Discovery - the story of rebirth in Gujarati Fiction Stories by Chintan Madhu books and stories PDF | શોધ – પુર્નજન્મની ગાથા

Featured Books
Categories
Share

શોધ – પુર્નજન્મની ગાથા

ગઢ ચારેકોરથી ઇસ્ટ ઇંડિયા કંપનીના સૈનિકોથી ઘેરાઇ ચૂકેલો. લાલ રંગના વસ્ત્રોમાં કાળા માથાના માનવીઓનો કાફલો ગઢની આસપાસ વર્ચસ્વ જમાવી રહ્યો હતો. યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ચૂક્યા હતા. સફેદ ઘોડા પર સવાર રાજા એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં ઘોડાની લગામ ઝાલી તીવ્ર ગતિથી દુશ્મન સેના તરફ ધસી રહેલો. ઘોડાની તીવ્ર ગતિને કારણે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ફેલાઇ ગયેલી. ઇસ્ટ ઇંડિયા કંપનીનો જર્નલ રાજા સાથે યુદ્ધ પ્રસ્તાવની સામે શાંતિમંત્રણા મુદ્દે ચર્ચા કરવા ઇચ્છતો હતો. પરંતુ રાજા કંપની સામે ઘૂંટણે આવવા માંગતા નહોતો. આથી જ જનરલની ગઢ વિજય કરી રાજાનું નાક કાપવાની મંછા અત્યંત પ્રબળ બનેલી. વળી તેઓની પાસે રાઇફલ હતી. જેની સામે રાજાના સૈન્ય પાસે નહિવત સંખ્યામાં રાઇફલ હતી. રાજાનું સૈન્ય નબળું પડી રહેલું. રાજાએ તેઓના સાથી મિત્રોની સલાહને ધ્યાને લઇ ગઢમાં પાછા ફરવાનું નક્કી કર્યું. પરંતુ તેના જ સાથીઓમાંના એક સાથીએ ગઢનો દરવાજો ખોલ્યો જ નહિ. તે જ બંધ દરવાજા પાસે અટકેલા રાજા પર જર્નલના હુકમને તાબે રહેલા સૈનિકે રાઇફલ ચલાવી અને ધાંય... ધાંય.... ધાંય...! ત્રણ ગોળીઓ રાજાની છાતીમાં સોંસરી ગઇ.

ઊંઘમાંથી સફાળા ઇશાન બેઠો થયો. તેના ચહેરા પર પરસેવાના બિંદુઓની જમાવટ દેખાઇ. હોઠ સુકાઇ રહ્યા હતા. આંગળીઓ ધ્રુજી રહેલી અને ધબકારા સંભળાઇ રહ્યા હતા.

‘શું થયું?’, શ્વેતા, ઇશાનની પત્નીએ ઇશાનના ખભા પર હાથ મૂક્યો.

‘વિચિત્ર સપનું જોયું.’ ઇશાને બંન્ને હાથ પર કપાળ પર મૂક્યા.

‘એટલે જ કહું છું કે મોડી રાત સુધી ફિલ્મ જોવાનું બંધ કરી દે.’

‘આ કોઇ ફિલ્મનું ર્દશ્ય નહોતું. મેં મારી જાતને ગોળી વાગતા જોઇ.’

‘સારૂં...સારૂં...!’, શ્વેતાએ ઇશાનના વાળમાં હાથ ફેરવી શાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.

‘મને આ સપનું વારંવાર કેમ આવે છે?’

‘ઓ...હો...! તે સપનું. તું મારો રાજા છે એટલે તને રાજાના જ સપના આવે ને...’, શ્વેતાએ ઇશાનને હળવાશની પળ આપી.

‘હું મજાક નથી કરી રહ્યો. મારો કોઇ તો સંબંધ છે આ સ્વપ્ન સાથે...’, ઇશાને ઓશીકા પર માથું ટેકવ્યું.

છત પર લગાવેલ પંખો મંદ ગતિ સાથે ઘુમી રહેલો. શ્વેતા ઇશાનની છાતી પર હાથ મુકી પ્રેમથી ફેરવવા લાગી. તે ઇશાનના વિચારોના ઘોડાને રોકવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી. પરંતુ ઇશાનની આંખો હજુ પણ સપનામાં જોયેલા ર્દશ્ય પર અટકી ગઇ હતી. સંપૂર્ણ ચિત્ર છત પર પથરાયેલું હોય તેવો તેને ભાસ થવા લાગ્યો. ઊંઘ એટલી દૂર જતી રહી હતી કે આંખો બંધ કરવા છતાં પણ આવવાનું નામ જ નહોતી લેતી. શ્વેતાએ બળજબરીપૂર્વક ઇશાનની આંખો બંધ કરી અને તેના વાળમાં આંગળીઓ રમાડવા લાગી. ધીમા પગલે નીંદરના વાદળો ઇશાનની આંખો પર ચડાઇ કરવા લાગ્યા. આશરે અર્ધા કલાક બાદ તે ગાઢ નિંદ્રામાં પોઠી ગયો.

*****

બીજા દિવસે સવારે ૦૫:૦૦ કલાકે, ઇશાનને શ્વેતાએ ખૂબ જ સ્નેહથી કપાળ પર હથેળીના મૃદુ સ્પર્શ સાથે ઊંઘના કૂવામાંથી બહાર ખેંચ્યો. ઇશાન અને શ્વેતા મુંબઇના બોરીવલી ઇસ્ટ વિસ્તારમાં તેમનું જીવન ગુજારી રહ્યા હતા. બન્ને વિશાળ હ્રદય સાથે એક બેડરૂમ, હોલ - કિચન ફ્લેટમાં રહેતા. ફ્લેટની બહાર માનવોથી ખચાખચ ભરેલો વિસ્તાર, રોજની સામાન્ય ઘટના બની ચૂકેલો. ઇશાન ચર્ચગેટ પાસે આવેલ સોફ્ટવેર કંપનીમાં ટેકનીકલ એનાલીસ્ટ તરીકે ફરજ નિભાવતો, જ્યારે શ્વેતા બોરીવલીમાં જ એક પ્રાઇવેટ સ્કુલમાં પ્રાથમીક વિભાગમાં શિક્ષિકા તરીકે કાર્યરત હતી.

ઇશાન નિયમિત કસરત કરતો હોવાને કારણે કસાયેલ તનનો ધણી હતો. લાંબો ચહેરો અને તેજ કથ્થાઇ રંગ - જેમાં હંમેશા કોઇ રહસ્ય દબાયેલું હોય તેવી ઝીણી આંખો, ચમકતું કપાળ, ખભા સુધી આવતા લાંબા લહેરાતા વાળ, તેને ગ્રીક યોદ્ધા જેવો ઘાટ બક્ષતા હતા. ડેનીમ બ્લુ પેંટ અને બ્લેક શર્ટ, તેની પસંદગી હતી. સામાન્ય રીતે તે આ જ પહેરવેશમાં જોવા મળતો. તન જેટલી વાત સામે મુઠ્ઠી જેટલું બોલવું ઇશાનની ઓળખ હતી. મુઠ્ઠી જેટલી વાત હંમેશા મુઠ્ઠી જેટલી જ પ્રબળ અને દમદાર રહેતી. કી-બોર્ડ પર તીવ્ર ગતિથી આંગળીઓ રમાડવામાં માહેર હતો. નોકરી પ્રમાણે દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની તેની આદત હતી.

શ્વેતા સાગર જેવી વિશાળ શ્યામ નેત્રોની માલકણ હતી. ઇશાનના તેના પ્રેમમાં પડવા માટે આંખો જ જવાબદાર હતી. ગુજરાતી સાડી તેની પ્રથમ પસંદગી પામેલી. આથી જ હંમેશા તે ગુજરાતી સાડી જ ધારણ કરતી. કેડ સુધી પ્રસરેલા કાળા ભમ્મર વાળ, સુંદરતામાં વધારો કરતા. ગોળ ચહેરો અને નાનું અણીદાર નાક તેને રાણી જેવી જ છાપ આપતા હતા. ઇતિહાસ ભણાવતી હોવાને કારણે તેને ઐતિહાસીક બાબતોનું જ્ઞાન બહોળા પ્રમાણમાં હતું. રાજાઓ વિષે જાણવામાં તેને વધુ રસ હતો. તેનું પ્રાધાન્ય હંમેશા ઇશાન જ હતો.

‘ચાલો... હવે વાળ ઓળાઇ ગયા હોય તો, ચા પી લો.’, શ્વેતાએ અરીસામાં વાળ સરખા કરી રહેલા ઇશાનને ટકોર કરી. ઇશાન તેના વાળની ખૂબ જ સંભાળ રાખતો. શ્વેતા કરતાં પણ વધુ સમય અરીસા સામે વાળને સરખા કરવામાં પસાર કરતો હતો.

‘હા!, આવી ગયો.’, ઇશાને દાંતીયો કબાટની ઉપર જ મૂકી દીધો અને ઝડપથી સોફા પર ગોઠવાઇ ગયો. ફરજ નિભાવવા માટે તૈયાર થતાંની સાથે ઇશાન અને શ્વેતા દરરોજ સવારની ચા અને નાસ્તો સાથે જ કરતા હતા. સવારના ૦૭:૦૦ કલાકે અચૂક સોફા પર તે ગોઠવાઇ જતો અને શ્વેતા ચા-નાસ્તા સાથે ટીપોઇ પર બધું ગોઠવી પાસે બેસતી.

‘આજે બપોરે વહેલો ઘરે આવી જ જઇશ.’, ઇશાને ચાનો કપ ઉઠાવ્યો.

‘કેમ?’

‘આંખો વારેઘડીયે બંધ થઇ જાય છે. આળસ જતી જ નથી. કાલના સપનાના કારણે ઊંઘ પૂરી થઇ શકી નથી. ઘરે આવી આરામ કરવા માંગું છું.’, ઇશાને ગાંઠીયાની ડીશ પોતાની તરફ ખેંચી.

‘સારૂ. આવી જજો.’, શ્વેતાએ તે જ ડીશ પોતાની તરફ ખેંચી. આ ખેંચતાણમાં ડીશમાંથી ગાંઠીયા દેડકાની જેમ કુદકાં મારી ટીપોઇના તળાવ પર ઢોળાયા. બન્ને ખડખડાટ હસવા લાગ્યા.

એટલામાં જ ઇશાનનો મોબાઇલ રણક્યો.

‘તમે બેસો. હું લાવું છું.’, શ્વેતા ફોન લેવા માટે બેડરૂમ તરફ ગઇ. ઇશાન ચાનો કપ પૂરો કરવામાં લાગી ગયો.

‘કોનો ફોન છે?’, ઇશાને ટીપોઇ પર રમી રહેલા ગાંઢીયાને પકડીને ડીશમાં મૂક્યા.

‘અજાણ્યો નંબર છે? લો... વાત કરી લો.’, શ્વેતાએ ફોન ઇશાનને આપ્યો અને પોતાનો ચાનો કપ ઉપાડ્યો.

ફોન ઉઠાવતાંની સાથે જ સામેથી અવાજ આવ્યો,‘મારી વાત પૂરી સાંભળો. હું છેલ્લાં કેટલાંય સમયથી તમારો સંપર્ક નંબર શોધી રહ્યો હતો. આજે જઇને મારી મહેનત સફળ થઇ છે. મારે તમને એટલું કહેવું છે કે જો તમને નજીકના થોડા સમયથી કોઇ રાજાનું સપનું આવતું હોય તો સમય આવી ગયો છે... સમય આવી ગયો છે તમારી સાચી ઓળખથી તમને પરીચીત કરાવવાનો, તમને આવતા સપનાના રહસ્યો જણાવવાનો, તમારી સાચી ફરજ નિભાવવાનો...સમય આવી ગયો છે. તમે કોણ છો? કેમ છો? કાર્ય શું છે? સમય આવી ગયો છે... “મહારાજ” સમય આવી ગયો છે.’ ફોન કપાઇ ગયો.

ઇશાનના હાથમાંથી ફોન પડી ગયો. કપાળ પર પરસેવો દેખા દેવા લાગ્યો. શ્વેતાએ ઇશાનના ખભા પર હાથ મૂક્યો, ‘શું થયું? કોનો ફોન હતો? શું કહેતો હતો? ઇશાન.. ઇશાન...’

શ્વેતાના હચમચાવવાથી ઇશાન ફક્ત એટલું બોલી શક્યો, ‘ખબર નથી..., તેણે મને કહ્યું...’

‘શું કહ્યું?’

“મહારાજ”

*****