DEVI : અમે સેક્સ કરવાનું મશીન નથી...
औरत ने जनम दिया मर्दों को मर्दों ने उसे बाज़ार दिया
जब जी चाहा मसला कुचला जब जी चाहा धुत्कार दिया (साहिर लुधियानवी)
આધુનિક સમય ઘણાને ખટકે છે. કારણકે, આજે બોલવાથી કોઈ ડરતું નથી. દુઃખ, દર્દ કે પીડા જે હોય તે ખુલ્લેઆમ ચર્ચાય છે. ચર્ચાવી જ જોઈએ. બદનામીના લેબલની કોઈને ચિંતા નથી. સોશીયલ મીડિયાએ બધાને કોરું આકાશ આપી દીધું. કોઈ રંગો પોસ્ટ કરે છે તો કોઈ પોતાનું અંધારું.
હમણાં "વુમન્સ ડે" ઉજવાયો. એ નિમિત્તે એક શોર્ટ ફિલ્મ પણ આવી... જેનું નામ છે "DEVI"..
13 મિનિટમાં આ શોર્ટ કલીપ ઘણું બધું કહી જાય છે. ડાયરેકટર પ્રિયંકા બેનર્જીએ વીણી વીણીને ડાયલોગ્સ લખેલાં છે અને એક જ ઓરડામાં દર્દને ભર્યું છે. સ્ટોરી વિશે લખીશ તો સ્ટોરી ઉઘાડી થઈ જશે. પરંતુ આવી વાતો છૂપી ન રખાય. તો વાત કરીએ એ શોર્ટ ફિલ્મની...
નામ દેવી. શોર્ટ ફિલ્મ જોઈ લીધા પછી તમને પ્રશ્ન જરૂર થશે કે, ફિલ્મનું નામ કેમ દેવી રાખ્યું. કારણ કે, આપણા દેશમાં "નવદુર્ગા"નું પૂજન થાય છે. હવે તમને એ પણ સમજાય ગયું હશે કે ફિલ્મમાં કેમ નવ સ્ત્રીઓને કાસ્ટ કરવામાં આવી. એટલે કે દેવી નામ રાખીને તમાચો મારવામાં આવ્યો છે. એ તમાચો કે જે ગલીએ ગલીએ ગૂંજવો જોઈએ. પરંતુ ઘણા તમાચા નિઃશબ્દ કરી મૂકે છે. પછી અંતે નારી રાક્ષસો સામે હારી જાય છે. તમે સમજી ગયા હશો કે આ ફિલ્મ રેપ વિષય પર છે. હા, રેપની શિકાર બનેલી....
कौन बदन से आगे देखे औरत को
सब की आँखें गिरवी हैं इस नगरी में (હમીદા શાહીન)
એક મૂંગી-બેરી છોકરી હાથમાં રિમોટ લઈને ટીવી શરૂ કરતી હોય છે.... ત્યાંથી આ ફિલ્મની શરૂઆત થાય છે. અલગ અલગ ઉંમરની, અલગ અલગ ધર્મની, અલગ અલગ સામાજિક સ્ટેટ્સની, ભણેલી, અભણ, ગરીબ, અમીર, નમણી, રૂપાળી, કાળી-ગોરી, બા, માતા, બહેન,પત્ની,મિત્ર વગેરે.... આમ અલગ અલગ બેકગ્રાઉન્ડથી આવેલી નવ દેવી સ્ક્રીનમાં દેખાય છે. આમ બધી સ્ત્રીઓ અલગ છે પરંતુ દર્દ બધાનું એક... RAPE...
ये औरतों में तवाइफ़ तो ढूँड लेती हैं
तवाइफ़ों में इन्हें औरतें नहीं मिलतीं (મીના નકવી)
છેલ્લા સીન સુધી સ્ટોરી ખુલતી નથી. સસ્પેન્સ જ રખાય છે. માત્ર ટૂંકા ડાયલોગ્સ અને આખી કહાની. ટીવીમાં સમાચાર આવે છે ને ઘરમાં ચર્ચા શરૂ થાય કે,"હવે કોઈ આવશે તો ક્યાં રાખીશું... કોણ બહાર જશે... કોણ અંદર..." એવામાં ડોરબેલ વાગે છે ને ચર્ચા ગરમ બને છે. એક ભણેલી છોકરી બોલે છે, "અહીંયા એક સારી સિસ્ટમની જરૂર છે....". કાજોલ બધાને શાંત રહેવા કહે છે. અને બધા અહીં આવવાનું કારણ કટાક્ષમાં બોલે છે...
જો કે આ વિષય કોઈ એક દેશને સ્પર્શે એવું નથી. આખી દુનિયા રેપ નામના દૂષણથી પીડાય છે. રેપ થયા પછીની દુનિયાને અહીં આબેહૂબ ઉપસાવી છે. રેપ કરીને મારી નાખવામાં આવેલી સ્ત્રીઓની આ સ્ટોરી છે. મર્યા પછી બધી સ્ત્રીઓ "આત્મા" બની ઉપર એક રૂમમાં ભેગી થાય છે. અને ત્યાં પોતાની પીડા એકબીજાને કહે છે. હવે બને છે એવું કે, જેનો રેપ થાય તે એ રૂમમાં જાય. વારેવારે ડોરબેલ વાગવાનો અવાજ સૂચવે છે કે, ભારતમાં દર 22 મિનિટે એક રેપ થાય છે. ભીડ વધુ ને ઓરડો એક. બધા નક્કી કરે કે, જેને ઓછી પીડા થઈ હોય એ બહાર જાય... એવામાં છેલ્લો ડોરબેલ વાગે છે અને જ્યોતિ જેને લઈ આવે એ દૃશ્ય જોઈને...આપણા રૂંવાડા ઉભા થઈ જવા જોઈએ...
"LARGESHORTFILMS" નામની યુ ટ્યુબ ચેનલ પર આ ફિલ્મ જોવા મળી જશે...
છાપે કે મીડિયામાં આવે એના જ રેપ થયા એવું નથી... બોલે એ બદનામ થાય અને ન બોલે એ ડુમાં ઓગાળે..
એક બે ચાબખા જેવા શેર સાથે તમને પણ એ ફીલિંગમાં મૂકતો જાઉં...
औरत हो तुम तो तुम पे मुनासिब है चुप रहो
ये बोल ख़ानदान की इज़्ज़त पे हर्फ़ है (सय्यदा अरशिया)
ફિલ્મનો નિચોડ અને દર્દ ભર્યું રુદન એટલે નીચેનો શેર..
तमाम पैकर-ए-बदसूरती है मर्द की ज़ात
मुझे यक़ीं है ख़ुदा मर्द हो नहीं सकता (फ़रहत एहसास)
- જયદેવ પુરોહિત Jp
www.jaydevpurohit.com