Rojindi Ghatmaad in Gujarati Motivational Stories by Manisha Hathi books and stories PDF | રોજિંદી ઘટમાળ

Featured Books
Categories
Share

રોજિંદી ઘટમાળ

મન મૈલા તન ઉજલા
કે...પછી
તન મૈલા મન ઉજલા ...
આ વાર્તા દ્વારા આ શિર્ષક બંને રીતે સાબિત થયું છે .
મન પણ ઉજળું અને તન પણ ઉજળું ....
રોજના સૂર્યોદયની સાથે શરુ થતી આ રોજની ઘટમાળ......
મેલા ઘેલા લિબાસમાં ' લિબાસ 'નાં શૉ-રૂમની બહાર આવેલી ફૂટપાથ પર સિંગ-ચણાની લારી વાળો ઉભો રહેતો હતો .
ઉંમર નાની હતી પરંતુ ચહેરો આધેડ ઉંમરની વ્યક્તિ જેવો નજર આવતો હતો . ચહેરા પર ગરીબીની રેખાઓ સાફ સાફ દેખાય રહી હતી .
આવતા વર્ષે પોતાનો દીકરો રાજુ દસમાં ધોરણમાં આવશે . નવમાં ધોરણ સુધી પેટે પાટા બાંધી બાપે ભણાવ્યો હતો . માઁ તો એને જન્મ આપીને સ્વર્ગે સિધાવી ગઈ હતી . એકલપંડે પોતાની જાતને સંભાળતા સંભાળતા દીકરાને નવમાં ધોરણ સુધીનું ગાડુ તો ગબડાવ્યું .
પણ...હવે...આવતા વર્ષે કઈ રીતે પૂરું કરીશ ???

દીકરો ભણવામાં હોશિયાર હતો . દીકરાનું ચિત્ત પણ ભણવામાં હતું . એટલે એના બાપુની ઈચ્છા ખૂબ હતી કે એ આગળ ભણે...

' લિબાસના શૉ-રૂમનો માલિક રોજ લગભગ અગિયાર - સાડા અગિયાર આસપાસ આવતા . સુટ-બુટમાં સજેલા , અત્તરની મનમોહક સુગંધ ફેલાવતા એક પ્રેમાળ સ્મિત સાથે ગાડીમાંથી એન્ટ્રી મારતા .
અને શૉ-રૂમમાં પ્રવેશતા પહેલા રોજ વીસપચીસ રૂપિયાની સિંગ લઈને અંદર પ્રવેશ કરતા .
આ જોઈને એની સાથે આવતા એમના દીકરાનું મોઢું રોજ રોજ બગડતું .
એમતો એમનો દીકરો ખાસ કંઈ મોટો હોય એવું લાગતું નહોતું . કદાચ મારા પોતાના દિકરાથી પાંચ-છ વર્ષ મોટો હશે એવું એના ચહેરાથી લાગતું . પણ રુવાબ તો જુવો . એની આંખોમાં મારી માટે ઘણી ફરિયાદો હતી .
અને એકદિવસ તો ધીરી અવાજમાં પપ્પાને જે કહેતો હતો એ મને સંભળાઇ ગયું .....

' શુ પપ્પા તમે પણ રોજ રોજ આવી ખુલ્લી રેકડીમાંથી સિંગ ખરીદો છો . ..
અને એકદિવસ તો થયું પણ એવું કે એના પિતાની ગેરહાજરીમાં આવીને મને કહી ગયો ,
' કાકા થોડા સમયમાં તમારી આ રેંકડી કોઈ બીજી જગ્યાએ લઈ જજો કેમકે મારા પપ્પાને રોજની આદત પડી ગઈ છે . અને ખાસ તો અમારા આટલા સુંદર શૉ-રૂમની બહાર આ તમારી રેંકડી બહુ ખરાબ લાગે છે . એવું લાગતું હતું કે પોતાના લાલઘૂમ ચહેરાથી અને મોઢામાંથી નીકળેલા શબ્દોથી ખુલ્લી ધમકી આપતો હોય ...

રેકડીમાં વેચાતાં સિંગ-ચણાના આધારે તો શ્યામલાલે જિંદગી કાઢી હતી . હવે બીજી જગ્યા ક્યાં શોધું ... અને એમ પણ આ જગ્યા તો વર્ષો જૂની છે . પોતાના પિતા પણ આ જગ્યાએ જ ઉભા રહી સિંગ-ચણા વેંચતા હતા .

એકતરફ આવતા વર્ષે દીકરાને દસમા ધોરણમાં કેવી રીતે ભણાવીશ એની ચિંતા અને બીજી બાજુ હવે આ રેંકડીને બીજી દિશામાં ફેરવવાની ચિંતા ... એમ તો આ જગ્યા મારા માટે શુકનિયાળ હતી . પણ આ ધમકી મળ્યા પછી શ્યામલાલ ચિંતાતુર થઈ ગયો .

એકદિવસ ગાડીમાંથી શૉ-રૂમના માલિક એકલા જ ઉતર્યા એ પણ પોતાના રોજિંદા સમય કરતાં ઘણા મોડા આવ્યા .
એમના દીકરાની આજે ગેરહાજરી હતી . એની સાથે ઉતરેલા એક માણસના હાથમાં નાના કપડાનું બાંધેલું એક પોટલું હતું .
માલિક તો ઉતરતાની સાથે ફોન પર વાત કરવામાં પડ્યા હતા . એમની સાથે આવેલા માણસને એમણે ઇશારાથી એ કપડાના પોટલાને મારી રેંકડી પર રાખવા જણાવ્યું . એ માણસ મારી રેંકડી પર પોટલું મૂકી અંદર શૉ-રૂમમાં ચાલ્યો ગયો . પરંતુ માલિક હજુ સુધી ફોનમાં જ વાત કરી રહ્યા હતા . માલિકના ચહેરા પર ચિંતા સાફસાફ દેખાય રહી હતી . એમની આંખોમાં અશ્રુઓ નજર આવી રહ્યા હતા .

ફોન પરની વાત પૂરી થતાં જ માલિક મારી તરફ વળ્યા . બે-ચાર મિનિટ તો એવું જ લાગ્યું કે માલિક પોતાના દીકરાની વાતમાં આવીને રેંકડીની જગ્યા બદલવાનું જરૂર કહેશે ...

રેકડીની પાસે આવતા બોલ્યા
' આ પોટલામાં આજ વર્ષના તાજા દસમાં ધોરણના પુસ્તકો છે . અને થોડા જુના પણ છે . તારે સીંગ-ચણા બાંધવામાં કામ લાગશે .
મારા દીકરો દસમાં ધોરણમાં પાંચ વર્ષ સુધી નાપાસ થતો આવ્યો છે . આ વર્ષે પણ મેં સમજાવીને પરીક્ષા આપવાનું કહ્યું . પણ જો એની કિસ્મત ..... '
મન મક્કમ કરી શેઠ બોલે જતા હતા , પણ વારંવાર એમના ગળામાં બાજેલો આસુંનો ડૂમો શબ્દોથી વર્તાય રહ્યો હતો .
વળી પોતાની વાતને આગળ વધારતા બોલ્યા ' એનું ભણવામાં ચિત્ત હતું જ નહીં . કાલે પણ ભણવા બાબત જરાક અમસ્તું વઢી દીધું એટલે ભાઈસહેબ આજે સવારે ગુસ્સામાં બાઇક લઈને ઘેરથી નીકળી ગયો . અને એણે એટલી સ્પીડમાં ચલાવી કે એનો જોરદાર એક્સિડેન્ટ થયો . પણ ભલું હોજો એ છોકરાનું જેણે ટાઈમસર એને હોસ્પિટલ પહોંચાડ્યો . અને એની સાથે ને સાથે રહ્યો . દેખાવથી તો કોઈ ગરીબ ઘરનો હોય એવું લાગ્યું પણ મારા દીકરાનો જીવ બચાવ્યો એટલે એનાથી અમીર બીજું કોઈ ન હોય સકે ...
તે છતાં હજુ મારા દીકરા સ્થિતિ સારી કહી સકાય એવી તો નથી જ ...
આજે તારા સિંગ ચણા નહીં લઈ સકુ માફ કરજે એવુ કહી પોતાની ગાડીમાં બેસી ફરી હોસ્પિટલ તરફ રવાના થઈ ગયો .

માલિકની વાત સાંભળતા સાંભળતા મારી આંખો પણ ભરાઈ આવી . માલિકને દિલાસો આપતા બોલ્યો ,
' સારું થઈ જશે શેઠ ચિંતા ન કરો ...

સીંગ-ચણાની લારી પર પડેલું પોટકા પર નજર નાખતા શ્યામલાલ મોઢામાંથી શબ્દો સરી પડ્યા ,
' હેં પ્રભુ , આ આટલી મોટી દુકાનનો માલિક એટલે સાક્ષાત જાણે તારો જ અવતાર , ક્યાં ? કોને કઈ રીતે મદદ કરી દે છે , આવા ઈશ્વરના દૂત સમાન મારી જિંદગીમાં આવીને મને મદદ કરનાર મહામુલા માનવીના સંતાનના જીવને બચાવી લે જે પ્રભુ ....

રાત થતા જ પુરા આનંદ સાથે શ્યામલાલ પોતાની નાનકડી એવી બનેલી ઓરડીમાં પહોંચ્યો .
શ્યામલાલનો દીકરો પણ બરોબર એ જ વખતે આવ્યો .
પોતાના દીકરાને પણ આટલો મોડો આવતો જોઈને શ્યામલાલ બોલી ઉઠ્યા
' કેમ દીકરા આટલું મોડું ?
અને તારા કપડાં પર આ ડાઘ સેના છે ? શ્યામલાલે નજીક આવતા જોયું
અને ફરી બોલી ઉઠ્યા
' અરે દીકરા , આ તો લોહીના ડાઘ છે , ક્યાંય પડી ગયો ? વાગ્યું ?
શ્યામલાલે એકસાથે પ્રશ્નો પૂછી લીધા
શ્યામલાલનો દીકરો એમને શાંત કરતા બોલ્યો ' બાપુ થોડી ધીરજ રાખો હું કહું છું '
આજે સવારે આપણી સામેના હાઈ-વે પરથી પસાર થતો હતો ત્યાં એક છોકરાનો બાઇક પર જોરદાર એક્સિડન્ટ થયો . ભલું થજો એ રીક્ષા વાળાનું કે એ જ સમયે એ ત્યાંથી પસાર થયો . એ રીક્ષા વાળાની મદદથી ફટાફટ મેં એને રિક્ષામાં લીધો અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો . માથામાંથી નીકળતું લોહી જોઈને હું તો ગભરાઈ ગયો હતો . કે આ જુવાન છોકરો બચશે કે નહીં ?
પણ બાપુ સાચું કહું તો કોઈની દુવા હો બાકી આ છોકરો આજે બચી શકે એવી હાલત જ નહોતી .
બપોર પછી એની તબિયત એકદમ સુધરવા લાગી અને અત્યારે તો ઘણું સારું કહી શકાય એવી તબિયત છે .

શ્યામલાલ તો સાંભળીને અવાક બની ગયો . આ તો પેલા લૂગડાની દુકાન વાળા ભાઈના દીકરાની જ વાત લાગે છે . રાતનું વાળુ કરતા કરતા બંને જણા એ દીકરાને સારું થઈ જાય એની ચર્ચા કરતા રહ્યા .
આ બધી વાતમાં સાથે આવેલું પુસ્તકોનું પોટલું તો ભુલાઈ જ ગયું હતું .
દીકરા આગળ પોટલું ખોલીને બાપુ એને સમજાવતા કહ્યું આ દુકાનના માલિક આપણી માટે પ્રભુ બનીને આવ્યા હો ....
હવે તો તું દસમુ ધોરણ સરસ રીતે ભણી શકીશ . બાકી નાની-મોટી જરુરી વસ્તુઓ હું ધીરે ધીરે લાવી દઈશ .

બીજા દિવસે રવિવાર હતો . એટલે શ્યામલાલે વિચાર્યું આજે મારા માલિકની દુકાન પણ બંધ હશે . અને એમાં પણ માલિકના છોકરાએ કહેલ શબ્દોએ એમને વિચાર કરતા મૂકી દીધા .
માલિકની આટલી મોટી દુકાન અને એમાં મારી આવી ભંગાર રેંકડી ...
એમના છોકરાની વાત સાચી જ હશે આવતા-જતા લોકોની સામે મારી મારી ભંગાર લારીનું પ્રદર્શન કેવું લાગતું હશે . આજે રવિવાર છે ક્યાંક બીજે જગ્યા ગોતી જ લઉં ....

રવિવાર આખો આમને આમ નીકળી ગયો . પણ જગ્યા કોઈ માફક ના આવી .
પોતાની રેંકડીને રોજ એ થાંભલાથી સાંકળ સાથે બાંધી દેતો . આજે વિચાર્યું કે હાલમાં તો ત્યાંથી નીકળી જ જાવ પછી જોયું જશે ...

વિચારતા વિચારતા પોતાની રોજની જગ્યાએ પહોંચી ગયો . દૂરથી જોયું એની રેંકડી ગાયબ હતી . અને આછા વાદળી કલરની લાકડાની નાનકડી કેબીન જેવું બની ગયું હતું .
શ્યામલાલ તો હાંફળો-ફાફળો થતો દોડીને કેબીન તરફ આવ્યો . પોતાની રેંકડી ક્યાં ગઈ હશે ? નક્કી એ લોકોએ હટાવી દીધી લાગે છે .
કેબિનની નજીક આવતા જ જોયું ઉપર મોટા અક્ષરોમાં લખેલું હતું
' શ્યામલાલ સિંગ-ચણા વાળા '

અચાનક એકસાથે તાળીઓના ઘડઘડાટ થવા લાગ્યો . કેબિનની બહાર બાંધેલી લાલ કલરની રિબન અને લિબાસના શૉ-રૂમનો માલિક એમના સ્ટાફ સાથે હાજર થઈ ગયો .
આજે શૉ-રૂમના માલિક ને જવાબમાં શ્યામલાલના અશ્રુઓ સિવાય કંઈ નહોતું .
માલિક શ્યામલાલની નજીક આવતા એના ખભે હાથ મુક્તા બોલ્યા ' તારા દીકરાએ મારા વંશની જિંદગી બચાવી છે ભાઈ ... હું તારી માટે જેટલું કરું એટલું ઓછું છે ...
શ્યામલાલ તો માલિકના પગે પડી ગયો . રસ્તા પર પાર્ક કરેલી માલિકની ગાડીમાંથી કોઈ ડોકિયું કરી જોઈ રહ્યું હોય એવું લાગ્યું .
શ્યામલાલે પોતાની ગરદન ઊંચી કરતા જોયું . માલિકનો છોકરો કાન પકડી માફી માંગી રહ્યો હતો ...

✨✨✨✨
વાંચક મિત્રો આવી જ છે જીવનની રોજિંદી ઘટમાળ ...
કોઈ વ્યક્તિ ક્યાં સમયે ? કેવી રીતે ક્યાં મળી જાય છે એ ખબર જ નથી પડતી .
સારા કર્મો અને સારી ભાષા ક્યાંક ને ક્યાંક તમારા જીવનની દિશા બદલી નાખે છે ...
બસ છેલ્લે એટલું જ રોજિંદા જીવનની ઘટમાળમાં આપણે કોઈનું સારું ના કરી સકીયે તો કંઇ નહીં પરંતુ કોઈના માટે ખરાબ તો ના જ વિચારવું
..... ખબર નહીં પણ ક્યાંક કોઈની દુવા આપણાં જીવનની દિશા બદલી સકે છે ...