Zhanpo udaas chhe.. - 1 in Gujarati Fiction Stories by jignasha patel books and stories PDF | ઝાંપો ઉદાસ છે.. - 1

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ઝાંપો ઉદાસ છે.. - 1

પ્રકરણ -1
' રસોઈ તૈયાર છે ? '
'ના, પણ તૈયાર છે એમ જ સમજ ને !'
'કેમ તૈયાર નથી ?' એમ વાસવ ને પૂછવાનું જરા મન તો થયું, પણ બીજી જ પળે મનમાં કશુંક વિચારીને એ ચૂપ જ રહ્યો.
હજુ એ પતિ અધિકાર તેને પ્રાપ્ત કરવાનો બાકી હતો...
પતિ અધિકાર એટલે પતિની મરજી સાચવવાની અનિવાર્ય ફરજ...
પતિ અધિકાર એટલે પત્ની પરત્વે પતિએ નહીં બજાવેલી ફરજના ફળની અપેક્ષા...
એ કારણ વિના પતિ અધિકારનો અર્થ શોધવા મથામણ કરી રહ્યો...
પતિ ઈચ્છે ત્યારે રસોઈ તૈયાર હોવી જોઈએ...
જમવાનું ટાણું હોય કે ન હોય..
ઘરમાં રાશનપાણી હોય કે ન હોય...
પતિ અધિકારને એમાં કશો ફર્ક પડતો નથી...
પતિ અધિકારની આવી અફલાતૂન વ્યાખ્યા પર એને ખડખડાટ હસવાનું મન થયું...
પણ ત્યાં જ એને ખ્યાલ આવ્યો કે કેટલાય દિવસોથી ઘરમાં રેશનપણી જેવા નામનુંયે અસ્તિત્વ નહોતું.
અને છતાં ભોજન વિના તે કદી ભૂખ્યો રહ્યો નથી. આ વાસ્તવિકતા પર તેનું મન ઘણું ખિન્ન થયું.
તેણે વિચાર્યું........
ના જાણે પતિ અધિકારમાં કેટકેટલા પત્ની અધિકારનાં શોષણ થતાં હશે ?કેટકેટલી ગૃહિણીના અરમાનોનાં કચ્ચરઘાણ થતાં હશે ?કેટકેટલી નારીઓના જીવન નંદવાતા હશે ?
અને તે સાથે જ એને સ્મરણ થયું કે હજી તો રીના સાથે એની વિધિવત સગાઇ પણ નહોતી થઇ.
તેણે રીના તરફ અહોભાવથી જોયું. સગાઇ નહોતી થઇ એટલું જ બાકી, દિલથી દિલ નાં તાર તો મળેલા જ હતા ને ?
તેણે મનોમન વિચાર્યું.. સંસારમાં સૌથી ઉંચી સગાઇ તો દિલની જ ને ! અને છતાં સામાજિક સ્વીકૃતિ લેવી પડે ? હેં !!?
વાસવ હતો તો આમ નાનો માણસ પણ ઓરતા તો મોટા માણસોથીયે મોટા...
નજીકના શહેરમાં જ તે બાંધકામ શાખામાં પટાવાળાની નોકરી કરતો, પણ રોફ ઈજનેર જેવો મારતો હતો.
રીના માટે એને અપાર સ્નેહ.. કઈ પણ કરી છૂટવા માંગતો હતો, પણ શું કરવું તે સમજાતું નહોતું...
રીના અને વાસવ બાળપણ નાં ભેરુ હતા. પ્રેમના અતૂટ બંધને બંધાયેલા હતા. સાથે રમતા સાથે ભમતાં... ગામમાં કે પછી સીમને પેલે પાર... દૂર દૂર ફેલાયેલી નાની મોટી રઢીયાળી ટેકરીઓ પર...
ત્યાં એક સૌથી ઊંચી ટેકરી.. ટેકરી પર ટેકરી હતી અને તેથીજ એ સૌથી ઊંચી લાગતી હતી... એ ટેકરની ટોચ ને ફાડીને એક લીમડો ઊગી નીકળ્યો હતો. તેથી એને કુદરતની કરામત માનતા હતા.
હવે તો લીમડો ખાસ્સો જુવાન થઇ ગયો હતો. થડને અઢેલીને બેસી શકાય એવો.
રીના -વાસવ કેટલીયે વખત ત્યાં જતા કડવા લીમડાની મીઠી છાંયમાં કલાકો સુધી પ્રેમગોષ્ટી કરતા... સમય ખૂટતો પણ વાતો ન ખૂટતી... ક્યારેય વાંધો વચકો પડે તો મન મૂકીને લડી લેવાનુંયે ચુકતા નહીં, પણ એ ઝગડો બહુ લાંબો ટકતો નહીં...
લીમડાની ડાળ લળી લળીને તેમને મનાવી લેતી. ને ટેકરી ઉતારતાં તો વળી પાછાં બન્ને હતા એવા ને એવા, જાણે કશું બન્યું જ ન હોય... ! તે પછી બન્ને હાથમાં હાથ પરોવી, હાથ ઝુલાવતા ટેકરી ઊતરી પડતા.
સીમમાં પ્રવેશતાની સાથે જ પેલો સામાજિક શિષ્ટાચાર શરુ થઇ જતો. હાથ ઝૂલતા બંધ થઇ જતા અને હાથમાં પારોવાયેલ હાથ આપમેળે છુટા પડી જતા.
કારણ ! સીમનેય એક સીમા હોય છે ! એક શિસ્ત હોય છે !
'વાસવ ' ખભો પકડીને ઢંઢોળતી હોય તેમ મૃદુ સ્વરે રીનાએ વાસવને પૂછ્યું, 'વળી પાછો કયા વિચારોના ઝોલે ચડી ગયો ?'
'લાગે છે કે જીવતર આખું જ ઝોલે ચડી ગયું છે ' સાવ અન્યમનસ્કપણે એણે જવાબ આપ્યો.
' વાસવ, વાસવ આજે શું થઇ ગયું છે તને ? થોડા સમય પહેલા રસોઈનું પૂછતો હતો, અને હવે જીવતરના ઝોલાની વાત કરે છે ? આ તારા હૃદયની બખોલમાંથી આવતો અવાજ મારુ હૈયું વલોવી નાખે છે. '
રીનાનું હૈયું વલોવાતું જતું હતું...
વાસવ બેચેન હતો..
વાતાવરણ ઉદાસ હતું...
' ઠીક ત્યારે હું હવે જાઉ, સાંજે આવીને જ જમીશ. '
માંડ માંડ વાસવ બોલી શક્યો...
'એવી તે શી વાત છે કે જે તને ખુદ તારી જાતથી જ દૂર લઇ જઈ છે ?' રીનાએ પૂછ્યું.
વાસવ જરા મૂંઝાયો. રીના ઘણી ચતુર હતી તે એ જાણતો હતો, પરંતુ એના આંતર મનના ભાવો આમ સરળતાથી તે કળીલે તે તેને રુચતું નહોતું.
આજ સુધી બહું છુપાવ્યું હતું.
જમાનાથી...
જનેતાથી...
પ્રિયતામાંથી...
પરંતુ અત્યારે આજે ચતુર પ્રિયતમા રીનાએ પકડી પાડ્યું હતું. તેને તેનું ભાન કરાવ્યું હતું.
પરંતુ અત્યારે એવું વિચારવાનો અવકાશ નહોતો...
આવશ્યકતા પણ નહોતી...
છેક છેલ્લી ઘડીએ ફસકી જવાનું એના સ્વભાવમાં નહોતું...
છુપાવવું એટલે છેતરવા બરાબર...
છુપાવવું અને છેતરવું એજ અત્યારે એનો સ્વભાવ બની ગયો હતો..
હવે તે ખુદ પોતાની જાતને છેતરી રહ્યો હતો... હવે આ છુપાવવા- છેતરવાની કળા બૂમરેંગ સાબિત થઇ રહી હતી.
ખુદ તેને જ તે જખ્મી કરી રહી હતી. તે હવે થાકી ગયો હતો. નાસીપાસ થઇ ગયો હતો, હારી ગયો હતો...
જમાનાથી અને ખુદની જાતથી હવે તે મુક્તિ ઈચ્છતો હતો.
મુક્તિ એટલે મોત...
પરમ સુખ... ચિ... ર... શાં... તિ...
રીના ક્યારનીયે વાસાવને તાકી રહી હતી. તેનાં બદલાયેલા રૂપને જોઈ જોઈ રહી હતી. એણે વાસવની આંખમાં જોયું. તેમાં વેદના હતી. રીના એ જોઈને ચમકી ગઈ. એનાથી પૂછાઈ જવાયું.
' પણ... તું આજે આમ કેમ થઇ ગયો છે ?'
'આમ... આમ એટલે કેવો ?'
'આમ એટલે ભરી દુનિયામાં એકલો પડ્યો હોય એવો, દુઃખના ડુંગર તળે દબાયેલો હોય એવો, સાવ નંખાઈ ગયેલો, સાવ વિલાય ગયેલો. '
વાસવ શું બોલે ? છતાં પણ પરાણે એ રીનાના દિલને તસલ્લી આપવા બોલ્યો.
' અરે ગાંડી, તું બેઠી છે પછી દુઃખ કેવું ને અભાવ કેવો ? અને હવે તો ટૂંક સમયમાં આપણાં ઘડિયા લગ્ન પણ લેવાશે પછી બીજી ચિંતા કેવી ?' વાસવે તેને સાંત્વન આપ્યું.
રીનાને થોડી રાહત થઇ. એ બોલી, 'વાસવ, થાળી પીરશું ?'
'ના રીના, આવીને પછી જમીશ. રીના તું તૈયાર રહેજે હું તને હું તને તારા પિતાજીને મળવા લઇ જઈશ. ' એ જેમ -તેમ એટલું બોલ્યો.
એનું હૈયું ઘવાતું જતું હતું...
એનું હૈયું વહેરાતું જતું હતું...
અને એણે કદમ ઊપડ્યા. તેણે ઘર બહાર પગ મુકતાં એક વખત ફરી રીનાના ચહેરા તરફ નજર કરી ત્યાં નિર્દોષ સ્મિત હતું. પોતાના વચનોમાં અતૂટ શ્રધ્ધા વ્યક્ત કરતુ તેજ ત્યાં ફેલાતું હતું.. કઇં કેટલા કુંવારા અરમાનો ત્યાં દેખાતા હતાં...
તે કંપી ગયો... તેની નજર ખેતરમાં કામ કરતી મજૂર બાઈ પર પડી. એ મજૂરણમાં તેને શ્રમજીવી મહિલાના કેટકેટલા સ્વરૂપ દેખાયા. એ વધુ કંપી ઉઠ્યો...
' વાસવ, પાછા આવતી વખતે માંની દવા લાવવાનું ભૂલતો નહીં. આ ખાંસી તો માનો...... ' બાકીનું વાક્ય એણે જ અધુરું છોડી દીધું.
ખાટલા પર બેઠા બેઠા માએ બેવડ વળી ખાંસી ખાધી... ને એમાં પેલું રીનાએ છોડેલું અધુરું વાક્ય સમાય ગયું.
વાસવની નજર બીમાર માં તરફ ગઈ તે ડગમગી ગયો.
અને એજ પળે એનો હાથ પેન્ટના ખિસ્સામાં ગયો. કપાસની દવાની શીશીનો સ્પર્શ થતાં એ ભાનમાં આવ્યો.
એ સ્પર્શ એને આહલાદ્ક લાગ્યો.
જીવન અને જગતની ઝંઝટમાંથી મુક્તિનાં દ્વાર ખોલનાર એ દવા !
ને એનો સ્પર્શ...
બસ એક જ ઘૂંટ..
ને પછી... ?
પછી... શાંતિ.... ચિર... શાંતિ...
ત્યાં નહીં હોય બેકારી
નહીં હોય મોંઘવારી...
ત્યાં નહીં હોય લેણદારો...
અને પેલી માનુષી લાગણીઓને માથાનો એક ઝટકો મારી ખંખેરી નાંખી. ને એ ઝાંપા બહાર નીકળી ગયો... રીના એને જતો જોઈ રહી...
એ ઝાંપાથી દૂર દૂર ચાલ્યો ગયો...