિચાર કર્યો છે ?. તમે કમાતા થયા એટલે પોત પોતાના માળા બનાવી મને અને તારી બાને મોટાના હવાલે કરી એક પછી એક ઊડી ગયા. વારે તહેવારે બધા સામાજિક ખર્ચાઓ મોટાએ એકલા હાથે કર્યા છે કદીએ તેણે તમારી પાસેથી કોઈ રકમ માગી નથી અને કદી તમે તેને આપી પણ નથી. માટે હવે તેના જીવન નિર્વાહની વ્યવસ્થા કરવાનું વિચારો. જો તેને બાળકો હોત તો હું આટલો આગ્રહ ન કરત.”
સુરજ બોલ્યો “ પણ બાપુજી મોટા ભાઈને બાળકો નથી તેમાં અમારો કોઈ વાંક ખરો ?”
સૂરજની વાત સાંભળી પ્રભાભાઈના બદનમાં ધ્રુજારી આવી ગઈ. તેમનું શરીર એકદમ કાંપવા લાગ્યું. તેમના કપાળ પરની રેખાઓ તંગ થઈ ગઈ. આંખો ગુસ્સાના કારણે લાલ ચોળ થઈ ગઈ. તે ખૂબ મોટા આવજે બોલ્યા “ હા મોટાને સંતાનો ન થવાનું કારણ સુરજ તું છે તું .....! “
સુરજે વળતો જવાબ આપ્યો “ હું તેમાં ક્યાં વચમાં આવ્યો ...?”
ગણપતે વાત વાળી લેતાં કહ્યું “ બાપુજી હવે જૂની વાતો ઉખેડીને શું કરવું છે. આ ભાંજગળ મૂકો. અમારું નસીબ અમારી સાથે. ભોળાનાથ સૌ સારાવાનાં કરશે. “
પ્રભાભાઈ બોલ્યા “ ના મોટા આજે મારે બધાને બધુ સાફ સાફ જણાવી દેવું છે. તું વચમાં ન બોલતો “
પ્રભાભાઈ એક ઊંડો શ્વાશ લઈ બોલ્યા “ બધા મારી વાત ધ્યાન દઈને સાંભળો. ગણપત ભણવામાં ખૂબ હોંશિયાર હતો. તેનું ગણિત ખૂબ સારું હતું. તે દર વર્ષે ક્લાસમાં પહેલા નંબરે પાસ થતો હતો. તેણે ધોરણ ૭ મુ પાસ કર્યું એટલે મારે તેને આગળ ભણાવવો હતો. તે વખતે સુરજ ચોથા ધોરણમાં ભણતો હતો. તે એકાએક બિમાર પડ્યો એટલે મારે તેને લઈને દવાખાને રહેવું પડ્યું. સુરજ પૂરા બે મહિના બિમાર રહ્યો. ચોમાસુ માથે હતું. જો સમયસર વાવણી ન થાય તો ઘર ચલાવવું કેમ તેની ફિકર હતી એટલે મોટાએ ખેતી કામ પોતાના માથે લઈ લીધું. તેણે ભણવાનું માંડી વાળ્યું. મોટો ખેતી કામ શીખી ગયો. મને તેનો સહારો મળી ગયો. દર વર્ષે ખેતીમાં જે કઈ પાકે તેમાંથી માંડ માંડ ગુજરાન ચાલતું. સુરજ મેટ્રિકમાં આવ્યો. કમલ આઠમામાં હતો અને વર્ષા ચોથામાં. ગણપતનું લગ્ન લેવાનું નક્કી કર્યું જેથી આવનાર વહુ ઘરકામમાં તારી બાને મદદરૂપ થાય. લક્ષ્મી ગૃહ લક્ષ્મી થઈ આ ઘરમાં આવી. તે ખૂબ ખાનદાન બાઈ છે. રાત દિવસ જોયા વિના ઢસરડો કરવા લાગી. તમારી બાને થોડી રાહત થઈ.”
“સૂરજને શે’રમાં ભણવા મૂક્યો. એક વાર સૂરજની હોસ્ટેલની ફી ભરવાના પૈસાની જોગવાઈ થતી ન હતી. રૂપિયા એક હજાર ખૂટતા હતા. ખૂબ કોશિશ કરી તોયે કોઈ જોગ ન થયો. તેવામાં મોટો અને લક્ષ્મી વહુ શે’રમાં ખરીદી કરવા ગયા. પાછા આવ્યા ત્યારે લક્ષ્મી વહુ ખૂબ થાકેલી જણાતી હતી. આવીને તે સૂઈ ગઈ. અમને એમ કે થાકી ગઈ હશે. બીજા દિવસથી તે કામે લાગી ગઈ હતી. મોટાએ મને કહ્યું બાપુજી “ કાલે અમે શે’રમાં ગયા હતા ત્યાં મારા એક મિત્ર પાસેથી ઉધાર પૈસા લઈ સૂરજની હોસ્ટેલની ફી ભરી દીધી છે માટે હવે કોઈ ચિંતા નથી. બસ એમજ આપણું જીવન ચાલતું રહ્યું.”
“ ખેતીમાં કઇં ઉપજતું નહતું એટલે મોટો શહેરમાં ગુણવંત શેઠની કાપડની દુકાનમાં ગુમાસ્તાગીરી કરવા લાગ્યો. ગુણવંત શેઠ ખૂબ સારા છે. જ્યારે ખેતીનું કામ હોય ત્યારે મોટો દુકાને ન જતો તેમ છતાં તે કોઈ ફરિયાદ કરતા ન હતા કે પગાર પણ કાપતા ન હતા. જ્યારે જરૂર પડી ત્યારે તેમણે વ્યવહાર સાચવવા પૈસા આપવાની આનાકાની કરી નથી. મોટાએ કમલના લગ્ન વખતે થોડીક જમીન તેમના ત્યાં ગીરો મૂકી અવસર ઉજવ્યો હતો. વર્ષાને ખૂબ સારું અને શ્રીમંત સગું મળ્યું હતુ અને તમારા સૌની લાડલી હતી એટલે મોટાએ તેને ખૂબ સારું કરિયાવર આપવાનું નક્કી કર્યું. તે માટે બીજી થોડીક જમીન ગુણવંત શેઠના ત્યાં ગીરો મૂકી. અવસરો તો ઉકેલાઈ ગયા. તમે સૌ પોત પોતાના વ્યવસાયમાં ગોઠવાઈ ગયા. બધે સુખ હતું પરંતુ મોટાને પરણ્યાને બાર વર્ષ થયા તેમ છતાં લક્ષ્મીનો ખોળો ન ભરાયો તેનું મને દુખ હતું એટલે અમે મોટાની અને લક્ષ્મી વહૂની દાક્તરી તપાસ કરાવવાનું નક્કી કર્યું. જે દિવસે બંનેને દવાખાને તપાસ કરાવા લઈ જવાનું નક્કી કર્યું તે દિવસે તારી બા મારી પાસે રડતી રડતી આવીને બોલી “મોટાના બાપુજી આ ગણપત અને લક્ષ્મી વહુએ તો ગજબ કર્યો છે. સૂરજની હોસ્ટેલની ફી ભરવા માટેના રૂપિયાની જોગવાઈ ન થતાં તેમણે તે વખતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી સરકાર તરફથી તેના પ્રોત્સાહન રૂપે મળતી રકમ મેળવી તે રકમ હોસ્ટેલમાં ભરી દીધી હતી. હવે તેમને કદી સંતાનો થશે નહીં. મારાથી પણ ઠૂઠવો મુકાઇ ગયો હતો. આમતો બાળકો ન હોય તેમનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ ગણપત અને લક્ષ્મી વહુએ તેમને બે બાળકો છે તેવી ખોટી વિગતો ફોર્મમાં ભરી હતી. તેમણે સુરજ અને કમલના નામ તેમના બાળકો તરીકે દર્શાવ્યા હતા. બસ ત્યારથી તેમણે તમે બંનેને ભાઈ નહીં પરંતુ તેમના બાળકો ગણી માવજત કરી છે. ”
પ્રભાભાઈની વાતો સાંભળી સન્નાટો છવાઈ ગયો. જાણે સૌને સાપ સૂંઘી ગયો હોય તેવી શાંતિ પથરાઈ ગઈ હતી. સૂરજનું માથું શરમથી ઝૂકી ગયું હતું. વર્ષાના ગાળામાં ડૂસકું રૂંધાઈ ગયું હતું. બરાબર તે સમયે એક ગાડી પ્રભાભાઈના ચોગાનમાં આવીને ઊભી રહી. ગાડીમાંથી ગુણવંત શેઠ ઉતર્યા. તેમને જોઈ ગણપતને ફાળ પડી. કદી નહીં ને આજે ગુણવંત શેઠ કેમ ઘરે આવ્યા, જરૂર કોઈ અગત્યનું કામ હશે તેવું વિચારી ગણપત તેમની પાસે પહોચ્યો અને આવકાર આપ્યો.
ગુણવંત શેઠ ઘરના સૌ સભ્યોની હાજરી જોઈ ખુશ થઈ બોલ્યા “ આજે ખુશીનો અવસર લાગે છે. આખું કુટુંબ ભેગું થયું છે ને કઈ..!” તે પ્રભાભાઈ પાસે પહોચ્યા અને તેમની તબિયતના સમાચાર પૂછી બોલ્યા “ પ્રભાકાકા એક અગત્યના કામે આવ્યો છું. “ ગુણવંત શેઠની વાત સાંભળી પ્રભાભાઈ બોલ્યા “ હા શેઠ મને યાદ છે કે મારે હજુ મારી જમીન તમારા ખાતે કરી આપવાની બાકી છે. તમે ખૂબ સારા ટાણે આવ્યા છો. બધા દીકરા અને દીકરી હાજર છે. લાવો દસ્તાવેજ હું બધાની સાક્ષીએ સહી કરી આપું જેથી તમારે કોઈ ફિકર નહીં. “
ગુણવંત શેઠે તેમની બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢ્યા એટલે પ્રભાભાઈ સહી કરવા બેઠા થયા. ગુણવંત શેઠ બોલ્યા “ પ્રભાકાકા તમારે કોઈ સહી કરવાની નથી તમે આરામથી સૂતેલા રહો. હું તમને એક ખુશીના સમાચાર આપવા આવ્યો છું. હું અને મારી પત્ની હવે કાયમ માટે મારા દીકરા પાસે ઓસ્ટ્રેલીયા જઇએ છીએ. ગણપતે આખી જિંદગી મારી પેઢીમાં ઈમાનદારી પૂર્વક કામ કર્યું છે. અહી હું જે કઇં કમાયો છું તેનો શ્રેય ગણપતને છે મારો દીકરો વિદેશમાં હતો ત્યારે તેની ગેર હાજરીમાં મારુ તમામ કામ એક દિકારા તરીકે ગણપતે ઉપાડી લીધું હતું. હું તેનો ગુણ ન ભૂલી શકું એટલે હું મારી પેઢી ગણપતના નામે કરું છું. આજે તેના દસ્તાવેજો બાનવરાવવા હું શહેરમાં ગયો હતો. આવતા થોડુક મોડુ થયું અને ગણપત પેઢીએથી નીકળી ગયો હતો એટલે થયું કે વિદેશ જતાં પહેલાં તમારી ખબર પૂછતો આવું અને ગણપતને આ સમાચાર આપતો આવું. તે ઉપરાંત તમારી જમીનના ગીરો દસ્તાવેજો પણ હું સાથે લેતો આવ્યો છું. ગણપતને મે હંમેશાં મારો દીકરો માન્યો છે એક બાપ દીકરાની જમીન કેવી રીતે લઈ શકે માટે તે જમીન પણ હું તમારા હવાલે કરતો જાઉં છું તે તમારી હતી અને તમારી જ રહેશે.”
ગુણવંત શેઠની વાત સાંભળી ગણપત તેમના પગે પાડવા ગયો પરંતુ ગુણવંત શેઠે તેને પોતાની છાતી સરસો ચોંપી દીધો.
સુરજ અને કમલ તેમના મોટાભાઈની તેમના માટેની કુરબાની અને તેમની ઈમાનદારીના બદલારૂપે ગુણવંત શેઠની ઉદારતા જોઈ શરમના કારણે નીચું મોઢું ઘાલી બેઠા હતા.
ગુણવંત શેઠ બધાને “ જય જિનેન્દ્ર” કહી ચાલ્યા ગયા એટલે વર્ષા હિંમત કરી બોલી “ બાપુજી હવે બધી જમીન એકલા મોટાભાઈની રહેશે. અમે તેની સંમતિમાં સહી કરી આપીશું. બંને ભાઈઓએ પણ સંમતિમાં પોતાના માથા હલાવ્યા અને ઊભા થઈ મોટાભાઈના ગળે બાઝી તેમને માફ કરી દેવા વિનંતી કરી. ગણપતે બંને ભાઈને બાથમાં લઈ આશીર્વાદ આપ્યા.
પ્રભાભાઈને તેમના આથમતા સુરજમાં એક નવી રોશની પુરાતી હોવાનો આભાસ થયો.
-આબિદ ખણુંસીયા ( “આદાબ” નવલપુરી )
-તા. 18-10-2019.