...તો આ Femininity
રિક્ષા... રિક્ષા...
એક રિક્ષા નથી ઉભી રહેતી. કેટલું મોડું થઈ રહ્યું છે. હું મનમાં જ બોલી.
'કેટલી વાર છે ?' મિત્રનો મેસેજ આવ્યો
'આવું જ છું.. બસ 5 મિનિટ' મેં ફટાફટ ટાઈપ કર્યું.
તમને બધાને થતું હશે કે આ શ્રુતી ને ક્યાં પહોંચવાની ઉતાવળ છે તો હું જણાવી દઉં તમને કે હું ફિલ્મ જોવા જઇ રહી છું થિયેટરમાં એ પણ પહેલી જ વાર અને અમારી કોલેજની ગર્લ સ્ક્વોડ સાથે... વિમેન્સ ડે છે ને તો સેલિબ્રેશન.
એક રિક્ષા આવીને ઉભી રહી.
રિક્ષાવાળા ભાઈએ એનું રોજનું રટણ ચાલુ કર્યું.
ગાંધી રોડ... બસ સ્ટેન્ડ... શિવ મંદિર સુધી....
અને પછી મને પૂછ્યું
આવવું છે બેન ??
એની રિક્ષામાં પહેલાથી જ બેઠેલા બે પેસેન્જર તરફ મેં નજર કરી.
અને પછી મનમાં જ બબડી.
આવવું તો છે ભાઈ પણ કેમ બેસવું તારી રિક્ષામાં.
મારે મોડું પણ થતું હતું. ફિલ્મ ચાલુ થઈ જશે બધી મિત્રો અંદર જતી રહેશે.
'ગાંધી રોડ જવું છે'
મજબૂરીવશ હું બેસી ગઈ.
મેસેજ પર મેસેજ આવી રહ્યાં છે.
મારુ ફેસબૂક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ આજે તો મહિલા દિવસની શુભકામનાઓથી ભરાય ગયું છે.
રિક્ષા એ ગતિ પકડી. ને હું થોડી સંકોરાઇ. કારણ બાજુમાં બેઠેલી પેલીની સાડી પગ બાજુથી ઉડી રહી હતી અને મારા પગને અડી રહી હતી. થોડું થોડું ખસતા મારો એક પગ સાવ બહારની બાજુ જતો રહ્યો.
બાજુમાં બેઠેલી એ બન્ને પરથી ધ્યાન હટાવવા મેં મોબાઈલ નો સહારો લીધો.
વોટ્સએપ પર એક સ્કૂલ સમયની સહેલી સાથે મેસેજની આપ લે દ્વારા સ્ત્રીઓ ને લગતી અમુક બાબતોની ચર્ચા ચાલતી હતી.
એનો જ એક મેસેજ હતો તો એને રીપ્લાય આપવા મેં વોટ્સએપ ખોલ્યું.
એનો મેસેજ કંઈક આવો હતો.
'સ્ત્રી મહાન છે અને સ્ત્રી હોવું એનાથી ય મહાન છે'
'હા, સ્ત્રીથી શ્રેષ્ઠ કંઈ નથી.' મેં રીપ્લાય આપ્યો.
'સ્ત્રીથી પણ શ્રેષ્ઠ છે કંઈક...' એણે મનેે મેસેજ કર્યો.
'શું..?' મેં પુછ્યું.
'વિચાર... વિચાર...'
'ભગવાન ?' મેં થોડીવાર રહીને એને મેસેજ કર્યો.
પેલી હસવા લાગી. મારી બાજુમાં બેઠી છે ને એ. એણે અત્યાર સુધી અદબવાળીને રાખેલા હાથ ને માથામાં ફેરવ્યા અને વાળની લટ સરખી કરી. એ ધીમું ધીમું હસી રહી. હું સમજી ગઈ કે એ મારી ચેટ જોઈ રહી છે અને મારો મેસેજ જોઈને જ એ હસી રહી છે.
મેં એને ઇગ્નોર કરી અને મોબાઈલ માં ધ્યાન ધર્યું.
'સ્ત્રીનું શરીર' સહેલીનો મેસેજ હતો.
'ઓહ..' મેં સામે રીપ્લાય કર્યો.
એ કંઈક ટાઈપ કરતી હતી ત્યાં જ રિક્ષા ઉભી રહી.
પેલી બન્ને ને અહીં ઉતરવાનું હતું.
હું થોડીવાર માટે નીચે ઉતરી ગઈ.
'રિક્ષાવાળા ભાઈ જોડે એણે કંઈક રકઝક કરી છુટા બાબતે...
ચાલશે, આજે ભાડું નથી લેવું જા. આમેય આજે પેલું કંઈક મહિલા દિવસ છે ને...'રિક્ષાવાળા એ ટીખળ કરી.
હું પાછી રિક્ષામાં બેસી ગઈ.
'તારા જેવાની દયા કે ભીખ લેવા માટે નથી હોતી અમે... આ લે આ દિકરીનું ભાડું આમાંથી કાપી લે જે..." મારા તરફ ઈશારો કરતા એ બોલી.
'નહીં, નહીં હું મારું ભાડું આપી દઈશ' હું વચ્ચે બોલી.
'એની પાસેથી ભાડું ન લેતો..' મારી વાતની અવગણના કરતા એ બોલી.
અને પછી મારા તરફ જોઈને બોલી
'સ્ત્રીના શરીર અને સ્ત્રીથી પણ શ્રેષ્ઠ છે સ્ત્રીત્વ... સ્ત્રીત્વ આ દુનિયાની સર્વશ્રેષ્ઠ બાબત છે. તારી સહેલીનેય કહેજે આ વાત... Happy women's day'
'Happy women's day to you too....' મેં સહર્ષ ગર્વ સાથે એને પણ શુભેચ્છા પાઠવી.
આની પાસે બીજું ભાડું ન લેતો કહીને એણે રિક્ષાવાળા તરફ જોયું પછી
એક તાળી પાડી.
એની બંગડીઓ રણકી ઉઠી ને એનો રણકાર અનંતમાં ગુંજી રહ્યો...
એના એ ટપાકા એ મારા સ્વાભિમાન ને વધુ નિખાર્યું...
બીજી એક વાત મેં એ પણ શીખી એની પાસેથી કે સ્ત્રીત્વ ગમેં તે સ્વરૂપે હોઈ શકે છે અને દરેક સ્વરુપમાં એ સન્માનીય છે.
- અનામી D