રાત સૂમસામ હતી છતાં ભયાનકતા પાથરતી હતી.ક્યાંક ઘુવડ,ચિબડીઓ અને શિયાળું મનખા જાત માટે મરણોતલ રોતી હતી.રાત્રિના અંધકારમાં દેવલીનો રૂમ ડીમલાઇટ વડે અંધકારને ચીરવા હવાતિયાં મારતો હતો.પણ, જગત આખાના અંધકાર સામે દીવડાનું જોર કેટલું ? .... મેલી મુરાદનો નરોતમ કલાક પહેલાનો લપાતો છુપાતો કેટલીએ આંખોને માર દઈને દેવલીના ઓરડામાં આવી ભરાઈ ગયો હતો.દોરા-ધાગા,ધૂપ-અગરબત્તી ને કેટલાય મેલા મંત્રોના કવચ લઈને શૈતાની શક્તિની ઉપાસના કરે જતો હતો.દેવલીએ સખીઓને વિદાય આપીને પોતાને વધુ પીઠી ચોરાઈ જતાં ઘેન ચડવાનું બહાનું કાઢીને ઓરડામાં ક્યારનીએ પુરાઈ ગઈ હતી.વહેલું જાગીને તૈયાર થવાનું હોવાથી તેની ઊંઘમાં ખલેલ ના પડે એ માટે બાર વાગ્યે ખુદ તેની માતાએજ તેને સુવડાવી દીધી હતી.અંદરથી આંગળીઓ વાસીને દેવલી કોઈ આવે નહીં માટે સુવાનો ડોળ કરતી પડી હતી.થોડીવારમાં યોજના મુજબ કાકો નરોતમ આવીને વિધિ કરવામાં મશગુલ થઈ ગયો હતો.
દેવલીના ફરતે લીંબુનો અર્ક પાથરીને નરોતમએ દેવલીના આત્માને કેદ કરી લીધો હતો.મેલા મંત્રોથી દેવલીને બેભાન કરીને આત્માને વશમાં કરી લીધો હતો.આત્મા વશમાં આવી જતા લીંબુનો અર્ક પોતુ મારી મિટાવી દીધો હતો.હવે દેવલીનો આત્મા દેહ છોડીને તેનો કહ્યાગરો થઈ ગયો હતો અને તેની અનુમતિ કે મંત્રો વગર ફરી પાછો હાલ દેવલીમાં આપોઆપ આરોપિત થઇ શકવાનો નહોતો.આત્મા વિનાનો દેહ નિષ્પ્રાણ હોય તેમ પડ્યો હતો.તે શ્વાસ લેતો પણ ઉચ્છ્વાશ આત્મા કાઢતો હતો.હૃદય દેહમાં ધબકતું પણ, ધબકારા આત્મા ધબકતું.આ આત્મા કોઈ દીવાની જ્યોત સમો નહોતો પણ, સંપૂર્ણપણે દેવલીનાં દેહનોજ આકાર ધરીને ચાવી દીધેલા રમકડાંની માફક ગગનમાં વિહાર કરતું પૂતળું જોઈ લો !...
.. નરોતમએ ધીરે રહીને દેવલીના દેહને ઉચકીને ઢોલિયા પર પાથરણાંની માફક પાથર્યો.પોતે કંઈ જાણતો નથી કે અહીંયા આવ્યોજ નથી તેવા હાવભાવ ખંધા હાસ્યભરા સ્મિત સાથે કરીને દેહ સામે જોતો ઊભો રહ્યો.દોઢેક કલાકની વિધિ બાદ પોતે સફળ થયો હતો.પહેલા પ્રયત્નેજ અને થોડા સમયમાંજ ધારી સફળતા મળતા ખુશ થઈને તે તેના ગુરુદેવ એવા કાનજીના બાપા અને દેવલીના થનારા સસરા જીવણને મનોમન વંદી રહ્યો.નરોતમ જીવણ પાસેથીજ આત્માને કેદ કરવાની મેલીવિદ્યા શીખ્યો હતો.અને તેને જ્યારે દેવલી નાત,સમાજ અને ગામની પરંપરા વિરુદ્ધ જઈને...બધાની આંખોમાં ધૂળ નાખીને પરસોતમને ફોસલાવીને બહાર જઈને ભણી હોવાથી....તે હવે ડાકણ સમી ગણાતી હોવાથી તેને તડપાવી તડપાવીને મારી નાંખવાનો મનસૂબો ઘડ્યો હતો.પણ, ગુરુદેવ જીવણએ કહેલું તે યાદ આવ્યું કે..."આત્માને કેદ કરવાનો પહેલો પ્રયોગ કરે ત્યારે મારી રજા નહીં લીધી હોય તો, સફળ નહીં થાય.." અને આ વાત યાદ આવતા તેને જીવણ આગળ દેવલીના ભણતરની,રોમિલ અને તલપ સાથેની પ્રીતની અને તલપ સાથે મળી રોમિલના જે હાલ કર્યા હતા તે સઘળી બિનાની વાત કરી દઈને જીવણનો વિશ્વાસ જીતી લીધો હતો.પોતાના ભોળા કાનજીને આવી દેવલીનો પનારો પડશે તો આખો જન્મારો દોજખ જશે...તેવું વિચારીને જીવણે નરોતમને દેવલીના આત્માને કેદ કરીને રિબાવી-રિબાવીને નરકે ધકેલવાનો આદેશ આપી દીધો હતો.અને પોતે...પોતે પડદા પાછળ રહીને દેવલીને ખબર ના પડે તેમ શકુનીની ભૂમિકા ભજવી હતી.
કામ પૂર્ણ થતા કોઇને ગંધ આવે તે પહેલા બધુ સગેવગે કરીને,સામાન્ય વાતાવરણ ખડું કરીને નરોત્તમ ખુશ થતો ફટાફટ આવ્યો હતો તેનાથી દસ ગણી ઝડપે લપાતો છુપાતો જીવણને મળીને પોતાના ઓરડામાં આવીને ભરાઈ ગયો.આ બાજુ જીવણએ બોટલમાં કેદ કરેલા ધુમાડા સામે જોયું.દેવલીનો પ્રતીકાત્મક આત્મા બંધ બોટલમાં ધુમાડો બની ફરતો હતો.ઢાંકણું ખુલે ત્યારે તે સીધો દેહમાં જઈને ભરાઈ જશે અને મંત્રોની માયાજાળમાંથી મુક્ત થશે.જીવણને હવે ચિંતા વધી કે, કેમ કરીને ત્રણ દિવસ વીતે અને દેવલીને પોતાની યોજના પ્રમાણે ભોંય ભેગી ભંડાર કરવામાં આવે.અને પોતે આગળની યોજના સુપેરે પાર ઉતારે...! (?)..દેવલીને તડપાવી તડપાવીને તેની ભૂલનું પ્રાયશ્ચિત કરાવવાનું હતું.તેના પાપનું ફળ તેને અહીંજ તેની આંખો સામેજ આપવાનું હતું.તેના આત્માની આંખો વડે દેખાડીને તેની સામેજ તેના દેહને ચૂંથી-ચૂંથીને નોંચવાની હતી.સમાજ કે નાત અને ગામની પરંપરા તોડવાની સજા કેવી હોઈ શકે અને પોતે કુલટા જેવું કામ કરીને પણ, ભોળા મનેખ જોડે ઘરસંસાર માંડીને પડદા પાછળ નાલેચીભરી જીંદગી જીવવાની ભૂલ કરવાની ફરી હિમ્મત કરે તેની સજા કેવી હોય છે તેનો અહેસાસ કરાવવાનો હતો.બસ સવાર પડે અને હલનચલન વિનાની દેવલી પડેલી જોઈને હંધાય મરેલી જાણીને તેની સુખ શાંતિથી અંતિમ વિધિ કરે અને અગ્નિ સંસ્કારની જગ્યાએ નરોતમની વાતોમાં આવી જઈને દેવલીને પવિત્ર માનીને ભોંયભંડાર કરે.....પછી પોતે તેના પછીની આગલી રાતે જઈને દેવલીના દેહને કાઢીને આત્મા વિનાનો સજીવન કરે અને સડે નહીં તેવી વિદ્યાઓથી રક્ષિત કરે.તેના દેહને સજાની સાથે સાથે દેવલીના આત્મા વડે પોતે જોયેલા સઘળા કાર્ય પાર પાડે તેના દીવાસ્વપ્નો કાળી અંધારી રાતે જોતો જોતો આંખ મીચી ગયો.
પણ,આ શું ? રાતના જોયેલા સપના સવારમાં તો પળભરમાં વાયરો બની ક્યાંય ઉડી ગયા ! સવારનો સૂરજ રાતના અંધારાની સાથે સાથે દેવલીના આત્મા અને દેહનાં જોયેલાં સપના ક્યાંય ઓગાળીને જીવણ અને નરોત્તમનો સપનાનો મહેલ ધ્વંસ્ત કરતો પૂર્વ દિશામાં લહેરી ઉઠયો ! દેવલીનાં દેહની સાથે-સાથે તેને માટે પણ રાત વેરણ બની હતી.દેવલીના દેહ અને આત્માના વિયોગ માટે જવાબદાર તે કાળમીંઢી રાત જીવણ અને નરોત્તમના સપના અને સફળતા માટે પણ વિજોગણ સમી વિયોગી સાબિત થઈ.કાને સાંભળેલી વાતોએ ભરોસો ના બેસતા તે અવળી પૂંઠે કોઇને સંદેહ ના જાય એમ ઉભી પૂંછડીએ ભાગ્યો નરોતમ કને.નરોતમ તો સૂરજ માથે આવવા છતાં કાળમીંઢા સપના જોતો હજુએ પથારીમાં ઘોળતો હતો.
નરોત્તમ.....અલ્યા...એય...નરોતમ..તું આમ પડી રહ્યો અને ન્યાં કોઈ આપણા અભરખા રાતેજ લૂંટી ગયું....
હજુએ ઉંહ.... ઉંહ... કરતો નરોતમ પડખા ફેરવે જતો હતો.....જીવણએ પાણીની છાલકો મારતા નરોતમ...કોઈએ પોતાના સપના પળભરમાં રાખ કરી નાખ્યા હોય તેમ, ઓય બાપ...કરતો સફાળો બેઠો થઈ ગયો..જીવણ સામે છે એ વિશ્વાસ ન આવતા બે વાર આંખો ચોળી જીવણને ચૂંટલી ખણી....સપનું પૂરું થયું હતું અને જીવન યમરાજથી ભેંકાર ભાસતો રાતો પીળો થઈને તેની કને બેઠો હતો.
અલ્યા...તું તો પહેલા પ્રયોગએજ સાવ બુડથલ નીકળ્યો.આમ તું ભર નિંદરમાં સપના જોતો રહ્યો અને ત્યાં દેવલીને કોઈ ચૂંથી ગયું અને તેય પાછું... મરણોત્તલ ચૂંથી ગયું..!
ના..હોય... આ શક્યજ નથી...! મેં ખુદ તેને બ્હારથી વાસીને પૂરી હતી.આજુ-બાજુ અડધો કિલોમીટર લગી કોઈ ચકલુંએ મને રાતના બે લગી ફરકતું ન્હોતું દેખાયું...અને આ વાતની જાણ આપના ત્રણ સિવાય કોઈને વા સરીખી પણ નથી જવા દીધી.
તો....આપણા બેયમાં આ ત્રીજું કોણ ભાગ પડાવી ગયું ? મને તો કંઈ હમજમાં નથી આવતું કે આવું ભયાનક કામ કરે કોણ ?
પણ, થયું છે શું ? તેની મને વિગતે વાત તો માંડો.તો,હું કંઇક રસ્તો કાઢું !
રસ્તો કઈ હૂઝે એમ નથી હવે નરોત્તમ.અને મેંય કાનોકાન સાંભળ્યું છે.સત્યથી કેટલું વેગળું છે તેતો ત્યાં કને જઈને જોઈએ તોજ ખ્યાલ આવે.
રસ્તામાં જતા જતા જીવણએ નરોતમને દેવલીના દેહને મારીને કોઈ ચૂંથી ગયું છે તેવું સાંભળ્યાની વિગતે વાત કરી.કોઈક ત્રીજું આપણી જાળમાં ફોડું પાડી ગયું હોવાનું અને આપણા અરમાનો પર ધૂળ ફેરવી ગયું હોવાનું રટણ છેક લગી જીવણ રટતો ગયો.
હા....હો..કાને સાંભળેલી વાત ઉપજાવેલી નથી અને સત્યથી વેગરી રતિભાર પણ નહોતી.દેવલીનો દેહ ચૂંથાઈને પડ્યો હતો.છરીના કેટલાએ ઘા આક્રમક ભેંરવીને દેહને છિન્ન-ભિન્ન કરીને દેવલીનો માનવ દેહ લાગી શકે તેવા એક પણ એંધાણ નહોતા છોડ્યા.રક્તરંજિત કફન સફેદ મટીને લાલજાજમ સમું થઈ ગયું હતું.લોહીના શેરડા ઊડતા હોય ને જાણે આનંદ આવતો હોય તેવી ક્રૂરતાથી ઘા કર્યા હોય તેવી ચાડી ખાતો દેહ અને ઢોલિયો લોહીને સૂકવીને જામ થઈને પડ્યા હતા.નરોત્તમ અને જીવણ એકબીજાને જોતા મનોમન સવાલો પૂછતા હતા.કોણ હશે આપણાથીએ આટલું ક્રૂર ?...
( દેવલીના મોત માટે કોણ જવાબદાર હશે ? કાનજી, રોમિલ,તલપ કે નરોત્તમ અને જીવણમાંથી કોઈ એકાદ ? કે પછી પડદા પાછળ કોઈ ઓર ચહેરો છુપાયેલો છે ?(!)... તે જાણવા આગળના ભાગ વાંચવાનું ભૂલતા નહીં...દેવલી....
ખૂબ ખૂબ આભાર...આપના પ્રતિભાવો પ્રતિલિપિની સાથે સાથે મને મારા whatsapp નંબર 8469910389 પર પણ, જણાવશો તો વાચક તરફથી મળેલા જોમ અને જુસ્સો મારી લેખન કરવામાં પરિવર્તન લાવશે )
આપનો ..આશુમન સાંઈ યોગી રાવળદેવ...