Jasus bahenpani in Gujarati Detective stories by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | જાસૂસ બહેનપણી

Featured Books
Categories
Share

જાસૂસ બહેનપણી

ઘણી વખત આપણે જ આપણે ગોઠવેલી જાળમાં ફસાઈ જતાં હોઈએ છીએ,સુષ્મા.તમારી સાથે કંઈ એવું જ બન્યું છે.તમે અને કેતવ બંને મહાનગરના બંને અંતિમ છેડે આવેલાં વિસ્તારમાં રહેતાં એકબીજાનથી અજાણ વ્યકતિત્વ હતાં.કેતવ મહાનગરની એક મોટી બિઝનેસ ફર્મનો સી.ઈ.ઓ.હતો અને તમે? તમે, એક અલ્લડ સુંદર છોકરી હતા,સુષ્મા.જેને માત્ર એનો એકનો જ હોય એવા છોકરાની જીવનસાથી તરીકે તલાશ હતી.
તમારા માટે કેતવના ઘર તરફથી લગ્ન માટેનો પ્રસ્તાવ આવેલો.બનેલું એવું કે તમારા મામાના છોકરાંનાં લગ્નમાં કેતવની મમ્મી આવેલાં.એમાં એમને કેતવ માટે તમે ગમી ગયેલાં.એમને તપાસ કરતાં તમે કૉમર્સ ગેજ્યુટ હતા.દેખાવે તો સુંદર હતાં જ,સંસ્કારની પણ.કેતવના મમ્મીને સુંદર,સુશીલ અને ભણેલી કન્યા કેતવ માટે જોઈતી હતી.તમે એ ચોકઠાંમાં એમના મતે ફીટ બેસતાં હતાં.તમને જોવાં અને લગ્ન માટે માંગુ નાંખવાં કેતવ અને એની મમ્મી બંને આવેલાં.તમે બંને મળેલાં.તમારી સુંદરતા,વાક્ચાતુર્ય અને અલ્લડતાં કેતવને ગમેલી.તમને પણ આટલી નાની ઉંમરે સારી પ્રગતિ કરનાર'હેન્ડસમ' કેતવ ગમી ગયેલો.ત્યાં જ તમે બંને એ લગ્ન સંબંધ માટે સંમતિ આપી દીધેલી.કેતવના મમ્મી તો પહેલેથી જ પેંડા સાથે લાવેલાં.સૌએ મોં મીઠું કરેલું.
કહાની હવે શરુ થાય છે સુષ્મા.એ લોકોના ગયાં પછી ઘરમાં તો ખુશીનો માહોલ છવાયેલો.સગાઈની તારીખ બાબતે ચર્ચા પણ શરું થઈ ગયેલી.પણ તમને વિચાર આવેલો 'આટલા ભણેલા-ગણેલા,હેન્ડસમ, સ્ટાઈલીશ,રીચ કેતવ માટે હું પહેલી જ સ્ત્રી હોઈશ કે પછી મારા જેવી બીજી કેટલીય એના જીવનમાં આવી ગઈ હશે.શું એ માત્ર મને જ ચાહશે કે પછી કોઈ બીજીને ચાહતો હશે? ભૂતકાળમાં કોઈની સાથે પ્રેમ સંબંધ ધરાવતો હશે કે નહી?વર્તમાનમાં તો એની કોઈ પ્રેયસી નહી હોય ને? વગેરે વગેરે હાથ-પગ વગરના તમારાં વિચારોએ તમને ધેરી લીધાં.એ રાતે તમે સુઈ ન શક્યાં.
વહેલી સવારે તમે તમારી કૉલેજ સમયની સહાધ્યાયી રીનાને કૉલ કર્યો.એ એક પ્રોફેશનલ જાસૂસ હતી.તમે એને મળવા બોલાવી.તમે એને માંડીને બધી વાત કરી અને કેતવની જાસૂસી કરી કેતવ વિશે બધી જાણકારી મેળવી લાવવા કહ્યું.રીનાએ તમને ઑ.કે.કહયું અને જેટલું ઝડપી બને એટલું ઝડપી કામ પુરું કરવાની તૈયારી બતાવી.
રીનાએ પોતાનું કામ શરુ કર્યું.
રીનાએ સૌપ્રથમ કેતવની કંપનીમાં જોબ મેળવી એ પણ પબ્લિક રીલેશન ઑફિસર તરીકે.એની હોંશિયારી અને વાકપટુતાના જોરે બહુ જ ઓછાં સમયમાં એ કેતવની નજીક પહોંચી ગઈ. આ અરસામાં એણે કેતવ વિશે જાણકારી મેળવવાનું ચાલું રાખ્યું.એની જાસુસી કેતવને મી.કલીન સાબિત કરતી હતી.
આ સમય દરમિયાન કેતવની મમ્મીને ઘરના બાથરુમમાં પડી જવાથી ફ્રેકચર થઈ ગયેલું.ડૉકટરે બે-ત્રણ માસ આરામ કરવાની અને બેડ રેસ્ટની સલાહ આપેલી.એના કારણે તમારી અને કેતવની સગાઈની તારીખ નકકી નહોતી થઈ.
રીના એક પ્રોફેશનલ જાસુસ હતી સાથે-સાથે એક સ્ત્રી પણ હતી.સ્વભાવે બોલ્ડ,સહેજ ભીનેવાન,નમણી,રીનાના મનમાં ભૂતકાળ જાગૃત થયો.તમે બારમાં ધોરણમાં સાથે ભણતાં હતાં ત્યારે તમારી સાથે કર્ણ નામનો હોંશિયાર છોકરો ભણતો હતો.રીના એને મનોમન ચાહતી.તમારી પાકી દોસ્ત હોવાના નાતે એણે એ બાબત તમને જણાવેલી.એક દિવસ હિંમત કરીને કર્ણને એણે પ્રપોઝ કર્યું.કર્ણે એની પ્રપોઝલ ઠુકરાવેવલી.એણે કહેલું તું સુષ્મા જેવી સુંદર હોત તો વિચારત,તારા જેવી કાળીને કોણ પ્રેમ કરે? આ બાબતે રીના આધાત પામેલી અને એવું માનવા લાગેલી કે સુષ્મા ન હોત તો કર્ણ કદાચ એને પસંદ કરત.એ વખતે એની ઈચ્છાના બાળ મરણ માટે એને તમારી સુંદરતા દોષિત લાગેલી. આ બાબતથી તમે તો સાવ અજાણ હતાં સુષમા.રીનાને કર્ણની વાત કાયમ ચૂભતી. તમે સોંપેલી જાસુસી એના માટે તમારી સાથે બદલો લેવાની સુંદર તક બની ગઈ.
એક દિવસ રીનાએ આવીને તમને કેતવની ઐયાશી,એની ડ્રીંકની આદત,ભૂતકાળના એના કારનામાં વિશે એણે ઉપજાવી કાઢેલ જાસુસી રીપોર્ટ સંભળાવ્યો.તમને તમારી મિત્ર અને પ્રોફેશનલ જાસુસ રીના પર કેતવ કરતાં વધુ ભરોસો હતો.
બીજી બાજુ રીનાએ કેતવની કંપનીમાં એની જૉબમાં પ્રગતિ કરેલી.એ કેતવની પી.એ.બની ગયેલી.એની કામ પ્રત્યેની નિષ્ઠા અને કૌશલ્યવૃતિએ એને કેતવની નજીક લાવી દીધેલી.એક દિવસ મોકો જોઈ એણે કેતવને તમારા વિશે ખોટી માહિતી આપેલી.તમે કૉલેજ કાળ દરમિયાન કોઈ છોકરાંના પ્રેમમાં હતાં અને તમારે એ છોકરાં સાથે શારીરિક સંબંધ પણ હતાં એમ તેણે કેતવને જણાવેલું.એ તમારી કલાસમેટ હતી એ બાબત પણ એણે કેતવને જણાવેલી. એટલે કેતવે એની વાત સાચી માની લીધેલી.
એક પ્રોફેશનલ જાસૂસના ખોટા અહેવાલ કારણે તમે અને એક પર્સનલ સેક્રેટરીની ખોટી માહિતીના આધારે કેતવે લીધેલા નિર્ણયના કારણે તમે અને કેતવ લગ્ન ગ્રંથિથી જોડાવ એના પહેલાં છૂટા પડી ગયેલાં.
તમે તો મનોમન પોતાની જાતને એક પ્રોફેશનલ જાસૂસની મદદ લેવા બદલ ચાલાક માનતાં અને રીનાનો આભાર પણ માનતાં.
પણ એક દિવસ તમારી કોઈ ફ્રેન્ડનો કૉલ આવેલો 'સુષ્મા, તું રીનાના મેરેજમાં આવવાની છે ને?'તમે કહેલું'કયારે છે, મને તો ખબર નથી,કંકોતરી પણ નથી આવી,કયાં કર્યા મેરેજ?'તમારી દોસ્તે જણાવેલું'મારે કંકોતરી આવી છે,અહીં આવી ત્યારે તો કહેતી હતી તને આપવા આવવાનું,ઉતાવળમાં ભૂલી ગઈ હશે.આ મહિનાની બારમી તારીખે છે મેરેજ.ખબર નહી મેરેજ કયાં કર્યા પણ કોઈ કેતવ નામનો છોકરો છે'
તમારા પગ તળેથી જમીન ખસી ગયેલી.પ્રોફેશનલ જાસુસ તમારી બહેનપણી રીનાના કેતવ વિશેના જાસુસી અહેવાલનો ભેદ હવે તમે ઉકેલી ચૂકયાં હતાં સુષમા.
મેં સાચું જ કહયું ને 'ઘણી વખત આપણે જ આપણે ગોઠવેલી જાળમાં ફસાઈ જતાં હોઈએ છીએ'


શરદ ત્રિવેદી