"કેટલું ગંદુ શહેર છે આ. જ્યાં જુઓ ત્યાં કચરો." કેળાની છાલ કારની બારીની બહાર રસ્તા પર ફેંકતા ફેંકતા મીનાબહેન બોલ્યા.
*********************************************
" લગ્નમાં આવી જજો હો! એવા ભવ્ય લગ્નનું આયોજન કર્યું છે કે આખી નાત જોતી જ રહેશે. " એક મધ્યમ વર્ગનાં અને કરિયાણાની નાનકડી દુકાન ચલાવતા અનિલભાઈએ કહ્યું.
"પણ.. આટલા બધા ખર્ચની શું જરૂર?" રમેશભાઇ થી બોલી જવાયું.
"અરે!!એક ના એક દીકરાનાં લગ્ન છે. સમાજમાં દેખાવું તો જોઈએ ને! લૉન લીધી છે. " અનિલભાઈએ છાતી ફુલાવીને કહ્યું.
*********************************************
"અમારે તો દીકરો ને દીકરી બેય સરખા હો!" ગર્વથી સરલા બહેન ફોન પાર વાતો કરતા હતાં. એટલામાં જ ધવલ ,તેનો 17 વર્ષનો દીકરો પૂછયા વગર જ દોસ્તાર સાથે ફિલ્મ જોવા જતો રહ્યો.
"મમ્મી! હું પણ મારી ફ્રેન્ડસ સાથે મૂવી જોવા જાઉં?" ડરતાં અવાજે 19 વર્ષની દિવ્યા બોલી.
"આપણે છોકરીની જાત. મર્યાદામાં રહેવું પડે. રખાડવાનું નહિ." સરલાબહેનએ આંખો કાઢતાં કહ્યું.
"કાશ હું પણ છોકરો હોત." મનમાં ને મનમાં વિચારતા દિવ્યા રસોડામાં ગઈ અને રસોઈ કરવાં લાગી.
**********************************************
"પપ્પા.. હું રાધિકા ને પ્રેમ કરું છું. અને તેની સાથે જ લગ્ન કરીશ. " માધવ બોલ્યો.
મહેશભાઈ ,જે રાધા કૃષ્ણના મંદિરના પૂજારી હતા, રાધા કૃષ્ણની મૂર્તિને તિલક કરતા કરતા ઉભા થઇ ગયા અને માધવને ગાલ પર જોર થી તમાચો મારીને એને ચૂપ કરી દીધો.
*********************************************
"મમ્મી, તું બોવ વાયડી છે." 5 વર્ષની કાવ્યા એ તેની જીદ પુરી ના થતા મમ્મી સામે રાડ નાખીને કહ્યું.
"બેટા! મોટાની સામું ના બોલાય. કેટલી વખત શીખવ્યું છે તને? મોટા ને આદર આપતા શીખો." દીકરીને સમજાવતા અંજલિબહેન બોલ્યા.
"આ શું કરો છો બા? મારા ડોક્યુમેન્ટસ છાપાની પસ્તીમાં નાખી દેવા છે? તમને ખબર ના પડે તો અડતાં જ ન હોય તો." ગુસ્સામાં લાલ થઈ કાવ્યાના પપ્પા જયેશભાઇએ રાડ નાખી.. અને કાવ્યા કન્ફ્યુઝ થઈને જોતી જ રહી.
**********************************************
આ બધીજ સ્ટોરી આપણે આપણી આજુ બાજુ કયાંકને કયાંક જોતાં જ હોઈએ છીએ. આજે જાણે દરેક માણસ દંભ અને દેખાડાનું કૃત્રિમ જીવન જીવી રહ્યો છે. બોલવાના અને ચાવવાના દાંત અલગ! શહેર સ્વચ્છ જોઈએ પણ પોતે જ્યાં ત્યાં કચરો ઉડાડે. દીકરો દીકરી એક સમાનનો દંભ કરતા લોકોનો પણ દીકરા દીકરી સાથેનો વ્યવહાર અલગ અલગ! ભ્રષ્ટાચારના બરાડા પાડે, પણ જ્યારે પોતે ટ્રાફિકના નિયમ ભંગ કરતા પકડાય ત્યારે પોલીસને સાઈડ માં લઇ જઇ "સાહેબ સમજી લઈએ " કરીને પતાવે. પ્રેમ અવતાર એવા રાધા કૃષ્ણ ને પૂજતો સમાજ પાછો પ્રેમ વિરોધી!! સમાજને "સારું" લગાડવા માટે લગ્નમાં લાખો રૂપિયાનો ધૂમાડો કરે! સરકારી બસ માં જવું નહીં, બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવવા, સરકારી હોસ્પિટલમાં સારવાર ના લેવી, પણ નોકરી તો સાહેબ સરકારી જ જોઈએ!! છોકરી કેવા કપડાં પહેરે છે એનાથી એનું ચરિત્ર નક્કી થાય! પરંતુ છોકરાને ગમે તે કરવાની છૂટ. ખોટું કરે તો પણ "એ તો છોકરો છે . છોકરા આવા જ હોય. આપણે ધ્યાન રાખવાનું!" આવી સલાહ અપાય. પોતાની પેશન, ગમતું કામ કરવાની તો વાત પણ કોઈ કરે તો જાણે ઘરમાં ભૂકંપ આવી જાય. આખા ગામને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવું નક્કી કરવા ચોરે બેઠેલા જજનો તો તોટો જ નથી . અરે સાહેબ! એને શાંતિથી જીવવા દો ને. તમારું શું લૂંટાઈ જશે જો એ એના વિચારો મુજબ જીવશે??? જન્મથી જ માણસનો ગોલ નક્કી કરી નાખવામાં આવે. "પેલા ભણાવવાનું, પછી સરકારી નોકરી કરાવવાની. પછી નાતના છોકરો કે છોકરી ગોતી ને લગ્ન કરાવી દેવાના." no escape !! અહીં કોઈને પોતાની મરજી નથી પૂછવામાં આવતી કે નથી કોઈને પોતાનાં સપનાં પુછવામાં આવતા.
"લોકો શું કહેશે." એ ડર સાથે આખી જિંદગી જીવતા લોકોની અંદર માત્ર ને માત્ર અફસોસ અને અસંતોષ જ રહેવાનો. કોઈ અહીંયા ખુશ નથી. મજબુર થઈને બધું સ્વીકાર કરી લેતો માણસ અંદરથી દરરોજ મરી મરીને જીવે છે. તેનો અવાજ દબાઈ જાય છે સમાજના કહેવાતા ઠેકેદારોની બુમાબુમ વચ્ચે.
"પરિવર્તન એ જ સંસાર નો નિયમ છે." અને જો દંભનું સ્થાન નવા વિચારો અને નવી આશાઓ લેશે તો જ આ સમાજનું ચિત્ર બદલાશે ,એવું નથી લાગતું?
**********************************************