Adag purush in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | અડગ પુરુષ

Featured Books
Categories
Share

અડગ પુરુષ

એક નાની ક્લિનિક તેમાં ડૉક્ટર શાહ સાહેબ. આંખો દિવસ તેની ક્લિનિક પર હોય ને સમય મળે તો મંદિરની બહાર સેવા આપે. ત્યાં બેઠેલા ભિખારીઓની તપાસ કરી દવા આપે.

એક દિવસ શાહ સાહેબ મંદિરની બહાર બેઠેલા ભિખારી ની સેવા કરી રહ્યા હતા ત્યાં તેનું ધ્યાન એક ખુણામાં બેઠેલા બાપા પર ગયું. તે સાદા પણ સ્વચ્છ કપડામાં હતા. શાહ સાહેબ ને લાગ્યું તે બાપા ભિખારી તો નથી. પણ અહીં કેમ..!!!

થોડીક નજીક આવીને જોઈ તો તેમનો એક પગ ન હતો. તેની બાજુમાં લાકડાની કાખઘોડી હતી.

શાહ સાહેબ તેની નજીક ગયા ત્યાં કોઈ બોલ્યું ડોક્ટર સાહેબ તે તો ગાંડો છે ત્યાં ન જાવ. શાહ સાહેબે તેને પૂછયું બાપા કોઈ તકલીફ તો નથી ને. ત્યાં તે બાપા શાહ સાહેબ ને જોઈ ઉભા થઈ ગયા. 

કાખઘોડી લઈ ,હળવેકથી ઉઠીને એ બોલ્યા... 
ના સાહેબ મને સારું છે. એટલો સરળતાથી જવાબ આપ્યો કે 
શાહ સાહેબ વિચારે ચઢયા આટલી સરસ બોલી ....! અને આ ઉમરે. 

શાહ સાહેબે તેને ચેક અપ કર્યું ને કહ્યું. 
બાપા તમને આંખમાં મોતિયો છે ઓપરેશન કરવું પડશે . 

તરત જ એ બાપા બોલ્યા તમારી સાચી વાત છે મેં ડાબી આંખમાં ચાર વર્ષ પહેલાં ઓપરેશન કરાવ્યું હતું તો કદાચ હોય શકે. 

શાહ સાહેબે કહ્યું, બાપા, તમે અહીંયા શું કરો છો ?

“હું રોજ અહીંયા બે કલાક આવું છું..”

હા પણ કેમ? મને તો તમે સારા ભણેલા ગણેલા લાગો છો?

ભણેલો? આ શબ્દ પર ભાર દઈને એ હસીને બોલ્યા,ભણેલા???

 
શાહ સાહેબે કહ્યું, બાપા મારી મશ્કરી કરો છો કે શું?

સોરી સાહેબ મેં તમને હર્ટ કર્યા. 

હર્ટ નહીં પણ મને કશું સમજાતું નથી, આ શું ચાલી રહ્યું છે ?…

“સમજી લઈને શું કરશો ડોકટર ?”

“ઓકે, ચાલો આપણે ત્યાં બેસીએ, નહીંતર લોકો તમને પણ “ગાંડો”કહેશે…. ” આમ કહીને એ હસવા લાગ્યા..

હું એક મિકેનિકલ એન્જિનિયર હતો. એક કંપનીમાં સિનિયર મશીન ઓપરેટર હતો, એક નવા ઓપરેટર ને શીખવતા સમયે પગ મશીનમાં આવી ગયો, અને હાથ માં કાખઘોડી આવી ગઈ. કંપનીએ બધો ખર્ચો કરી કરાવીને ઉપર થોડાઘણા પૈસા આપીન ઘરે બેસાડી દીધો. પછી મારુ પોતાનું જ નાનું વર્કશોપ ખોલ્યું, મસ્ત ઘર લીધુ, છોકરો પણ મિકેનિકલ એન્જીનીયર છે, વર્કશોપ નું કામકાજ વધારી એક નાની કંપની બનાવી.

શાહ સાહેબ  બહું અચંબિત થયા 
બાપા તો તમે અહીંયા ક્યાંથી….?

હું…? નસીબના ભોગ…

છોકરાએ ધંધો વધારવા ઘર અને કંપની બન્ને વેચી નાખ્યા થયું છોકરાનું ચડતું લોહી છે. ઉત્સાહ છે. એની વૃદ્ધિ થાય છે ભલે વેચી નાખે બધું વેચીને એ અમેરિકા ગયો અને અમે અહીંયા વધ્યા.

બાપા પણ તમારી પાસે સ્કિલ છે. પાટું મારીને પાણી કાઢી શકો એમ છો તમે…

ભાંગેલા જમણા પગ તરફ જોઈને બાપા બોલ્યા, પાટુ? ક્યાં અને કેવી રીતે મારુ કહો..? હું ઓશિયાળો થયો, મને જ ખૂબ ખરાબ લાગ્યું..

બાપા કોઈપણ તમને નોકરી આપશે હજુ પણ, કારણકે આ ક્ષેત્ર માં તમારો અનુભવ ખૂબ જ છે..

સાચું સાહેબ હું એક વર્કશોપ માં જ છું, કામ કરૂં છુ સાત હજાર મળે છે મને. 

અરે બાપા તોય તે તમે અહીંયા શું કામ ?

ડોક્ટર, છોકરો ગયા પછી એક ચાલી માં પતરા વાળો શેડ લીધો છે ભાડા પર, ત્યાં હું ને મારી પત્ની રહીએ છીએ, એને પેરેલાસીચીસ  છે અને એ પોતાની જગ્યા પરથી ઉઠી શકતી નથી.

હું દસ થી પાંચ ડ્યુટી કરું છું, પાંચ થી સાત અહીંયા બેસું છું અને ઘેર જઈને “ત્રણેય” ની રસોઈ બનાવું છુ. 

બાપા હમણાં જ તમે કીધું, કે ઘેર તમે ને તમારા પત્ની હોય છે, તો ત્રણ જણાની રસોઈ?

ડોકટર, બાળપણમાં મારી માં ગુજરી ગઈ, મારા જીવથી વ્હાલા મિત્ર ની માં એજ એની સાથે સાથે મને પણ ઉછેર્યો, 2 વરસ પહેલાં એ મિત્ર ગુજરી ગયો,હાર્ટ એટેક થી , નેવું વરસ ની એની માં ને હું લઈ આવ્યો મારા પતરા માં એ ક્યાં જાય હવે ?

શાહ સાહેબ સુન્ન થઈ ગયા 
આ બાપા ના પોતાના આ હાલ, પત્ની અપંગ, પોતાને એક પગ નહી, ઘર ના ઠેકાણા નહી, જે હતું એ છોકરાએ વેચી નાખ્યું એમાં વળી મિત્ર ની માં ને સાંભળે છે. 

બાપા, છોકરાએ તમને રોડ પર લાવી દીધા, તમને ગુસ્સો નથી આવતો એના પર ?

ના ના ડોકટર, અરે એના માટે તો કમાવ્યું હતું, એણેે લઇ લીધું, એમાં એની ક્યાં ભૂલ થઈ ..?

બાપા ,લેવાની રીત એની ખોટી હતી, મૂળ સમેત ખેંચી લીધું એણે બધું. 

ડોકટર, આપણાં પૂર્વજો વાનરો હતા, પૂંછડી ગઈ પણ મૂળ સમેત ખેંચી કાઢવાની ટેવ એમ થોડી જશે માણસ માંથી…?
એવું કહીને હસતાં હસતાં મોઢું ફેરવ્યું … એ હાસ્ય હતું કે છુપાવેલાં ડુસકા ???

બાપા, સમજાયું મને, સાત હજાર માં પૂરું થાય નહીં ત્રણ જણાનું એટલે તમે અહીંયા આવો છો, બરાબર?

તમે ખોટું કહ્યું સાત હજાર માં હું બધું જ મેનેજ કરું છું, પણ જે વૃદ્ધ માં છે મારા મિત્ર ની, એને ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર, બન્નેની દવા ચાલુ છે, ફક્ત એ મેનેજ કરવું અઘરું છે ,આ સાત હજાર માં…

હું બે કલાક આવું છું અહીંયા, કોઈએ આપેલું અન્ન હું સ્વીકારતો નથી, હા કોઈ પૈસા આપે તો એ હું લઈ લઉં છું…. એની મહિનાની દવા, જાણીતા ના મેડિકલ સ્ટોર વાળા પાસેથી પહેલા જ લઇ લઉં છું અને રોજ , બે કલાક માં જે પૈસા મળે તે પૈસા મેડિકલ વાળા ને રોજ ના રોજ આપી દઉં છું … !

ભીની આંખે શાહ સાહેબ બોલ્યા 

બાપા, બીજાની માં માટે તમે અહીંયા ભીખ માગો છો?

બીજાની? અરે મારા બાળપણ માં એણે મારુ ખૂબ કર્યું છે હવે મારો વારો છે, બસ એટલું જ…!

મેં એ બન્ને ને કીધું છે, પાંચ થી સાત હજુ એક કામ મળ્યું છે મને. 

બાપા, પછી એમને ખબર પડશે કે તમે અહીંયા ભીખ માગો છો, ત્યારે..?

અરે કેવી રીતે ખબર પડશે ? બન્ને ખાટલા પર પડીને મારી મદદ વગર પડખું પણ ફરી નથી શકતી. આવી જ કઈ રીતે શકશે અહીંયા એ બન્ને ?

શાહ સાહેબે કહ્યું હું કાયમ માટે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર ની ટિકડીઓ આપીશ, તો ,તમારે અહીંયા આવી રીતે માગવું નહી પડે. 

ના સાહેબ તમે ભિખારીઓ માટે કામ કરો છો. એને તમે ટિકડીઓ આપશો એટલે એક રીતે , એ ભીખારણ જ થઈ ને? હું હજુ સમર્થ છું, એનો છોકરો થઈને .. મને કોઈ ભિખારી કહેશે તો ચાલશે પણ એને નહી….

ઓકે ડોક્ટર સાહેબ , હું જાઉં હવે ? ઘેર જઈને રસોઈ બનાવવાની છે હજુ….

બાપા, ભીખારીઓના ડોક્ટર સમજીને નહી, તમારો છોકરો સમજીને લ્યો ને બા માટે દવાઓ….

હાથ છોડાવીને એ બોલ્યા, ડોક્ટર હવે આ સંબંધો માં મને પરોવશો નહી પ્લીઝ, એક ગયો જ છે છોડીને.. 

આજે મને આશા બંધાવીને કાલે તમે જતા રહ્યા તો  હવે મારામાં સહન કરવાની શક્તિ હવે નથી રહી… !

આવું કહીને, કાખઘોડી લઈને એ નીકળી પણ ગયા જતી વખતે માથા પર ધીમેકથી હાથ મુક્યો, બોલ્યા, કાળજી લેજે બેટા તારી પોતાની. 

શબ્દોથી એમણે , મેં જોડેલો સબંધ નકાર્યો પણ માથા પર મુકાયેલા હાથ ના ઉષ્ણ સ્પર્શ થી અનુભવ્યું કે, આ સંબંધ મનોમન એમણે સ્વીકાર્યો છે. 

આ ગાંડા માણસ ને પાછળથી જ નમસ્કાર કરવા માટે શાહ સાહેબ ના હાથ આપોઆપ જ જોડાઈ ગયા

જીત ગજ્જર