નંદુડોશીની વાડીમાં નરશી માધાની તિજોરીની ચોરીના સમાચાર સવારે પાંચ વાગ્યે એ આખા વિસ્તારમાં આગની જેમ ફરી વળ્યાં..છાપા નાંખવા આવેલા એક ફેરિયાએ સૌ પ્રથમ મકાન નં-59 આગળ રચાયેલું રમખાણ જોયું હતું પણ પોલીસના લફરામાં પડીને પોતાનો નાનો અમથો ધંધો એ જોખમમાં મૂકવા માંગતો ન્હોતો.છતાં પોતાના ગ્રાહકનું હિત તેના હૈયે વસ્યું હતું.
નરશીના કારખાનામાં આવીને એણે કારીગરોને જગાડ્યા હતા. વારાફરતી જાગેલા બધા કારીગરોમાં શરૂ થયેલો ગણગણાટ અંતે કોલાહલમાં પરિવર્તિત થયો ત્યારે ભીમો પણ આળસ મરડીને, સૌથી છેલ્લે ઉઠ્યો.
ભીમાએ ઓફિસમાં તોડી નાખવામાં આવેલ ટેબલના કાટમાળમાંથી ટેલિફોન ડાયરી શોધીને નરશીશેઠનો નંબર લગાવ્યો ત્યારે સવારના સાડાપાંચ થયા હતા.
કસમયે વાગતી ટેલિફોનની ઘંટડી મોટેભાગે નરસાં જ સમાચાર આપતી હોય છે..નરશીની પત્નીએ ડરતાં ડરતાં ફોન ઊંચક્યો..
"હેલો..નરશી શેઠ..જલ્દી કારખાને આવો.. કારખાનામાં ચોરી થઈ સે..ઇનીમાને કોક આખી તિજોરી ઠોકી ગ્યું.. ઓફિસ આખી તોડી નાખી સે..પોલીસને ફોન કરો..અને ઝટ આવો..." ભીમો વાતવાતમાં 'ઇનીમાને' શબ્દ વાપરતો.
"હાય..હાય... શુ બોલો સો ભય તમે...લ્યો હું ઇમને ઉઠાડું..તમે ફોન સાલુ રાખજો.."નરશીની પત્નીના ગળામાંથી રાડ નીકળી ગઈ.
એ અવાજ સાંભળીને નરશી સફાળો જાગીને ફોન તરફ ભાગ્યો.રિસીવર ઉઠાવીને એની પત્ની સામે જોયું.એ ધ્રૂજતી હતી !
"શું થિયું.. કોણ બોલે છે..? "
"હું ભીમો મુછ.. શેઠ તમે ઝટ કારખાને આવો.. ઓફિસ તોડીને કોક તિજોરી ઠોકી ગ્યું..." ભીમાએ કહ્યું.
"ક્યાં કારખાનેથી બોલે છે તું..અને કોણ ભીમો મુછ..?" નરશીને ઘણા કારખાના ચાલતા હોવાથી અને અનેક કારીગરો હોવાથી ભીમો યાદ ન્હોતો.
"હું વીરજી ઠૂંમરવાળો ભીમો..નંદુડોશી..."
"હા.. હા...તિજોરી ઠોકી ગ્યું ઇમ ? તિજોરી...? ઓફિસ તોડી ? શુ વાત કરછ તું..?" નરશી અકળાઈ ઉઠ્યો..
એક કલાક પછી કારીગરોના ટોળેટોળા નરશીના કારખાને ઉમટી પડ્યા હતા..પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાથી પોલીસે આખો એરિયા કવર કરી લીધો હતો..
ભીમા સહિત કારખાનામાં સુઈ રહેલા પંદર કારીગરોની કડક પૂછપરછ કરાઈ હતી. પણ દરેકે એક જ જવાબ આપ્યો હતો કે અમે સવારે ઉઠ્યા ત્યારે જ અમને ખ્યાલ આવ્યો હતો. પોલીસે પંચનામું કર્યું.શેરીમાં મેટાડોરને પૈડાંના નિશાન હતા.એના ફોટા પાડવામાં આવ્યા.ઓફિસ સિલ કરવામાં આવી.નરશી માધાના કારખાનામાં રજા જાહેર કરવામાં આવી. મેનેજર ગોરધન સહિત જેટલા પણ કર્મચારીઓ ઓફિસમાં હતા એ તમામની પૂછપરછ કરવામાં આવી.
ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોએ જેટલી મળી એ તમામ ફિંગરપ્રિન્ટ લીધી.શહેરના તમામ છાપાના પત્રકારોએ ઘટનાનું કવરેજ લીધું.નરશીને, તેની તિજોરીમાં કેટલો માલ હતો ? ચોરી કેવી રીતે થઈ ? ચોરી થઈ ત્યારે તમે ક્યાં હતા ? વગેરે મોં માથા વગરના અનેક સવાલોનો મારો પત્રકારોએ કર્યો.
ગોરધન સહિત તમામ મેનેજરો પણ આવી ગયા.નરશી સાથે બીજા કારખાનાના માલિકો અને હીરાબજારના દલાલો પણ ટોળે વળ્યાં હતા.
નરશી ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. નંદુ ડોશીની વાડીમાં ચાલતું આ કારખાનું એનું સૌથી મોટું અને મુખ્ય કારખાનું હતું. મોટાભાગનો માલ અહીં જ તૈયાર થતો. એ તિજોરીમાં જ બધું જોખમ સાચવવામાં આવતું. ઓફિસ જે રીતે તોડવામાં આવી હતી એ જોઈને પી.આઈ હરીશ પટેલ પણ દંગ રહી ગયા.
નરશીની આ ઓફિસમાંથી આટલી વજનદાર તિજોરી ઉઠાવી જવાનું કામ કરનારી ટોળકી પકડીને પોતાની કારકિર્દીમાં વધુ એક યશ કલગી ઉમેરવા તેઓ થનગની રહ્યા હતા..!
રામા ભરવાડની ટોળી મુસ્તાક હતી.સાવરે આઠ વાગ્યે ભીમાએ STDમાંથી રામાને ફોન કર્યો, " હેલો રામાભાઈ.. આંય પોલીસવાળા બધી તપાસ કરે સ.
આપડે ચયારે મળવાનું સે..મારી વગર કોઈ તિજોરીને હાથ નો લગાડતા..કઈ દવ સુ..મેં સવથી વધુ મે'નત કરી સે..
તિજોરી પણ મેં જ બતાડી હતી..ઇ ખબર્ય સે ને પાસી..? ઇનીમાને તમે તો ખાલી હાર્યે જ આવેલા સો. અટલે ભાગ હમજીને પાડવાના સે..આ તમને કય દવ સુ...હું અતાર આંય હલવાણો સુ..પણ જો કાંઈ આડું અવળું થિયું તો હું એકલો માલિકોર નઈ જવ..ઈ ધિયાન રાખજો..''
ભીમાને રામા પર બિલકુલ ભરોસો ન્હોતો.
કોઈપણ ધંધામાં, ભલે પછી એ ચોરીનો પણ કેમ ન હોય..અવિશ્વાસુ અને છીછરા મનના સાથીદારો હમેંશા પતન નોતરે છે.
ભીમાએ રામાના ઘેર ફોન કરીને બાજી બગાડી હતી. રામો એક ગેંગ લીડર હતો.ક્યારેય કોઈનો તુંકારો
ખમી શકતો નહીં. કોઈ ઊંચા અવાજે કે સહેજ પણ દમામથી વાત કરે એ એને બિલકુલ ગમતું નહીં.
ભીમાએ જે રીતે ચોરીમાં પોતે વધુ હકદાર હોવાની અને પકડાય તો બધાને અંદર લઈ જવાની ધમકી આપી એ સાંભળીને એની કમાન છટકી હતી.
ભીમો હવે જોખમી બની ગયો હતો એ વાત એ તરત સમજ્યો હતો.એનું કાટલું કાઢવું હવે રામાને જરૂરી લાગ્યું હતું...ક્રોધથી સળગી ગયો હોવા છતાં રામાએ મગજ પર બરફ રાખીને શાંતિથી કહ્યું,
'' હા ભાઈ ભીમા,તું ઠામકી ચંત્યા કરમાં..તને સવથી ઝાજો ભાગ દેવાનું અમે નક્કી કર્યું સે..આજ રાત્યે મારા તબેલે આવી જાજે..
બધાને બોલાયા સે..તને તારો ભાગ મળી જાહે.. બરોબર..?''
" તો ઠીક..હું રાત્યે આવી જાશ..પણ જો જો હો, હું આવું ઇ પેલા કોઈ તિજોરીને હાથ નો અડાડતા..''
ભીમાએ ભડકો કર્યો હતો જે એને જ બાળી નાખવાનો હતો એની એને ખબર નહોતી. ફોન કરીને એ ટેલિફોન બુથમાંથી બહાર આવ્યો એટલે તરત એક કારીગર એને બોલાવવા આવ્યો હતો. તમામ પંદરે પંદર કારીગરોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
* * *
કતારગામ પોલીસ સ્ટેશનમાં આ ચોરીની F I R કરવામાં આવી હતી. પી.આઈ. હરીશ પટેલનું તેજ દિમાગ પોતાના વિસ્તારમાં આટલી મોટી ગેંગ સક્રિય થયેલી જોઈને હરકતમાં આવ્યું હતું..
નરશી માધાના કારખાનામાં ઘટના સમયે ઊંઘી રહેલા પંદર કારીગરોમાંથી કોઈપણ જાગ્યું કેમ નહીં એ સવાલ એમના દિમાગને કોરી રહ્યો હતો..
એ પંદર જણને કડક પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે બનાવની રાત્રે એ લોકો મોડેસુધી પત્તે રમ્યાં હતા, ત્યારબાદ ચા અને વણેલા ગાંઠિયા ખાઈને તરત જ ઊંઘી ગયા હતા..છેક સવારે ઊંઘ ઊડી ત્યારે ઓફીસમાં થયેલી તોડફોડ જોઈ હતી..હરીશ પટેલે તમામના ફિંગરપ્રિન્ટ લેવડાવ્યા હતાં. ફિંગરપ્રિન્ટ આપતી વખતે એકદમ ગભરાઈને ધ્રૂજતો ભીમો એમની ચકોર નજરમાંથી બહાર રહ્યો ન્હોતો..!
તમામને સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
છેક રાત્રે આઠ વાગ્યે ઘેર જવા દેવામાં આવ્યાં. દરેકને સુરત ન છોડવાની સૂચના આપવામાં આવી.
ભીમાના ફિંગરપ્રિન્ટ લેવામાં આવ્યા ત્યારથી એના હાથપગ પેટમાં ઘુસી ગયા હતા..ઓફિસમાં એ ઘણી બધી જગ્યાએ અડયો હતો એટલે એના આંગળાની છાપ પકડાયા વગર રહેશે નહીં.... એટલી સાદી સમજણ એને હતી.
"ઇનીમાને ભારે કરી..માય ગિયું.. આજ રાત્યે જ તિજોરીમાંથી આપડો ભાગ લઈને બીજા રાજ્યમાં ભાગી જાવું સે..પોલીસ પકડશે તો મરાઈ જાહું.." એમ વિચારતા ભીમાને ક્યાં ખબર હતી કે એ વગર પકડાયે મરાઈ જ જવાનો હતો...!
ઘેર જેવું તેવું જમીને ભીમાએ એની પત્નીને પૈસા આપતા કહ્યું.
"તું છોકરા લઈને કાલ દેહમાં વઈ જાજે..મારે એક ગામતરું આવ્યું સે..બીજા રાજ્યમાં હીરાનું કારખાનું કરવાનું સે..અટલે હું રાત્યે ન્યા જાવાનો સુ.."
"પણ, આમ અસાનક તમે ચિયા રાજ્યમાં જાવ સો, ઇ તો મોઢામાંથી ફાટો.. હું કાંય દેહમાં જાવાની નથી..તમે પાસા આવો તા લગણ આયાં જ રે'શ.."
ભીમાની પત્નીને ગામડે બિલકુલ ગમતું નહી.એનું બીજું પણ એક કારણ હતું.....ભીમો જે મકાનમાં ભાડે રહેતો એ જ મકાનમાં એક ફુલફટાકીયો કારીગર પણ રહેતો.ભીમાની ઘેર હાજરી ન હોય ત્યારે એ ભીમાના ઘેર હાજર રહેતો...!
ભીમો અત્યારે લડવાના મૂડમાં ન્હોતો. બાકી આ બંનેની લડાઈ, ચંપક અને હંસાની લડાઈને ટપી જાય એવી જામતી. આખી શેરીની સ્ત્રીઓ એ ઝગડો માણવા તમ્બે થતી..!
"મર તારે જ્યાં મરવું હોય ન્યા.. રે'જે એકલી..મારે મારે પાસા આવતા કદાસ બે ચાર મહિના લાગી જાશે..હું પૈસા મોકલતો રશ.." કહીને ભીમો ઉતાવળે ભાગ્યો.પોતાની પત્નીને મરવાનું કહીને નીકળેલા ભીમાનું મોત, રામાના રૂપમાં તબેલે એની રાહ જોઇને બેઠું હતું એ ભીમો જાણતો ન્હોતો..!
ભીમાની પત્ની પણ એની બે-ચાર મહિના પછી આવવાની વાત સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠી.
* * * * * * * * * * * *
"કેમ! ટમે ગધેડું ઉકયડા પડ આલોટે એમ ગલોટિયા માડતા સો..? ટમે કોને કયાડના મેડમ મેડમ કડતાં છો ? કોને મલવા એકલા જ જવું છે ? ચાલો મેં બી આવટી છું તમાડી સાઠ્ઠે..!"
તારીણી દેસાઈ સાથે ફોનમાં વાતો કરીને આકાશમાં હિલોળા લેવા માંડેલો ચંપક, હંસાના હાકોટા સાંભળીને હેઠો પડ્યો..હંસાના ચકળવકળ થતા ચક્ષુઓમાંથી વછૂટતો શંકા કુશંકાનો વાયરો એના
દિલમાં પેઠો.
''હવે ટું ઘોડયા કડની..એ તો ચમેલીની મેડમ છે. એવી એ ચમેલીના ભનતડ બાબટે માડી સાઠ્ઠે વાટ કડવા માંગટી છે.."ચંપકે હંસાની શંકાની સોય બુઠ્ઠી કરવા જરાક પ્રેમથી કહ્યું...અને ફોનનું રીસીવર નીચે મુક્યું પરંતુ એ બરાબર મૂકાયું નહીં એટલે ફોન ડિસ્કનેક્ટ ન થયો. તારીણી સામે છેડે ચંપક - હંસાની જીભાજોડી સાંભળતી રહી.એને આ કાર્ટૂનમાં હવે ખરેખર મજા આવતી હતી.
"કેમ તમાડી સાઠ્ઠે જ વાટ કડવા માંગે..? મેં જીવટી છું હજુ..હાં કે..! એમ કેવની કે તમને ટાં આગડી મલવા ની આશા છે.....! પણ કુતડું પણ સારો પાનો (પાણો) જોઈને જ પગ ઉચ્ચો કડતું ઓહે..!"
ચંપકને જાણે કે ગોફણીયો પાણો કપાળમાં વાગ્યો હોય એવી પીડા થઈ..
"બેન##..ટું હું હમજે છે મને ? એવી એ તારી મા
@#$ મને મલવાની છે..
બોલ, શું છે તાડે..? હું ચમેલીનો બાપ છું..ટો એ મને જ મલે કે ની..સાલી બેન@#..બુઢઢી વગડની.."
"ટો.. મેં કોન છું હેં..? મેં પન ચમેલીની મા છું..હમજ પડી..? મેં હજુ જીવટી છું.."
"ઓ..બહુ હોશીયાડી ની માડ..તું જીવટી છે એવો તને વ્હેમ છે..પન ટું ટો સાલી મારા મારગમાં પડેલો ડેમ છે..સાલી એકસો ડસ કિલો વજનમાં એંહી કિલોની ટોફાંડ લઈને ફડટી છે..સવાર, બપ્પોડ ને સાંજ બસ ખાયા જ કડે..... બબ્બે કલાક ટો સંડાસમાં પડી રહેટી છે..ટેમ છટ્ટા ટને એમ લાગટું હોય કે ટું જીવટી છે ટો એ ટારો વેમ છે..કાઢી નાખ મનમાંઠી..બેન@#.."
પલંગમાં એકબીજાની બાજુમાં બેઠાં બેઠાં ચંપક અને હંસા લડી રહ્યા હતા.ચંપકે એના પેટનું વજન એંશી કિલો કહ્યું એ એનાથી સહન થાય એમ નહોતું..
હંસા જીભ કરતા હાથ ચલાવવામાં વધુ માનતી. કારણ કે જીભ ચલાવવામાં ચંપક એને પહોંચવા દે એમ ન્હોતો. મા-બેનની ગાળો સુરતીઓમાં સામાન્ય હોય છે.ચંપક પાછો હંસા ઉપર ક્યારેય હાથ ઉપાડતો નહીં...કારણ કે ચંપકે વર્ષો પહેલા હંસાને ભગાડેલી ત્યારે એણે હિન્દી પિક્ચરના હીરોની માફક ડાયલોગ ઝાડેલો, "દેખ, મેડી હનસા..જિનગીમેં ટુજે કભી ખડોચ પન આને નહીં ડુંગા.. મડ જાવુંગા પડ ટુજ પડ હાઠ નહીં ઉઠાવુંગા..ટુજે મેડી બાહોમે ભડ લૂંગા...ઓડ ટુજે ભોટ પ્યાડ ડુંગા.."
ચંપકે પોતાનું વચન નિભાવ્યું હતું. એનો ગુસ્સો હાથને બદલે જીભમાંથી સુરતી મીઠાઈ બનીને વહેતો રહેતો.હંસા હવે હંસલી મટીને હાથણી બની હોવાથી ચંપકે બીજી ડાળ શોધવાનું શરૂ કર્યું હતું. તારિણી દેસાઈ નામના પંખીને એ પોતાના દિલના ઘોંસલાનું નવું પંખી સમજતો હતો.
હંસાએ પોતાના પેટનું હળાહળ અપમાન થયેલું જોઈને ડાબા હાથની મુઠ્ઠી વાળીને પુરા જોશથી ચંપકના મોં પર પ્રહાર કર્યો,
"ક્યાડનો બક બક કડતો છે તે મેં એમ કેવ કે કોન છે એ ટાડી સગલી..? મને બી બુઢ્ઢઇ મલે.. પેલી તાનીની ડેહાઈ તને બો ફોન કડતી છે...આજ ટો આખ્ખો ડાડો મેં તને એકલો જ ની છોડું..ટું કાં જવાનો છો..? મેં ટાડી સાઠ્ઠે જ રે'વા.." એમ કહી ચંપકના પેટમાં પણ એક મુક્કો વાળી લીધો..
સામ પક્ષે ગોલાબારી શરૂ થાય ત્યારે ચંપક પોતાનું લશ્કર લઈને ચાલવા લાગતો..
"એ ટો તને વચન આપટા અપાઈ ગયેલું મલે.. બેન@# એ વાટનો ફાયડો ઉઠાવટી છે...પ્રાન જાય પન વચન ની જાય..પન જે ડાડે મારૂ મગજ ખલ્લાસ ઠેઈ જહે ટે ડાડો તારો છેલ્લો ડાડો મલહે..તાં લગી તું મા @#વ.. બેન@#.." કહીને ચંપક પલંગમાંથી ઉતરીને ભાગ્યો.
"તાડે મજગ જ કાં છે..ટે ખલ્લાસ ઠવાનું..? માડા પેટનું વજન એંહી કિલો કે'ટો છે પન ટાડું જો ની..
અન પેલી પ્રોફેસડ પન મજગ વગરની જ ઓહે.. ટો જ ટાડી જેવા મડનીયાને મલવા બોલાવતી ઓહે..પન યાડ રાખજે મેં ટાડો મેલ તો પડવા જ ની ડેવ..." એમ કહી હંસા ઉભી થઈને બાથરૂમમાં એનું પ્રિય હથિયાર લેવા ગઈ..હંસા મગજને બદલે મજગ બોલતી. આવા ઘણા શબ્દોમાં એનું 'મજગ' અક્ષરો આડાઅવળા કરી નાખતું. ક્યારેક ચંપકના હિલોળે ચડેલા પ્રેમના દરિયામાં ડુબકાં ખાતી વખતે એ ચંપકને "ઓ માડા કંપચ..આઈ લવ યુ સો મચ.."એમ કહીને એના ગળા ફરતે હાથ વીંટાળી દેતી..ખૂબ ગુસ્સે થાય ત્યારે અને ખૂબ ખુશ થાય ત્યારે એનું 'મજગ' આવા લોચા મારતું. એની આ ખામી રીપેર કરાવવા ડૉકટર પાસે ચંપક, હંસાને લઈ ગયેલો ત્યારે ડૉકટરે આવી વિચિત્ર બીમારી જીવનમાં પહેલી જ વાર જોઈ હતી.
"આનો એક જ ઈલાજ છે..આ બહેનનું મગજ જ કાઢી લેવું જોઈએ.. ન રહેગા બાંસ... ન બજેગી બાંસુરી..."
ડોકટરનો જવાબ સાંભળીને ચંપક અને હંસાએ બેન@# થી શરૂ કરીને એકદમ હાઇલેવલ સુધીની ગાળો ડૉક્ટરને ચોપડાવી હતી. જેવું છે એવું "મજગ" ચલાવી લીધું હતું..!
હંસા,કપડાં ધોવાનો ધોકો લઈને બહાર આવી એ જોઈને ચંપક દુકાનમાં જવા દાદર ઉતરવા લાગ્યો.
ચંપકે રીસીવર યોગ્ય રીતે મૂકેલું નહોતું.તારીણી આ બંનેનો વિસંવાદ સામે છેડેથી સાંભળીને ખૂબ હસી.એનું હૈયું હળવું ફૂલ બની ગયું. દરરોજ બપોરે ચંપકને ફોન કરીને આ મજા લેવાનું એણે નક્કી કર્યું.
હંસાએ ચંપકના અરમાનોમાં આગ ચાંપી હોઈ ચંપક
ગુસ્સે ભરાયો હતો. તારીણી દેસાઈએ જે શીતળ લહેરખી એના ઉજડી ગયેલા ઉપવન ઉપર વહાવી હતી.... એમાં હંસાએ દાવાનળ લગાડ્યો હતો.
એ નીચે ઉતરતો હતો ત્યારે એણે એક જણને ચમેલીના રૂમ પાસે ઉભેલો જોયો..અધખુલ્લાં બારણાંમાંથી એ અંદર જોઈ રહ્યો હતો..! એ હતો કાંદા કાપતો કાંતિ..! દુકાનમાં એ કાંદા કાપવાનું કામ કરતો. મનોમન ચમેલી પર મરતો.પણ આખો દિવસ દુકાનમાં કાંદા કાપતા નોકર માટે શેઠની છોકરીના સ્વપ્ન જોવા એ "બહુત બડી ના ઇન્સાફી" હતી એટલે એ ક્યારેક ક્યારેક છાનામાના દાદર ચડી જતો. બપોર વચ્ચે શેઠ અને શેઠાણી એમના બેડરૂમમાં આરામ કરતા.ચમેલી એના રૂમમાં કંઈક વાંચતી. ચમેલીના રૂમના દરવાજે ઉભો રહી આ કાંતિ પોતાના મનને શાંતિ આપતો.આજ એની એણે મેળવેલી શાંતિ કાયમ માટે હણાઈ જવાની હતી.એના પ્રેમ ફરતે એક લોખંડી દીવાલ ચણાઈ જવાની હતી. અધખુલ્લાં દરવાજામાંથી અંદર નજર નાખીને ચમેલીને નીરખીને હરખાતા કાંતિ પાછળ આવીને ચંપક ઉભો રહ્યો.
આજે ફરી એકવાર હંસાએ હુમલો કરીને એના મગજની પથારી ફેરવી નાખી હતી.
પોતાની વહાલસોઈ દીકરીને આમ ચોરી છુપીથી,એક કાંદા કાપનારો નોકર જોતો હોય એ જોઈને એને કાંદાની જેમ કાચોને કાચો જ ખાઈ ગયા વગર ચંપક રહે ખરો ?
કાંતિને બોચીમાંથી ઝાલીને ચંપકે વાંકો વાળી દીધો.
"તારી બેનને @#$... સાલ્લા હડામી..કુટડા..શું જોટો છે ટું..? ટું આંય ઉપડ આયો કેવી રિટે.."
ગુસ્સાથી કાળઝાળ થયેલો ચંપક કાંતિ ઉપર તૂટી પડ્યો. બે ચાર લાફા મારીને કાંતિને પાડી દીધો.
ચંપકનો દેકારો સાંભળી ચમેલી અને હંસા દોડી આવ્યા.એક નોકરને જે રીતે ચંપક મારતો હતો એ જોઈને ચમેલીને દયા આવી.
"ડેડી..પ્લીઝ..એને ન માડો..બિચાડાને જવા ડો.." ચમેલીએ ચંપકના હાથ પકડી લીધા..
"કુંભાડની ડાઝ ગધેડા પડ ઉટરે...છોડી ડેવ બીચાડાને.... "કહી હંસાએ પણ ધોકો બતાવીને કાંતિનો બચાવ કર્યો.
વિફરેલો ચંપક કાંતિને ઢસડીને દુકાનમાં લઈ ગયો.
"બેન@#.....ડફા હો જા મેડી નજડો કે સામને સે..ટુંમ્હાડા થોબડા કભી મટ ડીખાના..વરના યે કાંડા કી ટરહ કાટ ડાલુંગા..." ચંપક ગુસ્સે થતો ત્યારે હિન્દીમાં આવી જતો.
કાંતિ એના મનમાં, ચમેલી પ્રત્યે ઉગેલો પ્રેમ લઈને ત્યાંથી ચાલ્યો ગયો.....પણ આ કાંદા કાપનારો કાંતિ જ ચંપકનો જમાઈ બનવાનો હતો એ ચંપક કે કાંતિ બેમાંથી એકેય જાણતા નહોતા..!
** ** ** ** **
નાથાને હોસ્પિટલમાંથી રજા આપવાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી.સ્વાતિ શર્માએ નાથાની જે રીતે કાળજી(!) લીધી હતી એનું ખુબ સારું પરિણામ આવેલું જોઈને ડૉક્ટર પણ નવાઈ પામ્યાં હતા.
મુંબઈથી રાઘવ પણ આવી ગયો હતો.રચના સોસાયટીની ભાડાની રૂમમાં હવે રહેવાની જરૂર નહોતી.રાઘવે વરાછારોડના હાર્દ સમાં વિસ્તાર, હંસ સોસાયટીમાં બંગલો ભાડે રાખી લીધો હતો. નાથાના બા-બાપુજી પણ હવે ત્યાં જ રહેવાના હતા એટલે મગન, રમેશ અને નાથાને જમવાની મુશ્કેલી પડવાની નહોતી.
નાથાને હજુ પણ આરામ કરવાની જરૂર હતી.સ્વાતિએ આંખમાં આંસુ સાથે નાથાને વિદાય આપી હતી.નાથાએ એને "રો મત પગલી..બહુત જલ્દી તુજે યહાં સે લે જાઉંગા..." એમ જતાં જતાં કાનમાં કહ્યું હતું.
મગને ન્યૂઝપેપરમાં નરશી માધાને ત્યાં પડેલી ધાડના સમાચારો વાંચ્યા હતા.
ઘેર આવ્યા પછી જમીને નાથો,મગન અને રમેશ બેઠા હતા ત્યારે મગને નાથાને કહ્યું, "હું તને કહેતો હતો ને....નરશી માધાના કારખાનામાં ધાડ પડી છે..
રામા ભરવાડની ટોળીનો હાથ છે..આપણે પોલીસને જાણ કરવી પડે.."
"તારી અક્કલ ભેંસ ચરી ગઈ લાગે છે..રામો ભરવાડ જ તિજોરી લઈ ગ્યો હોય તો શું એના ઘરમાં રાખી હોય ? તું પોલીસમાં એનું નામ દેવા જઈશ તો પહેલા પોલીસ તને જ પૂછશે..એટલે આપણે જે કરવાનું છે એ કરીએ સમજ્યો ?" નાથાએ કહ્યું.
"પણ બિચારો નરશી.." મગનને કોણ જાણે કેમ પણ નરશીની ખૂબ દયા આવતી હતી. એના હાથની રેખાઓ પોતાના હાથમાં ઊગી હોય એમ એનું હીરાનું પર્સ હાથમાં આવી ગયું હતું. રાધવે એ હીરાની મદદથી જે ધંધો ઉભો કર્યો હતો એ કલ્પના બહારનો હતો..!
વીરજી ઠૂંમરે, નાથો હોસ્પિટલમાં હતો ત્યારે એને ત્યાંથી બાકી લઈને નરશીના કારખાને બેઠેલા ભીમજી પાસેથી બાકી કઢાવી આપવા મગનને કહ્યું હતું. એ પણ એને યાદ આવ્યું હતું.
રામા ભરવાડને પોલીસખાતાની ખોટી બીક બતાવીને એને જે રીતે નાથાએ મગને બીવડાવ્યો હતો એની જાણ રામાને થઈ જાય તો માર ખાવાનો વારો પણ આવે તેમ હતું.
રમેશ અને નાથાએ, મગનને કોઈપણ જાતની માથાકૂટમાં પડવાની ચોખ્ખી ના પાડી હોવાથી મગને પણ તિજોરીની ચોરી અંગે મૌન સેવવાનું મન મનાવી લીધું હતું.
તિજોરીની ચોરી થઈ એના બીજા જ દિવસે ભીમો જ્યારે રામાના તબેલે પહોંચ્યો ત્યારે નાથો હોસ્પિટલમાંથી ઘેર આવ્યો હતો.
નરશી માધાની તિજોરીમાં કરોડો રૂપિયાનો માલ હોવાની અફવાઓ વહેતી થઈ હતી.ચોરીનો આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો..!
બીજા દિવસે સવારે મગનને મોહનબાગમાં વિરજીના બિલ્ડીંગ તરફ જતો જોઈને પેલો ચાની દુકાનવાળો એની પાછળ આવ્યો.
"એ સાયેબ..ઉભા તો રો..મેં તમને કીધું'તું.." મગને પાછું ફરીને જોયું એટલે પેલાએ નજીક આવીને મગનને કહ્યું.
"સાયેબ, તિજોરી ઓલ્યા ભીમલાએ અને રામા ભરવાડની ટોળીએ જ ઉઠાવી છે..જોરુભા પણ ભેગા જ હશે.."
મગન થોડીવાર એ ચા વાળાને જોઈ રહ્યો.જૂનો અને સાંધેલો પણ ધોયેલો શર્ટ અને એવું જ પેન્ટ એણે પહેર્યું હતું. વાળમાં તેલ નાંખીને વ્યવસ્થિત ઓળેલા, દાઢી કરેલા એના નિર્દોષ ચહેરા પર,મગનને પોલીસ સમજીને ચોર પકડાવવાની અપેક્ષા દેખાઈ આવતી હતી. ગરીબ માણસોને મોટેભાગે જલ્દી ચોર સમજી લેવામાં આવતા હોય છે પરંતુ ગરીબ લોકો કેટલા પ્રામાણિક હોય છે એ મગન જોઈ રહ્યો.
"સાયેબ, હું સાચું કવ છું...મેં મારા આ હગ્ગા કાને
હાંભળ્યું છે..ભીમલો, રામા ભરવાડને તિજોરીની વાત કરતો હતો. એક દી' જોરું'ય આયો'તો.."
પેલાએ પોતાની વાત પર મગનને વિશ્વાસ ન આવતો હોવાનું સમજી ફરીવાર કહ્યું.
"જો ભાઈ, તે એ લોકોને વાત કરતા સાંભળ્યા છે, એટલે એ લોકોએ જ ચોરી કરી હોય એમ સાબિત ન થાય સમજ્યો ? એમ સીધો કોઈની ઉપર આરોપ ન મુકાય..તું તારું કામ કર"
મગનના જવાબથી પેલાના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ.
"પણ, તિજોરી તો સોરાણી સે ને ! તમે તપાસ તો કરી હકોને..! કે પસી તમારો'ય ઈમાં ભાગ સે ? સોરમાં ને પોલીસમાં ખાલી લૂગડાનો જ ફેર સે..સાયેબ. અમે હંધુય હમજવી સવી. તમે રામા ભરવાડની સા પીવો સો..થયું, બીજું સું.. આતો મેં કીધુંક તમે પરમાણિક હો તો બસાડા નરસીસેઠની તિજોરી પાસી આવી જાય. પેલા તમે ધિયાન દીધું હોત તો સોરી જ નો થાત..પણ તમારો'ય ભાગ હસે ઈ મને લાઈટ જ નો થઈ.. નરસીસેઠ જેવો માણાં નો મળે..બીસારો ગરીબ લોકો ઉપર કેટલી દયા રાખે સે.."
"મને રામા ભરવાડની બીક નથી લાગતી..? સાંભળ, હું કોઈ પોલીસ બોલીસ નથી.હું તો વીરજી ઠુંમરના કારખાને ઘાટ કરું છું..અમે પોલીસમાં હોવાનું ગપ્પુ ઠોકીને રામા ભરવાડને બીવડાવેલો..તને ખબર છે ? એ લોકો બહુ ખતરનાક છે.."
મગને, પેલાની હિંમત જોઈને ચોખવટ કરી.
"મને તો ખબર જ સે..એટલે તો તમને પોલીસ હમજીને કીધું'તું.મને કોય'દી સા-પાણીના પૈસા જ નથી દીધા..આવા હરામીને પકડાવી જ દેવા પડે...બવ બવ તો ઈ લોકો મને મારી નાંખસે એટલું જ ને ? ઇનથી વધુ તો ઈ સ્હું કરી લેવાનો સે..? કાંઈ વાંધો નઈ.. તમારી ફાટતી હોય તો રે'વા દ્યો, મેં પોલીસ ટેશન ભાળ્યું સે.."
એમ કહીને એ ચા વાળો એની નાનકડી કેબીન તરફ ચાલવા લાગ્યો.
મગનને એની હિંમત જોઈને માન થયું.એક સામાન્ય કીટલીવાળો "બવ બવ તો ઈ મારી નાંખશે..." એમ કહેતો હતો. મારી નાખે તો પણ એ પાછો પડવા માંગતો ન્હોતો. પોતે રામા ભરવાડના મારની બીકે, ડરીને ચૂપ રહેવાનું સ્વીકારી લીધું હતું.
નાથો અને રમેશ પણ એમ જ કહેતા હતાં કે નરશી ક્યાં આપણી માસીનો દીકરો છે..આપણે શું કામ "ઉઠ પાણા, પગ ઉપર પડ્ય.." એમ કરવું જોવે..!
બસ, આમ જ માથાભારે લોકો ફાલે ફુલે છે..આજ નરશીની તિજોરી તૂટી છે, કાલ તમારા ઘરમાં કબાટ તૂટશે..ઇતિહાસમાં પણ રજવાડાઓએ આ "મારે શું" ની નીતિ અપનાવી હતી. દેશ,વિદેશી આક્રમણોનો ભોગ બની બનીને આખરે ગુલામ બની ગયો..
મગનના મનમાં વિચારોનું ઘમાસાણ મચ્યું. વીરજી ઠુંમરના કારખાનાને બદલે તેના પગ પેલી ચાની કેબીન તરફ વળ્યાં.
બાંકડા પર બેસીને મગને તપેલામાં ચમચો હલાવતા પેલા ચા વાળા સામે જોયું..
"શું નામ ભાઈ તમારું..?"
"મારું નામ ભીખો..બા'રથી ભલે મોળો દેખાવ સુ..પણ સુ બવ તીખો.. લ્યો આ કડક અને મીઠી સાનો સબડકો મારો..અને કંઈક શીખો..." ભીખાએ ચાનો કપ મગનને પકડાવતા કહ્યું.
"તમે તો ભલામાણાં ભણેલા લાગો સો..ભલે તમે પોલીસમાં નો હોવ, પણ આ હરામીનાવને જલવી દેવાની જરૂર તમને નથી લાગતી ? અતાર લાગમાં આયા સ.ઈમ બીય જયે નો હાલે.." કહીને એ ફરી ચા બનાવવા લાગ્યો..
મગન એની વાત કરવાની સ્ટાઈલ જોઈ હસ્યો. વિચારમાં પડ્યો...
નરસી માધાને મદદ કરવી જ જોઈએ...ચાનો ઘૂંટડો એના દિમાગને સ્ફૂર્તિ આપી રહ્યો હતો..
(ક્રમશ:)