Sapna advitanra - 57 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૫૭

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૫૭

"સર, પ્લીઝ. યુ હેવ ટુ ટેક ધીઝ મેડીસીન. "

એક ડોક્ટર અને એક નર્સ એમ બે જણની મેડિકલ ટીમ પણ કેકે સાથે સિંગાપોર રવાના થઈ હતી. અને આ ટીમની જવાબદારી હતી કેકેને સહીસલામત ડો. ભટ્ટ સુધી પહોંચાડવાની. કેયૂરના ગાયબ થવાના આઘાતે જે ઝાટકો લાગ્યો હતો એણે કેકેને મનથી મજબૂત કરી દીધો હતો, પણ શરીર... શરીર મજબૂત થવામાં હજુ સમય લાગે એમ હતો. સ્પેશ્યલ પરમિશન મેળવી કેટલીક મેડીસીન સાથે રાખવામાં આવી હતી અને ફ્લાઇટ દરમિયાન સતત બોટલ ચડાવવાની પણ ચાલુ હતી.

ડો. જોનાથન કેકેમાં અચાનક આવેલા પરિવર્તનને જોઇને અચંબિત થઇ ગયા. જ્યારે કેદારભાઈની ગેરહાજરીમાં જ કેકેએ ડિસ્ચાર્જ લેવાનો નિર્ણય લીધો ત્યારે પહેલાં તો ડો. જોનાથને મંજુરી ન આપી. પરંતુ કેકેના અવાજમાં રહેલી મક્કમતા અને આંખોમાં રહેલું તેજ જોઇ ડો. જોનાથન વિચારમાં પડી ગયા. હજુ સવાર સુધી જે વ્યક્તિ જાતે બેઠી પણ નહોતી થઇ શકતી, અચાનક તેનામાં એટલું જોમ ક્યાંથી આવી ગયુ કે તે જાતે ચાલીને ડો. જોનાથનની કેબિન સુધી પહોંચી! હા, એ અલગ વાત છે કે આટલુ કરવામાં પણ તેને ઘણો શ્રમ પડ્યો હતો, પણ તેના અવાજનો રણકાર બદલાઇ ગયો હતો. થોડી આનાકાની પછી કેકેની મક્કમતા જોઈ ડો. જોનાથને એક ડોક્ટર અને એક નર્સ સાથે આવશે અને કેકેએ એમની બધી વાત માનવી પડશે, એ શરતે કેકેને જવાની પરમિશન આપી. ડો. જોનાથને ડો. ભટ્ટ અને આદિત્ય સાથે પણ મસલત કરી અને ટ્રીટમેન્ટની રૂપરેખા સમજાવી દીધી. એ સાથે જ જરૂરી કેટલીક દવા કે જે ભારતમાં ઉપ્લબ્ધ નહોતી તે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી દીધી.

બધી વ્યવસ્થા કર્યા પછી... કેકેને વિદાય કર્યા પછી ડો. જોનાથનના મગજમાં એક અલગજ વિચાર રમવા માંડ્યો... શું લાગણીઓનો અતિરેક કેન્સર જેવા રોગ સામે બાથ ભીડી શકે???

***

"પાપા... મમ્મા... કોઈ છે? પાપા... "

કાયમ ધમધમતી રહેતી શીપ આજે નિર્જન ભાસતી હતી. ક્યાં હશે બધા? તે એક એક કદમ સાવચેતી પૂર્વક ચાલતી ફરી લોબીમાં પહોંચી. લોબીમાં વચ્ચે રહેલા રૂમ સુધી પહોંચી ત્યાંતો તેનો ગભરાટ એકદમ વધી ગયો. ફરી તેણે તીરાડમાંથી જોવાની કોશિશ કરી. પહેલા બધુ ધુંધળું હતુ, પણ ધીમે ધીમે વિઝન ક્લીયર થતુ ગયુ. એ મિ. વ્હાઇટ... એના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા... એકદમ સપાટ ચહેરો... વ્હાઈટ ગોગલ્સ પાછળ છુપાયેલી આંખો પણ કદાચ ભાવહીન હશે! ખુરશી પર લયબદ્ધ પછડાતી એડીના કારણે ઉદ્ભવતો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. રાગિણીએ નજર ફેરવી રૂમમાં બાકીની જગ્યાએ જોવાનો પ્રયત્ન કર્યો. એટલી તિરાડમાંથી આખો રૂમ દેખાતો નહોતો, પરંતુ શક્ય એટલુ જોવાની કોશિશ ચાલુ હતી.

અચાનક એક ધક્કો લાગ્યો અને રાગિણીએ અનુભવ્યું કે તે એ સાંકડી તિરાડમાંથી રૂમમાં પ્રવેશી ગઇ! અચાનક તેની આંખો અંજાઈ ગઈ. ધીરે ધીરે ટેવાતા તેણે જોયુ કે એ મિ. વ્હાઇટના માણસો એક માણસને ઘેરીને ઉભા છે. રાગિણીએ એક થડકારો અનુભવ્યો.

"કોણ? કોણ છે ત્યાં? "

સહસા રાગિણી બોલી પડી, પણ તેનો અવાજ જાણે કોઇને સંભળાયો જ નહી! તે સાવચેતીથી ધીમે ધીમે આગળ વધી. જેવી એ ટોળા પાસે પહોંચી ઘેરાયેલ વ્યક્તિ કોણ છે એ જોવાની કોશિશ કરી, એટલામાં કોઇ ઘરઘરાટી સંભળાઇ. તે વધુ કંઇ સમજે એ પહેલાં તેને છાતી પર ભાર લાગવા માંડ્યો. ભીંસ વધતીજ ગઈ, વધતી જ ગઇ... તેને ગુંગળામણ થવા માંડી... તેની નજર સામે દ્રશ્ય બદલાઇ ગયું... હવે તે શીપ પર નહિ, દરિયાની અંદર હતી... ચારે બાજુ પાણી જ પાણી... તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. જીવવા માટે રીતસર હવાતિયાં મારવા માંડી... ત્યાંજ એની નજરે એક ચહેરો આવ્યો... જાનીભાઇ!!!

"જાનીભાઇ... "

તેણે બૂમ પાડવાની કોશિશ કરી, પણ અવાજ ન નીકળ્યો... તેણે નોંધ્યુ કે જાનીભાઇ તો... એ તો મૃત...

"જાનીભાઇ... "

હતુ એટલુ જોર કરી તેણે બૂમ પાડી, એ સાથે જ તેના શરીરને એક ઝાટકો લાગ્યો... તેણે પોતાના માથે એક હાથ અનુભવ્યો... એ હાથમાંથી વહેતી મમતા અનુભવી... અને રાગિણીએ જોર કરીને તેની આંખો ખોલી... સામે ડોક્ટર હતા, જે તેને ઇંજેક્શન આપવાની તૈયારી કરતા હતા, અને બાજુમાં... બાજુમાં કોકિલાબેન હતા. તેના માથે અને વાંસે પંપાળી રહ્યા હતા. કોકિલાબેનને જોઈ રાગિણીએ અત્યાર સુધી બાંધી રાખેલી પાળ તૂટી ગઇ અને તે કોકિલાબેનના ખોળામાં માથું રાખી છુટા મોઢે રડી પડી. કોકિલાબેન તેને પસવારીને હૈયાધારણા બંધાવતા રહ્યા.

ઇંજેક્શન લીધા પછી થોડીવારે રાગિણી સ્ટેબલ થઈ હતી. કોકિલાબેનની હાજરીથી હવે તે વધુ મજબૂત બની હતી. બધો ઉભરો ઠલવાઇ ગયો હતો અને હવે તે કોકિલાબેનને પોતાના સપનાની વાત સમજાવવાની કોશિશ કરી રહી હતી. કોકિલાબેનને રાગિણીના ઇશારા સમજાતા તો હતા, પણ એના પર ભરોસો કરવો કઠીન હતો. છતાં જ્યાં સુધી કેદારભાઈ અને કેકે પોલીસ સ્ટેશનથી પાછા ન આવે ત્યાં સુધી રાગિણીને સાચવી લેવી જરૂરી હતુ, એટલે તે રાગિણીની દરેક વાતમાં હા એ હા કરી રહ્યા હતા.

રાગિણી પોતે કન્ફ્યુઝ હતી. તેને સમજાતું નહોતું કે કોકિલાબેન એ જ સમજી રહ્યા છે, જે તે સમજાવવા માંગે છે કે બીજું કંઈક? તે ફરી ફરી એકની એક વાત સમજાવવા કોશિશ કરી રહી હતી, ત્યાંજ રૂમનો દરવાજો ખુલ્યો અને કેકે તથા કેદારભાઈ સાથે એક પોલીસમેન પણ અંદર આવ્યા. આમતો કેદારભાઈએ અમેરિકાથીજ ચક્રો ગતિમાન કરી દીધા હતા, અને એ લોકો સિંગાપોર પહોંચે એ પહેલાં જ પોલીસ તપાસ શરૂ થઈ ગઈ હતી. અને આ જ પોલીસમેન પહેલા પણ પૂછપરછ કરી ગયા હતા. પરંતુ કેદારભાઈના દુરાગ્રહને વશ થઈ ફરી ઇન્ક્વાયરી માટે આવ્યા હતા.

***

"બોસ, મોબાઇલ લાવુ?"
ટુન્ડાએ જાણે દાદાના કાનમાં કહેતો હોય એમ કહ્યું. ટુન્ડો હજુ નવો નવો જ ગેંગમાં જોડાયો હતો. તેનો એક હાથ પોલીયાગ્રસ્ત હતો. પરંતુ શરીર કસરતી હતુ, અને બીજો હાથ તેણે એટલો મજબૂત બનાવ્યો હતો કે એકલા હાથે ચાર પર ભારે પડી શકે. તેની આ ખાસિયતે જ દાદાની ગેંગના દરવાજા તેની માટે ખોલી દીધા હતા. પણ, દાદાના મનને પામવુ હજુય તેના ગજા બહાર હતુ. કોઇ વ્યક્તિને કીડનેપ કર્યા પછી રેન્સમ અમાઉન્ટનો ફોન કરવાનો હોય એટલી તેની સમજ... એટલેજ કેયૂરનો કબ્જે મળ્યા પછીયે ક્યાંય સુધી દાદાએ કોઇ કોલ ન કર્યો એટલે તેનાથી ન રહેવાયુ અને તેણે સીધા દાદા પાસે જઈને પૂછી જ લીધુ,

"બોસ, મોબાઈલ લાવું? "

દાદાનુ મગજ આગળની યોજનામાં રોકાયેલું હતુ, એમાં ખલેલ પડતા આગઝરતી નજરે ટુન્ડા સામે જોયું. દાદાની નજર સમજી ગયેલ બબલુ ટુન્ડાને હાથ પકડી ત્યાંથી ખેંચી ગયો. ટુન્ડાને કશું સમજાયુ નહી. તેણે માથું ખંજવાળતા બબલુને પૂછ્યું,

"પન, અપુન ગલત ક્યા બોલા? કીડનેપ કીયેલા હે તો પૈસા મંગતા. પૈસે કે વાસ્તે કોલ કરના મંગતા. કોલ કે વાસ્તે મોબાઈલ મંગતા.. તો અપુન તો બસ.. "

ટુન્ડાની નાદાનિયત પર બબલુ હસી પડ્યો. થોડીવાર મોટા અવાજે હસી લીધા બબલુ ટુન્ડાના વાળ વીંખતા બોલ્યો,

"સબ ખેલ ઈતના સીધા નહિ હોતા. તુ અભી નયા નયા હૈ ના... ધીરે ધીરે સબ સમજ આ જાયેગા. "

"ભાઇ, અભી તુમ હી ચ સમજા દો ના. વો બોસ કે સામને પોપટ હો ગયા અપુન કા. દુબારા નહી હોને કો મંગતા. વો ક્યા હૈ કી અપુનકી ઈમ્પ્રેસનકા સવાલ હૈ.. "

બબલુ ફરી હસી પડ્યો અને બોલ્યો,

"ઠીક હૈ. તો સુન. ઈસ કીડનેપિંગ કે પીછે લંબી કહાની હૈ. "